ગોવિંદમ્મા વેલુ રડતાં રડતાં મને પૂછે છે, "તમે આટઆટલા વર્ષોથી મારા ફોટા પાડે છે, તમે કરવા શું માગો છો?" આ વર્ષે માર્ચમાં તેમના દીકરા સેલ્લૈયાનું મૃત્યુ થતાં તેઓ ભાંગી પડ્યા છે. “મેં મારી આંખો ગુમાવી દીધી છે. હું તમને જોઈ શકતી નથી. હવે મારી અને મારી ઘરડી માની સંભાળ કોણ રાખશે?"
તેઓ મને તેમના હાથ પરના કાપા અને ચકામા બતાવે છે. ગોવિંદમ્મા કહે છે, “એક 200 રુપિયા ઘેર લઈ જવા માટે મારે ખૂબ પીડા સહેવી પડે છે. હવે મારી કંઈ ઉંમર છે કે હું ઝીંગા પકડવા જાળ ફેંકી શકું? ના ભાઈ ના, હવે મારાથી એ ના થાય. હવે તો હું ફક્ત મારા હાથનો જ ઉપયોગ કરી શકું છું.” 70-72 વર્ષની આસપાસની ઉંમરના અત્યંત નબળી ઝીંગા પકડતા આ મહિલા માને છે કે તેઓ 77 વર્ષના છે. તેઓ કહે છે કે, "લોકો મને એવું કહે છે. રેતી ખોદવાથી અને ઝીંગાને પકડી રાખવાથી હાથમાં ઊંડા કાપા પડી જાય છે. હાથ પાણીમાં ડૂબેલા હોય ત્યારે લોહી નીકળે તો પણ મને ખબર પડતી નથી."
વર્ષ 2019માં બકિંગહામ નહેર વિસ્તારમાં મુસાફરી કરતી વખતે મેં પહેલી વાર તેમને જોયા હતા. આ નહેર ઉત્તર ચેન્નઈથી શરૂ કરીને નજીકના તિરુવલ્લુર જિલ્લામાં વિસ્તરેલા યેન્નુર વિસ્તારમાં કોસસ્ટાલિયર નદીને સમાંતર વહે છે. જળકૂકડીની જેમ નહેરમાં ડૂબકી લગાવીને અને પાણીની સપાટીની નીચે તરવાની તેમની નિપૂણતાએ મારું ધ્યાન ખેંચ્યું હતું. નદીના પટની બરછટ રેતીમાં ઝડપથી હાથ નાખીને બીજા કોઈનાય કરતાં વધુ ઝડપથી તેઓ ઝીંગા પકડતા હતા. કેડ સમાણાં પાણીમાં ઊભા રહી કમરે બાંધેલી તાડપત્રીની ટોપલીમાં ઝીંગા ભેગા કરતા
19મી સદીમાં બાંધવામાં આવેલી નેવિગેશન ચેનલ, બકિંગહામ નહેર, અને યેન્નુરમાંથી વહેતી કોસસ્ટાલિયર અને અરનિયાર નદીઓ ચેન્નઈ શહેરની જીવાદોરી સમી નોંધપાત્ર જળ વ્યવસ્થા છે.
યેન્નુરથી વહીને પળવેરકાડુમાં આવેલા પુલ્લિકાત તરીકે જાણીતા તળાવ સુધી પહોંચતી કોસસ્ટાલિયર નદીને અડકીને મેન્ગ્રોવના જંગલો આવેલા છે. આ 27-કિલોમીટર લાંબા નદીના પટમાં રહેતા લોકો તેમની જમીન અને પાણી સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. પુરુષો અને મહિલાઓ બંનેને માછીમારી કરતા જોઈ શકાય છે, જે તેમની આજીવિકાનો મુખ્ય સ્ત્રોત છે. અહીં જોવા મળતી ઝીંગાની જાતો ના ઘણા સારા ભાવ ઉપજે છે.
2019 માં અમે પહેલી વાર મળ્યા ત્યારે ગોવિંદમ્માએ મને કહ્યું હતું, “મારે બે બાળકો છે. મારો દીકરો 10 વર્ષનો હતો અને મારી દીકરી 8 વર્ષની હતી ત્યારે મારા પતિનું અવસાન થયું હતું. આ વાતને આજે 24 વર્ષ થઈ ગયા. મારો દીકરો પરણી ગયો છે અને તેને ચાર દીકરીઓ છે; મારી દીકરીને બે દીકરીઓ છે. માણસને બીજું શું જોઈએ? ઘરે આવો, આપણે વાત કરીએ." મને આમંત્રણ આપીને તેઓ સાત કિલોમીટર દૂર આવેલા આત્તિપટ્ટુ પુદુનગર (આત્તિપટ્ટુ ન્યુ ટાઉન) તરફ જવા ઝડપથી પગ ઉપાડે છે, ત્યાં તેઓ રસ્તાના કિનાર બેસીને તેમણે પકડેલા ઝીંગા વેચે છે. કોવિડ-19 લોકડાઉનને કારણે તેમને ફરીથી મળવામાં મને બે વર્ષ લાગ્યા.
ગોવિંદમ્મા તમિલનાડુમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ યિરુલર સમુદાયના છે. તેઓ ચેન્નઈમાં કામરાજર બંદર (અગાઉના યેન્નુર બંદર) નજીક રહેતા હતા, આ બંદર કોસસ્ટાલિયર નદીની નજીક છે જ્યાં તેઓ ઝીંગા પકડે છે. પરંતુ 2004માં સુનામીમાં તેમની ઝૂંપડી પડી ભાંગી. તેના એક વર્ષ પછી તેઓ ત્યાંથી 10 કિલોમીટર દૂર તિરુવલ્લુર જિલ્લામાં આત્તિપટ્ટુ શહેરમાં રહેવા ગયા. સુનામીથી અસરગ્રસ્ત મોટાભાગના યિરુલર લોકોનું અહીં અરુણોદયમ નગર, નેસા નગર અને મરિયમ્મા નગર ખાતે ત્રણ વસાહતોમાં પુનર્વસન કરવામાં આવ્યું હતું.
અરુણોદયમ નગરમાં સુમાની પછી બાંધવામાં આવેલા ઘરોની હારોની હારો, જ્યાં ગોવિંદમ્મા હવે રહે છે, તેના ઘરોના રંગો હવે ઝાંખા પડી ગયેલા જણાય છે. થોડાં વર્ષ પહેલાં તેમની પૌત્રીના લગ્ન થતાં તેના માટે પોતાનું ઘર ખાલી કરીને તેઓ નજીકમાં આવેલા લીમડાના ઝાડ નીચે રહેવા માંડ્યા હતા.
રોજ સવારે 5 વાગે ઉઠ્યા પછી થોડી જ વારમાં બે કિલોમીટર ચાલીને ગોવિંદમ્મા આત્તિપટ્ટુ રેલ્વે સ્ટેશન જાય છે. તે પછી તેઓ બે સ્ટોપ દૂર આત્તિપટ્ટુ પુદુનગર જવા માટે ટ્રેન પકડે છે. ત્યાંથી સાત કિલોમીટર ચાલીને તેઓ કામરાજર બંદર પાસે આવેલા માતાના (સેન્ટ મેરીના) ચર્ચમાં પહોંચે છે. ક્યારેક તેઓ શેર્ડ ઓટોરિક્ષામાં મુસાફરી કરે છે. બંદર વિસ્તારમાં નાની-નાની કામચલાઉ ઝૂંપડીઓ પથરાયેલી છે જેમાં યિરુલર સમુદાયના લોકો રહે છે, જીવન નિર્વાહ માટે તેઓ ઝીંગા પકડીને વેચે છે. ગોવિંદમ્મા તેમની સાથે જોડાય છે અને કામ કરવા માટે ઝડપથી પાણીમાં ઉતરે છે.
આંખોની ઓછી થતી જતી રોશનીને કારણે કામ માટે કરવી પડતી મુસાફરી મુશ્કેલ બની છે. ગોવિંદમ્મા કહે છે, “ટ્રેન અને ઓટોમાં ચડવા મારે મદદની જરૂર પડે છે. મને પહેલા જેવું દેખાતું નથી." આ મુસાફરીના તેમને રોજના ઓછામાં ઓછા 50 રુપિયા થાય છે. તેઓ પૂછે છે, "ઝીંગા વેચીને હું માંડ 200 રુપિયા કમાતી હોઉં ત્યારે જો મારે આટલો બધો ખર્ચો થાય તો હું મારું ગુજરાન શી રીતે ચલાવું?" ક્યારેક ગોવિંદમ્મા 500 રુપિયા પણ કમાઈ લે છે. પરંતુ મોટાભાગના દિવસોએ તેઓ માંડ 100 રુપિયા કમાય છે ને ક્યારેક તો કશી જ કમાણી થતી નથી.
સવારે મોટી ભરતી હોય તે દિવસોમાં ગોવિંદમ્મા રાત્રે પાણીનું સ્તર ઘટ્યા પછી તેમના (ઝીંગા પકડવાના) સ્થળે જાય છે. આંખો નબળી હોવા છતાં તેમને અંધારામાં ઝીંગા પકડવાનું ખાસ મુશ્કેલ લાગતું નથી. પરંતુ પાણીના સાપ અને ખાસ કરીને ઈરુન કેળતી (ગ્રે ઈલ કેટફિશ) નો તેમને ડર લાગે છે. તેઓ કહે છે, "હું બરાબર જોઈ શકતી નથી...મને ખબર નથી પડતી કે મારા પગને શું અડકે છે...એ સાપ છે કે પછી જાળ.
ગોવિંદમ્મા કહે છે, “અમારે એનાથી બચીને ઘેર પહોંચવું પડે. જો આ કાળી માછલી [ગ્રે ઈલ કેટફિશ] અમારા હાથ પર થપાટ મારે તો અમે બીજા સાત કે આઠ દિવસ સુધી ઊઠી ન શકીએ.” ગ્રે ઈલ કેટફિશ (પ્લોટોસસ કેનિયસ) ના પેક્ટોરલ ફિન્સ ઝેરી ગણાય છે, અને તે પીડાદાયક જખમ પહોંચાડી શકે છે. "દવાઓ પણ એ પીડાને દૂર કરી શકતી નથી. યુવાન હાથ એ પીડા સહન કરી શકે છે. પણ તમે જ કહો, મારા જેવી શી રીતે (એ સહન) કરી શકે?"
યેન્નુરમાં થર્મલ પાવર પ્લાન્ટમાંથી રાખ અને કચરાનો આડેધડ નિકાલ કરાતા પાણીની નહેરમાં ટેકરા અને ખાડાઓ થઈ ગયા છે, એનાથી તેમની સમસ્યાઓ વધી ગઈ છે. “અંદ સગદી પારુ [આ કીચડ તો જુઓ],” હું ફોટોગ્રાફ લેવા માટે પાણીમાં ઉતરું છું ત્યારે તેઓ બતાવે છે. "કાલ યેડત્તુ વચ્શુ પોગ નમક્કુ સત્તુ પોયડુત્તુ [મારી બધીય તાકાત મારા પગ ખસેડવામાં જ ખલાસ થઈ જાય છે]."
બકિંગહામ નહેરની આસપાસના યેન્નુર-મનાલી ઔદ્યોગિક વિસ્તારમાં થર્મલ પાવર પ્લાન્ટ્સ, પેટ્રો-કેમિકલ અને ખાતરના કારખાના સહિતના ઓછામાં ઓછા 34 મોટા જોખમી ઉદ્યોગો આવેલા છે. અહીં ત્રણ મોટા બંદર પણ આવેલા છે. અહીંના જળાશયોને પ્રદૂષિત કરતો ઔદ્યોગિક કચરો દરિયાઈ સંસાધનોનો નાશ કરી રહ્યો છે. સ્થાનિક માછીમારો કહે છે કે બે દાયકા પહેલા તેઓ 6-7 પ્રકારના ઝીંગા મેળવી શકતા એની સરખામણીમાં આજે હવે માત્ર 2-3 પ્રકારના જ મળે છે.
ગોવિંદમ્મા છેલ્લા કેટલાક વર્ષોથી ઝીંગાના કેચમાં (પકડી શકાતા ઝીંગાની સંખ્યામાં) થયેલા ઘટાડાને લઈને ચિંતિત છે. તેઓ કહે છે, “જ્યારે ભારે વરસાદ પડતો ત્યારે અમને ઘણા બધા ઝીંગા મળતા હતા. અમે સવારે 10 વાગ્યા સુધીમાં ઝીંગા ભેગા કરીને વેચવા જઈ શકતા. હવે અમને પહેલા જેટલા ઝીંગા મળતા નથી. તે સિવાયની સિઝનમાં અડધાથી એક કિલો ઝીંગા પકડવા અમારે બપોર સુધી [2 વાગ્યા સુધી] મહેનત કરવી પડે છે." તેથી કેચ સાંજે જ વેચી શકાય છે.
મોટાભાગના દિવસોમાં તેમણે પકડેલા બધા ઝીંગા વેચાઈ જાય તે માટે તેમને રાત્રે 9 અથવા 10 વાગ્યા વાગ્યા સુધી રાહ જોવી પડે છે. ગોવિંદમ્મા કહે છે, “મારી પાસેથી ઝીંગા ખરીદવા આવતા લોકો ઓછા ભાવે ખરીદવા માટે રક્ઝક કરે છે. હું શું કરું? અમારે કાળઝાળ ગરમીમાં ઝીંગા વેચવા બેસવું પડે છે. લોકો એ સમજી શકતા નથી. તમે પણ જુઓ છો ને – જુઓ આ બે ઢગલા ઝીંગા વેચવા માટે અમારે કેટલી મહેનત કરવી પડે છે." 100 થી 150 રુપિયામાં વેચાતા દરેક ઢગલામાં 20-25 ઝીંગા હોય છે, તેઓ નિસાસો નાખી કહે છે, "મને બીજું કંઈ કામ કરતા આવડતું નથી, આ જ મારી આજીવિકા છે."
ગોવિંદમ્મા ઝીંગાને બરફમાં રાખીને સાચવતા નથી, પરંતુ તેને ભેજવાળા અને તાજા રાખવા માટે તેના પર રેતી લગાવે છે. “લોકો [ગ્રાહકો] ઘેર લઈ જાય અને રાંધે ત્યાં સુધી એ તાજા રહે છે. તમને ખબર છે રાંધવામાં આવે છે ત્યારે એ કેટલા સ્વાદિષ્ટ લાગે છે?" તેઓ મને પૂછે છે. “મેં પકડેલા ઝીંગા મારે એ ને એ જ દિવસે વેચવા પડે. તો જ હું કાંજી ભેગી થઈ શકું અને મારા પૌત્રો-પૌત્રીઓ માટે કંઈક ખરીદી શકું છું. નહીં તો મારે ભૂખે મરવા વારો આવે."
તેમને ઝીંગા પકડવાની 'કળા' નો પરિચય ખૂબ વહેલો કરાવવામાં આવ્યો હતો. ગોવિંદમ્મા યાદ કરે છે, "મારા મા-બાપે મને વાંચવા-લખવા શાળાએ નહોતી મોકલી, પરંતુ ઝીંગા પકડવાનું શીખવવા મને નદીએ લઈ ગયા હતા. આખી જિંદગી હું પાણીમાં જ રહી છું. આ નદી જ મારા માટે સર્વસ્વ છે. એના સિવાય મારી પાસે કંઈ નથી. મારા પતિના મૃત્યુ પછી મારા બાળકોને ખવડાવવા માટે મેં કેટલી મુશ્કેલી વેઠી છે એ એક ઈશ્વર જ જાણે છે. જો મેં આ નદીમાં ઝીંગા ન પકડ્યા હોત તો હું આજે જીવતી ન હોત."
ગોવિંદમ્માના માતાએ તેમનો અને તેમના ચાર ભાઈ-બહેનોનો ઉછેર નદીમાં ઝીંગા પકડીને અને નાની માછલીઓની જાતોની ખરીદી અને વેચાણ કરીને કર્યો હતો. ગોવિંદમ્મા 10 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું હતું. "મારી માતાએ ફરીથી લગ્ન કર્યા નહોતા. એણે એનું આખું જીવન અમારી સંભાળ રાખવામાં ખર્ચી નાખ્યું. હવે એની ઉંમર 100 વર્ષથી વધુ છે. સુનામી વસાહતના લોકો તેને વસાહતની સૌથી વૃદ્ધ જીવંત વ્યક્તિ કહે છે.”
ગોવિંદમ્માના બાળકોનું જીવન પણ આ નદી પર નિર્ભર છે. તેઓ કહે છે, “મારી દીકરીના લગ્ન દારૂડિયા સાથે થયા છે. એ કોઈ કામનો નથી. મારી દીકરીના સાસુ ઝીંગા પકડીને વેચીને પરિવારનું પેટ ભરે છે."
તેમના મોટા દીકરા સેલ્લૈયા, જેઓ મૃત્યુ પામ્યા ત્યારે 45 વર્ષના હતા તેઓ, પણ પોતાના પરિવારનું ભરણ-પોષણ કરવા ઝીંગા પકડતા. 2021 માં હું તેમને મળ્યો હતો ત્યારે તેમણે યાદ કર્યું હતું: "હું નાનો હતો ત્યારે મારા માબાપ નદીએ જવા માટે સવારે 5 વાગ્યે ઘેરથી નીકળી જતા. તેઓ રાત્રે 9 કે 10 વાગે જ ઘેર પાછા ફરતા. હું અને મારી બહેન ભૂખ્યા સૂઈ જતા. મારા માબાપ ચોખા લઈને ઘેર આવતા, રાંધતા અને પછી અમને જમવા માટે જગાડતા.”
સેલ્લૈયા 10 વર્ષના હતા ત્યારે શેરડીના કારખાનામાં કામ કરવા માટે આંધ્ર પ્રદેશમાં સ્થળાંતર કરી ગયા હતા. તેમણે કહ્યું, “હું ત્યાં હતો ત્યારે ઝીંગા પકડીને ઘેર પાછા ફરતી વખતે મારા પિતા અકસ્માતનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા. ત્યારે હું મારા પિતાનું મોં પણ જોઈ શક્યો ન હતો. તેમના મૃત્યુ પછી મારી માએ જ બધું કર્યું. તે તેનો મોટાભાગનો સમય નદીમાં જ વિતાવતી."
કારખાનામાં તેમને સમયસર પગારની ચૂકવણી કરાતી ન હતી, તેથી સેલ્લૈયા ઘેર પાછા ફર્યા અને પોતાની માતા સાથે જોડાઈ ગયા હતા. પોતાની માથી વિપરીત, સેલ્લૈયા અને તેમના પત્ની ઝીંગા પકડવા માટે જાળનો ઉપયોગ કરતા. તેમને ચાર દીકરીઓ છે. સેલ્લૈયાએ કહ્યું, "મારી મોટી દીકરીને મેં પરણાવી દીધી છે. બીજી સ્નાતક [બીએ અંગ્રેજી] નો અભ્યાસ કરી રહી છે અને બીજી બે શાળામાં ભણે છે. હું ઝીંગા વેચીને જે પૈસા કમાઉ છું તે તેમના શિક્ષણ પાછળ ખર્ચાય છે. તેનો સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂરો કર્યા પછી મારી દીકરીને કાયદાનો અભ્યાસ કરવો છે. મારે તેની મદદ કરવી જ છે.”
જો કે સેલ્લૈયાની ઈચ્છા અધૂરી રહી. માર્ચ 2022 માં પારિવારિક વિવાદને કારણે સેલ્લૈયાએ આત્મહત્યા કરી. ભાંગી પડેલા ગોવિંદમ્મા કહે છે, “મેં મારા પતિને વહેલા ગુમાવ્યા. હવે મારો દીકરોય ગયો. હું મરું ત્યારે મારી ચિતા સળગાવનારેય કોઈ ન રહ્યું. મારા છોકરાની જેમ કોઈ મારી સંભાળ કોણ રાખી શકે?"
આ લેખ સૌથી પહેલાં તમિળમાં પ્રકાશિત થયો હતો અને ત્યારબાદ એસ. સેંથલીર દ્વારા અંગ્રેજીમાં અનુવાદિત થયો હતો. આ પત્રકાર તમિળ લેખના અનુવાદ અને એડીટીંગ માટે રાજાસંગીથન, પારીના તમિળ અનુવાદકો ને એડિટરના આભારી છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક