અને તેથી ગ્રામીણ ભારતનું પીપલ્સ આર્કાઈવ (પીપલ્સ આર્કાઈવ ઓફ રુરલ ઈન્ડિયા) આજે સાત વર્ષનું થાય છે. અમે મહામારી અને તેના લોકડાઉનને માત્ર ખમી ગયા જ નથી- એ સમયગાળામાં અમે અમારું અત્યાર સુધીનું શ્રેષ્ઠ કાર્ય કર્યું છે.
ગયા વર્ષે લોકડાઉનના પહેલા જ દિવસે ભારત સરકારે પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક એમ બંને માધ્યમોને આવશ્યક સેવા તરીકે જાહેર કર્યા. એ સારું પગલું હતું. ભારતીય જનતાને પત્રકારત્વ અને પત્રકારોની એ વખતે જેટલી જરૂર હતી તેનાથી વધુ જરૂર ક્યારેય નહોતી પડી. જે વાત ઉપર લોકોની જિંદગી અને આજીવિકા નિર્ભર હતી તે વિષે વાર્તાઓ કહેવાની હતી. પરંતુ આ દેશના મોટા-મોટા પ્રસાર માધ્યમોએ કેવી રીતે પ્રતિક્રિયા આપી? 2000 થી 2500 પત્રકારો અને 10000 થી વધુ બિન-પત્રકાર પ્રસાર-માધ્યમકર્મીઓને પાણીચું પકડાવીને.
તો પછી તેઓ મોટી વાર્તાઓ કેવી રીતે કહેવાના હતા? – તેમના કેટલાક શ્રેષ્ઠ ખબરપત્રીઓથી છૂટકારો મેળવીને? અન્ય હજારો પ્રસાર-માધ્યમકર્મીઓના - જેમની છટણી કરવામાં આવી નહોતી તેમના - પગારમાં 40 થી 60 ટકા જેટલો ઘટાડો કરવામાં આવ્યો હતો. પત્રકારો દ્વારા મુસાફરી કરવા પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેમનું સ્વાસ્થ્ય જાળવવા માટેની સાવચેતી તરીકે નહીં, પણ ખર્ચા ઘટાડવા માટે. અને આવા જે અહેવાલો પ્રકાશિત કરવામાં આવ્યા, ખાસ કરીને 25 મી માર્ચ, 2020 પછીના પહેલા બે અઠવાડિયામાં, તે મોટાભાગે શહેરો અથવા મોટા નગરો પૂરતા સીમિત હતા.
એપ્રિલ 2020 થી પારી (PARI) એ તેના કર્મચારીઓના જૂથમાં વધુ 11 લોકોની નિમણૂક કરી, કોઈના પણ પગારમાંથી એક પૈસો ય ન કાપ્યો. અને ઓગસ્ટ 2020 માં અમારા લગભગ તમામ કર્મચારીઓને પ્રમોશન અને પગાર વધારો આપ્યા.
અમારા અન્ય ફળદાયી રહેલા રિપોર્ટિંગ ઉપરાંત પારીએ - મહામારી શરૂ થઈ ત્યારથી, લોકડાઉન હેઠળ આજીવિકા એ એક જ વિષયવસ્તુ પર આધારિત 270 (મોટાભાગે મલ્ટીમીડિયા) વાર્તાઓ અને મહત્વપૂર્ણ દસ્તાવેજો અને અહેવાલો પ્રકાશિત કર્યા. આ વાર્તાઓ અમે 23 રાજ્યોમાંથી, દેશના લગભગ દરેક મોટા પ્રદેશોમાંથી, સ્થળાંતરિતો જે ગામોમાં પાછા ફરી રહ્યા હતા તે ગામો સહિતના બીજા ગામોમાંથી તૈયાર કરી હતી, તે માટે લોકડાઉન દરમિયાન પત્રકારો પરિવહનની જે કંઈ વ્યવસ્થા કરી શક્યા તે કરીને સેંકડો કિલોમીટરની મુસાફરી કરી રહ્યા હતા. આ વાર્તાઓ પર તમને 65 થી વધુ જુદા જુદા પત્રકારોના નામ (બાયલાઇન્સ) મળશે. પારીએ 25 મી માર્ચ, 2020 રોજ સ્થળાંતરિત કામદારોને શોધવા જવાની જરૂર નહોતી, અહીં તો મહામારી પહેલા વર્ષોથી એમને (એમના વિષયક અહેવાલોને) આવરી લેવામાં આવતા હતા.
અમારા વાચકો તો જાણે પરિચિત છે પણ, અને જેઓ નથી જાણતા એ સૌએ જાણવું જોઈએ કે, પારી એ પત્રકારત્વ માટેનો મંચ અને જીવંત, ધબકતી આર્કાઇવ બંને છે. અમારી પાસે ગ્રામીણ ભારત પરના લેખો, અહેવાલો, લોક સંગીત, ગીતો, ફોટોગ્રાફ્સ અને ફિલ્મોનો સૌથી મોટો ઓનલાઈન સંગ્રહ છે અને વિશ્વમાં ક્યાંય પણ ગ્રામીણ વિસ્તારો સંબંધિત સૌથી મોટા સંગ્રહોમાંનો એ એક છે. પારીનું પત્રકારત્વ રોજિંદા લોકોના રોજિંદા જીવનના અહેવાલ પર આધારિત છે, અને 833 મિલિયન ગ્રામીણ ભારતીયોના અવાજોમાં અને તેમના જીવંત અનુભવ દ્વારા કહેવાતી વાર્તાઓ પર આધારિત છે.










