મે ૨૦૨૧માં જ્યારે તેમની પત્નીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી, ત્યારે રાજેન્દ્ર પ્રસાદને ઉત્તર પ્રદેશમાં તેમના છેવાડાના ગામની સૌથી નજીક આવેલી શહેરની ખાનગી હોસ્પિટલમાં તેમને લઈ જવાની ફરજ પડી. જોકે તેમની પહેલી પસંદગી એક એવી હોસ્પિટલ હતી જે તેમના ગામની વધારે નજીક પણ દેશની સરહદની પેલે પાર નેપાળમાં હતી.
૩૭ વર્ષીય રાજેન્દ્ર તેમની આ અસામાન્ય પસંદગી સમજાવતા કહે છે, “સરહદની બીજી બાજુએ સારવાર લેવા જવું અમારા માટે સામાન્ય વાત છે. ગામમાં અમે વર્ષોથી આવું કરીએ છીએ.” નેપાળની હોસ્પિટલ રાજેન્દ્રના ગામ બંકટીથી માત્ર ૧૫ કિલોમીટર દૂર છે. બંકટી ગામ લખીમપુર ખેરી (જે ખેરી તરીકે પણ જાણીતું છે) માં પડે છે, જે નેપાળની સરહદ પાસે આવેલો યુપીનો સૌથી મોટો જિલ્લો છે.
ભારત અને નેપાળ વચ્ચેની ખુલ્લી સરહદ નીતિ, ૧૯૫૦માં બંને દેશો દ્વારા શાંતિ અને મિત્રતાની સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ત્યારથી અમલમાં છે. જેના લીધે ભારત અને નેપાળના નાગરિકોને બંને દેશોમાં મુક્તપણે અવરજવર કરવાની પરવાનગી મળી છે. આ નીતિના પરિણામસ્વરૂપે બંને દેશોના નાગરિકોને એકબીજાના દેશમાં વેપાર કરવાની, મિલકત વસાવવાની, અને નોકરી કરવાની પરવાનગી મળે છે. બંકટીના રહેવાસીઓ માટે, ખુલ્લી સરહદના લીધે નેપાળની સસ્તી અને સારી સ્વાસ્થ્ય સેવાઓ સુલભ બની છે.
પરંતુ કોવિડ-૧૯ એ બધું બદલી નાખ્યું.
જ્યારે રાજેન્દ્રની ૩૫ વર્ષીય પત્ની ગીતા દેવીને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી ત્યારે ભારતમાં મહામારીની બીજી લહેર ચરમસીમાએ હતી. પરંતુ તેઓ સરહદની પેલે પાર આવેલી હોસ્પિટલમાં જઈ શક્યા નહોતા કારણ કે નેપાળે ૨૩ માર્ચ ૨૦૨૦માં કોવિડ-૧૯ શરૂ થયો ત્યારથી તેની સરહદો બંધ કરી દીધી હતી, જે ભારતના કુલ પાંચ રાજ્યોની સરહદો સુધી ફેલાયેલી છે અને તેનો કુલ વિસ્તાર ૧,૮૫૦ કિલોમીટર છે.
રાજેન્દ્રના પરિવારે તેની ભારે કિંમત ચૂકવી હતી.








