તિરુવનંતપુરમમાં એમ. જી. રોડ પાસે આવેલી જનકીય હોટેલની શાખામાંથી તૈયાર ભાણાનું પેકેટ ખરીદવાની રાહ જોતા આર. રાજુ કહે છે, “અમારા જેવા લોકો, જેઓ લોકડાઉનમાં બેરોજગાર થઇ ગયા છે, તેમને માટે જનકીય હોટેલ એક મોટી મદદ છે.”
૫૫ વર્ષના રાજુ એક સુથાર છે. તેઓ એક મહિનાથી પણ વધારે સમયથી રોજના ૩ કિલોમીટર સાઈકલ ચલાવી જનકીય આવે છે અને ફક્ત ૨૦ રુપિયામાં ભાણું લઈ જાય છે. એ ભાણામાં હોય છે - ભાત, અથાણું, ૩ જાતની કરી અને એક શાકાહારી તોરન (શાકની સાંતળેલી વાનગી), જે તેઓ કહે છે કે 'શ્રેષ્ઠ છે.'
રાજુ ઉમેરે છે, "જ્યારે લોકડાઉન જાહેર થયું ત્યારે હું ચિંતિત હતો." તેમને ત્યાર પછી કોઈ કામ નથી મળ્યું. "મારી પાસે ખાસ બચત નહોતી, અને મને નહોતું લાગતું કે હું બે મહિના ખાવાનું ખરીદી શકીશ. પણ અહીં મને મહિને આશરે ૫૦૦ રુપિયામાં ખાવાનું મળી રહે છે."
ટી કે રવીન્દ્રન એક કોલ સેન્ટરમાં કામ કરે છે, આજકાલ તેઓ પણ જનકીય હોટલના પરવડી શકે એવા ભાવના ભાણા પાર આધાર રાખે છે. રવીન્દ્રન એમ. જી. રોડથી ૩ કિલોમીટર દૂર તિરુવનંતપુરમના પેત્તાહ વિસ્તારમાં એકલા ભાડે રહે છે. બપોરના ભોજન માટે તેઓ પોતાની ઓફિસની કેન્ટીન પર આધાર રાખતા. પણ ૨૫ મી માર્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનના થોડા દિવસ પહેલા 23મી માર્ચે જ્યારે કેરલા સરકારે લોકડાઉનની જાહેરાત કરી ત્યારથી ઓફિસની કેન્ટીન બંધ છે. રવીન્દ્રન કહે છે, "બીજી રેસ્ટોરન્ટ બહુ મોંઘી છે. ડિલિવરી ચાર્જ પણ ઊંચો છે." તેઓ લગભગ ૭૦ કિલોમીટર દૂર કોલ્લમથી ૨ વર્ષ પહેલા અહીં શહેરમાં આવ્યા હતા.
તેઓ અને રાજુ જે જનકીય શાખામાં જાય છે, તેમાં 10 મહિલાઓનું એક જૂથ તૈયાર ભાણાના પેકેટ બનાવવામાં વ્યસ્ત છે. દરરોજ તેઓ લગભગ 500 ભાણા બનાવીને પેક કરે છે - પ્લાસ્ટિકકોટેડ કાગળમાં ભાત મૂકી ઉપર છાપું વીંટાળે, અને સિલ્વર ફોઈલમાં શાક વીંટાળે, જેથી ઢોળાય નહિ. જનકીય (લોકોની) હોટલ એક 'ફક્ત પાર્સલ' હોટેલ છે. ત્યાં સોમવાર થી શનિવાર, સવારના ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી ભાણું મળે છે.










