લગભગ ૩૦૦૦ વર્ષ સુધી બ્લડ લેટિંગ (વૈદ્યકીય ઉપચાર તરીકે શરીરમાંથી લોહી કાઢવું) સામાન્ય તબીબી ઈલાજ હતો.
તેની શરૂઆત હિપ્પોક્રેટસ દ્વારા થઇ હતી અને પછી તે મધ્ય સદીમાં યુરોપમાં પ્રચલિત બની ગઈ હતી: તેનો ઉદ્ભવ એ વિચાર પર થયો હતો કે શરીરમાંના ચાર રસો લોહી, કફ, કાળો પિત્ત અને પીળા પિત્ત વચ્ચેનું અસંતુલન બીમારીમાં પરિણમે છે. હિપ્પોક્રેટસના લગભગ ૫૦૦ વર્ષ પછી ગેલને આ પૈકી લોહીને સૌથી મહત્વનો પદાર્થ ગણાવ્યો. શસ્ત્રક્રિયા એમજ અંધશ્રદ્ધાથી દોરવાયેલા આ અને આવાં બીજા અનેક વિચારો બ્લડ લેટિંગ માટે જવાબદાર હતાં, જેમાં દર્દીને બચાવવા માટે ખરાબ લોહીને વહેવા દેવામાં આવતું હતું.
બ્લડ લેટિંગ માટે જળોનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં ઔષધીય જળો હિરુડો મેડીસીનાલીસનો પણ સમાવેશ થાય છે. આપણને જાણ નથી કે આ સારવારના ૩૦૦૦ વર્ષ દરમિયાન કેટલાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, કેટલાં લોકો લાશોમાં ફેરવાઈ ગયા અને કેટલાં લોકો તેમના તબીબની બ્લડ લેટિંગની માન્યતાઓને કારણે લોહી વહેવડાવતા મોતને ભેટી ગયા. પણ આપણે એ જાણીએ છીએ કે ઈંગ્લેંડના રાજા ચાર્લ્સ દ્વિતીયનું મૃત્યું થયું એ પહેલાં તેમના શરીરમાંથી ૨૪ ઔન્સ (૬૮૦ ગ્રામ) લોહી કાઢી લેવામાં આવ્યું હતું. જ્યોર્જ વોશિંગ્ટનના ત્રણ ડૉકટરોએ તેમને ગળાના ચેપનો ઇલાજ કરવા માટે (તેમની પોતાની વિનંતી પર) પુષ્કળ પ્રમાણમાં લોહી કાઢ્યું હતું – જેનાં થોડા સમય બાદ તેમનું મોત નીપજ્યું હતું.
કોવીડ-૧૯ એ આપણને નિયો-લિબરલિઝમ (નવા-ઉદારતાવાદ)નું કે ખરા અર્થમાં મૂડીવાદનું સંપૂર્ણ અને ઊંડાણમાં શબપરીક્ષણ કરી આપ્યું છે. લાશ ટેબલ પર પડેલી છે, ધોળા અજવાળામાં, દરેક નસ, ધમની, અવયવ અને હાડકાં આપણી સામે તાકી રહ્યાં છે. તમે તમામ જળોને જોઈ શકો છો --- પ્રાઈવેટાઇઝેશન, કોર્પોરેટ વૈશ્વિકતા, પૈસાનું એક જગ્યાએ વધુ પડતું જમા થવું, જીવંત સ્મૃતિમાં ન જોઈ હોય એવી અસમાનતા વગેરે. સામાજિક અને આર્થિક બિમારીઓ તરફના બ્લડ લેટિંગના અભિગમે સમાજના કામદાર વર્ગના લોકોના ઉચિત અને આદરભર્યા માનવીય જીવનના મૂળભૂત અધિકારોથી વંચિત રાખ્યા છે.
આ ૩૦૦૦ વર્ષ જૂની તબીબી પ્રથા ૧૯મી સદીમાં યુરોપમાં ચરમ સીમાએ હતી. તેની બદનામી ૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીમાં થઈ, પરંતુ આ વિચારધારા અને પ્રથા અર્થશાસ્ત્ર, ફિલોસોફી, વ્યવસાય અને સમાજ જેવી શાખાઓમાં હજુ પણ પ્રચલિત છે.


















