ચાંદની પરમાર પૂછે છે, "મહિલાઓ તો વિમાન પણ ઉડાડે છે, તો પછી ઓટોરિક્ષા ચલાવવાનું એવું તે શું મુશ્કેલ છે?" 2018ના અંતમાં, ફક્ત 20 વર્ષની ઉંમરે, તે ભુજ શહેરમાં પ્રથમ મહિલા ઓટોરિક્ષાચાલક બની હતી. તે પછી થોડા જ વખતમાં ચાંદનીની માસી - એટલે કે, તેની માતાની સૌથી નાની બહેન આશા વાઘેલા, જે ચાંદનીથી એક વર્ષ મોટી હતી, તે બીજી મહિલા રિક્ષાચાલક બની.
તેઓ જે વાહન ચલાવે છે, જેને છકડો અથવા છકડા કહેવામાં આવે છે, તે ત્રણ પૈડાંવાળું એક મોટું વાહન છે જેમાં 10 લોકો આરામથી બેસી શકે છે. ગુજરાતના કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી 25 કિલોમીટર સુધીના ગામોમાં જતા-આવતા લોકો માટે તે વાહનવ્યવહારનું સામાન્ય સાધન છે. તે ટેક્સી-મીટર વિના ચાલે છે, તેથી ભાડું એક સાદા અલિખિત દર-કાર્ડ મુજબ વસૂલવામાં આવે છે. આશા કહે છે, “અમે ટૂંકા અંતર માટે 20-30 રુપિયા લઈએ છીએ, લાંબી સવારી માટે વધુ. જો ઘણે દૂર સુધી જવાનું હોય તો ભાડું 300 રુપિયા સુધી પણ જઈ શકે."
શરૂઆતમાં, તેમના પરિવારો - ખાસ કરીને આશાના માતાપિતા - તેમની પુત્રીઓને, કુટુંબની કોઈ મહિલાએ, અથવા તો આખા ભુજમાં, કોઈ મહિલાએ પહેલાં ક્યારેય ન કર્યું તેવું કામ કરવા દેવા માટે તૈયાર ન હતા. ચાંદનીના કિસ્સામાં, વિકસતા જતા મોટા કુટુંબની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા તેના માતાપિતા તે ત્રણ પૈડાંવાળું વાહન ચલાવવાનું શીખી લે તેમ ઈચ્છતા હતા.
ચાંદનીના કુટુંબમાં તેના માતાપિતા, ચાર બહેનો અને બે ભાઈઓ છે. બધા ભાઈબહેનોમાં સૌથી મોટી ચાંદની રવિવારે સાંજે મને ભુજ રેલ્વે સ્ટેશનથી આગળ એક અર્ધ-ગ્રામીણ કોલોની, ભૂતેશ્વર નગરમાં તેના ઘેર હંકારી ગઈ. મુખ્ય રસ્તાથી તેના ઘર સુધીનો ધૂળિયો માર્ગ, ઊંચોનીચો અને ખાડાટેકરાવાળો છે. તે કહે છે, “મારા સિવાય કોઈ ઓટોવાળા અહીં આવે નહીં, તેથી મને મારા ઘરની આસપાસથી શહેરમાં જનાર ઘણા ગ્રાહકો મળી રહે છે.”







