ઓક્ટોબર 2022 ની એક મોડી સાંજે બેલ્લારીના વડ્ડુ ગામમાં સમુદાયિક કેન્દ્રના ઓટલા પર એક થાંભલાને અઢેલીને, પગ લંબાવીને એક અશક્ત, વૃદ્ધ મહિલા આરામ કરી રહ્યા છે, સંદુર તાલુકાના ડુંગરાળ રસ્તાઓ પર 28 કિલોમીટર લાંબી પદયાત્રાએ તેમને થકવી દીધા છે. બીજે દિવસે તેમણે વધુ 42 કિમીની પદયાત્રા કરવાની છે.
સંદુરના સુશીલાનગર ગામના ખાણ કામદાર હનુમક્કા રંગન્નાએ બેલ્લારી જિલ્લા ગણી કર્મીકારા સંઘ (બેલ્લારી જિલ્લા ખાણ કામદાર સંગઠન) દ્વારા આયોજિત બે દિવસીય પદયાત્રામાં ભાગ લીધો છે. આ દેખાવકારો ઉત્તર કર્ણાટકમાં બેલ્લારી (જે બલ્લારી તરીકે પણ ઓળખાય છે) ખાતે ડેપ્યુટી કમિશનરની કચેરીમાં તેમની માંગણીઓ રજૂ કરવા 70 કિલોમીટર પગપાળા કૂચ કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં આ સોળમી વખત તેઓ પર્યાપ્ત વળતર અને આજીવિકાના વૈકલ્પિક સ્ત્રોતની માંગણી લઈને બીજા ખાણ કામદારો સાથે રસ્તા પર ઉતર્યા છે.
તેઓ બેલ્લારીના એ સેંકડો મહિલા શ્રમિકોમાંના એક છે જેમને 1990 ના દાયકાના અંતમાં કામ પરથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેઓ કહે છે, “ચાલો માની લો કે હું અત્યારે 65 વર્ષની છું. મેં કામ ગુમાવ્યું એ વાતને 15 થી વધુ વરસના વહાણાં વાઈ ગયાં છે. પૈસા [વળતર] ની રાહ જોતા જોતા કંઈકેટલાંય લોકો મૃત્યુ પામ્યા... મારા પતિ પણ ગુજરી ગયા."
તેઓ કહે છે, “અમારા જેવા જે જીવતા રહ્યા છે એમને માટે જિંદગી એક શાપ છે. અમને કમનસીબોનેય એ [વળતર] મળશે કે પછી અમેય એની રાહ જોતા જ મરીશું...રામ જાણે!!! અમે વિરોધ કરવા આવ્યા છીએ. જ્યાં પણ સભા હોય ત્યાં હું ભાગ લઉં છું. અમને થયું કે આ એક છેલ્લી વાર પ્રયત્ન કરી જોઈએ."
*****
કર્ણાટકના બેલ્લારી, હોસ્પેટ અને સંદુર પ્રદેશોમાં 1800 ના દાયકામાં બ્રિટિશ સરકારે નાના પાયે ખાણકામ કર્યું ત્યારથી આયર્ન ઓરના ખાણકામની શરૂઆત થઈ હતી. આઝાદી પછી ભારત સરકાર અને મુઠ્ઠીભર ખાનગી ખાણ માલિકોએ 1953માં આયર્ન ઓરનું ઉત્પાદન શરૂ કર્યું; તે જ વર્ષે 42 સભ્યો સાથે બેલ્લારી ડિસ્ટ્રિક્ટ માઈન ઓનર્સ એસોસિએશનની સ્થાપના કરવામાં આવી. ચાલીસ વર્ષ પછી 1993ની રાષ્ટ્રીય ખનિજ નીતિએ ખાણકામ ક્ષેત્રમાં વ્યાપક પરિવર્તનો કર્યા, વિદેશી સીધા મૂડી રોકાણ (ફોરેન ડાઈરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ - એફડીઆઈ) ને આમંત્રિત કર્યું, વધુ ને વધુ ખાનગી કંપનીઓને આયર્ન ઓરના ખાણકામમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરી, અને ઉત્પાદન પ્રક્રિયાનું ઉદારીકરણ કર્યું. એ પછીના થોડા વર્ષોમાં બેલ્લારીમાં મોટા પાયે યાંત્રિકીકરણ અપનાવવાની સાથોસાથ ખાનગી ખાણકામ કંપનીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો. મોટાભાગનું હાથ વડે કરાતું કામ જેમ જેમ મશીનો વડે થવા લાગ્યું તેમ તેમ ઓર ખોદવાનું, પીસવાનું, કાપવાનું અને ચાળવાનું કામ કરતા મહિલા શ્રમિકોની હવે આ ઉદ્યોગને જરૂર જ ન રહી.
જો કે આ ફેરફારો થયા એ પહેલા ખાણોમાં શ્રમિકો તરીકે કેટલી મહિલાઓ કામ કરતી હતી એના કોઈ ચોક્કસ સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી, તેમ છતાં અહીંના ગામલોકોની સામાન્ય જાણકારી પ્રમાણે દર બે પુરૂષ શ્રમિકોએ ઓછામાં ઓછી ચારથી છ મહિલાઓ શારીરિક શ્રમનું કામ કરતી હતી. હનુમક્કા યાદ કરે છે, "મશીનો આવ્યા પછી અમારા માટે કોઈ કામ રહ્યું નહીં. અમે જે કામ કરતા હતા [જેમ કે] પથ્થરો તોડવાનું અને એ ઉપાડીને ભરવાનું એ કામ મશીનોએ કરવા માંડ્યું."
તેઓ કહે છે, “ખાણ માલિકોએ અમને કહ્યું કે હવે અમારે ખાણોમાં આવવાની જરૂર નથી. ધ લક્ષ્મી નારાયણ માઈનિંગ કંપની (એલએમસી) એ અમને સાવ ખાલી હાથે પાછા વાળ્યા. અમે તનતોડ મજૂરી કરતા હતા, પરંતુ અમને કાણી કોડીય ન મળી." યોગાનુયોગ આ ઘટનાની સાથોસાથ જ તેમના જીવનની એક બીજી મહત્વપૂર્ણ ઘટના પણ એ જ સમયે બની: તેમણે તેમના ચોથા બાળકને જન્મ આપ્યો.
2003માં ખાનગી માલિકીની એલએમસીમાં હનુમક્કાએ તેમનું કામ ગુમાવ્યાના થોડા વર્ષો પછી રાજ્ય સરકારે 11620 ચોરસ કિલોમીટર જમીનને બિન-આરક્ષિત કરી - અત્યાર સુધી માત્ર સરકારી એકમો દ્વારા ખાણકામ માટે વિશિષ્ટ રીતે ચિહ્નિત એ જમીનને ખાનગી ખાણકામ માટે ખુલ્લી મૂકી દેવાઈ. આ જ સમયે ચીનમાં ઓરની માંગમાં અભૂતપૂર્વ ઉછાળો આવ્યો, પરિણામે આ ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં તેજી આવી. 2010 સુધીમાં તો બેલ્લારીમાંથી થતી આયર્ન ઓરની નિકાસ 585 ટકાના આશ્ચર્યજનક ઉછાળા સાથે 2006માં 2.15 કરોડ મેટ્રિક ટનની સરખામણીએ વધીને 12.57 કરોડ મેટ્રિક ટન થઈ ગઈ હતી. કર્ણાટક લોકાયુક્ત (ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર પર દેખરેખ રાખનાર રાજ્ય-સ્તરીય સત્તાધિકારી) નો એક અહેવાલ જણાવે છે કે 2011 સુધીમાં આ જિલ્લામાં લગભગ 160 ખાણો હતી, જેમાં લગભગ 25000 શ્રમિકો કામ કરતા હતા, જેમાંથી મોટા ભાગના પુરુષો હતા. જોકે બિનસત્તાવાર અંદાજો દર્શાવે છે કે 1.5-2 લાખ શ્રમિકો સ્પોન્જ આયર્ન ઉત્પાદન, સ્ટીલ મિલો, પરિવહન અને હેવી વેહિકલ વર્કશોપ જેવી સંબંધિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા.
ઉત્પાદન અને રોજગારીમાં આટલી તેજી હોવા છતાં હનુમક્કા સહિત મોટાભાગના મહિલા કામદારોને ખાણોમાં ફરી ક્યારેય કામ પર પાછા લેવામાં આવ્યા નહોતા. ન તો તેમને તેમની છટણી બદલ કોઈ વળતર મળ્યું હતું.
*****
તમામ નિયમોને નેવે મૂકીને કંપનીઓ દ્વારા આડેધડ કરવામાં આવેલા ખાણકામ પછી અને કથિત રીતે 2006 અને 2010 ની વચ્ચે રાજ્યની તિજોરીને અંદાજિત 16085 કરોડ રુપિયાનું નુકસાન પહોંચાડ્યા પછી બેલ્લારીના ખાણકામ ક્ષેત્રમાં આ તેજી આવી હતી. ખાણ કૌભાંડની તપાસ માટે નિયુક્ત લોકાયુક્તે તેમના અહેવાલમાં પુષ્ટિ કરી હતી કે ગેરકાયદેસર ખાણકામમાં ઘણી કંપનીઓ સામેલ છે; આમાં જ્યાં હનુમક્કા છેલ્લે કામ કરતા હતા તે લક્ષ્મી નારાયણ માઈનિંગ કંપનીનો પણ સમાવેશ થતો હતો. લોકાયુક્તના અહેવાલની નોંધ લેતા સર્વોચ્ચ અદાલતે 2011માં બેલ્લારીમાં આયર્ન ઓર માઈનિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો આદેશ જારી કર્યો હતો.
જોકે એક વર્ષ પછી, કોર્ટે જેણે કોઈપણ ધારાધોરણોનું ઉલ્લંઘન કર્યું ન હોવાનું જણાયું હતું એવી કેટલીક ખાણોને ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી. સર્વોચ્ચ અદાલત-નિયુક્ત સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી (સીઈસી) દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ અદાલતે ખાણકામ કંપનીઓને વિવિધ શ્રેણીઓમાં વર્ગીકૃત કરી હતી: 'એ', ક્યારેય કોઈ જ નિયમનું ઉલ્લંઘન ન કરનાર અથવા ઓછામાં ઓછું ઉલ્લંઘન કરનાર કંપનીઓ; 'બી', થોડુંઘણું ઉલ્લંઘન કરનાર કંપનીઓ; અને 'સી' અનેક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરનાર કંપનીઓ. 2012 થી ઓછામાં ઓછા ઉલ્લંઘન સાથેની ખાણોને તબક્કાવાર ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી. આ સીઈસી અહેવાલમાં માઈનિંગ લીઝ ફરીથી શરૂ કરતા પહેલા તૈયાર કરવી જરૂરી પુનઃપ્રાપ્તિ અને પુનર્વસન (રેક્લેમેશન એન્ડ રિહેબિલિટેશન - આર એન્ડ આર) યોજનાના અપેક્ષિત લક્ષ્યો અને તે માટેની માર્ગદર્શિકા પણ નિર્ધારિત કરવામાં આવી છે.
ગેરકાયદેસર ખાણકામ કૌભાંડે કર્ણાટકમાં તત્કાલીન ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકારને ઉથલાવી નાખી અને બેલ્લારીમાં કુદરતી સંસાધનોના બેફામ શોષણ તરફ ધ્યાન લોકોનું દોર્યું. લગભગ 25000 ખાણિયાઓની કોઈ જ વળતર આપ્યા વિના કામમાંથી છટણી કરવામાં આવી હતી. કમનસીબે તેઓ ક્યારેય સમાચારપત્રોમાં મુખ્ય સમાચાર બન્યા નહોતા.
પોતાના હાલ પર છોડી દેવાયેલા આ ખાણિયાઓએ વળતર અને પુનઃ રોજગાર માટે (સરકાર પર) દબાણ લાવવા બેલ્લારી જીલ્લા ગણી કર્મીકારા સંઘની રચના કરી. આ સંગઠને રેલીઓ અને ધરણાઓનું આયોજન કરવાનું શરૂ કર્યું અને (ખાણ) કામદારોની દયનીય સ્થિતિ તરફ સરકારનું ધ્યાન દોરવા 2014 માં 23 દિવસની ભૂખ હડતાળ પણ કરી.
આ સંગઠન ધ કોમ્પ્રિહેન્સિવ એન્વિરોન્મેન્ટ પ્લાન ફોર માઈનિંગ ઈમ્પેક્ટ ઝોન (ખાણ-અસરગ્રસ્ત વિસ્તાર માટેની વ્યાપક પર્યાવરણીય યોજના) તરીકે ઓળખાતી મુખ્ય પુનરુત્થાન પહેલ હેઠળ કામદારોની માંગણીઓનો સમાવેશ થાય એ માટે ખૂબ પ્રયાસ કરી રહ્યું છે. બેલ્લારીના ખાણ વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, સંદેશાવ્યવહાર અને પરિવહન જેવી માળખાકીય સુવિધાઓ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરતી યોજનાના અમલીકરણ પર દેખરેખ રાખવા અને આ વિસ્તારમાં ઈકોલોજી અને પર્યાવરણને પુનઃસ્થાપિત કરવા માટે સર્વોચ્ચ અદાલતના નિર્દેશને પગલે 2014 માં કર્ણાટક માઈનિંગ એન્વિરોન્મેન્ટ રિસ્ટોરેશન કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી હતી. કામદારો ઈચ્છે છે કે વળતર અને પુનર્વસનની તેમની માંગનો આ યોજનામાં સમાવેશ કરવામાં આવે. સંગઠનના પ્રમુખ ગોપી વાય. કહે છે કે તેઓએ સર્વોચ્ચ અદાલત અને લેબર ટ્રિબ્યુનલ્સમાં અરજી પણ દાખલ કરી છે.
હનુમક્કાને લાગે છે કે કામદારો આ રીતે સંગઠિત થતા તેમને એક એવો મંચ મળ્યો છે જેના પરથી તેઓ મહિલા શ્રમિકોની અન્યાયી છટણી સામે દ્રઢતાપૂર્વક અવાજ ઉઠાવી શકે છે. [2011માં છટણી કરાયેલા 25000 કામદારોમાંના] લગભગ 4000 કામદારો સાથે જોડાઈને તેમણે સર્વોચ્ચ અદાલતમાં વળતર અને પુનર્વસનની માંગણી કરતી રિટ પિટિશન દાખલ કરી હતી. કામદારોના સંગઠનનો ભાગ બનવાથી હવે તેમને મળેલી તાકાત અને સમર્થન વિશે વાત કરતા તેઓ કહે છે, “1992-1995 સુધી અમે અંગૂઠાછાપ હતા. તે સમયે [કામદારોનો પક્ષ લઈને] આગળ આવીને બોલી શકે તેવું કોઈ નહોતું." હનુમક્કા કહે છે, “હું [સંગઠનની] એક પણ બેઠકમાં હાજરી આપવાનું ચૂકી નથી. અમે હોસ્પેટ, બેલ્લારી, બધી જગ્યાએ ગયા છીએ. અમારા હકનું છે એ બધુંય સરકારે અમને આપવું જ રહ્યું."
*****
પોતે ખાણોમાં કામ કરવાનું ક્યારે શરૂ કર્યું એ હનુમક્કાને યાદ નથી. તેમનો જન્મ તમિળનાડુ રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ વાલ્મિકી સમુદાયમાં થયો હતો. બાળક તરીકે તેમનું ઘર સુશીલાનગરમાં હતું, સુશીલાનગર આયર્ન ઓરના ભંડારથી સમૃદ્ધ ટેકરીઓથી ઘેરાયેલું હતું. તેમણે પણ એ જ કર્યું જે છેવાડાના સમુદાયની દરેક ભૂમિહીન વ્યક્તિ કરતી હતી - તેમણે ખાણોમાં કામ કરવાનું શરૂ કર્યું.
તેઓ કહે છે, "હું નાનપણથી જ [ખાણોમાં] કામ કરું છું. મેં ઘણી માઈનિંગ કંપનીઓમાં કામ કર્યું છે." ખૂબ નાની ઉંમરથી ટેકરીઓ પર ચડવામાં, જમ્પર્સનો ઉપયોગ કરીને [ઓર હોય તેવા] ખડકોમાં છિદ્રો કરવામાં અને તેમાં વિસ્ફોટ માટે રસાયણો ભરવામાં તેઓ માહેર હતા; ઓરના ખનન માટે જરૂરી તમામ ભારે સાધનોનો ઉપયોગ કરવામાં તેઓ ખૂબ જ કુશળ હતા. તેઓ યાદ કરે છે, "અવાગ મશીનરી ઈલ્લા મા [ત્યારે કોઈ મશીનો નહોતા. મહિલાઓ જોડીમાં કામ કરતી. [બ્લાસ્ટિંગ પછી] એક (મહિલા) છૂટા પડી ગયેલા ધાતુના ટુકડાને ખોદીને બહાર કાઢતી ત્યારે બીજી બેસીને તેને નાના ટુકડાઓમાં તોડતી. અમારે મોટા શિલાખંડોને ત્રણ અલગ-અલગ કદમાં તોડવાના રહેતા.” ધૂળના રજકણોને દૂર કરવા માટે ઓરના ટુકડાઓને ચાળ્યા પછી મહિલાઓ ઓરને માથા પર ઊંચકી જઈને ટ્રકમાં ભરી દેતી. તેઓ ઉમેરે છે, “અમે બધાએ ખૂબ સંઘર્ષ કર્યો છે. અમે જેટલું સહન કર્યું છે એટલું કોઈ સહન ન કરે."
તેઓ કહે છે, “મારા પતિ દારૂડિયા હતા; પાંચ દીકરીઓને ઉછેરવાની જવાબદારી મારે માથે હતી. એ વખતે મેં તોડેલા દર એક ટન [ઓર] માટે મને 50 પૈસા મળતા હતા. અમે ભરપેટ ખાવા માટે તરસતા. દરેકને અડધી રોટલી ખાવા મળતી. અમે જંગલમાંથી લીલોતરી ભેગી કરી, મીઠા સાથે એને વાટતા અને રોટલી સાથે ખાવા માટે તેના નાના ગોળા બનાવતા. કેટલીકવાર અમે લાંબા અને ગોળ રીંગણ ખરીદી, તેને ચૂલા પર શેકી, તેની છાલ કાઢી નાખતા, તેના પર મીઠું ઘસતા. એ ખાઈ, પાણી પીને અમે સૂઈ જતા ... આ રીતે અમે જીવતા." ખાણમાં કામ કરવાની જગ્યાએ નહોતા શૌચાલય, કે નહોતી પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને નહોતા રક્ષણાત્મક સાધનો, આવી મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કર્યા પછી પણ હનુમક્કા પેટ ભરવા પૂરતુંય માંડ કમાઈ શકતા.
તેમના ગામના બીજા એક ખાણ કામદાર હમ્પક્કા ભીમપ્પા તનતોડ મજૂરી અને વંચિતતાની લગભગ સમાન વાર્તા કહે છે. અનુસૂચિત જાતિ સમુદાયમાં જન્મેલા ભીમપ્પાને બાળપણમાં જ એક ભૂમિહીન ખેતમજૂર સાથે પરણાવી દેવામાં આવ્યા હતા. તેઓ કહે છે, “મારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર કેટલી હતી એ મને યાદ નથી. મેં બાળપણથી જ કામ કરવાનું શરૂ કર્યું હતું - ત્યારે હજી મને માસિક પણ આવતું નહોતું. એક ટન ઓર તોડવા માટે મને રોજના 75 પૈસા મળતા. આખું અઠવાડિયું કામ કર્યા પછી અમને સાત રુપિયાય મળતા નહોતા. હું રડતી રડતી ઘેર પાછી જતી કારણ કે એ લોકો મને બહુ ઓછા પૈસા આપતા હતા.
5 વર્ષ સુધી રોજના 75 પૈસા કમાયા પછી હમ્પક્કાને 75 પૈસાનો વધારો આપવામાં આવ્યો. પછીના ચાર વર્ષ માટે તેમને રોજના 1.50 રુપિયા મળતા, તે પછી તેમને 50 પૈસાનો બીજો વધારો આપવામાં આવ્યો હતો. તેઓ કહે છે, "10 વર્ષ સુધી હું [એક ટન ઓર તોડવા માટે રોજના] 2 રુપિયા કમાતી હતી. હું દર અઠવાડિયે લોન પર વ્યાજ તરીકે 1.50 રુપિયા ચૂકવતી, અને 10 રુપિયા બજારમાં ખર્ચાતા... અમે નુચુ [કણકી] ખરીદતા કારણ કે એ સસ્તા પડતા હતા.''
તે સમયે તેમને લાગતું કે વધુ કમાવાનો સૌથી સારો રસ્તો વધુ મહેનત કરવાનો છે. તેઓ વહેલી સવારે 4 વાગતામાં ઊઠી જતા, રસોઈ કરતા, ભાથું બાંધતા અને સવારે 6 વાગતા સુધીમાં તો તેમને ખાણોમાં લઈ જવા માટેની ટ્રકની રાહ જોતા રસ્તા પર ઊભા રહી જતા. વહેલા પહોંચવાનો અર્થ એ હતો કે તેઓ એકાદ ટન ઓર વધારે તોડી શકે. હમ્પક્કા યાદ કરે છે, “અમારા ગામથી કોઈ બસ નહોતી. અમારે [ટ્રક] ડ્રાઈવરને 10 પૈસા ચૂકવવાના રહેતા; પાછળથી એ વધીને 50 પૈસા થઈ ગયા હતા."
(આટલી તનતોડ મજૂરી કર્યા પછી) ઘેર પાછા ફરવાનું પણ સરળ નહોતું. મોડી સાંજે તેઓ ચાર-પાંચ બીજા કામદારો સાથે ભારે ઓરથી ભરેલી એક ટ્રક પર ચઢી જતા. તેઓ યાદ કરે છે, “ક્યારેક વળાંક આવે અને ટ્રક ઝડપથી વળાંક લે ત્યારે અમારામાંના ત્રણ-ચાર રસ્તા પર પડી જતા હતા. [પરંતુ] (રસ્તા પર પડી ગયા પછી પણ) અમે ક્યારેય પીડા અનુભતા નહીં. ફરી પાછા અમે એ જ ટ્રક પર ચઢી જતા." તેમ છતાં એ વધારાના એક ટન આયર્ન ઓર તોડવા માટે કરેલી મજૂરી માટે તેમને ક્યારેય વધારે પૈસા મળ્યા નહીં. તેઓ કહે છે, "અમે ત્રણ ટન તોડીએ તો પણ અમને ચૂકવણી તો ફક્ત બે ટન માટે જ કરવામાં આવતી. અમે ન તો કશું જ કહી શકતા કે ન કશું પૂછી શકતા."
ઘણી વાર એવું બનતું કે ઓર ચોરાઈ જતું અને એની સજા રૂપે મેસ્ત્રી [હેડ-વર્કમેન] આ કામદારોને દાડિયું ચૂકવવાનો ઈનકાર કરી દેતા. “અઠવાડિયામાં ત્રણ કે ચાર વખત અમે [ઓરની દેખરેખ રાખવા] (ખાણ પાર જ) રોકાઈ જતા આગ સળગાવીને જમીન પર સૂઈ રહેતા. અમારે પથ્થરો [ઓર] ને સુરક્ષિત રાખવા અને (અમારી મહેનતનું) ચૂકવણું મેળવવા માટે આવું કરવું પડતું."
ખાણોમાં દિવસના 16 થી 18 કલાક કામ કરવાનો સીધો અર્થ એ હતો કે કામદારો પોતાની જાતની મૂળભૂત સામાન્ય સંભાળ પણ રાખી શકતા નહોતા. હમ્પાક્કા કહે છે, “અમે અઠવાડિયામાં એક જ વાર, જે દિવસે અમે બજારમાં જતા હતા તે દિવસે જ, નહાતા હતા."
1998 માં છટણી સમયે આ મહિલા ખાણ કામદારોને એક ટનના 15 રુપિયા મળતા હતા. એક દિવસમાં તેઓ પાંચ ટન ઓર ઊંચકીને ટ્રકમાં ભરતા, જેનો અર્થ એ કે તેઓ દિવસના 75 રુપિયા ઘેર લઈ જતા . જ્યારે તેઓ ઓરના ખૂબ મોટા ટુકડાઓને અલગ કરતા ત્યારે તેમને દિવસના 100 રુપિયા મળતા.
જ્યારે હનુમક્કા અને હમ્પક્કાનું ખાણનું કામ છૂટી ગયું ત્યારે આજીવિકા માટે તેઓએ ખેતી સંબંધિત કામનો આશરો લીધો. હનુમક્કા કહે છે, “અમને માત્ર ખેતમજૂરીનું કામ મળ્યું. અમે નીંદણ કે પથરા કાઢવા, મકાઈ લણવા જતા. અમે પાંચ રુપિયાના દાડિયા પેટે કામ કર્યું છે. હવે તેઓ [જમીનના માલિકો] અમને રોજના 200 રુપિયા આપે છે." તેઓ ઉમેરે છે હવે તેઓ ખેતરોમાં નિયમિત કામ કરતા નથી; તેમની દીકરી હવે તેમની સંભાળ રાખે છે. તેમના દીકરાએ તેમની સંભાળ લેવાનું શરૂ કર્યા પછી હમ્પક્કાએ પણ ખેતમજૂર તરીકે કામ કરવાનું બંધ કરી દીધું છે.
હનુમક્કા કહે છે, "અમે અમારું લોહી રેડ્યું અને એ પથ્થરો [ઓર] [તોડવા] માટે અમારી યુવાની વેડફી નાખી. [પરંતુ] તેઓએ [ખાણ કંપનીઓએ] (અમારી જરાય દરકાર ન લીધી, અમારું લોહી ચૂસીને પછી) છાલની જેમ ઉતારીને સાવ નકામા કચરાની જેમ અમને ફેંકી દીધા."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક