સાતજેલિયાની એકમાત્ર પોસ્ટ ઓફિસ તમે કદાચ ચૂકી જશો. માટીની ઝૂંપડીમાં પોસ્ટ ઓફિસ છે તેની એક માત્ર નિશાની છે બહાર લટકતી પતરાની લાલ ટપાલ પેટી.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લાની 80 વર્ષ જૂની આ સબ-પોસ્ટ ઓફિસ સાત ગ્રામ પંચાયતોને સેવા આપે છે. માટીનું આ માળખું સુંદરવનમાં વિનાશ વેરાનાર આઇલા અને અમ્ફાન જેવા મોટા મોટા ચક્રવાતો સામે પણ ટકી રહ્યું છે. પોસ્ટ ઓફિસમાં બચત ખાતા ધરાવતા ઘણા રહેવાસીઓ માટે એ એક જીવાદોરી છે; તેમના વિવિધ ઓળખ કાર્ડ જેવા સરકારી દસ્તાવેજો ટપાલ મારફતે અહીં આવે છે.
ગોસાબા બ્લોક ત્રણ નદીઓથી ઘેરાયેલો છે - ઉત્તર-પશ્ચિમમાં ગોમતી, દક્ષિણમાં દત્તા અને પૂર્વમાં ગાંદાલ. લક્ઝબાગાન ગામના રહેવાસી જયંત મંડલ કહે છે, "આ ટાપુ વિસ્તારમાં [અમારા સરકારી દસ્તાવેજો મેળવવા માટે] આ પોસ્ટ ઓફિસ અમારી એકમાત્ર આશા છે."
હાલના પોસ્ટમાસ્તર નિરંજન મંડલ 40 વર્ષથી અહીં કામ કરે છે. તેમની પહેલા તેમના પિતા પોસ્ટ માસ્ટર તરીકે સેવા આપતા હતા. દરરોજ સવારે તેઓ તેમના ઘરથી તેમના કામના સ્થળ સુધી ચાલીને આવે છે, જેમાં થોડી મિનિટો લાગે છે. પોસ્ટ ઓફિસની નજીક આવેલી સ્થાનિક ચાની દુકાનમાં આખો દિવસ લોકો આવતા-જતા રહે છે, તેથી પોસ્ટ ઓફિસમાં હંમેશા મુલાકાતીઓ હોય છે.
59 વર્ષના પોસ્ટમાસ્ટરનું કામ સવારે 10 વાગ્યે શરૂ થાય છે અને સાંજે 4 વાગ્યે પૂરું થાય છે. પોસ્ટ ઓફિસની અંદર પ્રકાશનો સ્ત્રોત સોલાર પેનલ સંચાલિત છે, જે ચોમાસા દરમિયાન બહુ અસરકારક નથી. જ્યારે પેનલો ચાર્જ થઈ ન હોય ત્યારે કર્મચારીઓ કેરોસીનના દીવાનો ઉપયોગ કરે છે. નિરંજન કહે છે કે તેઓને પોસ્ટ ઓફિસની જાળવણી માટે મહિને 100 રુપિયા મળે છે - 50 રુપિયા ભાડા માટે અને 50 પુરવઠા માટે.
પટાવાળા, બાબુ નિરંજન સાથે કામ કરે છે, તેમનું કામ બધી ગ્રામ પંચાયતોના ઘરોમાં પત્રો પહોંચાડવાનું છે, તે માટે તેઓ પોતાની સાઇકલનો ઉપયોગ કરે છે.
લગભગ અડધી સદી સુધી પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવ્યા પછી નિરંજન બાબુ થોડા વર્ષોમાં નિવૃત્ત થવાના છે. તેઓ કહે છે કે તે પહેલાં, "મારું એકમાત્ર સપનું છે કે પાકી ઇમારતનું બાંધકામ શરૂ થઈ જાય."
આ પત્રકાર આ વાર્તામાં મદદ કરવા બદલ ઊર્ના/ઊર્ણા રાઉતનો આભાર માને છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક