દિલ્હીમાં શિયાળાની એક સુસ્ત બપોર હતી, જાન્યુઆરીના સૂર્યનો તડકો વરંડામાં ફેલાઈને હૂંફ આપી રહ્યો હતો, ત્યારે અમરે ત્યાંથી લગભગ હજાર કિલોમીટર દૂર રહેતી તેમની માતાને ફોન કર્યો. 75 વર્ષના શમીમા ખાતૂનની સાથે વાત કરતી વખતે અમર જાણે બિહારના સીતામઢી જિલ્લાના બર્રી ફુલવરિયા ગામમાં તેમના બાળપણના ઘરમાં પહોંચી ગયા હતા.
જો તમે એ બપોરે ટેલિફોન લાઇનની બંને બાજુના અવાજો સાંભળ્યા હોત તો તમે ચોક્કસ કંઈક વિચિત્ર નોંધ્યું હોત. સ્પષ્ટ ઉર્દૂમાં બોલતા અમર પૂછે છે, "અમ્મી ઝરા યે બતાઇયેગા, બચપનમેં જો મેરે સર પે ઝખમ હોતા થા ના ઉસકા ઇલાજ કૈસે કરતે થે? [મા, હું નાનો હતો ત્યારે મારા માથા પર જે અળાઈઓ થતી હતી તેનો ઈલાજ તમે શી રીતે કરતા હતા?]”
મા વ્હાલથી હસતા હસતા તેમના ઘરેલુ ઉપચારનું વર્ણન કરે છે, “સીર મેં જો હો જહાઇ – તોરોહૂ હોલ રહા – બતખોરા કહા હઇ ઓકો ઇધર. રેહ, ચિકની મિટ્ટી લગાકે ધોલિયા રહા, મગર લગ હયી બહુત. ત છૂટ ગેલઇ” [એ માથાની ચામડી પર થાય - તને પણ થઈ હતી - તેને અહીં બતખોરા કહે છે. હું રેહ [ક્ષારવાળી માટી] અને ચિકણી માટીથી તારું માથું ધોતી પરંતુ તેનાથી લ્હાય બહુ બળે. પણ આખરે તને મટી ગયું હતું.]" માની ભાષા અમરની ભાષાથી સાવ અલગ છે.
તેમની આ વાતચીતમાં કંઈ અસામાન્ય નહોતું. અમરે અને તેમની માએ એકબીજા સાથે હંમેશા અલગ-અલગ ભાષાઓમાં વાતો કરી છે.
બીજે દિવસે પારીભાષાની મીટિંગમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તેની અમારી વાર્તાના વિષય પર અમે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે તેઓ કહે છે, “હું તેની બોલી સમજી શકું છું, પણ બોલી શકતો નથી. હું કહું છું કે ઉર્દૂ મારી ‘માતૃભાષા’ છે પણ મારી મા તો જુદી જ ભાષામાં બોલે છે." તેમણે ઉમેર્યું, "મારી માની ભાષાનું નામ શું છે એ કોઈને ખબર નથી, ન તો અમ્મીને કે ન તો મારા પરિવારમાં બીજા કોઈને, એ બોલી બોલનારાઓને પણ નહીં." કામની શોધમાં ગામડામાંથી સ્થળાંતર કરનારા પુરુષો, અમર પોતે, તેમના પિતા અને તેમના ભાઈ ક્યારેય એ ભાષા બોલતા નથી. અમરના બાળકો તો એ ભાષાથી વધુ વિખૂટા પડી ગયા છે; તેઓ તો તેમની દાદીની બોલી સમજી પણ શકતા નથી.



















