જલાલ અલી માછીમારી માટેના વાંસના ફાંસલા શી રીતે બનાવવા તે શીખવા પ્રેરાયા તેની પાછળનું કારણ હતું ભૂખ.
તેઓ દાડિયા મજૂરીના કા ને આધારે જીવનનિર્વાહ ચલાવવાનો પ્રયાસ કરતા એક યુવાન હતા, ચોમાસા દરમિયાન આ કામ મળી શકતું નહીં: તેઓ કહે છે, "વરસાદની મોસમમાં થોડા દિવસ ડાંગરના રોપા વાવવા સિવાય બાકીના દિવસોમાં કોઈ કામ ન હોય."
પરંતુ ચોમાસામાં તેઓ જ્યાં રહે છે તે દારાંગ જિલ્લામાં મોઉસિટા-બાલાબારીના નાળાઓ અને કળણો (ભેજવાળી પોચી જમીનો) માછલીઓથી ઊભરાઈ જતા અને માછીમારી માટેના વાંસના ફાંસલાની ખૂબ માંગ રહેતી. એ યાદ પર હસતા 60 વર્ષના જલાલ કહે છે, “હું માછીમારી માટેના વાંસના ફાંસલા શી રીતે બનાવવા તે શીખ્યો કારણ કે એ રીતે હું મારા પરિવારનું ભરણપોષણ કરી શકતો હતો. ભૂખ્યા હો ત્યારે તમે પેટમાં કંઈક ખાવાનું નાખવાનો સૌથી સરળ રસ્તો શોધી કાઢો છો."
આજે જલાલ સ્થાનિક વાંસના ફાંસલા - સેપ્પા, બોસ્ના અને બાએર - ના નિષ્ણાત કારીગર છે, આ ફાંસલાઓથી આ જળાશયોમાંથી વિવિધ પ્રકારની માછલીઓ પકડી શકાય છે. આસામમાં મોઉસિટા-બાલાબારી વેટલેન્ડ્સ (આર્દ્ર ભૂમિ) પર આવેલા પુબ-પોદોખાટ ગામમાં પોતાના ઘરમાં તેઓ આ ફાંસલા બનાવે છે.
જલાલ કહે છે, “માત્ર બે દાયકા પહેલાં મારા ગામમાં તેમજ આસપાસના ગામોમાં લગભગ દરેકેદરેક પરિવાર માછલી પકડવા માટે [વાંસના] ફાંસલાનો ઉપયોગ કરતો હતો. તે સમયે માછલી પકડવા માટે કાં તો વાંસનો ફાંસલો હતો કે પછી હાથેથી બનાવેલ શિવ જાળ.” અહીં તેઓ સ્થાનિક રીતે ટોંગી જાળ અથવા ઝેટકી જાળ તરીકે પણ ઓળખવામાં આવતી જાળનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ એક ચોરસ આકારની જાળી છે જેના ચાર ખૂણા વાંસના દાંડા સાથે અથવા તાર સાથે જોડાયેલા હોય છે.
માછીમારી માટેના સ્થાનિક વાંસના ફાંસલાના નામ તેમના આકાર પ્રમાણે રાખવામાં આવ્યા છે: જલાલ સમજાવે છે, “સેપ્પા લંબચોરસ આકારના પીપ જેવો હોય છે. બાએર પણ લંબચોરસ આકારનો હોય છે પરંતુ તે ઊંચો અને પહોળો હોય છે. દારકી ફાંસલો એક લંબચોરસ ખોખા જેવો હોય છે." દુયેર, દિયાર અને બોઈશ્નો ફાંસલા વહેતા પાણીમાં - મોટે ભાગે પાણીથી ભરેલા ડાંગર અને શણના ખેતરોમાં, નાની નહેરોમાં, કળણોમાં, આર્દ્ર ભૂમિમાં અથવા નદીઓના સંગમમાં સચવાયેલા પાણીમાં - ગોઠવવામાં આવે છે.
આસામમાં - પૂર્વમાં સાદિયાથી પશ્ચિમમાં ધુબરી સુધીની - બ્રહ્મપુત્રા ખીણ નદીઓ, નાળાઓ, આર્દ્ર ભૂમિને નદીઓ સાથે જોડતી ખાડીઓ, પૂરના મેદાનો અને અસંખ્ય કુદરતી તળાવોથી ભરેલી છે. આ જળાશયો સ્થાનિક સમુદાયોની માછીમારીથી થતી આજીવિકાને ટકાવી રાખે છે. હેન્ડબુક ઓન ફિશરીઝ સ્ટેટિસ્ટિક્સ 2022 કહે છે કે આસામમાં માછીમારી ઉદ્યોગમાં 35 લાખથી વધુ લોકો સંકળાયેલા છે.
વિજ્ઞાનીઓ કહે છે કે મોસૂરી જાળ (નાની જાળી) અને મિકેનાઇઝ્ડ ડ્રેગ નેટ જેવા કમર્શિયલ ફિશિંગ ગિયર (વ્યાપારી માછીમારી માટેના સાધનો) મોંઘા છે અને જળચર જીવો માટે જોખમી છે કારણ કે તે નાનામાંનાની માછલીઓ પણ બહાર કાઢે છે અને પાણીમાં પ્લાસ્ટિકનો કચરો ઉમેરે છે. પરંતુ સ્થાનિક રીતે મળી રહેતા વાંસ, શેરડી અને શણમાંથી બનાવેલા માછીમારી માટેના સ્થાનિક ફાંસલા ટકાઉ હોય છે અને સ્થાનિક ઇકોસિસ્ટમને અનુરૂપ હોય છે - તેઓ માત્ર ચોક્કસ કદની માછલીઓ જ પકડે છે, તેથી બગાડ થતો નથી.
આઈસીએઆર-સેન્ટ્રલ ઈનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના એક નિષ્ણાતે નામ જાહેર ન કરવાની શરતે ઉમેર્યું હતું કે વ્યાપારી જાળથી વધુ પડતી માછીમારી થાય છે અને તે પેદા થતી ઈકોસિસ્ટમનો નાશ કરે છે.
તેમણે કહ્યું કે પૂર દરમિયાન કાંપ જમા થવાને કારણે પણ કુદરતી કળણો અને આર્દ્ર ભૂમિનું કદ ઘટી રહ્યું છે - તેમાં હવે ઓછું પાણી છે અને ત્યાંથી મીઠા પાણીની માછલીઓ ઓછી સંખ્યામાં પકડાય છે. માછીમાર મુકસેદ અલી આ પીડાદાયક હકીકકતથી વાકેફ છે: “અગાઉ મારા ઘરથી લગભગ ચાર કિલોમીટર દૂર આવેલી બ્રહ્મપુત્રામાં તમે પાણી વહેતું જોઈ શકતા હતા. ત્યારે હું ખેતરોમાં પાણી હેઠળ ડૂબી ગયેલી પગથીઓમાં માટી નાખીને સાંકડા વહેળા બનાવીને તેમાં માછીમારી માટેના ફાંસલા ગોઠવતો.” 60-65 વર્ષના મુકસેદ કહે છે કે માછીમારી માટે તેઓ બાએર પર નિર્ભર હતા કારણ કે આધુનિક જાળ ખરીદવાનું તેમને પોસાય તેમ નહોતું.
દારાંગ જિલ્લાના 4 નંબર અરીમારી ગામમાં પોતાની પત્ની સાથે રહેતા મુકસેદ અલી કહે છે, “હજી છ કે સાત વર્ષ પહેલા અમે પુષ્કળ મોટી સંખ્યામાં માછલીઓ પકડતા હતા. પરંતુ હવે મને મારા ચાર બાએરમાંથી અડધો કિલોગ્રામ માછલી પણ ભાગ્યે જ મળે છે."
*****
આસામમાં પુષ્કળ વરસાદ પડે છે - બ્રહ્મપુત્રા ખીણમાં 166 સેમી અને બરાક ખીણમાં 183 સેમી. દક્ષિણપશ્ચિમ ચોમાસું એપ્રિલના અંતમાં શરૂ થાય છે અને ઓક્ટોબર સુધી ચાલે છે. જલાલ તેમના કામને આ લય પ્રમાણે ગોઠવે છે. “હું જેઠ મહિનામાં [મે મહિનાની મધ્યમાં] માછીમારી માટેના ફાંસલા બનાવવાનું શરૂ કરી દેતો હતો અને લોકો અષાઢ મહિનાથી [જૂન મહિનાની મધ્યમાંથી] બાએર ખરીદવાનું શરૂ કરી દેતા હતા. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ઓછા વરસાદને કારણે લોકો આ સામાન્ય સમય દરમિયાન ખરીદી કરતા નથી.
2023 માં પ્રકાશિત થયેલ વિશ્વ બેંકના અહેવાલ માં જણાવવામાં આવ્યું છે કે આસામ વધતા તાપમાન, વાર્ષિક વરસાદમાં ઘટાડો અને ભારે પૂરની ઘટનાઓનો અનુભવ કરશે. આબોહવા પરિવર્તન જળાશયોના તળિયે બેસતા કાંપમાં વધારો કરશે - તેમના પાણીનું સ્તર ઘટશે અને પરિણામે તેમાંની માછલીઓની સંખ્યા પણ ઘટશે.
1990 થી 2019 સુધીમાં વાર્ષિક સરેરાશ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં અનુક્રમે 0.049 અને 0.013 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે, રાજ્ય વિધાનસભામાં રજૂ થયેલ સરકારી માહિતી આ મુજબ જણાવે છે. દૈનિક સરેરાશ તાપમાનના ગાળામાં 0.037 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો હતો અને આ સમયગાળા દરમિયાન દર વર્ષે સામાન્ય કરતા 10 મીમીથી વધુ ઓછો વરસાદ પડ્યો હતો.
જલાલ જણાવે છે, “અગાઉ અમને ખબર હતી કે વરસાદ ક્યારે આવશે. પરંતુ હવે વરસાદ પડવાની રીત સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. કેટલીકવાર ટૂંકા સમયમાં ખૂબ જ વરસાદ પડે છે અને કેટલીકવાર વરસાદ પડતો જ નથી." તેઓ કહે છે ત્રણ વર્ષ પહેલાં તેમના જેવા કારીગર ચોમાસાની મોસમ દરમિયાન 20000 થી 30000 રુપિયાની વચ્ચે કમાણી કરવાની અપેક્ષા રાખી શકતા હતા.
ગયા વર્ષે તેઓ લગભગ 15 બાએર વેચી શક્યા હતા, પરંતુ આ વર્ષે જૂન મહિનાની મધ્યથી જુલાઈ મહિનાની મધ્ય સુધીમાં તેમણે માત્ર પાંચ જ બાએર બનાવ્યા છે, આ નિષ્ણાત કારીગર કહે છે કે (જૂન મહિનાની મધ્યથી જુલાઈ મહિનાની મધ્ય સુધીનો) આ સમય જ લોકો માટે સ્થાનિક વાંસના માછીમારી માટેના ફાંસલા ખરીદવાનો નિયમિત સમય છે.
તેઓ એકમાત્ર કારીગર નથી જેમની આવકમાં ઘટાડો થયો છે. ઉદલગુરી જિલ્લાના 79 વર્ષના જોબલા દૈમરી સેપ્પા બનાવનાર છે. તેઓ કહે છે, “ઝાડ પર ફણસ ઓછા આવે છે, અતિશય ગરમી છે અને અત્યાર સુધી વરસાદ પડ્યો નથી. આ વર્ષ અણધાર્યું હશે, તેથી જો મને ઓર્ડર મળશે તો જ હું (સેપ્પા બનાવવાની) મહેનત કરીશ." એક સેપ્પાને આખરી ઓપ આપતા આપતા દૈમરી પારી સાથે વાત કરી રહ્યા છે. તેઓ ઉમેરે છે કે વેપારીઓએ તેમને ઘેર આવવાનું લગભગ બંધ કરી દીધું છે અને તેથી મે 2024 માં એક ઉકળાટભર્યા દિવસે અમે તેમને મળ્યા ત્યારે તેમણે માછીમારી માટેના ફક્ત પાંચ ફાંસલા બનાવ્યા હતા.
આસામના સૌથી મોટા બજારોમાંના એક, બાલુગાંવ અઠવાડિક બજારમાં, સુરહાબ અલી દાયકાઓથી વાંસની ચીજવસ્તુઓનો વેપાર કરે છે. તેઓ જણાવે છે, "જુલાઈનું પહેલું અઠવાડિયું છે અને આ વર્ષે મેં એક પણ બાએર વેચ્યો નથી."
જલાલ તેમની કળા ધીમે ધીમે અદૃશ્ય થતી જોઈ રહ્યા છે: “કોઈ મારી પાસે આ પ્રક્રિયા શીખવા આવતું નથી." તેઓ પૂછે છે, "માછલી વિના આ કળા શીખવાનો શું અર્થ?" અમારી સાથે વાત કરતા કરતા તેઓ તેમની દારકી પૂરી કરવા માટે તેમના ઘરની પાછળના વરંડામાં પાછા આવે છે, એ વરંડો વાસ્તવમાં મોઉસિટા-બાલાબારીની બિનસૂચિબદ્ધ બીલ (મોટા કળણ) પર આવેલો માટીનો રસ્તો છે.
*****
પોતાના કામ માટે જરૂરી સંપૂર્ણ એકાગ્રતા વિશે વાત કરતા જલાલ કહે છે, "તમારે આ ફાંસલા બનાવવા હોય તો તમે કંટાળી જાઓ એ ન ચાલે અને સાથોસાથ તમારે સતત એકસરખું ધ્યાન રાખવું પડે." તેઓ ઉમેરે છે, "(ફાંસલા બનાવતા હો ત્યારે) વધારેમાં વધારે તમે વાતચીત સાંભળી શકો પરંતુ જો તમે (વાતચીતમાં) ભાગ લેવા માંગતા હો તો તમારે બાએર પર ગાંઠ બાંધવાનું બંધ કરવું પડે." સતત કામ કરીને તેઓ બે દિવસમાં એક ફાંસલો બનાવી શકે છે. તેઓ ઉમેરે છે, "વચ્ચે વચ્ચે કામ બંધ કરું તો (એક ફાંસલો બનાવતા) ચારથી પાંચ દિવસ લાગે."
આ ફાંસલા બનાવવાની પ્રક્રિયા વાંસની પસંદગી સાથે શરૂ થાય છે. માછીમારી માટેના આ ફાંસલા બનાવવા માટે કારીગરો બે ગાંઠો વચ્ચે લાંબા ગાળાવાળા (લાંબા ઈન્ટરનોડ્સવાળા) સ્થાનિક રીતે મેળવેલા વાંસનો ઉપયોગ કરે છે. બાએર અને સેપ્પા બંને ત્રણ ફૂટ અથવા સાડા ત્રણ ફૂટ લાંબા હોય છે. ફાંસલા બનાવવા માટે તોલ્લા બાશ અથવા જાતિ બાહ (બામ્બુસા તુલડા) પસંદ કરવામાં આવે છે, કારણ કે તેને ટીપીને આકાર આપી શકાય છે.
તેઓ કહે છે, “સામાન્ય રીતે ત્રણ કે ચાર વર્ષનો સંપૂર્ણ વિકસિત વાંસ વાપરવાનું ખૂબ મહત્ત્વનું છે, કારણ નહીં તો ફાંસલો લાંબો સમય ટકતો નથી. આદર્શ રીતે જોવા જઈએ તો બે ગાંઠો વચ્ચેનો ગાળો ઓછામાં ઓછો 18 થી 27 ઈંચનો હોવો જોઈએ. વાંસ ખરીદતી વખતે મારી આંખોએ બરાબર માપ કાઢવું જ પડે." વાંસની પાતળી ચોરસ દાંડીઓ પોતાના હાથ વડે માપતા જલાલ ઉમેરે છે, "હું એક ગાંઠના છેડાથી બીજી ગાંઠ સુધી એમ તેના ટુકડા કરી નાખું છું.".
એકવાર વાંસના ટુકડા કરી નાખ્યા પછી જલાલ માછીમારી માટેના ફાંસલાની બાજુની દીવાલો માટે ગૂંથવા માટે બારીક ચોરસ કાપલીઓ બનાવે છે. "પહેલાં હું કાઠી [પાતળી વાંસની કાપલી] ગૂંથવા માટે શણના દોરાનો ઉપયોગ કરતો હતો, પરંતુ હવે હવે અમારા વિસ્તારમાં શણની ખેતી થતી નથી તેથી હું પ્લાસ્ટિકના દોરાનો ઉપયોગ કરું છું."
જલાલને 480 ચોરસ આકારની વાંસની સ્લિપ બનાવવાની છે જેની ઊંચાઈ કાં તો 18 ઈંચ અથવા 27 ઈંચ હોય છે. તેઓ કહે છે, "આ કામ ખૂબ જ કંટાળાજનક છે. કાઠીઓ કદ અને આકારમાં એકસરખી હોવી જોઈએ અને ખૂબ જ લીસ્સી હોવી જોઈએ, નહીં તો બાજુની ગૂંથાયેલી દીવાલો એકસરખી ન બને." આ કરવામાં તેમને અડધો દિવસ લાગે છે.
વાલ્વ બનાવવાનું કામ એ ફાંસલો બનાવવાની પ્રક્રિયાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે, માછલી વાલ્વમાં થઈને ફાંસલામાં દાખલ થાય છે અને પકડાઈ જાય છે. જલાલ કહે છે, "એક વાંસમાંથી હું ચાર બાએર બનાવી શકું છું, એક વાંસની કિંમત લગભગ 80 રુપિયા છે, અને પ્લાસ્ટિકની દોરીની કિંમત લગભગ 30 રુપિયા છે." પોતે બનાવી રહ્યા છે એ દારકીના ઉપરના છેડાને ગાંઠ મારતા રહેવા માટે જલાલે પોતાના દાંતની વચ્ચે એલ્યુમિનિયમનો તાર પકડેલો છે.
વાંસની કાપલીઓને ગૂંથવામાં અને ગાંઠો મારવામાં ચાર દિવસ જેટલો સમય લાગે છે. તેઓ સમજાવે છે, “તમે તાર અને વાંસની કાપલીઓ પરથી તમારી આંખો હઠાવી ન શકો. એક દાંડીને ગૂંથવાનું ચૂકી ગયા તો પછી વાંસની બે સ્લિપ એક ગાંઠમાં આવી જાય, અને પછી તમારે જે દાંડી ગૂંથવાનું ચૂકી ગયા હો ત્યાં સુધી તેને ઉકેલવું પડે અને ગૂંથવાની પ્રક્રિયા ફરીથી કરવી પડે. અહીં સવાલ તાકાતનો નથી પરંતુ ખૂબ જ નાજુક ગૂંથણી કરવાની હોય છે અને ચોક્કસ બિંદુઓ પર ગાંઠ મારવાની હોય છે. માથાથી માંડીને પગ સુધી પરસેવે નીતરી જાઓ ત્યારે તલ્લીન થઈને એકધ્યાનથી કામ થાય.”
ઓછા વરસાદ અને ઓછી માછલીઓ સાથે જલાલ તેમની હસ્તકલાના ભવિષ્ય વિશે ચિંતિત છે. તેઓ પૂછે છે, "અતિશય ધીરજ અને ખંત માગી લેતું આ કૌશલ્ય ધ્યાનથી જોઈને શીખવું છે કોને?"
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ)ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક