70 વર્ષીય ગુરમીત કૌર કહે છે, “કોઈ સરકાર નહીં ચંગી, આમ લોકા લઈ [આમ જનતા માટે કોઈ સરકાર સારી નથી].” તેઓ લુધિયાણાના બસિયાં ગામમાંથી જગરાંવમાં કિસાન-મઝદૂર મહાપંચાયત (ખેડૂતો અને કામદારોની મેગા ગ્રામ સભા) માં ભાગ લેવા આવેલી મહિલાઓના જૂથ સાથે એક શેડના છાંયામાં બેઠાં છે.
તેઓ કહે છે, “[પ્રધાન મંત્રી] મોદીએ નોકરીઓ આપવાનું વચન આપ્યું હતું, પરંતુ એક પણ વચન પૂરું કર્યું નથી. [તો હવે] એના દા કોઈ હક્ક નહીં સાડે એથ્થે આતે આકે વોટાન મંગન દા [તેમને અહીં આવીને મત માંગવાનો કોઈ હક જ નથી].” ગુરમીત કૌર ભારતીય કિસાન યુનિયન (બીકેયુ એકતા) દકૌંદા સાથે સંકળાયેલાં છે અને પારીને કહે છે કે તેમણે 2019ની લોકસભાની ચૂંટણીમાં મોદીને મત આપ્યો હતો.
જ્યાં 21 મેના રોજ મહાપંચાયત યોજાઈ હતી તેવા જગરાંવના નવા અનાજ બજારમાં રાજ્યભરમાંથી લગભગ 50,000 લોકો ખેડૂત સંગઠનો, ટ્રેડ યુનિયનો, આંગણવાડી કામદારોના સંઘો અને તબીબી વ્યવસાયીઓના સંઘોના બેનર નીચે તેમની તાકાતનો પરચો આપવા અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સામે તેમના વિરોધને ચિહ્નિત કરવા માટે એકત્ર થયા હતા. મંચ પરના બેનર પર લખેલું હતું, ‘બીજેપી હરાઓ, કોર્પોરેટ ભગાઓ, દેશ બચાઓ. [ભાજપને હરાવો. કોર્પોરેટ્સને હટાવો. દેશ બચાવો.]’
મહાપંચાયતમાં હાજર બીકેયુના લખ્ખોવાલ શાખાના અધ્યક્ષ હરિંદર સિંહ લખ્ખોવાલ કહે છે, “અમે પંજાબમાં મોદીને કાળા વાવટા બતાવીશું.”
પંજાબમાં 1 જૂન, 2024ના રોજ ચૂંટણી યોજાવાની છે અને નરેન્દ્ર મોદી રાજ્યમાં તેમના અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે, જ્યાં ખેડૂતો તેમની માંગણીઓ પ્રત્યે કેન્દ્રની ઉદાસીનતાનો વિરોધ કરી રહ્યા છે. તેમની માંગણીઓ છે: સ્વામીનાથન આયોગની ભલામણો અનુસાર લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) ની બાંયધરી, દેવાની સંપૂર્ણ માફી, લખીમપુર ખેરી હત્યાકાંડમાં ન્યાય, ખેડૂતો અને મજૂરો માટે પેન્શન યોજના અને વિરોધ પ્રદર્શનમાં શહીદ થયેલા લોકો માટે વળતર. આ પણ વાંચોઃ ખેડૂત આંદોલનનું પારીનું સંપૂર્ણ કવરેજ


![‘તેમને [ભાજપને] આવું કરવાનો કોઈ હક જ નથી!’](/_next/image?url=https%3A%2F%2Fproduction.ruralindiaonline.org%2Fuploads%2F01_IMG_2898_AA_They_BJP_do_not_have_the_right_c042a86b07.jpg&w=1080&q=75)









