20 મી ડિસેમ્બર 2014 ના રોજ સત્તાવાર રીતે પારી લોન્ચ કરવામાં આવ્યું તેને આજે દસ વર્ષ પૂરા થયા છે.
અમારી સૌથી મોટી સિદ્ધિ? અમે હજી પણ અહીં છીએ એ. જ્યાં પ્રસારમાધ્યમોમાં કોર્પોરેટ પાવરનું રાજ ચાલે છે એવા વાતાવરણમાં સ્વતંત્ર પત્રકારત્વની એક વેબસાઇટ ટકી રહી છે એટલું જ નહીં પણ વિકસી રહી છે, પ્રગતિ કરી રહી છે. પારી હવે રોજેરોજ 15 ભાષાઓમાં પ્રકાશિત કરે છે. આ છે એ ટ્રસ્ટની મુખ્ય પ્રવૃત્તિ કે જેની રચના શૂન્ય કોર્પસ સાથે કરવામાં આવી હતી, કોઈ જ પ્રકારનું સરકારી ભંડોળ - નહોતું માગવામાં આવ્યું કે નહોતું આપવામાં આવ્યું. નહોતા કોઈ પ્રત્યક્ષ કોર્પોરેટ અનુદાનો અથવા રોકાણો, નહોતી કોઈ આવક ઊભી કરાઈ જાહેરાતોના માધ્યમથી (અમે જાહેરાતો પ્રસિદ્ધ કરવાથી અળગા રહેવાનું પસંદ કર્યું હતું) અને નહોતી કોઈ લવાજમ ફી કે જે લોકો મોટી સંખ્યામાં પારી પર પ્રકાશિત સામગ્રી વાંચે, જુએ, સાંભળે એવું અમે ઈચ્છીએ છીએ તેમને જ પારીથી દૂર રાખે. પારીનું નિર્માણ થયું છે પ્રતિબદ્ધ સ્વયંસેવકોના વિશાળ નેટવર્ક વડે - પત્રકારો, તકનીકી વિશેષજ્ઞો, કલાકારો, શિક્ષણવિદો, વિગેરેના કુશળ પરંતુ વિના મૂલ્ય સ્વૈચ્છિક શ્રમના નોંધપાત્ર હિસ્સા વડે. પારીનું નિર્માણ થયું છે જાહેર જનતા, ટ્રસ્ટીઓ અને જેમણે ક્યારેય પારીની સ્વતંત્રતા પર લગામ રાખવાનો પ્રયાસ સરખો નથી કર્યો એવા ફાઉન્ડેશન્સ તરફથી મળેલી ઉદાર સખાવતોથી.
હવે નિષ્ઠાવાન અને અતિ મહેનતુ કર્મચારીગણ દ્વારા સંચાલિત પીપલ્સ આર્કાઈવ ઓફ રૂરલ ઇન્ડિયા એ એક એવી વેબસાઇટ છે જે ભારતના - ભૌતિક અથવા ઐતિહાસિક રીતે વિકસિત - લગભગ 95 કુદરતી વિસ્તારોમાંથી વ્યવસ્થિત રીતે અહેવાલ આપવાનો પ્રયાસ કરે છે. પત્રકારત્વની એક એવી સાઇટ જે સંપૂર્ણપણે સમર્પિત છે ગ્રામીણ ભારતને, તેના લગભગ 900 અબજ લોકોને, તેમના જીવનને અને આજીવિકાના સાધનોને, તેમની સંસ્કૃતિઓને, તેમની લગભગ 800 અલગ-અલગ ભાષાઓને. સાધારણ લોકોના રોજિંદા જીવનને આવરી લેવા પ્રતિબદ્ધ. લગભગ એક અબજ મનુષ્યોની વાર્તાઓ કહેવા પ્રતિબદ્ધ - કારણ કે અમે શહેરી ભારતમાં ખૂબ મોટી સંખ્યામાં રહેલા ગ્રામીણ સ્થળાંતરિતોને આવરી લેવા પર ભાર મૂકીએ છીએ.
પારીના સ્થાપકો શરૂઆતથી જ સ્પષ્ટ હતા કે અમે એક એવા પારીનું નિર્માણ કરવા માગતા હતા જે પત્રકારત્વની સાઇટ હોવાની સાથોસાથ એક જીવંત અને ધબકતું આર્કાઈવ હોય. અને અમે એક એવી સાઇટ ઈચ્છતા હતા જેનું પત્રકારત્વ કોર્પોરેટ-વ્યાખ્યાયિત 'વ્યવસાયિક' પ્રસારમાધ્યમોના વાસી ચવાઈ ગયેલા સિદ્ધાંતોથી સંચાલિત ન હોય પણ માનવતા, વિજ્ઞાન અને ખાસ તો સામાજિક વિજ્ઞાનની ચોકસાઈ, જ્ઞાન અને તાકાતથી ભરેલું હોય. પહેલા દિવસથી જ અમે માત્ર ખૂબ અનુભવી પત્રકારોને જ નહીં પણ આ અન્ય પ્રવાહોના વિદ્વાન બિન-પત્રકારોને પણ અમારી સાથે લીધા હતા.
મૂંઝવણ, સંઘર્ષ, ગેરસમજ, દલીલ (ક્યારેક કડવી) અને છેવટે - અસાધારણ સિદ્ધિ માટેની એ રેસીપી હતી અને છે. કારણ કે બધા પ્રવાહો આ એક સિદ્ધાંતને સમજ્યા હતા અને એની પર સહમત થયા હતા: સામગ્રી પર પ્રભુત્વ ધરાવતા અવાજો અમારા નહીં પણ સામાન્ય, સાધારણ ભારતીયોના હશે. અમારા ફીલ્ડ પ્રોટોકોલ્સ તમામ પત્રકારોને આ બાબતો સુનિશ્ચિત કરવા સૂચના આપે છે: વાર્તા પર પ્રભુત્વ ધરાવતો અવાજ લોકોનો છે, તેમનો પોતાનો નહીં. અમે વાર્તાઓ કહીએ છીએ, બુલેટિન અથવા શૈક્ષણિક અથવા અમલદારશાહી અહેવાલો બહાર પાડતા નથી. શક્ય હોય ત્યાં સુધી અમે ખેડૂતો, વનવાસીઓ, શ્રમિકો, વણકરો, માછીમારો અને અસંખ્ય અન્ય આજીવિકા ધરાવતા લોકો પાસે - તેમની પોતાની વાર્તાઓ કહેવડાવવાની, લખાવવાની, કે કદાચ ગાઈ સંભળાવવાની પણ શરૂઆત કરાવવાનો પ્રયાસ કરીએ છીએ.
અને આજે અમારી પાસે સાઇટ પર શું છે - માત્ર ટેક્સ્ટ લેખોની વાત કરીએ તો 2000 થી વધુ પૂર્ણ-લંબાઈની વાર્તાઓ, જેમાંની ઘણી બધી તો ઇનામ-વિજેતા શ્રેણીઓમાં છે, જે અમે અમારી તમામ 15 ભાષાઓમાં વાચકો માટે પ્રકાશિત કરીએ છીએ. એ ઉપરાંત અમારી પાસે છે વાર્તાઓ સેંકડો વિવિધ આજીવિકાઓની (તેમાંની કેટલીક આજીવિકાઓ નાશ પામવાના જોખમમાં છે), ખેડૂતોના વિરોધ પ્રદર્શનોની, આબોહવા પરિવર્તનની, લિંગ અને જાતિ-સંબંધિત અન્યાય અને હિંસાની, અમારી પાસે છે સંગીત અને ગીત સંગ્રહ, પ્રતિકારની કવિતા, વિરોધની ફોટોગ્રાફી.
અમારી પાસે પારી એજ્યુકેશન વિભાગ છે જેમાં વિદ્યાર્થી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી લગભગ 230 વાર્તાઓ છે. પારી એજ્યુકેશન 'હિટ' સાબિત થયું છે - અને સેંકડો શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેમાં - તેની ખૂબ માંગ છે. પારી એજ્યુકેશને હું ગણતરી માંડી શકું તેના કરતા ઘણી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં અસંખ્ય વર્કશોપ, તાલીમ સત્રો અને વ્યાખ્યાનો પણ યોજ્યા છે. સાથોસાથ પારીના સોશિયલ મીડિયા પ્રયાસો એક નવી પેઢી સુધી પહોંચે છે. અમારું ઈન્સ્ટાગ્રામ પૃષ્ઠ 120000 ફોલોઅર્સ સાથે અદ્ભુત સફળ રહ્યું છે.
અમારી પાસે એક સર્જનાત્મક લેખન અને કલા વિભાગ છે જેણે ઉચ્ચ સન્માન મેળવ્યું છે. સર્જનાત્મક વિભાગમાં કેટલીક અસાધારણ પ્રતિભાઓ છે - આ વિભાગ પાસે છે લોક કવિઓ અને ગાયકોથી માંડીને તેજસ્વી ચિત્રકારોથી લઈને આદિવાસી ચિલ્ડ્રન્સ આર્ટનું અનન્ય (અને અત્યાર સુધીનું સૌથી પહેલું) આર્કાઈવ.
પારી પાસે આપણા દેશના વિવિધ પ્રદેશોના લોકગીતો છે - જેમાં આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત અજોડ ગ્રાઈન્ડમિલ સોંગ્સ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. અમારી પાસે કોઈ પણ ભારતીય સાઈટ કરતાં કદાચ સૌથી મોટો લોક સંગીતનો સંગ્રહ છે.
દસ વર્ષમાં પારીએ કોવિડ-19 વિષયક અને એ સમયગાળા દરમિયાનની, આરોગ્યસંભાળની, સ્થળાંતરની, અદ્રશ્ય થતા કૌશલ્યો અને વ્યવસાયો પરની વાર્તાઓ અને વીડિયોની આશ્ચર્યજનક શ્રેણી પ્રકાશિત કરી છે. એની યાદી અનંત છે.
આ દસ વર્ષમાં પારીએ 80 ઈનામો, પુરસ્કારો, સન્માનો હાંસલ કર્યા છે. જેમાં 22 આંતરરાષ્ટ્રીય પુરસ્કારોનો સમાવેશ થાય છે. હા, આ 80 માંથી માત્ર 77 નો હાલમાં અમારી વેબસાઈટ પર ઉલ્લેખ છે - કારણ કે ત્રણની જાહેરાત ત્યારે જ થઈ શકે છે જ્યારે એ એવોર્ડના આયોજકો અમને તેમ કરવાની મંજૂરી આપે. તેનો અર્થ એ થયો કે અમે એક દાયકામાં દર 45 દિવસે સરેરાશ એક એવોર્ડ મેળવ્યો છે. 'મુખ્ય પ્રવાહ' નું કોઈપણ મુખ્ય પ્રકાશન સિદ્ધિના એ સ્તરની નજીક પણ આવતું નથી.
‘પીપલ્સ આર્કાઈવ' શા માટે?
ઐતિહાસિક રીતે - શિક્ષિત વર્ગોની રોમેન્ટિક ધારણાઓથી વિપરીત - આર્કાઈવ્સ અને પ્રાચીન પુસ્તકાલયો બધા લોકો માટે જ્ઞાનના ભંડાર નહોતા. તેઓ ચુનંદા જૂથના વર્ચસ્વની હિમાયત કરનારા અને બાકાતવાદી હતા (અને મોટા ભાગના હજી આજે પણ એવા જ રહે છે). (મજાની વાત તો એ હતી કે ગેમ ઓફ થ્રોન્સને કારણે આ એક વસ્તુ બરાબર થઈ ગઈ. સેમવેલ ટાર્લી પહોંચની બહારના રૂમમાં છુપાયેલા પ્રતિબંધિત પાઠ્યપુસ્તકો મેળવવા માટે સંઘર્ષ કરે છે. એ પુસ્તકો જે હકીકતમાં આર્મી ઓફ ડેડ સામેની લડાઈમાં મુસીબતમાંથી બચવાનો ઉપાય પૂરો પાડે છે).
એલેક્ઝાન્ડ્રિયા, નાલંદા અને જ્ઞાનના અન્ય મહાન ભંડારોના પ્રાચીન પુસ્તકાલયો સામાન્ય લોકો માટે ક્યારેય ખુલ્લા નહોતા.
બીજા શબ્દોમાં કહીએ તો આર્કાઈવ્સ ઘણીવાર સરકારના નિયંત્રણ અને સંવેદનશીલ માહિતીની સેન્સરશીપના સ્થળો તરીકે કાર્ય કરે છે જેમાંથી લોકોના સમૂહને બાકાત રાખવામાં આવે છે. ભારત અને ચીન વચ્ચે 62 વર્ષ પહેલા - 1962 માં - સરહદ અંગે યુદ્ધ થયું હતું. હજી આજની તારીખે પણ તે સંઘર્ષને લગતા મહત્વપૂર્ણ દસ્તાવેજોની પહોંચ આપણી પાસે નથી. નાગાસાકી પર બોમ્બ ધડાકાની ઘટના બન્યા પછી તેના ભયંકર પરિણામોનું ફિલ્માંકન કરનારા પત્રકારોને યુએસ સૈન્ય પાસેથી ફૂટેજ મેળવવા માટે દાયકાઓ સુધી લડાઈઓ કરવી પડી હતી. ભવિષ્યના પરમાણુ યુદ્ધોમાં લડવા માટે અમેરિકન સૈનિકોને તાલીમ આપવા માટે પેન્ટાગોને તે ફૂટેજને રોકી રાખ્યા હતા અને પોતાના કબજામાં લીધા હતા.
વધુમાં ઘણા આર્કાઈવ્સ 'ખાનગી સંગ્રહ' તરીકે ઓળખાવાયેલા છે અને ઓનલાઈન પુસ્તકાલયો/આર્કાઈવ્સ પણ ખાનગી માલિકીના છે જે તેમની સામગ્રી લોકો માટે ખૂબ જ સુસંગત અને મહત્વની હોય તો પણ લોકોની પહોંચને નકારે છે.
એટલે જ એક પીપલ્સ આર્કાઈવની જરૂરિયાત. એક આર્કાઈવ કે જે સરકાર અથવા કોર્પોરેશનો દ્વારા નિયંત્રિત નથી કે તેમને જવાબ આપવા બંધાયેલ નથી. એક એવું એવું પત્રકારત્વ જે અંગત લાભ દ્વારા નિયંત્રિત નથી. એક આર્કાઈવ જે અમે આવરી લીધેલા લોકોને, સમાજ અને પ્રસારમાધ્યમો બંનેમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને, જવાબ આપવા બંધાયેલ છે.
વર્તમાન પ્રસારમાધ્યમોની દુનિયામાં ટકી રહેવું એ તમે માનતા હશો તેના કરતાં ઘણું વધારે મુશ્કેલ છે. અમારી પાસે એક પારી સમુદાય છે જે હંમેશા નવા, અનોખા વિચારો સાથે આગળ આવે છે અને અમે જાણીએ છીએ કે અમારે બસ એ કામ કરવાનું જ છે. અને અમે આવા એક અથવા બીજા આવા વિચારને અનુસરવા માટે નીકળી પડ્યા છીએ, ઘણી વાર તો સાવ ઓછી તૈયારી સાથે. ચાલો એક વધુ ભાષા ઉમેરીએ. ચાલો ભારતના ચહેરાની વિવિધતા શોધીએ - દેશના દરેક (હવે લગભગ 800) જિલ્લાઓમાંથી સાધારણ ભારતીયોના ફોટોગ્રાફ્સ લાવીને. અરે ચાલોને એ દરેકેદરેક જિલ્લાના એક-એક બ્લોક બનાવીએ.
હવે અમારી પાસે સાઇટ પર સેંકડો બ્લોક્સ અને જિલ્લાઓમાંથી 3235 ફેસિસ છે અને અમે નિયમિતપણે તેમાં ઉમેરો કરીએ છીએ. અમારી પાસે પારી વેબસાઇટ પર લગભગ 526 વીડિયો પણ છે.
એ સુંદર ચહેરાઓ ઉપરાંત પારીએ 20000 થી વધુ અદ્ભુત ફોટોગ્રાફ્સ પ્રકાશિત કર્યા છે (ચોક્કસ સંખ્યા અમારે હજી અપડેટવાની બાકી છે). પારી એક વિઝ્યુઅલ્સ સંચાલિત વેબસાઇટ હોવા અંગે અમે ગર્વ અનુભવીએ છીએ. અને અમે ગર્વથી દાવો કરીએ છીએ કે આ મંચ પાસે ભારતના કેટલાક શ્રેષ્ઠ ફોટોગ્રાફરો અને ચિત્રકારો છે.
ચાલો આ અસાધારણ પારી લાઈબ્રેરીને વિસ્તારીએ – પારી લાઈબ્રેરી જે તમને પુસ્તકો ઉછીના આપે છે એટલું જ નહીં, પારી તમને એ વિના મૂલ્યે આપે છે. અમારી લાઇબ્રેરીમાં જે કંઈપણ હોય તેને તમે ડાઉનલોડ કરી શકો છો અને તેનું પ્રિન્ટઆઉટ લઈ શકો છો.
ચાલો દેશના તમામ ભાગોના વણકરોની વાર્તાઓનો શ્રેષ્ઠ સંગ્રહ બનાવીએ. ચાલો આબોહવા પરિવર્તનની વાર્તાઓ કરીએ જે વાસ્તવમાં વાર્તાઓ હોય. જે તેની અસરની આગળની હરોળમાં રહેલા લોકોના અવાજો અને જીવંત અનુભવોને મુખ્ય વિશેષતા બનાવી આબોહવા પરિવર્તનની એ આખી પ્રક્રિયાને વર્ણવતી હોય. જે ભારે ભરખમ વૈજ્ઞાનિક અને તકનીકી અહેવાલોનો સમૂહ ન હોય જે વાચકોને ખાતરી આપે કે આ તેઓ સંભાળી શકે તેવો વિષય નથી. અમે એ વૈજ્ઞાનિક-તકનીકી અહેવાલોનો પારી લાઈબ્રેરીમાં સમાવેશ કરીએ છીએ - પરંતુ સારાંશ અને ફેક્ટશીટ્સ સાથે જેની મદદથી કોઈપણ વ્યક્તિને એ અહેવાલો શું કહી રહ્યા છે તે સમજી શકવા સક્ષમ બનાવે છે અને સમજવામાં મદદ પણ કરે છે. આ લાઈબ્રેરીમાં લગભગ 900 અહેવાલો છે જેમાંના દરેક સારાંશ અને ફેક્ટોઇડ્સ સાથે છે. આ કામ કરવા માટે માનવામાં ન આવે તેવા પ્રચંડ પ્રયત્નોની જરૂર હોય છે.
કદાચ અમારી સૌથી મોટી સિદ્ધિ એ એક દાયકા સુધી ટકી રહેવા ઉપરાંત અમારી બહુભાષિતામાં છે. અમે વિશ્વની એવી કોઈ પત્રકારત્વ વેબસાઇટ વિશે જાણતા નથી જે તેની સંપૂર્ણ ટેક્સ્ટ સામગ્રીને 15 ભાષાઓમાં રજૂ કરતી હોય. બીબીસી જેવી સંસ્થાઓ છે જેનું આઉટપુટ લગભગ 40 ભાષાઓ સુધીનું હોઈ શકે છે, પરંતુ તેમાં જુદી જુદી ભાષાઓની સામગ્રી વચ્ચે કોઈ સમાનતા નથી. તેમની તમિળ સેવા તેમના અંગ્રેજી કાર્યક્રમનો માત્ર એક અંશ રજૂ કરશે. પારીમાં જો કોઈ લેખ એક ભાષામાં પ્રકાશિત થાય તો તે તમામ 15 ભાષાઓમાં પ્રકાશિત થવો જ જોઈએ. અને અમે વધુને વધુ પત્રકારોને તેમની માતૃભાષામાં લખવા માટે આમંત્રિત કરીએ છીએ, અને અમારા બહુભાષી સંપાદકો તેમના કામને પહેલા જે-તે ભાષામાં સંપાદિત કરે છે અને તેની ઉપર કામ કરે છે.
અમારી વિશાળ અનુવાદ ટીમ, અમારા ભારતીય ભાષાના સહકાર્યકરો અને અમારા પારીભાષા જૂથ પર અમને ખરેખર ગર્વ છે. તેઓ જે કામ કરે છે તે આશ્ચર્યચકિત કરી દે એટલી મહેનત માગી લે એવું અને કલ્પના ન કરી શકાય એટલી જટિલતાવાળું છે. અને આ જૂથે આ પાછલા વર્ષોમાં અમને લગભગ 16000 અનુવાદો આપ્યા છે.
આ બધું એન્ડેન્જર્ડ લેંગ્વેજીસ (લુપ્ત થતી ભાષાઓ) પરના સૌથી પડકારરૂપ પ્રોજેક્ટ ઉપરાંતનું છે. એન્ડેન્જર્ડ લેંગ્વેજીસ પરના પ્રોજેક્ટમાં પારી અગ્રણી છે. છેલ્લા 50 વર્ષોમાં લગભગ 225 ભારતીય ભાષાઓ મૃત થઈ ચૂકી છે ત્યારે મૃત:પ્રાય થઈ રહેલી બીજી ઘણી ભાષાઓનું દસ્તાવેજીકરણ કરવું અને એ ભાષાઓને સાચવવામાં મદદ કરવી એ અમારે માટે સૌથી મહત્વપૂર્ણ કાર્યોમાંનું એક છે.
છેલ્લા 10 વર્ષમાં અમારા કામે અમને 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંના 381 જિલ્લાઓને આવરી લેતા જોયા છે. અને આ બધું સાંપડ્યું છે પારીના પત્રકારો, લેખકો, કવિઓ, ફોટોગ્રાફરો, ફિલ્મ નિર્માતાઓ, અનુવાદકો, ચિત્રકારો, સંપાદકો અને સેંકડો ઈન્ટર્ન સહિત 1400 થી વધુ યોગદાનકર્તાઓ પાસેથી, જેમણે જુદા-જુદા માધ્યમોમાં તેની ઉપર કામ કર્યું છે.
આ બધી પ્રવૃતિઓ જેનો મેં માત્ર અછડતો ઉલ્લેખ જ કર્યો છે તેની પાછળ એક સમયે અમારી પાસે જેટલા પૈસા હોય છે તેના કરતા અનેકગણો ખર્ચ થાય છે. પરંતુ એ વાત પર લક્ષ આપ્યા વિના અમે આગળ વધતા રહીએ છીએ. એ વિશ્વાસ રાખીને કે જો અમારું કામ સારું હશે - અને અમે જાણીએ છીએ કે તે સારું છે - તો એ પ્રયત્નને જેટલી નાણાકીય સહાયની જરૂર હશે તેમાંની થોડીઘણી તો મળી જ રહેશે. અમારા અસ્તિત્વના પહેલા વર્ષમાં પારીનો વાર્ષિક ખર્ચ 12 લાખ રુપિયા હતો. આજે તે 3 કરોડ રુપિયાથી થોડોક જ ઓછો છે. પરંતુ એટલા ખર્ચમાં અમે એ રકમથી અનેક ગણી કિંમતનું આઉટપુટ ઉત્પન્ન કરીએ છીએ. દેશ માટે તેના આર્કાઈવલ મહત્વમાં અજોડ આઉટપુટ.
હા, આ દસ વર્ષ ટકી રહેવું એ એક મોટી સિદ્ધિ હતી. પરંતુ જો અમે આ પાછલા એક દાયકામાં જે ગતિએ નિર્માણ કરતા રહ્યા છીએ અને મજબૂત બનતા રહ્યા છીએ એ ચાલુ રાખવું હોય તો અમારે ખરેખર, ખરેખર જરૂર છે તમારા સમર્થનની, તમારી મદદની. અમારા આદેશ અને માર્ગદર્શિકાનું પાલન કરીને કોઈપણ વ્યક્તિ પારી માટે લખી શકે છે, ફિલ્મો બનાવી શકે છે, ફોટોગ્રાફ લઈ શકે છે, સંગીત રેકોર્ડ કરી શકે છે.
આજથી હવે પછીના 25 વર્ષોમાં કદાચ, આગામી 50 વર્ષોમાં તો ચોક્કસપણે, જો કોઈપણ વ્યક્તિ સામાન્ય ભારતીયો કેવી રીતે જીવતા હતા, કામ કરતા હતા, સર્જન કરતા હતા, ઉત્પાદન કરતા હતા, ખાતા હતા, ગાતા હતા, નૃત્ય કરતા હતા એવું એવું અને બીજું ઘણું બધું જાણવા માગતી હશે તો તે માટે...પારી એ એકમાત્ર એવી જગ્યા છે જેની તેઓ મુલાકાત લઈ શકશે. 2021માં, યુએસ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસે પારીને એક મહત્ત્વપૂર્ણ સંસાધન તરીકે માન્યતા આપી હતી અને અમને આર્કાઈવ કરવાની પરવાનગી માગી હતી - જે આપતા અમને આનંદ થયો હતો.
પારી, જે કોઈ ફી વસૂલતું નથી, જે ફ્રી-એક્સેસ-ટુ-પબ્લિક મલ્ટિમીડિયા ડિજિટલ સ્પેસ છે, અને જે આપણા સમયની મહાન પ્રક્રિયાઓની વાર્તાઓ સાથે જોડાય છે અને તેને કેપ્ચર કરે છે, એ આજે એક રાષ્ટ્રીય સંસાધન છે. તેને એક રાષ્ટ્રીય ખજાનો બનાવવામાં અમારી મદદ કરો.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક