પૂર્ણિમા ભૂયન કહે છે, “મને યાદ છે એ દિવસે તોફાન આવ્યું હતું અને મારા ઘર પર મૂશળધાર વરસાદ પડ્યો હતો. પછી મારી આંખ સામે મારું ઘર પડી ભાંગ્યું હતું અને [મુરી ગંગા] નદી તેને વહાવી ગઈ હતી." ખાસીમારામાં કંઈ કેટલીય વાર તેમનું ઘર ધરાશાયી થઈ હતું તેમાંથી એક વખતની વાત તેઓ કહી રહ્યા છે.
હાલ 70 વર્ષથી વધુ ઉંમરના ભૂયન હવે દક્ષિણ 24 પરગણા જિલ્લાના સાગર બ્લોકમાં આવેલા નાના ટાપુ ઘોડામારા પરના ખાસીમારા ગામમાં રહેતા નથી. ઘોડામારાના 13 પરિવારોને 1993 માં પશ્ચિમ બંગાળ સરકારે ઘોડામારાથી હોડીની સવારી દ્વારા 45 મિનિટ જેટલે દૂર આવેલા સાગર ટાપુ પરના ગંગાસાગર ગામમાં જમીનનો નાનકડો ટુકડો આપ્યો હતો, પૂર્ણિમાનો પરિવાર પણ તેમાંથી એક હતો.
ઈન્ટરનેશનલ પર્સ્પેક્ટિવ્સ ઓન ક્લાઈમેટ ચેઈન્જ જર્નલમાં 2014 નું સંશોધનપત્ર જણાવે છે કે ઘોડામારાની જમીનનો ભાગ 1970 ના દાયકાના મધ્યભાગથી સંકોચાતા સંકોચાતા હવે લગભગ અડધો જ રહી ગયો છે - તેનો વિસ્તાર 1975 માં 8.51 ચોરસ કિલોમીટરમાંથી ઘટીને 2012 માં 4.43 ચોરસ કિલોમીટર થઈ ગયો છે. આના ઘણા કારણો છે - સુંદરવન પ્રદેશમાં જ્યાં આ ટાપુ આવેલો છે ત્યાં નદી અને દરિયાકાંઠાનું ધોવાણ, પૂર, ચક્રવાત, મેન્ગ્રોવ્સનું નુકસાન, દરિયાની સપાટીમાં વધારો. આ પ્રક્રિયાઓ દ્વારા વિસ્થાપિત થયેલા ઘોડામારા પરના લોકોની કુલ સંખ્યા સ્પષ્ટ નથી, પરંતુ કેટલાક ટાપુવાસીઓ માને છે કે, અલગ અલગ સમૂહોમાં લગભગ 4000 લોકોને સાગર ટાપુ અથવા કાકદ્વીપ અને નામખાના જેવા મુખ્ય ભૂમિ વિસ્તારોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે.
ભૂયનને એ દિવસ સ્પષ્ટપણે યાદ છે જ્યારે તેમનું ઘર તૂટી પડ્યું હતું, જોકે એ કયું વર્ષ હતું એ તેમને યાદ નથી. તેઓ કહે છે, “હું મારા પાડોશીના તળાવમાં વાસણો માંજતી હતી, ત્યાંથી મને મારું ઘર દેખાતું હતું. મારા પતિ બીમાર હતા, તેમને ટાઈફોઈડ થયો હતો. મારા પાડોશી, જેમનું ઘર અમારા ઘર કરતા મોટું હતું, તેમણે મારા પતિ અને અમારા બાળકોને એમને ઘેર લઈ આવવાનું મને કહ્યું હતું. વરસાદ શરૂ થઈ ગયો હતો, ભરતી આવવા માંડી હતી અને અમારું ઘર જે જમીન પર બાંધવામાં આવ્યું હતું ત્યાં સુધી નદી પહોંચી ગઈ હતી. અમારું ઘર લાંબા સમય સુધી વરસાદ સામે ટક્કર ઝીલતું રહ્યું, પરંતુ પછી પૂર્વ તરફથી એક વાવાઝોડું આવ્યું અને વધુ વરસાદ લાવ્યું. થોડા જ સમયમાં ઘર [તૂટી પડ્યું ને] ગાયબ થઈ ગયું. નદી 10-12 વાર મારું ઘર વહાવી ગઈ છે.
પૂર્ણિમા કહે છે કે જ્યારે તેમનું ઘર વારંવાર નદીમાં વહી જતું હતું (એ કયા દાયકાઓમાં બન્યું હતું એ તેમને યાદ નથી) એ વર્ષો દરમિયાન તેમને સરકાર તરફથી કોઈ મદદ મળી નહોતી. માત્ર 1993 માં જે પરિવારોના ઘોડામારાના ઘરો નાશ પામ્યા હતા એમને સાગર ટાપુ પર જમીનના નાનકડા - માંડ એક એકરના - પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.
શક્ય હોત તો ભૂયને હજી આજે પણ ઘોડામારામાં જ રહેવાનું પસંદ કર્યું હોત. તેઓ નિસાસો નાખીને કહે છે, “હું તમને કહું કે મને એ જગ્યા કેમ ગમે છે. ત્યાં લોકો વધુ મદદરૂપ હતા. કોઈ પરિવાર પોતાનું ઘર ગુમાવે તો બીજો પરિવાર તરત જ નવું મકાન બનાવવા માટે તેમની જમીન ઓફર કરતા. અહીં એવું થતું નથી." દુર્ભાગ્યે, ખાસીમારા ગામ સંપૂર્ણપણે ડૂબી ગયું હતું અને 2011 ની વસ્તી ગણતરીમાં તેની વસ્તી શૂન્ય તરીકે નોંધવામાં આવી હતી. જોકે આ ટાપુ પરના બીજા છ ગામોમાંથી કેટલાક ગામોમાં લોકો હજી પણ વસે છે - (વસ્તીગણતરી 2011 મુજબ) સમગ્ર ઘોડામારા ગ્રામ પંચાયત વિસ્તારની વસ્તી લગભગ 5000 છે (અને પછીના વર્ષોમાં આ વસ્તીમાં પણ ઘટાડો થયો છે).
ઘોડામારાના બીજા પરિવારો સાથે 1993 માં ગંગાસાગર પહોંચેલા મોન્ટુ મંડલ સાગર ટાપુ પર શરૂઆતના વર્ષોની મુશ્કેલીઓને ભૂલી શક્યા નથી. સરકાર દ્વારા તેમને ફાળવવામાં આવેલી જમીનમાં ખારાશનું પ્રમાણ વધુ હોવાને કારણે શરૂઆતમાં એ જમીન પર ખેતી થઈ શકતી ન હતી. ઉપરાંત પીવા અને ન્હાવા માટેના ચોખ્ખા પાણીની પણ અછત હતી. હાલ 65 વર્ષના મંડલે આજીવિકા રળવા માટે ખાડા ખોદવા અને સૂકવેલી માછલી વેચવા જેવા દાડિયા મજૂરીના કામ કર્યાં હતાં. તેમની 1.5 વીઘા (લગભગ અડધો એકર) જમીન પર તેમણે એક ઘર બનાવ્યું હતું અને સમય જતાં તેઓ ચોખાની ખેતી પણ કરી શક્યા હતા.
મંડલ ઘોડામારામાં રહેતા હતા ત્યારે નદીએ બે વાર તેમનું ઘર બરબાદ કરી નાખ્યું હતું. તેઓ કહે છે, “લગભગ 10-15 વર્ષ પહેલા સુધી ઘોડામારાની ઉત્તરથી દક્ષિણ તરફ ચાલવામાં 2-3 કલાક લાગતા હતા. હવે એ જ અંતર કાપવામાં તમને એક કલાકથી પણ ઓછો સમય લાગે."
કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઓશનોગ્રાફિક સ્ટડીઝના પ્રો. સુગતા હઝરા કહે છે કે ઘોડામારાના વિસ્થાપિત ગ્રામવાસીઓને સરકાર દ્વારા 'આબોહવા શરણાર્થીઓ' તરીકે માન્યતા આપવામાં આવી નથી કારણ કે તેઓને દેશમાં ને દેશમાં જ આંતરિક સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. તેઓ ઉમેરે છે, "પરંતુ તેઓને પર્યાવરણીય સ્થળાંતરિતો તરીકે ઓળખવામાં આવવા જોઈએ, સરકારે આવો એક વિશેષ વર્ગ ઊભો કરવો જોઈએ, અને આ લાચાર લોકો માટે ગૌરવ અને ન્યાય સુનિશ્ચિત કરવા જોઈએ."
આજીવિકાના મર્યાદિત વિકલ્પો ઉપરાંત ઘોડામારાના રહેવાસીઓને શાકભાજી અને અનાજ જેવી દૈનિક જરૂરિયાતો માટે (અડધો કલાકની મુસાફરી કરીને) કાકદ્વીપ શહેર સુધી જવું પડે છે. ઘોડામારામાં એક આરોગ્ય ઉપ-કેન્દ્ર ટાપુ પરના આશરે 5000 લોકોની આરોગ્ય સંબંધિત પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરે છે. જો કે, ગંભીર બીમારીઓની સારવાર માટે રહેવાસીઓને કાકદ્વીપની હોસ્પિટલમાં જવું પડે છે.
દિલજાન કહે છે, “મારી પત્ની અને બે દીકરાઓ સાથે આ સંકોચાતા જતા ટાપુને છોડવામાં મને આનંદ થશે. પરંતુ સરકાર અમને બીજે ક્યાંય જમીન આપતી નથી." અહેવાલો જણાવે છે કે 1993 પછી ઉપલબ્ધ જમીનની અછતને કારણે સરકારે લોકોને સાગર ટાપુ પર લોકોને પુન:સ્થાપિત કરવાનું બંધ કરી દીધું છે.
સાગર ટાપુ પર કામના અભાવે ઘણા પરિવારોના પુરુષોને કામની શોધમાં પશ્ચિમ બંગાળની બહાર સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. બીજી એ ચિંતા છે કે - સાગર ટાપુ પણ દર વર્ષે સંકોચાઈ રહ્યો છે અને અહીંની જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, અને તેના રહેવાસીઓ ફરી એકવાર તેમની જમીનો અને ઘરો ગુમાવવાનો ડર સતાવી રહ્યો છે.
અમે દિલજાન સાથે વાત કરી રહ્યા છીએ, જેઓ અમને તેમની રિક્ષામાં આ ટાપુ પર એક એવી જગ્યા પર લઈ જાય છે જ્યાં નદી જમીનનો મોટો હિસ્સો ગળી ગઈ છે, રંજીતા પુરકૈત અમારી વાતચીતમાં જોડાય છે. તેમનું ઘર, જે એકવાર ધોવાઇ ગયું હતું, તે નદી કિનારેથી થોડાક મીટર દૂર છે.તેઓ કહે છે, “શક્ય છે કે મારું આ ઘર પણ ધોવાઈ જાય. સરકારે શું કર્યું છે? કંઈ જ નહીં. ઓછામાં ઓછું સરકાર પાળાઓને મજબૂત કરી શકી હોત! કેટલાય પત્રકારો આવીને ફોટા ખેંચીને ગાયબ થઈ જાય છે. પણ અમારી સ્થિતિમાં ક્યારેય કોઈ ફેરફાર થયો નથી. સરકાર અમને બીજે ક્યાંય જમીન આપશે? આ ટાપુ સંકોચાઈ રહ્યો છે અને અમારા ઘરો અને જમીનો ગાયબ થઈ રહ્યા છે. કોઈને કંઈ પડી નથી."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક