માલતી માલ તેમની બાજુમાં જમીન પરની જગ્યા તરફ ઈશારો કરતાં કહે છે, “ઓસોબ વોટ-ટોટ છારો. સંધ્યા નામર એજ અનેક કાજ ગો. [મત-બત તે વળી શેનો! સાંજ પડતાં (આના કરતાંય વિશેષ) હજારો વસ્તુઓ કરવાની છે અમારે.] આવો, જો તમે આ ગંધને સહન કરી શકતાં હો, તો અમારી સાથે અહીં બેસો.” તેઓ મને મહિલાઓના એક જૂથ સાથે જોડાવા માટે આમંત્રિત કરી રહ્યાં છે, જે ગરમી અને ધૂળથી પ્રભાવિત થયા વિના ડુંગળીના વિશાળ ઢગલાની આસપાસ બેસીને કામ કરી રહ્યાં છે. હું લગભગ એક અઠવાડિયાથી આ ગામમાં ફરી રહી છું, આ મહિલાઓના કદમથી કદમ મિલાવીને તેમની સાથે ફરી રહી છું, અને તેમને આગામી ચૂંટણીઓ વિશે પ્રશ્નો પૂછું છું.
એપ્રિલની શરૂઆતનો સમય છે. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના આ ભાગમાં ગરમીનો પારો દરરોજ 41 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય છે. સાંજે 5 વાગ્યે પણ આ માલ પહાડીયા ઝૂંપડીમાં અસહ્ય ગરમી પડી રહી છે. આ વિસ્તારની આસપાસના થોડા વૃક્ષો પર એક પત્તું પણ ફરકતું નથી. તાજી ડુંગળીની ભારે, તીખી ગંધ હવામાં પ્રસરી રહી છે.
મહિલાઓ તેમના કામચલાઉ ઘરોથી માંડ 50 મીટર દૂર ખુલ્લી જગ્યાની મધ્યમાં, ડુંગળીના ઢગલાની આસપાસ અર્ધવર્તુળ બનાવીને બેઠી છે. તેઓ દાતરડાનો ઉપયોગ કરીને દાંડીમાંથી ડુંગળીના ગોળ ભાગને અલગ કરવામાં વ્યસ્ત છે. ધગધગતી બપોર, કાચી ડુંગળીની વરાળ સાથે ભળીને, તેમના ચહેરાને એવી રીતે તેજસ્વી બનાવે છે કે જેવું માત્ર સખત મહેનતથી જ શક્ય બને છે.
60 વર્ષીય માલતી કહે છે, “આ અમારો દેશ [વતન] નથી. છેલ્લા સાત કે આઠ વર્ષથી અમે અહીં આવી રહ્યાં છીએ.” તેઓ અને જૂથની અન્ય મહિલાઓ માલ પહાડીયા આદિવાસી સમુદાયની છે, જે સત્તાવાર રીતે રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે અને સૌથી સંવેદનશીલ આદિવાસી જૂથોમાંથી એક તરીકે ઓળખાય છે.
તેઓ કહે છે, “અમારા ગામ ગોઆસ કાલિકાપુરમાં, અમારી પાસે કોઈ કામ ઉપલબ્ધ નથી.” મુર્શિદાબાદ જિલ્લાના રાણીનગર-1 બ્લોકમાં ગોઆસના 30થી વધુ પરિવારો હવે બિશુરપુકુર ગામના કિનારે કામચલાઉ ઝૂંપડીઓમાં રહે છે અને સ્થાનિક ખેતરોમાં કામ કરે છે.
તેમણે મને કહ્યું હતું કે, તેઓ 7 મેના રોજ યોજાનારી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે તેમના ગામે પાછાં જવાનાં હતાં. ગોઆસ કાલિકાપુર બિશુરપુકુર ગામથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલું છે.




























