પૂનમ, રાનીના વાળને બે ભાગોમાં વહેંચીને તેલ લગાવે છે અને તેને ચુસ્ત રીતે બાંધીને ચોટી બનાવે છે. પરંતુ તેઓ ચોટીને રબર બેન્ડથી બાંધી શકે તે પહેલાં, તેમની દીકરી તેના ભાઈ-બહેન અને મિત્રો સાથે રમવા માટે બહાર દોડી જાય છે. પૂનમ દેવી રાત્રિભોજન તૈયાર કરતી વેળાએ તેમના બાળકો વિષે કહે છે કે, “દોસ્ત સબકે અબીતાઈ, એ સબ સાંજ હોઈતે ઘરસે ભાઈગ જઈ ખેલા લેલ [તેમના મિત્રો આવે એટલે કે તરત જ તેઓ બધા સાંજે રમવા દોડી જાય છે].” રાની તેમની બીજી દીકરી છે જેની ઉંમર આઠ વર્ષની છે.
પૂનમને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. પરંતુ તે ચારેયમાંથી સૌથી નાના એવાં તેમના દીકરા પાસે જ જન્મનું પ્રમાણપત્ર છે. તેઓ કહે છે, “હમરા લગ મેં ઇત્તે પાઈ રહિતે તા બનવાઇયે લેતીયે સબકે [જો મારી પાસે પૈસા હોત, તો મેં એ ત્રણેયના પ્રમાણપત્ર પણ બનાવી દીધા હોત.]”
તેમના કાચા મકાનની ફરતે બિહારના ગ્રામીણ વિસ્તારમાં આવેલા અન્ય ઘરોની જેમ વાંસની લાકડીઓથી વાડ કરવામાં આવી છે. તેમણે ૩૮ વર્ષીય દૈનિક મજૂર મનોજ સાથે લગ્ન કર્યા છે, અને તેઓ બિહારના મધુબની જિલ્લાના બેનીપટ્ટી બ્લોકમાં આવેલાં એકતારા ગામમાં રહે છે. મનોજ મહીને ૬,૦૦૦ રૂપિયા કમાય છે.
પૂનમ (આ વાર્તામાં બધાં નામ બદલેલ છે) કહે છે કે, “મારી ઉંમર હવે ૨૫ વર્ષથી થોડાક મહિના વધારે છે. મારું આધાર કાર્ડ મારા પતિ પાસે છે અને તેઓ અત્યારે ઘેર હાજર નથી. મારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર કેટલી હતી એ મને યાદ નથી.” જો તેમની ઉંમર અત્યારે ૨૫ વર્ષ હોય, તો શક્ય છે કે એ વખતે તેમની ઉંમર ૧૪ વર્ષ જેટલી હશે.
પૂનમના બધા બાળકોનો જન્મ ઘેર જ થયો હતો. મનોજની કાકી, ૫૭ વર્ષીય શાંતિ દેવી કહે છે, “દરેક વખતે દાયણે [પરંપરાગત જન્મ પરિચારકો] મદદ કરી હતી. જ્યારે પરિસ્થિતિ ખરાબ લાગે ત્યારે જ અમે હોસ્પિટલ જઈએ છીએ.” તેઓ પૂનમના ઘરની નજીક એ જ ગલીમાં રહે છે અને પૂનમને પોતાની વહુ માને છે.







