સૌંટા ગામના રહેવાસી સુમેર સિંહ ભાટી કહે છે, “પંખે વાલે [પવનચક્કીઓ], બ્લેડ વાલે [સૌર ઊર્જા ખેતરો] અમારા ઓરણો પર કબજો કરી રહ્યા છે." તેઓ ખેડૂત અને પશુપાલક છે, તેમનું ઘર જેસલમેર જિલ્લામાં દેગરાય ઓરણની નજીક છે.
ઓરણો સેક્રેડ ગ્રુવ્સ (પવિત્ર ઉપવનો) છે, અને તેમને તમામ લોકો માટે સુલભ સામુદાયિક સંપત્તિ સંસાધન માનવામાં આવે છે. દરેક ઓરણના એક દેવતા હોય છે, નજીકના ગ્રામીણો એ દેવતાની પૂજા કરે છે, અને એ દેવસ્થાનની આસપાસની જમીન ત્યાં રહેતા સમુદાય દ્વારા અતિક્રમણ-મુક્ત રાખવામાં આવે છે - તેમાંના વૃક્ષો કાપી શકાતા નથી, ફક્ત (સૂકાઈને) નીચે પડેલા લાકડાને જ બળતણ માટેના લાકડા તરીકે લઈ શકાય છે અને અહીં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરવાની મંજૂરી નથી, અને અહીંના જળાશયો પવિત્ર છે.
પરંતુ, સુમેર સિંહ કહે છે, “તેઓએ [નવીનીકરણીય ઊર્જા (રિન્યુએબલ એનર્જી) કંપનીઓએ] સદીઓ જૂના વૃક્ષોને કાપી નાખ્યા છે અને ઘાસ અને ઝાડીઓને તો જડમૂળથી ઉખેડી નાખ્યા છે. લાગે છે કે તેમને રોકવાવાળું કોઈ છે જ નહીં."
સુમેર સિંહનો આ જ આક્રોશ જેસલમેરના સેંકડો ગામોના રહેવાસીઓ પણ દોહરાવે છે. તેમની નજર સામે જ રિન્યુએબલ એનર્જી (આરઈ) કંપનીઓ તેમના ઓરણો પર કબજો જમાવી રહી છે. તેઓ કહે છે કે છેલ્લા 15 વર્ષોમાં આ જિલ્લાની હજારો હેક્ટર જમીન પવનચક્કીઓ અને વાડા-બંધ સોલર ફાર્મ્સ (સૌર ઊર્જા ખેતરો) ઉપરાંત જિલ્લામાં ઉત્પાદિત ઊર્જા બહાર લઈ જવા માટેની હાઇ ટેન્શન પાવર લાઈન્સ અને માઇક્રો ગ્રીડને હવાલે કરવામાં આવી છે. આ બધાએ આ વિસ્તારની સ્થાનિક ઈકોલોજીને (આ વિસ્તારની સજીવ સૃષ્ટિના તેની આસપાસના વાતાવરણ સાથેના સંબંધોને) ભારે ખલેલ પહોંચાડી છે અને આ જંગલો પર નિર્ભર લોકોની આજીવિકાનો વિનાશ નોતર્યો છે.
પશુપાલક જોરા રામ કહે છે, “(ઢોર) ચારવા માટે કોઈ જગ્યા જ બચી નથી. ઘાસ તો પહેલેથી [માર્ચ મહિનામાં] જ સૂકાઈ ગયું છે અને હવે અમારા પશુઓ માટે ચારાના નામે માત્ર કેર અને કેજરીનાં ઝાડનાં પાંદડાં જ બચ્યા છે. તેમને પૂરતો ખોરાક મળતો નથી અને તેથી તેઓ ઓછું દૂધ આપે છે. જે પશુઓ રોજનું 5 લિટર દૂધ આપતા હતા તે હવે માંડ 2 લિટર દૂધ આપે છે."
અર્ધ-શુષ્ક ઘાસના મોટા મેદાની વિસ્તારો ધરાવતા ઓરણ સમુદાયના કલ્યાણ માટે છે - તેઓ પશુઓ માટે ચારો, ચરાઈ ને પાણી અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને ખોરાક અને બળતણ માટે લાકડાં એ બધુંય પૂરું પાડે છે.





























