શાહબાઈ ઘરાત એક વર્ષ કરતાંય વધુ સમયથી કોરોનાવાયરસનો પીછો કરી રહ્યાં હતાં, અને અંતે એક દિવસ તેઓ આ વાયરસનો શિકાર થઈ જ ગયાં. માન્યતા પ્રાપ્ત સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર્તા અથવા આશા એવાં શાહબાઈ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવેલા તેમના ગામ સુલતાનપુરમાં ઘરે ઘરે જઈને કોવિડ-19નો ડેટા એકત્ર કરી રહ્યાં હતાં. પરંતુ મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં, તેમનો સૌથી મોટો ડર સાચો સાબિત થયો, જ્યારે તેમણે કોરોના વાયરસનું પરિક્ષણ કરાવ્યું તો તેઓ તેનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું.
38 વર્ષીય શાહબાઈ મહામારી દરમિયાન તેમની નોકરીના જોખમોથી વાકેફ તો હતાં, પરંતુ તેમણે આ ચેપ લાગવાનાં પરિણામો વિશે વિચાર્યું નહોતું. તેમનું સંક્રમણનું પરિક્ષણ પોઝિટિવ આવ્યા પછી તરત જ તેમનાં 65 વર્ષીય માતાને પણ આ ચેપ લાગ્યો હતો. પછી તેમના ચાર ભત્રીજાઓને તે લાગી ગયો. આ બીમારીને કારણે આખો પરિવાર પરેશાન થઈ ગયો હતો.
શાહબાઈને સાજાં થવામાં થોડાં અઠવાડિયાં લાગ્યાં હતાં. શાહબાઈ કહે છે, “મારા ભત્રીજાઓ પણ સાજા થઈ ગયા હતા, પરંતુ મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.” તેઓ ઉમેરે છે કે તેમને એક અઠવાડિયા માટે ઓક્સિજન સપોર્ટની જરૂર પડી હતી. “મારી માતાની સારવારમાં અઢી લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. મેં તેની ચૂકવણી કરવા માટે મારી અઢી એકર ખેતીની જમીન અને કેટલાંક ઘરેણાં વેચી દીધાં હતાં.”
આશા તરીકે તેમનું કાર્ય ક્યારેય સરળ નહોતું, પરંતુ મહામારીએ તેને વધુ ખરાબ બનાવી દીધું હતું. શાહબાઈ કહે છે, “મારે ધમકીઓ અને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો છે. લોકો શરૂઆતમાં તેમના લક્ષણો છુપાવતા હતા. હું મારું કામ કરતી હતી, તેના લીધે મારે ગામમાં ઘણી નકારાત્મક પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો છે.”
મહારાષ્ટ્રમાં 70,000થી વધુ માન્યતા પ્રાપ્ત આશા કાર્યકર્તાઓ છે. માર્ચ 2020માં કોરોના વાયરસ ફાટી નીકળ્યા પછી તેઓ આ વાયરસ સામે સંરક્ષણની પ્રથમ હરોળ છે. ઘરની મુલાકાતો કરવા ઉપરાંત, તેઓ ગામડાઓમાં રસી લેવા માટે ખચકાતા લોકોને પણ સમજાવે છે.












