"યે બતાના મુશ્કિલ હોગા કી કૌન હિંદુ હૈ ઔર કૌન મુસલમાન [કોણ હિંદુ છે અને કોણ મુસલમાન એ કહેવું મુશ્કેલ છે]."
68 વર્ષના શબ્બીર કુરેશી પોતાની અને પોતાના પાડોશી 52 વર્ષના અજય સૈનીની વાત કરી રહ્યા છે. બંને અયોધ્યાના રહેવાસી છે અને રામકોટના દુરાહી કુઆં પાડોશમાં છેલ્લા 40 વર્ષથી એકબીજાના મિત્રો છે.
બંને પરિવારો વચ્ચે નજીકના સંબંધો છે, પરિવારો દૈનિક ચિંતાઓ વહેંચે છે અને એકમેક પર આધાર રાખે છે. અજય સૈની યાદ કરે છે, “એકવાર જ્યારે હું કામ પર હતો ત્યારે મને ઘેરથી ફોન આવ્યો કે મારી દીકરી બીમાર છે. હજી તો હું ઝડપભેર ઘેર પાછો ફરું એ પહેલા જ મારી પત્નીએ મને જાણ કરી કે કુરેશી પરિવાર અમારી દીકરીને હોસ્પિટલમાં લઈ ગયા છે અને તેમણે દવાઓ પણ ખરીદી લીધી છે.
તેઓ બંને ઘરની પાછળના વરંડામાં બેઠેલા છે. એ વરંડો ભેંસ, બકરીઓ અને અડધો ડઝન મરઘીઓથી ભરેલો છે. બંનેના પરિવારના બાળકો આજુબાજુ દોડી રહ્યા છે, રમી રહ્યા છે અને ગપસપ કરી રહ્યા છે.
જાન્યુઆરી 2024 નો સમય છે અને અયોધ્યામાં રામ મંદિર એક હાઈ-પ્રોફાઇલ ઉદ્દઘાટન માટે તૈયાર થઈ રહ્યું છે. એક નવી, ભારે, ડબલ-બેરિકેડેડ લોખંડની જાળીની વાડ તેમના ઘરોને આ મંદિરના પરિસરથી અલગ કરે છે.
એંસીના દાયકામાં જ્યારે સૈની અને તેમનો પરિવાર કુરેશીની બાજુના ઘરમાં રહેવા આવ્યા ત્યારે સૈની એક નાનકડા કિશોર હતા. તે સમયે જે બાબરી મસ્જિદ હતી તેના પરિસરમાં રામની મૂર્તિના દર્શન કરવા આવતા ભક્તોને એક રુપિયામાં ફૂલોની માળા વેચતા.
કુરેશીઓ મૂળે કસાઈ હતા, અયોધ્યા નગરની સીમમાં પરિવારની માંસની દુકાન હતી. 1992 પછીના રમખાણોમાં તેમનું ઘર આગમાં નાશ પામ્યા પછી પરિવારે વેલ્ડીંગનો વ્યવસાય શરૂ કર્યો હતો.
પોતાની આસપાસ રમી રહેલા તમામ ઉંમરના પડોશના બાળકોના ટોળા તરફ ઈશારો કરીને કુરેશી કહે છે, “આ બાળકો જુઓ…તેઓ હિન્દુ છે…અમે મુસ્લિમ છીએ. તેઓ બધા ભાઈ-બહેનો છે." તેઓ ઉમેરે છે, “અબ આપ હમારે રહેન સહેન સે પતા કીજિએ કી યહાઁ કૌન ક્યા હૈ. હમ એક દૂસરે કે સાથ ભેદભાવ નહીં કરતે [અમારી રોજીંદી જીવનશૈલી પરથી તમે કહી નહીં શકો કે કોણ કયા ધર્મનું છે. અમે અમારી વચ્ચે ભેદભાવ રાખતા નથી]." અજય સૈનીની પત્ની ગુડિયા સૈની સંમત થાય છે અને ઉમેરે છે: "તેઓ અલગ ધર્મના છે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી."
અજય સૈની કહે છે કે એક દાયકા પહેલા કુરેશીની એકની એક દીકરી નૂરજહાંના લગ્ન થયા હતા ત્યારે “અમે ઉજવણીમાં સામેલ હતા, મહેમાનોનું સ્વાગત કરતા હતા, તેમની સરભરા કરતા હતા. અમને એક કુટુંબની વ્યક્તિ જેટલું જ સન્માન મળે છે. અમે બરોબર જાણીએ છીએ કે અમે એકમેકની પડખે ઊભા રહીશું, એકબીજાને મદદ કરવા અમે હંમેશ તૈયાર હોઈશું."
થોડા વખતમાં જ વાતચીત રામ મંદિર તરફ વળે છે, તેઓ જ્યાં બેઠા છે ત્યાંથી તેઓ મંદિર જોઈ શકે છે. એ એક આલીશાન માળખું છે, જે હજી નિર્માણાધીન છે, એ ગગનચુંબી માળખું મસમોટી ક્રેન્સથી ઘેરાયેલું છે, બધુંય શિયાળાના ઘેરા ધુમ્મસમાં ઢંકાયેલું છે.
કુરેશી તેમના ઈંટ, રેતી ને સિમેન્ટથી બનેલા સાવ સાધારણ ઘરથી માંડ થોડા ફૂટના અંતરે આવેલ નવા મંદિરના આલીશાન માળખા તરફ ઈશારો કરે છે. મસ્જિદ તોડી પાડવામાં આવી એ પહેલાના સમયને યાદ કરતા તેઓ કહે છે, “વો મસ્જિદ થી, વહાં જબ મગરીબ કે વક્ત અઝાન હોતી થી તો મેરે ઘર મેં ચિરાગ જલતા થા” [ત્યાં એક મસ્જિદ હતી, અને અઝાન પોકારવામાં આવતી ત્યારે અમે અમારા ઘરમાં સાંજનો દીવો પ્રગટાવતા]."
પરંતુ જાન્યુઆરી 2024 ની શરૂઆતથી બંધ કરાવી દેવાયેલી અઝાન એ જ કુરેશીની એકમાત્ર ચિંતા નથી.
સૈનીએ આ પત્રકારને જણાવ્યું હતું, “અમને જણાવવામાં આવ્યું છે કે રામ મંદિર પરિસરને અડીને આવેલા આ તમામ ઘરોને ખાલી કરાવવાની યોજના છે. જમીન મહેસૂલ વિભાગના જિલ્લા સત્તાવાળાઓએ એપ્રિલ-મે [2023] મહિનામાં આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને મકાનોની માપણી કરી હતી.” સૈની અને કુરેશીના ઘરો મંદિરના પરિસર અને ડબલ બેરિકેડેડ વાડની બાજુમાં આવેલા છે.
ગુડિયા ઉમેરે છે, “અમે ખુશ છીએ કે અમારા ઘરની નજીક આટલું મોટું મંદિર ઊભું થયું છે અને આસપાસ આ બધો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ આ વસ્તુ [વિસ્થાપન] થી અમને કોઈ મદદ થશે નહીં." તેઓ કહે છે, "અયોધ્યા કા કાયાપલટ હો રહા હૈ, પર હમ હી લોગો કો પલટ કે [તેઓ અમને અહીંથી હઠાવીને અયોધ્યાની કાયાપલટ કરી રહ્યા છે]."
થોડે દૂર જ્ઞાનમતી યાદવ પહેલેથી જ પોતાનું ઘર ગુમાવી ચૂક્યા છે અને પરિવાર હવે ગાયના છાણ અને સૂકા ઘાસથી ઢંકાયેલી કામચલાઉ ઝૂંપડીમાં રહે છે. પોતાના પરિવારને તેમના નવા વાતાવરણમાં એકસાથે રાખવાનો પ્રયાસ કરી રહેલ આ વિધવા કહે છે, "અમે ક્યારેય કલ્પના સુદ્ધાં નહોતી કરી કે રામને તેમનું મંદિર મળી શકે એ માટે અમારે અમારું ઘર છોડવું પડશે." આ યાદવ પરિવાર દૂધ વેચીને રોજીરોટી કમાય છે.
અહિરાના મહોલ્લામાં મંદિરના આગળના પ્રવેશદ્વારને અડીને તેમનું છ ઓરડાનું પાકું મકાન હતું, પરંતુ ડિસેમ્બર 2023માં એ તોડી પાડવામાં આવ્યું હતું. તેમના મોટા દીકરા રાજને કહ્યું, “તેઓ અચાનક બુલડોઝર લઈને આવી ગયા અને અમારું ઘર તોડી પાડ્યું. જ્યારે અમે તેમને દસ્તાવેજો, ઘરના વેરાના અને વીજળીના બિલો બતાવવાનો પ્રયાસ કર્યો ત્યારે અધિકારીઓએ કહ્યું કે એ બધા કંઈ કામના નથી.” એ રાત્રે ચાર નાનાં બાળકો, એક વૃદ્ધ સસરા અને છ પશુઓ સહિતના એ પરિવારને શિયાળાની ઠંડીમાં છત વિના ધ્રૂજતો છોડી દેવાયો હતો. તેઓ ઉમેરે છે, "અમને કંઈપણ લેવાની મંજૂરી નહોતી." તાડપત્રીના તંબુમાં ગોઠવાતા પહેલા આ પરિવાર બે વાર સ્થળાંતર કરી ચૂક્યો છે.
જ્ઞાનમતી કહે છે, “આ મારા પતિનું પારિવારિક ઘર હતું. પાંચ દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં અહીં જ તેમનો અને તેમના ભાઈ-બહેનોનો જન્મ થયો હતો. પરંતુ અમને કોઈ જ પ્રકારનું વળતર પણ મળ્યું નહીં કારણ કે અમારી પાસે અમારી માલિકી સાબિત કરવાના દસ્તાવેજો હોવા છતાં સત્તાવાળાઓએ કહ્યું હતું કે આ નઝુલ જમીન [સરકારી જમીન] છે."
કુરેશી અને તેમના દીકરાઓ કહે છે કે જો પૂરતું વળતર આપવામાં આવશે તો તેઓ અયોધ્યા શહેરની હદમાં બીજી જમીન તો લેશે, પરંતુ આ જગ્યા છોડીને જવાનું તેમને ગમશે નહીં. શબ્બીરના નાના દીકરાઓ પૈકીના એક જમાલ કુરેશી કહે છે, “અહીં બધા અમને ઓળખે છે; અમારા નજીકના સંબંધો છે. જો અમે અહીંથી નીકળી જઈશું અને [મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા] ફૈઝાબાદમાં જઈશું તો અમે પણ બીજા સામાન્ય લોકો જેવા થઈ જઈશું. પછી અમે અયોધ્યાવાસી [અયોધ્યાના રહેવાસી] નહીં રહીએ.”
આ જ લાગણીનો પડઘો પાડતા અજય સૈની કહે છે, “આ ભૂમિ સાથે અમારી શ્રદ્ધા જોડાયેલી છે. અમને અહીંથી 15 કિલોમીટર દૂર ધકેલી દઈને તો તમે અમારી શ્રદ્ધા અને અમારો ધંધો બંને છીનવી લેશો."
પોતાનું ઘર છોડીને દૂર જવાની સૈનીની અનિચ્છા તેમના કામ સાથે પણ જોડાયેલી છે. તેઓ ઉમેરે છે, “અહીંથી દરરોજ 20 મિનિટ સાયકલ ચલાવીને હું નયા ઘાટ નજીક આવેલા નાગેશ્વરનાથ મંદિરમાં ફૂલો વેચવા જાઉં છું. હું રોજના 50 થી 500 રુપિયા કમાઉં છું, જેવી પ્રવાસીઓની ભીડ. ઘરનું ગુજરાન ચલાવવા માટે મારી આવકનો આ એકમાત્ર સ્ત્રોત છે. કોઈપણ ફેરફારનો અર્થ હશે "મુસાફરીનો વધારે લાંબો સમય અને વધારાનો ખર્ચ."
જમાલ કહે છે, “અમને ગર્વ છે કે આટલું ભવ્ય મંદિર અમારા ઘરની પાછળના વરંડામાં ઊભું છે. દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા શ્રદ્ધાના આધારે તેને મંજૂરી આપવામાં આવી છે અને તેનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી."
"પણ," તેઓ ઉમેરે છે, "અમને અહીં રહેવા દેવામાં નહીં આવે. અમને હાંકી કાઢવામાં આવી રહ્યા છે.”
આ પરિવારો પહેલેથી જ આમતેમ ફરતા સશસ્ત્ર કેન્દ્રીય અનામત પોલીસ દળ (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ - સીઆરપીએફ) ના માણસો સાથેના સશસ્ત્ર ઝોનમાં રહેવાને કારણે અને તેમના ઘરની નજીક મંદિરના પાછળના પરિસરમાં સંત્રીબુર્જ પર સતત ઊભા રહેતા ચોકીદારને કારણે એક પ્રકારનું દબાણ અનુભવી રહ્યા છે. ગુડિયા કહે છે, “દર મહિને ચાર વાર અલગ-અલગ એજન્સીઓ અહીં રહેવાસીઓની ચકાસણી માટે આવે છે. જો મારે ઘેર મહેમાનો અને સંબંધીઓ રાત રોકાવાના હોય તો તેમની વિગતો પોલીસને આપવાનું ફરજિયાત છે."
આહિરાના ગલી અને મંદિરની નજીકના અમુક રસ્તાઓ પર સ્થાનિકોને સવારી કરવા પર પ્રતિબંધ છે. હનુમાન ગઢીના કેન્દ્રીય સ્થાન સુધી પહોંચવા માટે આ ટૂંકા રસ્તાને બદલે તેઓને લાંબો ગોળ ફરીને જતો રસ્તો લેવો પડશે.
દુરાહી કુઆંમાં તેમના ઘરની સામેનો આ જ રસ્તો 22 મી જાન્યુઆરી, 2024 ના રોજ આયોજિત રામ મંદિરના ભવ્ય ઉદ્દઘાટન માટે મોટી સંખ્યામાં ઉમટેલા રાજકીય નેતાઓ, મંત્રીઓ અને પ્રખ્યાત વ્યક્તિઓ (સેલિબ્રિટીસ) જેવા વીઆઈપી લોકોને માટેનો (આવવા-જવાનો) માર્ગ હતો.
*****
5 મી ફેબ્રુઆરી, 2024 સોમવારના રોજ રાજ્ય સરકારે 2024-25 માટે તેનું અંદાજપત્ર રજૂ કર્યું અને તેને ભગવાન રામને સમર્પિત કર્યું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, “ભગવાન શ્રી રામ વિચારમાં, સંકલ્પમાં અને અંદાજપત્રના એકેએક શબ્દમાં છે.” આ અંદાજપત્રમાં અયોધ્યામાં માળખાકીય વિકાસ માટે રુ. 1500 કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે જેમાં પ્રવાસન વિકાસ માટે રુ. 150 કરોડ અને આંતરરાષ્ટ્રીય રામાયણ અને વૈદિક સંશોધન સંસ્થા માટે રુ. 10 કરોડ ફાળવવામાં આવ્યા છે.
આ મંદિરનું સંકુલ 70 એકર જમીનમાં ફેલાયેલું હોવાનું કહેવાય છે. મુખ્ય રામ મંદિર 2.7 એકરમાં ફેલાયેલું છે. આ સમગ્ર યોજના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ (SRJTKT) તરફથી ભંડોળ મેળવે છે. આ ટ્રસ્ટ વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ - એફસીઆરએ) હેઠળ નોંધણી કરાવવા માટે જે કેટલીક સંસ્થાઓની તરફેણ કરવામાં આવી હતી તેમાંનું એક છે, જે વિદેશી નાગરિકો તરફથી મળતા દાનને મંજૂરી આપે છે; ભારતીય નાગરિકો દ્વારા ટ્રસ્ટને આપવામાં આવેલ દાન કર કપાત માટે પાત્ર છે.
અયોધ્યાના વિકાસ માટેના ભંડોળના ભરપૂર પ્રવાહમાં કેન્દ્ર સરકારે કરેલી સખાવતો સ્પષ્ટ જોઈ શકાય છે - 11100 કરોડ રુપિયાની 'વિકાસ' યોજનાઓની સાથે સાથે રેલ્વે સ્ટેશનને આકર્ષક અને આધુનિક બનાવવા, તેનું નવીનીકરણ કરવા માટે રુપિયા 240 કરોડ અને નવા હવાઈમથક માટે રુપિયા 1450 કરોડ.
ઉદ્દઘાટન પછી વધુ ઉથલપાથલ થવાની અપેક્ષા છે. મુકેશ મેશ્રામ કહે છે, “મંદિર ખુલ્લું મુકાયા પછી અયોધ્યામાં રોજના અંદાજિત 3 લાખથી વધુ પ્રવાસીઓ આવશે.” તેઓ ઉત્તર પ્રદેશ સરકારના મુખ્ય (પ્રવાસન) સચિવ છે.
વધારાના મુલાકાતીઓ માટેની તૈયારીમાં શહેર-વ્યાપી માળખાકીય વિસ્તરણ યોજનાઓનો સમાવેશ થશે જે જૂના ઘરો અને જૂની મિત્રતાને એક જ ઝાટકે તોડી પાડતી શહેર-વ્યાપી માળખાકીય વિસ્તરણ યોજનાઓનો સમાવેશ થશે.
કુરેશીના પુત્ર જમાલ ઉમેરે છે, “ગલીના ખૂણે રહેતા મુસ્લિમ પરિવારને, જેઓ અમારા સંબંધીઓ છે તેમને, પહેલેથી જ વળતર ચૂકવવામાં આવ્યું છે. તેમનું ઘર મંદિરની વાડને અડીને આવેલું હોઈ તેને આંશિક રીતે તોડી પાડવામાં આવ્યું છે." તેઓ મંદિરના 70-એકરના નિર્ધારિત વિસ્તારની નજીકમાં રહેતા 50 મુસ્લિમ પરિવારો સહિત લગભગ 200 પરિવારો તરફ નિર્દેશ કરે છે, મંદિર ટ્રસ્ટ (એસઆરજેટીકેટી) આ મિલકતો (તેમના મકાનો) હસ્તગત કરવાની યોજના ધરાવતું હોઈ આ પરિવારો હવે હકાલપટ્ટીને આરે આવીને ઊભા છે.
વીએચપી નેતા શરદ શર્માએ જણાવ્યું હતું, "જે મકાનો મંદિરની પરિમિતિના માર્ગમાં હતા તેમને આ ટ્રસ્ટ દ્વારા ખરીદી લેવામાં આવ્યા છે અને એ લોકોને યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું છે. વધારાના સંપાદન માટેની કોઈ યોજના નથી." પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે આ ટ્રસ્ટ મંદિરની આજુબાજુના રહેણાંકના મકાનો અને ફકીરે રામ મંદિર અને બદ્ર મસ્જિદ જેવા ધાર્મિક સ્થળો સહિતની જમીન બળપૂર્વક સંપાદિત કરી રહ્યું છે.
આ દરમિયાન પહેલેથી જ વિસ્થાપિત યાદવ પરિવારે દરવાજા પર ભગવાન રામનો ફોટો લટકાવ્યો છે. રાજન કહે છે, "જો અમે પોસ્ટર નહીં લટકાવીએ તો તેઓ અમારે માટે અહીં રહેવાનું પણ હરામ કરી દેશે." 21 વર્ષના આ યુવાને પોતાનું ઘર ગુમાવ્યા પછી હેરાન કરવામાં આવતા પરિવારને મદદ કરવા માટે પોતાની કુસ્તીની તાલીમ અધવચ્ચે છોડી દીધી હતી. તેમણે પારીને કહ્યું હતું, “દર અઠવાડિયે અધિકારીઓ અને અજાણ્યા માણસો અહીં આવીને અમને અમે જ્યાં ઝૂંપડું બાંધ્યું છે તે પ્લોટ ખાલી કરાવવાની ધમકી આપે છે. આ જમીન અમારી માલિકીની છે તેમ છતાં અમને કોઈ પાકું બાંધકામ કરવાની મંજૂરી નથી."
*****
કુરેશી યાદ કરે છે, “મારું ઘર બળી રહ્યું હતું. એ લૂંટાઈ રહ્યું હતું. અમે [ગુસ્સે ભરાયેલા ટોળા]થી ઘેરાયેલા હતા." તેઓ 6 ઠ્ઠી ડિસેમ્બર, 1992 ના રોજ જ્યારે હિન્દુઓના ટોળાંઓ દ્વારા બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવી હતી અને અયોધ્યામાં મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા તે દિવસની અને ત્યાર પછીની ઘટનાઓનો ઉલ્લેખ કરી રહ્યા છે.
ત્રીસ વર્ષ પછી આજે તેઓ કહે છે, “આવા સંજોગોમાં મારા વિસ્તારના લોકોએ મને છુપાવી દીધો હતો અને મને સુરક્ષિત રાખ્યો હતો. સાચું કહું છું, આ વાત હું મરતાં સુધી ક્યારેય નહીં ભૂલી શકું."
આ કુરેશી પરિવાર એ દુરાહી કુવાંના હિંદુ બહુમતી ધરાવતા વિસ્તારમાં રહેતા મુઠ્ઠીભર મુસ્લિમોમાંનો એક છે. પોતાના ઘરની પાછળના વરંડામાં લોખંડના ખાટલા પર બેઠેલા કુરેશી આ પત્રકારને કહે છે, “અમે ક્યારેય આ વિસ્તાર છોડી જવાનું વિચાર્યું નથી. આ મારું પૈતૃક ઘર છે. હું તો જાણતોય નથી કે અમારા કેટકેટલા વંશજો અહીં વસ્યા છે. હું અહીંના હિંદુઓની જેમ જ અહીંનો મૂળ નિવાસી છું." તેઓ તેમના પોતાના આઠ દીકરાઓ, તેમની પત્નીઓ અને બાળકો તેમજ તેમના બે ભાઈઓ અને તેમના પરિવારો સહિતના વિશાળ પરિવારના વડા છે. તેઓ કહે છે કે તેમના પરિવારના જે 18 સભ્યો પાછળ રહી ગયા હતા તેઓને તેમના પડોશીઓએ છુપાવી દીધા હતા.
ગુડિયા સૈની કહે છે, “તેઓ અમારા પરિવાર જેવા છે અને સુખ-દુઃખમાં અમારી પડખે ઊભા રહ્યા છે. જો તમે હિંદુ થઈને સંકટ સમયે અમારી મદદ ન કરો તો આવા હિન્દુત્વને શું ધોઈને પીવું છે?
કુરેશી ઉમેરે છે: “આ અયોધ્યા છે, તમે ન તો અહીંના હિંદુઓને સમજી શકો છો, ન મુસ્લિમોને. આ લોકો એકબીજા સાથે કેવા અને કેટલા હળીમળી ગયા છે એ તમે ક્યારેય નહીં સમજી શકો."
પોતાનું ઘર બળી ગયા પછી આ પરિવારે જમીનની એક સાંકડી પટ્ટી પર ઘરના કેટલોક ભાગો ફરીથી ચણ્યા હતા. ઘરની પાછળના ખુલ્લા વરંડાની ફરતે પરિવારના 60 સભ્યોને રહેવા માટેના ત્રણ અલગ-અલગ માળખાં છે.
કુરેશીના બે દીકરાઓ - 45 વર્ષના બીજા દીકરા અબ્દુલ વાહીદ અને 35 વર્ષના ચોથા દીકરા જમાલ - વેલ્ડીંગનો ધંધો કરે છે અને તેમણે નવા મંદિરના બાંધકામને ખૂબ નજીકથી અને સ્પષ્ટપણે જોયું છે. જમાલ કહે છે, "અમે 15 વર્ષ સુધી અંદર કામ કર્યું છે, અમે 13 સુરક્ષા ટાવર અને મંદિરની પરિમિતિની આસપાસ 23 અવરોધો ઉભા કરવા સહિતના વેલ્ડીંગના અનેક કામો હાથ ધર્યા છે." તેઓ કહે છે કે તેઓ આરએસએસ, વીએચપી અને તમામ હિંદુ મંદિરો સાથે કામ કરે છે અને આરએસએસના મકાનની અંદર પણ વોચ ટાવર લગાવી રહ્યા છે. જમાલ કહે છે, “યહી તો અયોધ્યા હૈ [આ જ તો છે અયોધ્યા]! હિંદુઓ અને મુસ્લિમો એકબીજા સાથે શાંતિથી હળીમળીને રહે છે અને કામ કરે છે."
તેમની દુકાન ન્યુ સ્ટાઈલ એન્જીનીયરીંગ તેમના ઘરના આગળના ભાગમાંથી ચાલે છે. આ જમણેરી સંગઠનોના અનુયાયીઓ જ તેમના જેવા મુસ્લિમોને નિશાન બનાવે છે એ વિડંબના આ કુરેશી પરિવારને સમજાઈ નથી એવું નથી. જમાલ જણાવે છે, "મુશ્કેલી ત્યારે જ શરૂ થાય છે જ્યારે બહારના લોકો આવીને વિવાદો ઊભા કરે છે."
આ પરિવારો સાંપ્રદાયિક તણાવના જોખમોથી પરિચિત છે, ખાસ કરીને ચૂંટણીના વર્ષમાં. કુરેશી ભારપૂર્વક કહે છે “અમે આવી ખતરનાક પરિસ્થિતિઓ ઘણી વખત જોઈ છે. અમે જાણીએ છીએ કે આ બધું રાજકીય લાભ માટે કરવામાં આવે છે. આ બધી રમતો દિલ્હી અને લખનૌમાં કુર્સી [રાજકીય બેઠક] મેળવવા માટે રમાય છે. તેનાથી અમારા સંબંધોને ઊની આંચ પણ નહીં આવે."
સૈની જાણે છે કે તેમની હિંદુ ઓળખ હિંસક ટોળાની સામે થોડા સમય માટે તેમનું રક્ષણ કરી શકે છે, જેમ કે ડિસેમ્બર 1992 માં તેમનું ઘર બચી ગયું હતું અને કુરેશીના ઘર પર હુમલો કરવામાં આવ્યો હતો. સૈની જણાવે છે, “જો તેમના ઘરમાં આગ લાગે તો જ્વાળાઓ મારા ઘરમાં પણ ફેલાઈ જશે." આવા સંજોગોમાં, “અમે ચાર ડોલ પાણી વધારે નાખીશું અને આગ ઓલવીશું.” તેમની કુરેશી પરિવાર પ્રત્યેની લાગણીની વાત કરતા તેમણે કહ્યું, "અમે બરોબર જાણીએ છીએ કે અમે એકમેકની પડખે ઊભા રહીશું, એકબીજાને મદદ કરવા અમે હંમેશ તૈયાર હોઈશું."
ગુડિયા ઉમેરે છે, "અમે એકબીજા સાથે ખૂબ જ પ્રેમ અને લાગણીપૂર્વક જીવીએ છીએ."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક