13 ફેબ્રુઆરીના રોજ પંજાબના સમાજશાસ્ત્રના વિદ્યાર્થી દવેન્દર સિંહ ભંગુ પોતાના મિત્રો સાથે ખેડૂતોના વિરોધ આંદોલનમાં જોડાવા શંભુ સરહદ પર ગયા હતા. જ્યારે તેઓ બપોરે લગભગ 2 વાગ્યે ત્યાં પહોંચ્યા, ત્યારે રેપિડ એક્શન ફોર્સ (આર.એ.એફ.) અને સરહદની હરિયાણા બાજુની પોલીસ પહેલેથી જ ખેડૂતો વિરુદ્ધ કાર્યવાહીમાં તૈનાત હતી.
દવેન્દરના મિત્ર તરણવીર સિંહ કહે છે, “જ્યારે અમે એક જૂથમાં શાંતિથી ઊભા હતા ત્યારે રબરની ગોળી તેની ડાબી આંખમાં વાગી હતી. દવેન્દર તરત જ નીચે પડી ગયો હતો. જ્યારે અમે તેને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે પોલીસે અમારા પર ત્રણ કે ચાર અશ્રુવાયુના ગોળા છોડ્યા હતા.” આ બધું વિરોધ પ્રદર્શનના સ્થળ પર તેમના આગમનના એક કલાકની અંદર, બપોરે 3 વાગ્યાની આસપાસ થયું.
ખેડૂતોએ અન્ય મુદ્દાઓ સાથે એમ.એસ.પી. (લઘુતમ ટેકાના ભાવ) માટે કાનૂની બાંયધરીની માંગ સાથે 13 ફેબ્રુઆરીએ દિલ્હી તરફ શાંતિપૂર્ણ કૂચ શરૂ કરી હતી. તેમને પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ સરહદ પર પોલીસ અને આર.એ.એફ. દ્વારા રોકવામાં આવ્યા હતા અને તેમને કૂચ કરતા અટકાવવા માટે બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા હતા. જ્યારે ખેડૂતોએ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના પર અશ્રુવાયુના ગોળા અને રબરની ગોળીઓથી હુમલો કરવામાં આવ્યો (આ પણ વાંચો: શંભુ સરહદ પર મારો જીવ ઘૂંટાય છે)
દવેન્દર લોહીથી લથપથ થઈ જતાં તેમના મિત્રો અશ્રુવાયુના ગોળાના તીવ્ર ધુમાડાનો સામનો કરીને પણ આવ્યા, અને તેમને ઝડપથી ઉપાડી લીધા. તેઓ 22 વર્ષીય દવેન્દરને ઘટનાસ્થળેથી એમ્બ્યુલન્સમાં લગભગ 20 કિલોમીટર દૂર આવેલી બાનુરની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાંના ડૉક્ટરોએ તેમને ચંદીગઢની સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં જવાનું કહ્યું, જ્યાં 15 ફેબ્રુઆરીના રોજ તેમની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડૉક્ટરો કહે છે કે તેમની ડાબી આંખમાં દૃષ્ટિ પાછી મેળવવાની શક્યતા ઓછી છે.
દવેન્દરના પિતા મંજીત સિંહ પણ ખેડૂત છે, તેમણે મીડિયાને જણાવ્યું હતું કે તેમના પુત્રએ વિદેશ ન જવાનો નિર્ણય કર્યો હતો અને તેના બદલે અહીં જ રહીને પોલીસ દળમાં જોડાવાની તૈયારી કરી હતી.






















