હરમનદીપ સિંહ તેમની આસપાસ રંગબેરંગી પતંગો સાથે ઊભા છે. આગળ રસ્તામાં, પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ સરહદ પર, ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા અટકાવવા માટે પોલીસ દ્વારા વિશાળ બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા છે.
અમૃતસરના આ 17 વર્ષીય છોકરાએ વિરોધ કરી રહેલા ખેડૂતો પર આંસુ ગેસના ગોળા છોડતા ડ્રોનને નીચે પાડી દેવા માટે પતંગોનો ઉપયોગ કર્યો હતો, જે આવા હુમલાનો સામનો કરવાની એક અવનવી રીત છે. તેઓ કહે છે, “મેં મારી આંખોની આસપાસ ટૂથપેસ્ટ પણ લગાવી છે, કારણ કે તેનાથી આંસુ ગેસની અસરોને ઘટાડવામાં મદદ મળે છે. અમે આગળ વધતા રહીશું અને આ લડાઈ જીતીને જ રહીશું.”
હરમનદીપ પંજાબના હજારો ખેડૂતો અને મજૂરોમાંના એક છે, જેમણે 13 ફેબ્રુઆરી, 2024ના રોજ દિલ્હી તરફ શાંતિપૂર્ણ કૂચ શરૂ કરી હતી. શંભુ સરહદ પર તેમણે અર્ધલશ્કરી દળ, રેપિડ એક્શન ફોર્સ (આર.એ.એફ.) ના જવાનો અને પોલીસ અધિકારીઓનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર લોખંડની ખીલીઓ અને કોંક્રિટની દિવાલો ઊભી કરવામાં આવી હતી, જે ખેડૂતોને દિલ્હીમાં તેમના વિરોધ સ્થળ સુધી પહોંચતા અટકાવવાના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.
પ્રથમ બેરિકેડ પર, ગુરજંદ સિંહ ખાલસા પાંચ મુખ્ય માંગણીઓ − સ્વામીનાથન આયોગની ભલામણો અનુસાર લઘુતમ ટેકાના ભાવ (એમ.એસ.પી.) ની બાંયધરી, ખેડૂતો અને ખેત મજૂરોના દેવાની સંપૂર્ણ માફી, લખીમપુર ખેરી હત્યાકાંડમાં અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય આપવા અને ગુનેગારોની ધરપકડ કરવા, ખેડૂતો અને મજૂરો માટે પેન્શન યોજના શરૂ કરવા અને વિરોધ પ્રદર્શનમાં શહીદ થયેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવા − ને પુનરાવર્તિત કરીને એક સભાને સંબોધે છે.
























