સિદ્દદુ ગાવડેએ જ્યારે શાળાએ જવાનું નક્કી કર્યું ત્યારે તેમના માતા-પિતાએ તેમને 50 ઘેટાંનું ટોળું સોંપી તેમને ચરાવવા લઈ જવાનું કહ્યું. બધાની અપેક્ષા હતી કે બીજા ઘણા કુટુંબીજનો અને મિત્રોની જેમ તેમણે પણ જિંદગીના શરૂઆતના વર્ષોથી જ પેઢી-દર-પેઢીથી ચાલ્યો આવતો ઘેટાં-ઉછેરનો વ્યવસાય કરવો જોઈએ; પરિણામે તેઓ ક્યારેય શાળાના પગથિયાં ચડ્યા જ નહીં.
ગાવડે મહારાષ્ટ્રમાં વિચરતી જાતિ તરીકે સૂચિબદ્ધ ઘેટાં-બકરાં પાળતા ધનગર સમુદાયમાંથી છે. આ સમુદાય વર્ષના છ મહિના કે તેથી પણ વધુ લાંબો સમય પોતાના ઘરથી સેંકડો કિલોમીટર દૂર પ્રાણીઓના ઉછેરમાં વિતાવે છે.
એક દિવસ ઉત્તર કર્ણાટકના કારદગા ગામમાં પોતાના ઘરથી લગભગ સો કિલોમીટર દૂર ઘેટાં ઉછેરતી વખતે તેમણે એક સાથી ભરવાડને દોરાની મદદથી ગોળાકાર આંટી વાળી કંઈક બનાવતા જોયો. તેઓ કહે છે, "મને એ બહુ ગમી ગયું." તેઓ યાદ કરે છે કે કેવી રીતે વૃદ્ધ ધનગર (ભરવાડ) કુશળતાપૂર્વક સફેદ સુતરાઉ દોરાઓ વડે જાળી (ગોળાકાર થેલી) ગૂંથતા હતા, જેમ જેમ તેઓ આગળ વણાતી જાય તેમ તેમ દોરાનો રંગ શીંગ જેવો કથ્થઈ થતો જતો હતો.
આ અણધારી મુલાકાત પછી એ નાનકડા છોકરાએ એ હસ્તકલાની સફર શરુ કરી એટલું જ નહીં આગામી 74 વર્ષ સુધી એ હસ્તકલાનો અભ્યાસ કર્યો અને હજી આજે પણ તેમના હાથ અટક્યા નથી.
આ જાળી એ હાથેથી ગૂંથેલો એક સપ્રમાણ બગલથેલો છે જે સુતરાઉ દોરામાંથી બનાવેલો છે અને ખભાની આસપાસ લટકાવવામાં છે. સિદ્દદુ કહે છે, "લગભગ દરેક ધનગર આ જાળીને તેમની લાંબી મુસાફરીએ [ઘેટાં-બકરાં ચારવા જાય ત્યારે સાથે] લઈ જાય છે. તેમાં ઓછામાં ઓછી 10 ભાખરી અને એક જોડી કપડાં તમે મૂકી શકો. ઘણા ધનગરો તેમાં નાગરવેલનાં પાન અને તમાકુ, ચૂનો પણ રાખે છે.”
આ જાળી એક ચોક્કસ માપની હોય છે, પરંતુ આ ભરવાડો કોઈ ફૂટપટ્ટી અથવા વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરતા નથી.એ વાત પરથી એ બનાવવા માટે જરૂરી કૌશલ્યનો ખ્યાલ આવે છે. સિદ્દદુ કહે છે, "તે એક વેંત અને ચાર આંગળ જેટલી ઊંચી હોવી જોઈએ." તેમણે બનાવેલી દરેક જાળી ઓછામાં ઓછા 10 વર્ષ ચાલે છે. “તે વરસાદમાં ભીની ન થવી જોઈએ. ઉપરાંત, ઉંદરોને પણ એ જાળી કાતરવાનું ગમે છે, તેથી તમારે બહુ ધ્યાન રાખવું પડે."
આજે કારદગામાં સિદ્દદુ એ એકમાત્ર ખેડૂત છે કે જેઓ સુતરાઉ દોરાની મદદથી જાળી બનાવી શકે છે. તેઓ કહે છે, "કન્નડામાં તેને જાળગી કહે છે." કારદગા બેલગાવી જિલ્લાના ચિકોડી (જેને ચિક્કોડી પણ કહે છે) તાલુકામાં મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદની નજીક આવેલું છે. ગામમાં લગભગ 9000 લોકો રહે છે જેઓ મરાઠી અને કન્નડા બંને ભાષા બોલી જાણે છે.
બાળપણમાં સિદ્દદુ સુતી (સુતરાઉ દોરા) લઈને આવતી ટ્રકની રાહ જોતા રહેતા. તેઓ સમજાવે છે, "[ઝડપી] પવનને કારણે [પસાર થતી] ટ્રકો પરથી દોરા (રસ્તા પર) પડી જતા અને હું એ એકઠા કરી લેતો." તેઓ ગાંઠો વાળવાનો પ્રયત્ન કરતા દોરાઓ સાથે રમતા રહેતા. “મને આ કળા કોઈએ શીખવી નથી. હું એક મ્હાતારા [વૃદ્ધ] ધનગરને જોઈ-જોઈને આ શીખ્યો હતો.”
પહેલે વર્ષે સિદ્દદુએ માત્ર લૂપ બનાવ્યા અને ગાંઠ વાળવાના અનેક પ્રયાસો કર્યા. તેઓ કહે છે, "છેવટે મારા ઘેટાં અને કૂતરા સાથે હજારો કિલોમીટરની મુસાફરી કર્યા પછી હું આ જટિલ કળા શીખી ગયો." ગૂંથણકામ માટે સોયાનો ઉપયોગ ક્યારેય ન કરતા આ કલાકાર કહે છે, "અહીં ખરી કુશળતા ગોળાકારમાં સમાન અંતરે લૂપ બનાવવામાં અને આખી જાળી તૈયાર ન થાય ત્યાં સુધી એ આકાર જાળવી રાખવામાં છે."
દોરો પાતળો હોય તો સરખી ગાંઠો વળતી નથી, તેથી સિદ્દદુ માટે પહેલું પગલું એ દોરાને જાડો બનાવવાનું છે. એ માટે તેઓ મોટા રોલમાંથી આશરે 20 ફીટ સફેદ દોરો વાપરે છે. તેઓ તેને ઝડપથી લાકડાના એક પરંપરાગત સાધનની આસપાસ વીંટે છે જેને મરાઠીમાં ટાકળી અથવા ભિંગરી કહે છે. ટાકળી એ લાકડાનું એક લાંબુ સાધન છે, એ લગભગ 25 સેન્ટિમીટર લાંબુ હોય છે અને તેને એક છેડે મશરૂમ આકારનો વળાંક હોય છે અને બીજો છેડો અણીદાર હોય છે.
પછીથી તેઓ આ 50 વર્ષ જૂની બાબુળ (બાવળના લાકડાની) ટાકળી તેમના જમણા પગ પર મૂકીને ઝડપથી ફેરવે છે. ફેરવવાનું બંધ કર્યા વિના તેઓ ડાબા હાથથી ટાકળી ઉપાડીને દોરો ખેંચવાનું શરૂ કરે છે. તેઓ સમજાવે છે, "દોરાને જાડો કરવાની આ પરંપરાગત પદ્ધતિ છે." અને 20 ફીટના પાતળા દોરામાંથી જાડી દોરી બનાવતા તેમને લગભગ બે કલાક લાગે છે.
જાડા દોરા ખરીદવાનું મોંઘુ પડતું હોવાથી સિદ્દદુ આ (પરંપરાગત) પ્રક્રિયાને વળગી રહ્યા છે. તેઓ કહે છે, "તીન પદર ચ કરાવા લાગતે [દોરો ત્રણ તાંતણાનો બનેલો હોવો જોઈએ]." જો કે પગ અને ટાકળી વચ્ચેના ઘર્ષણને કારણે ચામડી ઘસાય છે અને બળતરા થાય છે, સોજો આવે છે, તેઓ હસતા હસતા કહે છે, “મગ કાય હોતે, દોન દિવસ આરામ કરાયચ [પછી શું થાય? બે દિવસ આરામ કરવાનો, બીજું કંઈ નહીં]."
આજકાલ તો ટાકળી મળવી પણ મુશ્કેલ થઈ ગઈ છે, સિદ્દદુ કહે છે, "યુવાન સુથારોને એ બનાવતા જ ક્યાં આવડે છે?" 1970 ના દાયકાની શરૂઆતમાં તેમણે ગામડાના એક સુથાર પાસેથી 50 રુપિયા ચૂકવીને એક ટાકળી ખરીદી હતી. એ દિવસોમાં 50 રુપિયા તો બહુ મોટી રકમ કહેવાય, સારી ગુણવત્તાના ચોખા પણ ત્યારે તો એક રુપિયાના એક કિલોગ્રામ મળતા હતા.
જાળી બનાવવા માટે તેઓ લગભગ બે કિલોગ્રામ સુતરાઉ દોરો ખરીદે છે અને દોરાની ઘનતા અને જાડાઈના આધારે તેઓ કેટલા ફીટ દોરા વણવા તે નક્કી કરે છે. હજી થોડા વર્ષો પહેલા સુધી તેઓ નવ કિલોમીટર દૂર મહારાષ્ટ્રના રેંદાળ ગામમાંથી સુતરાઉ દોરા ખરીદતા હતા. તેઓ કહે છે, "હવે અમારા ગામમાં સહેલાઈથી દોરા મળી જાય છે, અને ગુણવત્તાના આધારે કિલોગ્રામ દીઠ તેના લગભગ 80-100 રુપિયા થાય છે." તેઓ યાદ કરે છે કે 90 ના દાયકાના અંતમાં એ જ દોરો એક કિલોગ્રામના 20 રુપિયાના ભાવે મળતો અને ત્યારે તેઓ લગભગ બે કિલો દોરો ખરીદતા.
તેઓ કહે છે કે જાળી બનાવવાની કળા પરંપરાગત રીતે પુરુષોના હાથમાં રહી છે, તેમના પત્ની, સ્વર્ગસ્થ મયવ્વા તેમને દોરા જાડા કરવામાં મદદ કરતા હતા. સિદ્દદુ યાદ કરે છે, "તે એક નિષ્ણાત કારીગર હતી." 2016 માં કિડની કામ કરતી બંધ થઈ જતા મયવ્વાનું મૃત્યુ થયું હતું. "તેને ખોટી સારવાર મળી હતી. અમે તેની અસ્થમાની સારવાર માટે ગયા હતા, અને એ દવાઓની એટલી પીડાદાયક આડઅસર થઈ કે તેની કિડની કામ કરતી બંધ થઈ ગઈ."
સિદ્દદુ કહે છે કે, તેમની સ્વર્ગસ્થ પત્ની જેવી મહિલાઓ ઘેટાંના વાળ ઊતારીને ઊનના દોરા બનાવવામાં કુશળ હોય છે. ધનગરો પછી આ દોરાઓ સનગરોને આપે છે ને તેઓ તેમાંથી ખાડા સાળ પર ઘોંગડી (ઊની ધાબળા) બનાવે છે - ખાડા સાળ એ એક એવી સાળ છે જે ખાડામાં બંધ બેસે છે અને વણાટકામ કરવા માટે વણકર પેડલ્સનો ઉપયોગ કરે છે.
કેટલી અને કેવી જરૂરિયાત છે અને કેટલો સમય છે એના આધારે સિદ્દદુ દોરાને કેટલા જાડા બનાવવા એ નક્કી કરે છે. તે પછી તેઓ સૌથી જટિલ ભાગ તરફ આગળ વધે છે આંગળીથી જાળી વણવાના, જેમાં તેઓ દોરાના લૂપ્સને એકબીજા સાથે જોડીને ગાંઠો બાંધીને ઝડપથી સટકિયું વાળે છે. એક બેગ માટે તેઓ સમાન અંતરે 25 લૂપ્સની સાંકળ બનાવે છે.
તેઓ ઉમેરે છે, "સૌથી મુશ્કેલ ભાગ એ ગોળાકારમાં લૂપ્સ શરૂ કરવાનું અને બનાવવાનું છે." તેઓ ઉમેરે છે કે ગામમાં 2-3 ધનગરો જાળી કેવી રીતે બનાવવી એ જાણે છે, પરંતુ “જાળીનો નીચેનો ભાગ, ગોળાકાર માળખું, બનાવવામાં તેઓને હંમેશા તકલીફ પડે છે. તેથી તેમણે હવે જાળી બનાવવાનું છોડી દીધું છે."
ગોળાકાર માળખું બનાવતા સિદ્દદુને 14 કલાકથી વધુ સમય લાગે છે. તેઓ કહે છે, "જો તમે એક (નાનીસરખી સહેજ) પણ ભૂલ કરો તો તમારે બધું ફરીથી કરવું પડે." જો સિદ્દદુ દરરોજ ઓછામાં ઓછા ત્રણ કલાક જાળી બનાવવાનું કામ કરે તો એક જાળી બનાવતા તેમને ઓછામાં ઓછા 20 દિવસ લાગે છે. તેઓ ચોક્કસ માપની એક-એક ગાંઠ સાથે 60 કલાકમાં 300 ફીટથી વધુ દોરા ગૂંથે છે. હવે ખેતીમાં સારો એવો સમય વિતાવતા સિદ્દદુ જાળી ગૂંથવા થોડો સમય કાઢી લે છે. છેલ્લા સાત દાયકાઓમાં તેમણે આ કળામાં નિપુણતા મેળવવા માટે 6000 કલાકથી વધુ સમય ગાળી અનેક ધનગરો માટે 100 થી વધુ જાળીઓ બનાવી છે.
સિદ્ધુને લોકો પ્રેમથી પાટકર મ્હાતારા (પાઘડીવાળા વૃદ્ધ) પણ કહે છે - તેઓ દરરોજ સફેદ પગડી પહેરે છે.
મોટી ઉંમર થઈ હોવા છતાં પ્રખ્યાત વારી માટે છેલ્લા નવ વર્ષથી તેઓ 350 કિલોમીટર ચાલીને મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પંઢરપુર શહેરમાં આવેલા વિઠોબાના મંદિરે જાય છે અને પાછા આવે છે. અષાઢ (જૂન/જુલાઈ) અને કાર્તિક (દિવાળી પછી ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ) દરમિયાન સમગ્ર મહારાષ્ટ્ર અને ઉત્તર કર્ણાટકના કેટલાક જિલ્લાઓમાંથી ભક્તો સમૂહમાં ચાલતા આ મંદિરે જાય છે. તેઓ સંત તુકારામ, જ્ઞાનેશ્વર અને નામદેવ (જેવા અનેક સંતો) ની રચનાઓ અને અભંગ ગાય છે.
તેઓ કહે છે, “હું વાહનમાં જતો નથી. વિઠોબા આહે માઝ્યાસોબત. કાહીહી હોત નાહી [હું જાણું છું કે વિઠોબા મારી સાથે છે, અને કંઈ થવાનું નથી]." પંઢરપુરના વિઠ્ઠલ-રુક્મિણી મંદિરે પહોંચતા તેમને 12 દિવસ લાગ્યા હતા; જ્યારે આરામ કરવા માટે રોકાતા ત્યારે તેઓ (જાળી ગૂંથવા) લૂપ્સ બનાવવા માટે સુતરાઉ દોરા હાથમાં લેતા.
સિદ્દદુના પિતા સ્વર્ગસ્થ બાળુ પણ જાળીઓ બનાવતા હતા. માંડ કોઈ જાળી ગૂંથનારા કારીગરો બચ્યા હોવાથી ઘણા ધનગરો કાપડની થેલીઓ ખરીદતા થયા છે. સિદ્દદુ કહે છે, "સમય અને સંસાધનો, બધું જોતાં કલાનું આ સ્વરૂપ ચાલુ રાખવું પોસાય તેમ નથી." તેઓ દોરા પાછળ 200 રુપિયા ખર્ચે છે અને જાળી વેચાય છે 250 થી 300 માં. તેઓ કહે છે, “કાહીહી ઉપયોગ નાહિ [એનો કોઈ અર્થ નથી]."
તેમને ત્રણ દીકરા અને એક દીકરી છે. લગભગ 50 વર્ષના મલપ્પા અને આશરે 35 વર્ષના કલપ્પા બંનેએ ઘેટાં પાળવાનું છોડી દીધું છે અને હવે તેઓ બંને એક-એક એકર જમીન પર ખેતી કરે છે. જ્યારે 45 વર્ષના બાળુ ખેતી કરે છે અને હજી આજે પણ 50 ઘેટાંના ટોળાંને ચરાવવા દૂર-દૂરના સ્થળોએ જાય છે. તેમના દીકરી 30 વર્ષના શાણા ગૃહિણી છે.
તેમના ત્રણમાંથી એકેય દીકરા આ કૌશલ્ય શીખ્યા નથી. તેઓ એક શ્વાસમાં કહે છે, "શિકલી ભી નાહી, ત્યાના જમત પણ નાહી, આણિ ત્યાની ડોસ્કા પણ ઘાતલા નાહી [તેઓ શીખ્યા જ નથી, ન તો તેમણે પ્રયત્ન કર્યો કે ન તો તેમણે તેના તરફ ધ્યાન આપ્યું]." લોકો તેમના કામને ધ્યાનથી જુએ છે ખરા, પરંતુ તેઓ કહે છે કે આ કળા શીખવા કોઈ આગળ આવ્યું નથી.
લૂપ બનાવવાનું લાગે છે સહેલું પરંતુ તેમાં જબરદસ્ત પડકારો છે, તેને કારણે ઘણીવાર સિદ્દદુને વધુ પડતો શારીરિક તણાવ સહન કરવો પડે છે. તેઓ કહે છે, "હાતાલા મુંગ્યા યેતાત [પિન-અને-સોય ભોંકાતા હોય એવી વેદના થાય છે]." ઉપરાંત આ કામથી તેમને પીઠમાં ઘણો દુખાવો થાય છે અને આંખો ખેંચાય છે. થોડા વર્ષો પહેલા મોતિયાની શસ્ત્રક્રિયા માટે તેમની બંને આંખોનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હવે તેઓ ચશ્મા વાપરે છે. આનાથી તેમના કામની ઝડપ ઓછી થઈ ગઈ છે, પરંતુ આ કલાને જીવંત રાખવાનો તેમનો નિશ્ચય હજી આજેય અકબંધ છે.
ગ્રાસ એન્ડ ફોરેજ સાયન્સ (જર્નલ) માં જાન્યુઆરી 2022માં પ્રકાશિત ભારતના ઘાસચારા ઉત્પાદન પરના એક સંશોધન પત્ર માં નોંધવામાં આવ્યું છે કે ભારત માત્ર લીલા ઘાસચારાની જ નહીં, પરંતુ ફીડ ઘટકો અને પાકના સૂકા થૂલાની અછતનો પણ સામનો કરી રહ્યું છે - આ નોંધ પશુઓ માટેના ખોરાકની મોટી સમસ્યા તરફ ધ્યાન દોરે છે.
સિદ્દદુના ગામમાં હવે માત્ર થોડાક ધનગર જ ઘેટાં-બકરાં પાળે છે તેની પાછળનું એક કારણ ચારાનો અભાવ છે. તેઓ કહે છે, “છેલ્લા 5-7 વર્ષોમાં અમે ઘણાં ઘેટાં-બકરાંના મૃત્યુ જોયા છે. ખેડૂતો દ્વારા નીંદણનાશકો અને જંતુનાશકોના બેફામ ઉપયોગને કારણે આમ બન્યું છે". કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય અનુસાર કર્ણાટકના ખેડૂતોએ 2022-23માં 1,669 મેટ્રિક ટન નીંદણનાશકો અને જંતુનાશકો ઉપયોગ કર્યો હતો. 2018-19 માં આ જ આંકડો 1524 મેટ્રિક ટન હતો.
તેઓ વધુમાં કહે છે કે ઘેટાં-બકરાં ઉછેરવાનો ખર્ચ ખૂબ વધી ગયો છે, અને એક ઝટ નજરે ન ચડતો ખર્ચ છે વધતો તબીબી ખર્ચ. તેઓ કહે છે, "દર વર્ષે, પશુઓની દવાઓ અને ઇન્જેક્શન પાછળ અમારે ઓછામાં ઓછા 20000 રુપિયા ખર્ચવા પડે છે કારણ કે આજકાલ ઘેટાં-બકરાં વારંવાર બીમાર પડી રહ્યાં છે."
તેઓ ઉમેરે છે કે દરેક ઘેટાંને દર વર્ષે છ ઈન્જેક્શન (રસી) આપવાની જરૂર હોય છે. "જો ઘેટું જીવી જાય તો આગળ જતા અમે થોડાઘણા પૈસા કમાઈ શકીએ." ઉપરાંત આ પ્રદેશમાં ખેડૂતો શેરડીની ખેતી કરવા માટે એકેએક ઈંચ જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. 2021-2022 દરમિયાન ભારતે 50 કરોડ મેટ્રિક ટનથી વધુ શેરડીનું ઉત્પાદન કર્યું હતું, અને ભારત ખાંડ માટે દુનિયાના સૌથી મોટા ઉત્પાદક અને ગ્રાહક તરીકે ઉભરી આવ્યું હતું.
સિદ્દદુએ બે દાયકા પહેલા ઘેટાં-બકરાં પાળવાનું બંધ કરી દીધું હતું અને પોતાના 50 જેટલાં પશુઓ દીકરાઓને વહેંચી દીધા હતા. ચોમાસાના વરસાદમાં વિલંબથી ખેતીના ચક્ર પર કેવી અસર પડી છે એની વાત કરતા તેઓ કહે છે, “આ વર્ષે, જૂનથી મધ્ય જુલાઈ સુધી મારી ત્રણ એકર જમીન સાવ ખાલી પડી હતી કારણ કે બિલકુલ પાણી જ નહોતું. (આખરે) પાડોશીએ મને મદદ કરી એ પછી હું (માંડ) મગફળીની ખેતી કરી શક્યો.”
તેઓ કહે છે કે ગરમીના મોજાની સંખ્યામાં વધારો અને સતત વરસાદની પેટર્નને કારણે ખેતી કરવી પડકારરૂપ બની ગઈ છે. “અગાઉ માતાપિતા તેમના બાળકોને [બાયંધરી તરીકે] ઘણાં ઘેટાં-બકરાં આપતા હતા. હવે જમાનો એટલો બદલાઈ ગયો છે કે મફતમાં આપવામાં આવે તો પણ કોઈને એ રાખવા નથી.
આ વાર્તા ગ્રામીણ કારીગરો પરના સંકેત જૈન દ્વારા તૈયાર કરાયેલ શ્રેણીનો એક ભાગ છે, અને તે મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક