ફગુઆ ઉરાંઓ કહે છે, "2020 માં લોકડાઉન દરમિયાન કેટલાક લોકો અમારી 1.20 એકર જમીનની આસપાસ બાઉન્ડ્રી બનાવવા આવ્યા હતા." ત્રીસેક વર્ષના આ આદિવાસી ખેડૂત ફગુઆ એક ખુલ્લી જમીનની ચારે તરફ ચણેલી ઈંટની એક દિવાલ તરફ ઈશારો કરી રહ્યા છે. અમે ખૂંટી જિલ્લાના ડુમરી ગામમાં છીએ, અહીં મોટાભાગે ઉરાંઓ સમુદાયના આદિવાસીઓ વસે છે. 'આ જમીન બીજા કોઈની છે, તમારી નથી' એમ કહી તેમણે જમીન માપવાનું શરૂ કરી દીધું હતું. અમે તેનો વિરોધ કર્યો હતો.
“આ ઘટનાના લગભગ 15 દિવસ પછી અમે અમારા ગામથી 30 કિલોમીટર દૂર ખૂંટીમાં સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ પાસે ગયા હતા. ત્યાં જવા માટે દરેક મુસાફરીમાં અમારે 200 રુપિયાથી વધુ ખર્ચ થાય છે. ત્યાં અમારે એક વકીલની મદદ લેવી પડી હતી. હવે એ માણસ અમારી પાસેથી 2500 રુપિયા લઈ ચૂક્યો છે. પણ કશું થયું નથી.
“એ પહેલા અમે અમારા બ્લોકની ઝોનલ ઓફિસ ગયા હતા. આ અંગેની ફરિયાદ કરવા અમે પોલીસ સ્ટેશન પણ ગયા હતા. જમીન પરનો અમારો દાવો છોડી દેવા માટે અમને ધમકીઓ મળી રહી હતી. એક જિલ્લા સ્તરીય પદાધિકારી જેઓ કર્રા બ્લોકના એક અત્યંત જમણેરી સંગઠનના સભ્ય પણ હતા તેમણે અમને ધમકી આપી હતી. પરંતુ કોર્ટમાં કોઈ સુનાવણી થઈ નથી. હવે અમારી જમીન પર આ દિવાલ ઊભી છે. ઔર હમ દો સાલ સે ઈસી તરહ દૌડ-ધૂપ કર રહે હૈં [અને અમે છેલ્લા બે વર્ષથી આ રીતે ભાગદોડ કરી રહ્યા છીએ].
“મારા દાદા લુસા ઉરાંઓએ જમીનદાર બાલચંદ સાહુ પાસેથી 1930 માં આ જમીન ખરીદી હતી. અમે એ જ જમીન પર ખેતી કરતા આવ્યા છીએ. અમારી પાસે આ પ્લોટ માટે 1930 થી 2015 સુધી આપવામાં આવેલ ભાડાની રસીદો છે. એ પછી [2016 માં] ઓનલાઈન પ્રણાલી શરૂ કરવામાં આવી હતી અને ઓનલાઈન રેકર્ડમાં અમારી જમીનનો આ ટુકડો [ભૂતપૂર્વ] જમીનદારના વંશજોના નામે નોંધાયેલ બતાવે છે. આવું શી રીતે થયું એની અમને કંઈ ખબર નથી.”
ફગુઆ ઉરાંઓએ કેન્દ્ર સરકારના ડિજિટલ ઈન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ (ડીઆઈએલઆરએમપી) ને કારણે પોતાની જમીન ગુમાવી દીધી છે, આ અભિયાન જમીન સંબંધિત તમામ રેકોર્ડને ડિજિટાઈઝ કરવા અને આ રેકોર્ડ માટે દેશમાં કેન્દ્રિય રીતે સંચાલિત ડેટાબેઝ બનાવવા માટેનું એક રાષ્ટ્રવ્યાપી અભિયાન છે. આવા તમામ રેકોર્ડ્સના સંચાલનને આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથેના કાર્યક્રમઆ ભાગરૂપે રાજ્ય સરકારે જાન્યુઆરી 2016માં જમીન વિશેની જિલ્લાવાર માહિતીની યાદી આપતા લેન્ડ બેંક પોર્ટલનું ઉદ્ઘાટન કર્યું હતું. તેનો ઉદ્દેશ્ય "જમીન/મિલકત સંબંધિત વિવાદોની શક્યતા ઘટાડવાનો અને જમીનના રેકોર્ડની જાળવણીની પ્રણાલીઓમાં પારદર્શિતા વધારવાનો" હતો.”
વિડંબના એ છે કે આ અભિયાને ફગુઆ અને તેમના જેવા બીજા ઘણા લોકો માટે આ ઉદ્દેશ્યથી બિલકુલ વિપરીત કામ કર્યું છે.
"જમીનનું સ્ટેટસ ઓનલાઈન જાણવા માટે અમે પ્રજ્ઞા કેન્દ્રમાં ગયા હતા." પ્રજ્ઞા કેન્દ્ર એ ઝારખંડમાં કેન્દ્ર સરકારની ડિજિટલ ઇન્ડિયા યોજના હેઠળ બનાવવામાં આવેલી કોમન સર્વિસ સેન્ટર (જન સેવા કેન્દ્ર) માટેની વન-સ્ટોપ શોપ છે, જે ગ્રામ પંચાયતમાં ફીના બદલામાં જાહેર સેવાઓ પૂરી પાડે છે. “ત્યાંના ઓનલાઈન રેકોર્ડ મુજબ આ જમીનના હાલના માલિક નાગેન્દ્ર સિંહ છે. તેમના પહેલા સંજય સિંહ આ જમીનના માલિક હતા. તેમણે બિંદુ દેવીને જમીન વેચી હતી જેમણે પછીથી તે નાગેન્દ્ર સિંહને વેચી દીધી હતી.
"જમીનદારોના વંશજો અમારી જાણ બહાર એક જ જમીન બેથી ત્રણ વખત ખરીદતા અને વેચતા રહ્યા હોય એવું લાગે છે." પરંતુ અમારી પાસે 1930 થી 2015 સુધીની આ જમીન માટેની ઓફલાઇન રસીદો હોય ત્યારે આ કેવી રીતે શક્ય છે? અત્યાર સુધીમાં અમે 20000 રુપિયાથી વધુ ખર્ચ કરી ચૂક્યા છીએ અને હજી પણ ભાગદોડ કરી રહ્યા છીએ. પૈસા ભેગા કરવા માટે અમારે ઘરમાંથી અનાજ વેચી દેવું પડ્યું હતું. "હવે જ્યારે હું આ જમીન પર ઉભેલી દિવાલને જોઉં છું ત્યારે મને લાગે છે કે અમે અમારું બધું જ ગુમાવી ચૂક્યા છીએ. આ સંઘર્ષમાં કોણ અમારી મદદ કરી શકે તેમ છે એની અમને ખબર નથી."







