કોઈએ જીવવિજ્ઞાનમાં એમ.એસ.સી. કર્યું છે, કોઈ આર્મીમાં જવાન છે, કોઈ ગૃહિણી છે, તો કોઈએ ભૂગોળમાં સ્નાતક કર્યું છે.
અત્યારે ઉનાળાના દિવસો છે અને રાંચીના વ્યસ્ત વિસ્તારમાં, ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી સમુદાયો (પી.ટી.વી.જી.) નું આ જૂથ આદિવાસી ભાષાઓ પરની એક લેખન કાર્યશાળામાં ભાગ લેવા માટે ઝારખંડના આદિવાસી સંશોધન કેન્દ્ર (ટી.આર.આઈ.) માં આવ્યું છે.
માલ પહાડિયા આદિમ જાતિના માવણો-ભાષી 24 વર્ષીય જગન્નાથ ગિરહી કહે છે, “અમે ઇચ્છીએ છીએ કે અમારા ઘરનાં બાળકો તેમની ભાષામાં જ અભ્યાસ કરે.” તેઓ ડુમલા જિલ્લાના પોતાના ગામથી 200 કિમીથી વધુની મુસાફરી કરીને રાંચી આવ્યા છે અને ટી.આર.આઈ.માં તેમની માવણો ભાષાનું વ્યાકરણ લખી રહ્યા છે, જેને લુપ્તપ્રાય ભાષા માનવામાં આવે છે.
જગન્નાથ કહે છે, “અમે પણ ઇચ્છીએ છીએ કે અમારી ભાષામાં કોઈ પુસ્તક લખાય.” તેઓ તેમના ગામમાં એક માત્ર વ્યક્તિ છે જેઓ આટલું બધું ભણેલા છે, અને જીવવિજ્ઞાનમાં એમ.એસ.સી.ની પદવી મેળવી છે. તેઓ કહે છે, “યુનિવર્સિટીમાં જે સમુદાયની સંખ્યા વધારે હોય, તે સમુદાયની ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. ઝારખંડ સ્ટાફ પસંદગી આયોગ (જે.એસ.એસ.સી.) નો અભ્યાસક્રમ ખોરઠા અને સંતાલી જેવી ભાષાઓમાં સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ અમારી ભાષા [માવણો]માં તે ઉપલબ્ધ નથી.”
“જો આવું જ ચાલતું રહેશે, તો અમારી ભાષા ધીરે ધીરે લુપ્ત થઈ જશે.” ઝારખંડમાં, માલ પહાડિયા બોલતી વસ્તી લગભગ 15 ટકા છે; બાકીની વસ્તી પડોશી રાજ્યોમાં રહે છે.
તેમની ભાષા, માવણો, દ્રવિડિયન પ્રભાવ ધરાવતી ઈન્ડો-આર્યન ભાષા છે, જેને 4,000થીય ઓછા લોકો બોલે છે અને તેથી તેને લુપ્તપ્રાય ભાષા ગણવામાં આવે છે. તેને સત્તાવાર ભાષાનો દરજ્જો નથી મળ્યો. ઝારખંડમાં હાથ ધરાયેલા ભારતીય ભાષા સર્વેક્ષણ (એલ.એસ.આઈ.) અનુસાર, માવણોનો ઉપયોગ શાળાઓમાં ભણાવવા માટે નથી થતો, કે તેની પોતાની અલગ લિપિ પણ નથી.
માલ પહાડિયા સમુદાય મુખ્યત્વે આજીવિકા માટે ખેતી અને વન પેદાશો પર નિર્ભર છે. ઝારખંડમાં સમુદાય પી.વી.ટી.જી. તરીકે સૂચિબદ્ધ છે અને તેમની મોટાભાગની વસ્તી દુમકા, ગોડ્ડા, સાહિબગંજ અને પાકુર જિલ્લામાં રહે છે. આ સમુદાયના લોકો ફક્ત તેમના ઘરોમાં જ માવણોમાં વાતચીત કરી શકે છે, અને તેમના મતે, ઘરની બહાર અને સત્તાવાર રીતે, હિન્દી અને બંગાળી જેવી ભાષાઓનું વર્ચસ્વ યથાવત છે, તેથી તેમની ભાષા પર લુપ્ત થવાનું સંકટ તોળાઈ રહ્યું છે.
આ કાર્યશાળામાં માવણો બોલતા મનોજ કુમાર દેહરીએ પણ ભાગ લીધો હતો, અને તેઓ પણ જગન્નાથની વાત સાથે સહમત થાય છે. પાકુર જિલ્લાના સહરપુર ગામમાં રહેતા 23 વર્ષીય મનોજે ભૂગોળમાં સ્નાતકનો અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે, “શાળાઓમાં અમને હિન્દી અને બંગાળીમાં ભણાવવામાં આવે છે, જેના કારણે અમે અમારી પોતાની ભાષા ભૂલી રહ્યા છીએ.” ઝારખંડની મોટાભાગની શાળાઓ અને કોલેજોમાં શિક્ષણનું માધ્યમ હિન્દી છે અને શિક્ષકો પણ હિન્દી ભાષી છે.
આ વર્ચસ્વ ધરાવતી ભાષાઓ ઉપરાંત, ‘સંપર્ક ભાષા’ની સમસ્યા પણ છે, જેનો ઉપયોગ આદિવાસી સમુદાયો એકબીજા સાથે વાતચીત કરવા માટે કરે છે. તેઓ મોટાભાગે વિસ્તારની પ્રબળ ભાષાઓ અને આદિમ ભાષાઓ વચ્ચે એક પુલનું કામ કરે છે.
સેવાનિવૃત્ત શિક્ષક અને કાર્યશાળામાં આદિવાસી સમુદાયોને મદદ કરવા માટે ટી.આર.આઈ. દ્વારા નિયુક્ત કરાયેલા પ્રમોદ કુમાર શર્મા કહે છે, “બાળકો પાસેથી એવી ભાષામાં બોલવાની અપેક્ષા રાખવામાં આવે છે જે સામાન્ય રીતે દરેકને સમજમાં આવે છે. આના કારણે બાળકો તેમની માતૃભાષાથી દૂર જતાં રહે છે.”
માવણોના કિસ્સામાં, ખોરઠા અને ખેતડી જેવી સંપર્ક ભાષાઓએ પણ માવણોને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. મનોજ કહે છે, “મજબૂત સમુદાયોની ભાષાઓના પ્રભાવમાં આપણે આપણી ભાષા ભૂલી રહ્યાં છીએ.”
બે મહિના સુધી ચાલનારી આ કાર્યશાળાના અંતે લુપ્ત થતી ભાષાઓનું મૂળભૂત વ્યાકરણ તૈયાર કરવામાં આવશે. આ પ્રકારનું આ પહેલું પુસ્તક હશે, જે ભાષાના વિદ્વાનોએ નહીં, પરંતુ સમુદાયના લોકોએ જાતે તૈયાર કર્યું છે. તેમને આશા છે કે તેમના પ્રયાસોથી પરિસ્થિતિ થોડી સુધરશે.
જગન્નાથ સમજાવે છે, “બાકીના સમુદાયો [જે પી.વી.ટી.જી. નથી] પાસે તેમની પોતાની ભાષાઓમાં લખેલાં પુસ્તકો છે. તેઓ પોતાની ભાષામાં અભ્યાસ કરે છે અને કામ કરે છે.” પરંતુ તેમની ભાષા સાથે આવું ત્યારે જ થઈ શકશે, જ્યારે તેમના સમુદાયના લોકો તેમની ભાષા બોલતા રહે. “ગામમાં ફક્ત દાદા દાદી અથવા વૃદ્ધ માતા-પિતા જ અમારી માતૃભાષા બોલી શકે છે. અમારા બાળકો ઘરમાં આ ભાષા શીખશે, તો જ તેઓ તેમાં વાતચીર કરી શકશે.”
*****
2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં 19,000થી વધુ માતૃભાષાઓ બોલાય છે. તેમાંથી માત્ર 22 ભાષાઓને જ આઠમી સૂચિમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવી છે. લિપિના અભાવને કારણે અથવા માતૃભાષા બોલનારાઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થવાના કારણે ઘણી માતૃભાષાઓને ‘ભાષા’નો દરજ્જો મળતો નથી.
નોંધનીય છે કે ઝારખંડમાં 31થી વધુ માતૃભાષાઓ છે, જેમને સત્તાવાર ભાષાનો દરજ્જો નથી મળ્યો, અને રાજ્યમાં આઠમી સૂચિમાં સમાવિષ્ટ બે ભાષાઓ — હિન્દી અને બંગાળી —નું પ્રભુત્વ હજુય યથાવત છે. શાળાઓમાં પણ આ જ ભાષાઓ શીખવવામાં આવે છે અને રાજ્ય દ્વારા ઔપચારિક રીતે પણ તેમને જ ઉપયોગમાં લેવાય છે. સંતાલી ઝારખંડની એકમાત્ર આદિવાસી ભાષા છે જેને આઠમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવી છે.
રાજ્યની અન્ય માતૃભાષાઓ, ખાસ કરીને પી.વી.ટી.જી. સમુદાયોની ભાષાઓ પર લુપ્ત થવાનું સંકટ તોળાઈ રહ્યું છે.
વ્યવસાયે સેનાના જવાન અને સબર સમુદાય સાથે જોડાયેલા મહાદેવ (નામ બદલેલ છે) કહે છે, “અમારી ભાષા [સબર] મિશ્ર થઈ રહી છે.”
ઝારખંડમાં 32 માતૃભાષાઓ છે, પરંતુ માત્ર સંતાલીનો જ આઠમી અનુસૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે, અને રાજ્યમાં હિન્દી અને બંગાળીનું પ્રભુત્વ હજુય યથાવત છે
તેઓ માને છે કે ગ્રામ પંચાયત જેવી જગ્યાઓએ સમુદાયના પ્રતિનિધિત્વના અભાવને કારણે તેમની ભાષા હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. “અમે સબર લોકો એટલા વિખરાયેલા છીએ કે અમે જ્યાં રહીએ છીએ તે ગામમાં [જમશેદપુર પાસે] અમારાં પોતાનાં ફક્ત 8-10 જ ઘર છે.” મોટાભાગના લોકો અન્ય આદિવાસી સમુદાયના છે અને કેટલાક બિન-આદિવાસી સમુદાયના છે. તેઓ પારીને કહે છે, “અમારી ભાષાને લુપ્ત થતી જોઈને ખૂબ જ દુઃખ થાય છે.”
મહાદેવના કહેવા પ્રમાણે, તેમની માતૃભાષા સબરની ઉપેક્ષા કરવામાં આવી રહી છે, અને ક્યાંય તેનું નામ પણ લેવામાં નથી આવતું. “જે ભાષા લેખિતમાં હોય છે, તેનો જ અવાજ સંભળાય છે.”
*****
રાંચીમાં સ્થિત ટ્રાઈબલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ (ટી.આર.આઈ.)ની સ્થાપના વર્ષ 1953માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ આદિવાસી સમુદાયોના સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાઓ પર સંશોધન કરવાનો અને તેમને દેશ અને વિશ્વ સાથે જોડવાનો છે.
ટી.આર.આઈ.એ વર્ષ 2018થી આદિમ જાતિઓની ભાષાઓમાં મૂળાક્ષરો અને વ્યાકરણ તૈયાર કરવાની પહેલ શરૂ કરી છે અને અસુર અને બિરજિયા જેવી ભાષાઓમાં પુસ્તકો છાપ્યાં છે. આ ઉપરાંત ભાષામાં હાજર કહેવતો, લોકવાર્તાઓ અને કવિતાઓ વગેરેને પણ પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવે છે.
જોકે, આ સમુદાયોના લોકો નિરાશ છે કે આ પહેલને વધુ સફળતા મળી નથી. જગન્નાથ કહે છે, “જો અમારી શાળાઓમાં ટી.આર.આઈ.નાં પુસ્તકો અમલમાં હોય, તો અમારાં ઘરનાં બાળકો તેમની ભાષામાં જ ભણી શકશે.”
ટી.આર.આઈ.ના ભૂતપૂર્વ ડિરેક્ટર રણેન્દ્ર કુમારે તેમના કાર્યકાળ દરમિયાન આ કાર્યશાળાઓ શરૂ કરી હતી. તેઓ પણ જગન્નાથની વાતને સમર્થન આપે છે અને કહે છે, “જે વિસ્તારોમાં પી.વી.ટી.જી. શાળાઓ ઉપલબ્ધ છે, ત્યાં તેનો અમલ થવો જોઈએ. તો જ આ કાર્યનો સાચો હેતુ સિદ્ધ થશે.”
આ કાર્યશાળાઓના આયોજનમાં સૌથી મોટો પડકાર એવા લોકોને શોધવાનો છે કે જેઓ માતૃભાષા જાણતા હોય. પ્રમોદ કુમાર શર્મા સમજાવે છે, “જે લોકો મૂળ ભાષા જાણે છે તેઓ ઘણી વાર લખી શકતા નથી.” તેથી, જે લોકો ભાષા જાણે છે અને લખવાની આવડત ધરાવે છે, ભલે તે મિશ્ર ભાષા જ કેમ ન હોય, તેમને ટી.આર.આઈ.માં બોલાવવામાં આવે છે અને મૂળાક્ષરોનું એક પુસ્તક તૈયાર કરવામાં આવે છે.
“આ કામમો જોડાવા માટે અમે ભાષાના વિદ્વાન હોવાની શરત નથી રાખી.” આ કાર્યશાળામાં ભાગ લેવા માટે બસ ભાષાના જાણકાર હોવું પૂરતું છે. પ્રમોદ, કે જેઓ ઝારખંડની કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચના ફેકલ્ટી મેમ્બર રહી ચૂક્યા છે, તેઓ પદ્ધતિ વિશે વધુ વાત કરે છે અને કહે છે, “અમે માનીએ છીએ કે જો વ્યાકરણ બોલાતી ભાષામાં તૈયાર કરવામાં આવે તો તે વધુ વ્યવહારુ હશે.”
વિડંબણા તો એ છે કે, પી.વી.ટી.જી. ભાષાઓમાં મૂળાક્ષરો, વ્યાકરણના પુસ્તકો અને અન્ય સામગ્રી તૈયાર કરવા માટે દેવનાગરી લિપિનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યાકરણ તૈયાર કરતી વખતે, હિન્દી વ્યાકરણની રૂપરેખાનો ઉપયોગ કરવામાં આવે છે, અને જે અક્ષરો આદિમ ભાષાઓમાં નથી તેમને દૂર કરવામાં આવે છે અને તેમની ભાષામાં હાજર અક્ષરોના આધારે વ્યાકરણ તૈયાર કરવામાં આવે છે. પ્રમોદ સમજાવે છે, “ઉદાહરણ તરીકે, ‘ણ’ અક્ષર માવણો ભાષામાં છે, પણ સબરમાં નથી. તો સબરના મૂળાક્ષરોમાં ‘ણ’ નથી હોતો, ફક્ત ‘ન’ જ લખવામાં આવે છે. તેવી જ રીતે, જો કોઈ સ્વર અથવા વ્યંજન હિન્દીમાં ન હોય પરંતુ આદિવાસી ભાષામાં હોય તો તેને સમાવી લેવામાં આવે છે.
60 વર્ષીય પ્રમોદ કહે છે, “પરંતુ અમે ફક્ત લિપિ જ ઉછીની લઈએ છીએ, અક્ષરો અને શબ્દોને તેમની ભાષાના ઉચ્ચારણ અનુસાર જ લખવામાં આવે છે.”
*****
સાંજ પડી ગઈ છે અને જગન્નાથ, મનોજ અને મહાદેવ અન્ય સહભાગીઓ સાથે મોરાબાડી ચોકમાં ચા પી રહ્યા છે. ભાષાની ચર્ચા અન્ય પાસાંને સ્પર્શવા લાગી છે અને માતૃભાષામાં બોલવા સાથે સંકળાયેલા સંકોચ અને શરમની ચર્ચા થઈ રહી છે.
આદિમ સમુદાયો આવું અનુભવતા આવ્યા છે કે તેઓ તેમના વિચારો વ્યક્ત કરે તો પણ તેમને કોઈ સમજતું નથી. પરહિયા સમુદાયનાં રિમ્પુ કુમારીને પણ આવો જ અનુભવ થયો હતો. તેઓ આખો દિવસ શાંત રહે છે અને જ્યારે તેમની વાતચીત પર ધ્યાન આપવામાં આવે, ત્યારે તેઓ અસ્વસ્થ અનુભવે છે. તેઓ ખૂબ જ સંકોચ સાથે મૌન તોડે છે, “જ્યારે હું પરિયા [ભાષા] માં વાત કરું છું, ત્યારે લોકો મારી મજાક ઉડાવે છે.” 26 વર્ષીય રિમ્પુએ બીજા સમુદાયમાં લગ્ન કર્યા છે અને તેઓ કહે છે, “જ્યારે સાસરિયાઓ જ મારી મજાક ઉડાવે, તો હું દુનિયા સામે તો [મારી ભાષામાં] કેવી રીતે બોલું.”
તેમને અને તેમના સમુદાયના લોકોને તેમની ભાષામાં બોલતી વખતે જે ‘શરમ’ અનુભવે છે તેને તેઓ દૂર કરવા માંગે છે. તેઓ નીચા અવાજે કહીને રજા લે છે, “તમારે અમારી સાથે વધુ વાત કરવી હોય તો અમારા ગામમાં આવો. અહીં શું વાત કરીએ.”
આ રિપોર્ટર વાર્તામાં મદદ કરવા બદલ રણેન્દ્ર કુમારનો આભાર માને છે.
પારીની ‘લુપ્તપ્રાય ભાષા પરિયોજના’નો ઉદ્દેશ ભારતની લુપ્તપ્રાય ભાષાઓનું તેને બોલતા સામાન્ય લોકો અને તેમના જીવનના અનુભવો દ્વારા દસ્તાવેજીકરણ કરવાનો છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ