કાશ્મીરમાં કડાકાની ઠંડી દરમિયાન કાંગડી, નેતરની ટોકરીથી ઢંકાયેલ ને સળગતા કોલસાથી ભરેલ માટીના “ફાયર પોટ” એટલે અગ્નિ પાત્રની માગ ખૂબ વધી જાય છે, અને આ મોસમી વેપારથી કારીગરો, ખેડૂતો, અને મજૂરોને રોજી મળી રહે છે.
અબ્દુલ મજીદ વાની ખુશ છે કે આ સિઝનમાં કડાકાની ઠંડી પડી રહી છે. તેમની આશા છે કે પાછલા વર્ષે તાપમાન –૧૦ ડિગ્રી સેલ્સિયસ થવા ટાણે થઈ હતી, તેમ જ તેમણે બનાવેલી કાંગડીઓની માગ સતત વધતી રહેશે.
૫૫ વર્ષિય વાની, મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ચારાર-એ-શરીફમાં રહે છે અને કામ કરે છે. શ્રીનગરથી આશરે ૩૨ કિલોમીટર દૂર આવેલ, આ નગર, હાથથી બનાવેલ નેતરની નાની ટોકરીથી ઢાંકેલ ને સળગતા કોલસાથી ભરેલ માટીના પાત્ર, કાંગડીઓ બનાવતા કારીગરો માટેનું કેન્દ્ર છે. કાશ્મીરમાં ઘણાં લોકો, લાંબા ચાલતા શિયાળા દરમિયાન હૂંફ માટે, શરદ ઋતુ દરમિયાન પહેરાતા પોતાના પારમ્પરિક પહેરણ અંદર, પોતાને ગરમ રાખવા માટે સહેલાઈથી ઊંચકાઈ શકાય તેવી કાંગડીને તેના હેન્ડલ દ્વારા પકડી રાખે છે. ( કેટલીક શોધ પ્રમાણે લાંબા સમય સુધી સળગતા કોલસા શરીર નજીક રાખવાથી ખાસ કરીને કાશ્મીરમાં, “કાંગડી કેન્સર” થાય છે, પરંતુ આ એક અલગ કથા છે. )
ચરાર-એ-શરીફના કનીલ મોહલ્લાના ૩૦ વર્ષિય રહેવાસી, ઉમર હસન દાર કહે છે કે, “અમારું ક્ષેત્ર ઉત્તમ નેતર વાપરી અમારી બનાવેલ સુંદર કાંગડીઓ માટે જાણીતું છે.” અહીં કારીગરો સાથે સાથે મજૂરો પણ કાંગડીઓ બનાવવામાં મશગૂલ રહે છે. નજીકના જંગલોમાંથી નેતર જેવા વિલો ઝાડનું લાકડું ટોકરીઓ માટે એકત્રિત કરવામાં આવે છે, અથવા ખેડૂતો પાસેથી ખરીદવામાં આવે છે, તેને ઉકાળીને કોમળ બનાવી, હાથથી બનાવેલ તીક્ષ્ણ સાધનનો (જેને સ્થાનિક રીતે ચપ્પુ કહેવામાં આવે છે; બે જાડા લાકડાઓને એક બીજાની અંદરથી પસાર કરીને જમીનમાં ઊભા કરેલા હોય છે) ઉપયોગ કરીને સાફ કરી, છોલવામાં આવે છે. પછી તેને પલાળીને સૂકવવા અને રંગવામાં આવે છે. આ તૈયાર નેતરને પછી માટીના વાસણની આસપાસ વણાય છે.
આ આખી પ્રક્રિયામાં લગભગ એક અઠવાડિયો લાગે છે, તે સમય દરમિયાન નેતર સંપૂર્ણપણે સૂકાઈ જાય છે. સામાન્ય રીતે શિયાળાના આરંભ પહેલા ઓગસ્ટમાં કાંગડી બનાવાય છે, અને ક્યારેક માગ પ્રમાણે, શિયાળા દરમિયાન પણ બનાવવામાં આવે છે, જે ફેબ્રુઆરી મહિનાના અંત સુધી ચાલે છે.
પ્રાચીન સમયમાં, કાશ્મીરની કાંગડી માટે ફક્ત માટીના વાસણનો ઉપયોગ કરવામાં આવતો હતો – જે સ્થાનિક કુંભારો પાસેથી ખરીદવામાં આવતી- જેના પર નેતરનું આવરણ ન હતું. સમય જતાં, કેટલાક કારીગરોએ નેતરની વિવિધ ડિઝાઇનથી આ દેશી હીટર બનાવવાનું શરૂ કર્યું, જેની કિંમત જૂની કાંગડી કરતાં મોંઘી છે. હાલમાં સસતી કાંગડીની કિંમત લગભગ ૧૫૦ રૂપિયા છે, ૩-૪ કલાકમાં તૈયાર થાય છે; બારીકાઈથી બનાવવામાં આવેલ ડિઝાઇન સાથે બહુ રંગી કાંગડી, જેને વણવામાં ૩-૪ દિવસ લાગે છે, તેની કિંમત આશરે રૂ. ૧૮૦૦ થઈ શકે છે, જેમાં દાર પ્રમાણે તેમને રૂ. ૧,૦૦૦ થી ૧,૨૦૦ નો નફો થાય છે.














