કમલજીત કૌર કહે છે કે, “ન તો મારી પાસે ખેતર છે, ન તો મારા પૂર્વજો પાસે હતું. તેમ છતાં હું અહીં  આપણા ખેડૂતોને  મારાથી શક્ય તેટલી મદદ કરવા માટે હાજર છું, કેમ કે મને બીક છે કે જો હું આજે આવું નહિ કરું, તો આવતીકાલે મારા બાળકોને ખવડાવવા માટે મારે નિગમોના લોભ સામે લડવું પડશે.”

૩૫ વર્ષના  કમલજીત પંજાબના લુધિયાણા શહેરમાં શિક્ષિકા છે, અને સિંધુ ખાતે  છાંયડાવાળી જગ્યાએ  એમની કેટલીક સહેલીઓ સાથે બે સીવણ મશીન ચલાવી રહયા  છે. તેઓ વારાફરતી વિરોધ પ્રદર્શન સ્થળે આવે છે અને આવ્યા પછી ત્રણ દિવસ રોકાય છે, અને કોઈ પૈસા લીધા વિના આંદોલનકારી ખેડૂતોના શર્ટના તૂટેલા બટન ટાંકી આપે છે અને ફાટેલા સલવાર-કમીઝની સિલાઈ કરી આપે છે. એમની પાસે રોજના લગભગ ૨૦૦ લોકો આવે છે.

સિંધુ ખાતે આવી અનેક સેવાઓ વિભિન્ન રૂપમાં ઉપલબ્ધ છે અને ખૂબ જ ઉદાર રીતે – અને આ બધું આંદોલન સાથે  સમર્થન દર્શાવવા.

સેવાઓ આપનારાઓમાં એક ઈર્શાદ (આખું નામ ઉપલબ્ધ નથી) પણ છે. સિંઘુ સરહદથી લગભગ ચાર કિલોમીટર દૂર કુંડલી ઔદ્યોગિક ક્ષેત્ર સ્થિત ટીડીઆઈ મોલની બહાર એક સાંકડા ખૂણામાં તેઓ એક શીખ આંદોલનકારીના માથામાં જોરથી માલિશ કરી રહ્યા છે. ત્યાં અન્ય લોકો પોતાનો વારો આવવાની વાટ જોઈ રહ્યા છે. કુરુક્ષેત્રના રહેવાસી ઈર્શાદ વ્યવસાયે વાળંદ છે, અને કહે છે કે તેઓ અહીં બિરાદરી – ભાઈચારાની ભાવનાથી આવ્યા છે.

પંજાબથી સિંઘુ સુધી ખીચોખીચ ભરેલી ટ્રોલીઓમાં કલાકો સુધી સફર કરવાથી દુખતા સ્નાયુઓને મફત માલિશ કરાવવા ઘણા લોકો આ જ રસ્તે પોતાની  મીની-ટ્રકની બહાર બેઠેલા સરદાર ગુરમિક સિંહની આજુબાજુ  બેઠા છે. પોતે અહીં મદદ કરવા શા માટે આવ્યા તે જણાવતા તેઓ (ગુરમિક સિંહ) કહે છે, “આ સમયે તેઓ (આંદોલનકારીઓ) બીજા અનેક પ્રકારની વેદનાઓમાંથી પસાર થઇ રહ્યા છે...."

ચંદીગઢના ડૉક્ટર સુરિંદર કુમાર માટે સિંઘુ ખાતે અન્ય ડૉકટરોની સાથે મળીને ચિકિત્સા શિબિર ચલાવવી એ સેવાનું જ સ્વરૂપ છે. આ વિરોધ પ્રદર્શન સ્થળે ચાલતી ઘણી ચિકિત્સા શિબિરોમાંની એક છે – જેમાંથી કેટલીક તો કોલકાતા કે હૈદરાબાદ જેવા દૂર દૂરના વિસ્તારોથી અહીં આવેલા  ડૉક્ટરો દ્વારા ચલાવવામાં આવે છે. સુરિંદર કહે છે કે, “દિનપ્રતિદિન હાડ થીજાવી નાખતી ઠંડીનો સામનો કરી રહેલા વૃધ્ધો કે જેમાંથી અમુક તો ખુલ્લા રસ્તાઓ પર રહે છે તેમની સેવા કરીને અમે સ્નાતકની પદવી ગ્રહણ કરતી વેળા લીધેલી પ્રતિજ્ઞા પાળવાની કોશિશ કરીએ છીએ.”

Kamaljit Kaur, a teacher from Ludhiana, and her colleagues have brought two sewing machines to Singhu, and fix for free missing shirt-buttons or tears in salwar-kameez outfits of the protesting farmers – as their form of solidarity
PHOTO • Joydip Mitra

લુધિયાણાના શિક્ષિકા કમલજીત કૌર અને એમની સહેલીઓ  બે સીવણ મશીન લઈને સિંઘુ આવ્યા છે. તેઓ  કોઈ પૈસા લીધા વિના આંદોલનકારી ખેડૂતોના શર્ટના તૂટેલા બટન ટાંકી આપે છે અને ફાટેલા સલવાર-કમીઝની સિલાઈ કરી આપે છે - આંદોલનકારીઓ સાથે તેમના સમર્થનના પ્રતીકરૂપે.

આંદોલનકારીઓનું મનોબળ ટકાવી રાખવા માટે લુધિયાણાના સતપાલ સિંહ અને એમના મિત્રો  શેરડીનો રસ કાઢવાનું ભારે મશીન ખુલ્લી ટ્રક પર ચડાવીને સિંઘુ લઈ આવ્યા છે. આ મશીનોનો ઉપયોગ મોટેભાગે ખાંડની મિલોમાં થાય છે – પ્રદર્શનસ્થળે સતપાલ દ્વારા લાવવામાં આવેલું મશીન આજુબાજુથી પસાર થતા સૌને મીઠો તાજો રસ સુલભ કરાવે છે. આ માટે તેઓ રોજ  લુધિયાણા જીલ્લાના એમના ગામ અલિવાલમાંથી  ભેગા કરેલા દાનના પૈસાથી ખરીદેલ એક ટ્રક-ભર શેરડીનો ઉપયોગ કરે છે.

અને કુંડલીના એ જ મોલની લૉનમાં ભટીંડાના નિહંગ અમનદીપ સિંહ કાળા રંગના ઘોડાને નવડાવતાં કહે છે કે તેઓ પંજાબની કૃષિ અર્થવ્યવસ્થાને સુરક્ષિત રાખવા માટે  સિંઘુમાં છે. મોલ પાસે લાગેલા લંગરમાં આવતા લોકોને ભોજન પીરસવા ઉપરાંત  અમનદીપ અને બીજા લોકો (એ બધા નિહંગ શીખ લડવૈયાઓના એક સંપ્રદાય સાથે સંકળાયેલા છે) દરરોજ સાંજે દિલ્હી પોલીસ દ્વારા અવરોધ તરીકે વાપરવામાં આવેલા કન્ટેઈનરોના છાંયામાં તેમણે લગાવેલ તંબુઓ પાસે કીર્તન કરે છે.

પંજાબ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી અમૃતસરના ગુરવેજ સિંહ બીજા  વિદ્યાર્થીઓ સાથે સિંઘુમાં પડાવ નાખીને બેઠેલા ખેડૂતોને  પખવાડિક સમાચાર પત્ર ટ્રોલી ટાઈમ્સનું વિતરણ કરે છે. એમણે કાપડ અને પ્લાસ્ટિક શીટથી એક વિશાળ જગ્યા ઘેરી લીધી છે અને કોઈ પણ વ્યક્તિ ત્યાં આવીને  પોસ્ટર માટે  નારા લખી શકે તે માટે કાગળ અને પેન રાખ્યા  છે – આ પોસ્ટરોનું પ્રદર્શન ત્યાં હંમેશા ચાલુ જ રહે છે, અને તેઓ એક મફત પુસ્તકાલય પણ ચલાવે છે. પંજાબ વિશ્વવિદ્યાલયના આંબેડકર વિદ્યાર્થી પરિષદના સભ્યો પણ સિંઘુમાં એક મફત લાઈબ્રેરી ચલાવી રહ્યા છે, અને તેઓ પોસ્ટર પણ બનાવે છે (સૌથી ઉપર કવર ફોટો જુઓ).

રાત્રે સિંઘુ સરહદ પરથી ચાલીને કુંડલી તરફ પાછા ફરતી વેળા ગરમાવો મેળવવા માટે અમે ઘણીવાર તાપણાં પાસે રોકાયા, જેની આસપાસ  વિવિધ જૂથો ભેગા મળીને  બેઠા હતા.

અમે એ  જ રસ્તા પર બાબા ગુરુપાલસિંહના તંબુની મુલાકાત લઈએ છીએ અને અમને ચા મળે છે જે આવનારા લોકો માટે તેઓ હંમેશા તૈયાર રાખે  છે . ૮૬ વર્ષના બાબા ગુરપાલ પતિયાલા પાસે ખાનપુર ગોંડિયા ગુરુદ્વારામાં એક સંન્યાસી અને ગ્રંથી છે. તેઓ વિદ્વાન છે, અને અમને શીખોની ઓળખ આધારિત રાજનીતિનો ઈતિહાસ જણાવે છે અને  ખેડૂતોનું આ વિરોધ પ્રદર્શન બધાની ભલાઈ માટેનું  અખિલ ભારતીય આંદોલન બનીને કઈ રીતે એ મર્યાદાઓ ઓળંગી ગયું છે તે સમજાવે છે.

હું બાબા ગુરપાલને પૂછું છું કે તેઓ એમના વૃદ્ધ મિત્રો સાથે સિંઘુમાં રોજેરોજ બધાને આઠ કલાક ચા પીરસીને સેવા શા માટે આપી રહ્યા છે.  રાતના અંધારામાં ધુમાડા અને તાપણાની જ્વાળાના સંયોજનથી સર્જાતું દ્રશ્ય જોતા તેઓ કહે છે, “આ આપણા બધા માટે આગળ આવવાનો અને પોતાનું યોગદાન આપવાનો સમય છે, કેમ કે આ હવે ભલાઈ અને બુરાઈ વચ્ચેની સીધી લડાઈ બની ગઈ છે. કુરુક્ષેત્રના ઐતિહાસિક મહાયુદ્ધમાં પણ આવું જ બન્યું  હતું.”

PHOTO • Joydip Mitra

કુરુક્ષેત્રના એક વૃદ્ધ સ્વયંસેવક તેમના દિવસનો મોટો ભાગ ત્યાં આવતા કોઈને પણ માટે મેથીના પરાઠા બનાવવામાં પસાર કરે છે. સિંઘુમાં ઘણા લંગરોમાં રોટી બનાવવાના સ્વયંસંચાલિત  મશીનોનો ઉપયોગ થાય છે (કેટલાક મશીનો કલાકમાં 2000 રોટીઓ બનાવી શકે છે) – ત્યારે તેઓ પોતે પરાઠા બનાવતું મશીન બનીને પોતાની સેવા આપે છે.

PHOTO • Joydip Mitra

સતપાલ સિંહ (જમણે બેઠેલા , રસમાં મીઠું નાખે છે) અને લુધિયાણાના એમના મિત્રો શેરડીનો રસ કાઢવાનું ભારે મશીન ખુલ્લી ટ્રકમાં ચડાવીને સિંઘુ લઈ આવ્યા છે. આ મશીનોનો ઉપયોગ મોટેભાગે ખાંડની મિલોમાં થાય છે – પ્રદર્શનસ્થળે સતપાલ દ્વારા લાવવામાં આવેલું મશીન આજુબાજુથી પસાર થતા સૌને મીઠો તાજો રસ સુલભ કરાવે છે.

PHOTO • Joydip Mitra

શીખ ખેડૂતોને તેમની પાઘડી બાંધવામાં મદદ કરવા અને બીજાઓના ઉપયોગ માટે  એક ટ્રકની બહારની બાજુ પર  લાગેલી અરીસાની હારમાળા. આ ટ્રકમાંથી  દિવસ દરમિયાન  ટુથબ્રશ , ટુથપેસ્ટ, સાબુ અને હેન્ડ સેનેટાઈઝરનું વિતરણ કરવામાં આવે છે.

PHOTO • Joydip Mitra

હરિયાણાના એક ગામે  સૌર પેનલોથી સજ્જ એક  ટ્રક સિંઘુ મોકલી છે, જે ટ્રકની બાજુમાં લટકાવેલ ચાર્જીંગ પોર્ટને વીજળી પૂરી પાડે છે. આંદોલનકારીઓ આ હકીકતમાં મોબાઈલ (હરતા-ફરતા) ચાર્જરથી પોતાના ફોન ચાર્જ કરે છે.

PHOTO • Joydip Mitra

પંજાબના મોગા જીલ્લાના ખુક્કરાણા ગામના યુવાન છોકરાઓ એ વ્યાવસાયિક મોચીને કામે રાખ્યો છે, અને  આંદોલનકારી ખેડૂતોના જૂતાની મરામત કરવામાં  તેઓ મોચીની મદદ કરે છે.

PHOTO • Joydip Mitra

ખુલ્લા હાઇવે પર અઠવાડિયાઓ સુધી પડાવ નાખીને રહેવા છતાં પણ કપડા ધોયેલા હોય અને સાફ રહે એ સુનિશ્ચિત કરવા ઘણા સ્વયંસેવકોએ મફત ધોલાઈ  સેવા શરુ કરી છે.  એક બંધ જગ્યામાં અડધો ડઝન વોશિંગ મશીન રાખ્યા છે, જ્યાં કોઈ પણ આવી શકે છે અને સ્વયંસેવકોને પોતાના કપડા ધોઈ આપવા માટે વિનંતી કરી શકે છે.

PHOTO • Joydip Mitra

અમનદીપ સિંહ નિહંગ પોતાના ઘોડાને નવડાવે છે, જેથી સાંજે કીર્તન માટે તૈયાર થઇ શકે. પ્રવચન અને અન્ય ધાર્મિક ક્રિયાઓ ઉપરાંત  સિંઘુ સરહદ પર પડાવ નાખેલા નિહંગોનો એક સમૂહ આવતા-જતા દરેક વ્યક્તિને પોતાના લંગરમાંથી  ભોજન પીરસે છે.

PHOTO • Joydip Mitra

જલંધરના  શિક્ષિકા બલજીંદર કૌર અસંખ્ય ગોદડા, ધાબળા, તકિયાથી ભરેલ  બંધ જગ્યાનું ધ્યાન રાખે છે; સિંઘુમાં કદાચ એકાદ-બે રાત રોકવા માંગતા આંદોલનકારીઓ અને સમર્થકોને સમાન રીતે આશ્રય અને આરામ પૂરો પાડવા માટે આની વ્યવસ્થા કરવામાં આવી છે .

PHOTO • Joydip Mitra

ફ્રેન્ડ્સ ઓફ ભગત સિંહ સોસાયટીના સભ્યો આંદોલનકારીઓ માટે પ્રકાશિત કરવામાં આવતા સમાચાર પત્ર ટ્રોલી ટાઈમ્સનું વિતરણ કરે છે. તેઓ એક મફત  લાઈબ્રેરી ચાલવા ઉપરાંત પોસ્ટરોનું પ્રદર્શન પણ ભરે છે, અને દરરોજ સાંજે  એક ચર્ચા સત્રનું આયોજન પણ કરે છે.

PHOTO • Joydip Mitra

આંદોલનકારીઓને રોકાવા માટે અને ઠંડી રાતોમાં તેમને ગરમાવો મળી રહે તે  માટે પંજાબના એક એનજીઓએ સિંઘુ ખાતે એક પેટ્રોલપંપના પરિસરમાં 100 હાઇકિંગ ટેન્ટ (પર્વતારોહક તંબુ) લગાવ્યા છે; તેઓ આને ‘ટેન્ટ સીટી’ કહે છે.

PHOTO • Joydip Mitra

ચંદીગઢના ડૉક્ટર સુરિંદર કુમાર માટે સિંઘુ ખાતે અન્ય ડૉકટરોની સાથે મળીને ચિકિત્સા શિબિર ચલાવવી એ સેવાનું જ સ્વરૂપ છે. આ વિરોધ પ્રદર્શન સ્થળે ચાલતી ઘણી  – કેટલાક અંદાજો મુજબ ૩૦ થી પણ વધુ – ચિકિત્સા શિબિરોમાંની એક છે.

PHOTO • Joydip Mitra

સિંઘુ ખાતે હકીમ સરદાર ગુરમીત સિંહ પણ છે. તેઓ સ્વ-પ્રશિક્ષિત હાડવૈદ છે અને ખેંચાઈ ગયેલા સ્નાયુઓને પણ ઠીક કરે છે, અને ખીચોખીચ ભરેલી ટ્રોલીઓમાં  લાંબી મુસાફરી કરવાને કારણે  થાકેલા અને દુખાવાથી પીડિત આંદોલનકારીઓને  માલિશ કરી આપે છે.

PHOTO • Joydip Mitra

સિંઘુ ખાતે  ‘ટર્બન લંગર’, જ્યાં પાઘડી પહેરતા લોકો પોતાના માથા પર નવેસરથી  પાઘડી બંધાવી શકે છે. પાઘડી ન પહેરતાં લોકો પણ અહિ આવીને એકતા વ્યક્ત કરવા  માટે પાઘડી બંધાવે છે.

PHOTO • Joydip Mitra

૮૬ વર્ષના બાબા ગુરપાલ પતિયાલા પાસે ખાનપુર ગોંડિયા ગુરુદ્વારામાં એક સંન્યાસી અને ગ્રંથી છે. તેઓ વિદ્વાન છે, અને અમને શીખોની ઓળખ આધારિત રાજનીતિનો ઈતિહાસ જણાવે છે અને  ખેડૂતોનું આ વિરોધ પ્રદર્શન બધાની ભલાઈ માટેનું  અખિલ ભારતીય આંદોલન બનીને કઈ રીતે એ મર્યાદાઓ ઓળંગી ગયું છે તે સમજાવે છે. તેઓ કહે છે, “આ આપણા બધાં માટે આગળ આવવાનો અને પોતાનું યોગદાન આપવાનો સમય છે, કેમ કે આ હવે ભલાઈ અને બુરાઈ વચ્ચેની સીધી લડાઈ બની ગઈ છે.”

અનુવાદ - ફૈઝ મોહંમદ

Joydip Mitra

Joydip Mitra is a freelance photographer based in Kolkata, who documents people, fairs and festivals across India. His work has been published in various magazines, including ‘Jetwings’, ‘Outlook Traveller’, and ‘India Today Travel Plus’.

यांचे इतर लिखाण Joydip Mitra
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

यांचे इतर लिखाण Faiz Mohammad