રાજીવ કુમાર ઓજા જાણતા નથી કે વધારે તણાવભરી વાત કઈ છે: સારો પાક લણવો કે પછી એ વેચવાનો પ્રયત્ન કરવો. “તમને આ સાંભળીને નવાઈ લાગશે, પણ સીઝન પૂરી થાય અને સારો પાક થયા પછી મારી મુશ્કેલીઓ શરૂ થઇ જાય છે,” તેઓ ઉત્તર-મધ્ય બિહારના ચૌમુખ ગામમાં પોતાના જૂના ઘરનાં વરંડામાં બેસીને કહે છે.
મુઝફ્ફરપુર જીલ્લાના બોચહા તાલુકામાં આવેલ ગામમાં પોતાની પાંચ એકર જમીન પર ૪૭ વર્ષીય ઓજા, ખરીફ પાકની ઋતુ (જૂન-નવેમ્બર) માં ડાંગર, રવિ પાકની ઋતુ (ડીસેમ્બર-માર્ચ) માં ઘઉં અને મકાઈની ખેતી કરે છે. તેમણે મને નવેમ્બર ૨૦૨૦માં કહ્યું કે, “અમારે સારી ઉપજ પકવવા માટે ઋતુ, પાણી, મહેનત અને બીજી પણ ઘણી વસ્તુઓનો સુમેળ જરૂરી છે. પરંતુ, આ બધું થયા પછી પણ કોઈ બજાર જ નથી. મારે ગામમાં કમીશન એજન્ટને અનાજ વેચવું પડે છે, જે એના દ્વારા નક્કી કરેલી કિંમતે વેચવું પડે છે.” પછી કમીશન મેળવવા માટે તે એજન્ટ આ પાકને હોલસેલ વેપારીને વેચી દે છે.
ઓજાએ ૨૦૧૯માં પોતાનો ડાંગરનો સ્ટોક ૧,૧૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે વેચ્યો હતો – આ એ વખતની ૧,૮૧૫ રૂપિયા એમએસપી (ન્યુનતમ સમર્થન મુલ્ય) થી ૩૯ ટકા ઓછું હતું. તેમણે કહ્યું કે, “મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. એજન્ટો દરવખતે ઓછી કિંમતે ખરીદે છે કેમ કે એમને ખબર છે કે અમે [વેચાણ માટે] બીજે ક્યાંય જઈ શકીશું નહીં. આ કારણે અમને કંઈ નફો થતો નથી.”
બિહારના એક ખેડૂત એક એકરમાં ડાંગર ઉગાવવા માટે ૨૦,૦૦૦ રૂપિયા ખર્ચે છે, ઓજા કહે છે. “મને એક એકરમાં ૨૦-૨૫ ક્વિન્ટલ ઉપજ મળે છે. ૧,૧૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ પર, હું છેલ્લા છ મહિનાની સખત મહેનત પછી ૨,૦૦૦-૭,૦૦૦ રૂપિયા [પ્રતિ એકર] નફો રળું છું. શું તમને લાગે છે કે આ એક સારો સોદો છે?”
ઓજાની જેમ, બિહારના ઘણાં ખેડૂતો પોતાના પાકનો સારો ભાવ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે, ખાસ કરીને રાજ્ય દ્વારા ૨૦૦૬માં બિહાર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ અધિનિયમ, ૧૯૬૦ ને હટાવી દીધા પછી. આ સાથે જ રાજ્યમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી) મંડી પ્રણાલીને ખતમ કરી દેવામાં આવી.








