નવશ્યા કુવરાએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં લગભગ ૪૦ આંદોલનકારીઓ માટે પોતાની ધુમસી (ઢોલ/ડ્રમ) વગાડવાનું હમણાંજ પૂરું કર્યું છે. રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ તેઓ આરામ કરવા બેઠા કે તરત જ ત્રણ માણસો તેમની પાસે પહોંચી ગયા.
“લગ્ન પ્રસંગ છે? કઈ તારીખે?” નવશ્યાએ પૂછ્યું. તેમણે એકબીજા સાથે વાતો કરી, એકબીજાના ફોન નંબર લીધા, અને પછી ત્રણે જણ ત્યાંથી જતા રહ્યા. ત્યારબાદ નવશ્યા ૨૫ જાન્યુઆરીએ (આઝાદ) મેદાન ખાતે વિરોધ પ્રદર્શનમાં તેમની સાથે જોડાયેલા ખેડૂતોના સમૂહ પાસે ગયા અને હસીને કહ્યું: “મને હમણાં જ એક સુપારી [કામ] મળી.”
દહાણુ તાલુકાના પોતાના ગામ કિન્હવલીમાં નવશ્યા અને એમની પત્ની બીજલી જંગલની લગભગ પાંચ એકર વન ભૂમિ પર જુવાર, ચોખા અને તુવેર ઉગાડે છે. જ્યારે ખેતરમાં ન હોય ત્યારે ૫૫ વર્ષના આ ખેડૂત પોતાના કળા પ્રદર્શનમાં વ્યસ્ત હોય છે. તેઓ મહિને ૧૦-૧૫ લગ્ન સમારંભમાં મહેનતાણું લઈને ઢોલ વગાડે છે અને એમની મુસાફરી, ખાણી-પીણી અને રહેવાનો ખર્ચ આયોજકો ઉઠાવે છે. નવશ્યાએ કહ્યું, “મોટે ભાગે નાશિકમાં [કળાપ્રદર્શન કરું છું] પણ હું બહાર પણ જાઉં છું. હું થાણે અને ગુજરાત પણ ગયો છું.”
તેઓ છેલ્લા ૪૦ વર્ષથી ધુમસી વગાડે છે. તેઓ કહે છે, “મેં મારા ગામમાં બીજા સંગીતકારોને સાંભળ્યા અને હું પણ વગાડવા લાગ્યો અને એમ કરતા કરતા હું પણ શીખી ગયો.”




