મારો જન્મ નર્મદા જિલ્લાના મહુપાડામાં ભીલોના વસાવા કુળમાં થયો હતો. મહાગુજરાત ચળવળ (1956-1960) પછી એક અલગ ભાષાકીય રાજ્ય તરીકે જ્યારે ગુજરાતની રચના થઈ રહી હતી ત્યારે મહારાષ્ટ્રની (તે સમયે બોમ્બે રાજ્યનો ભાગ) સરહદે પરના જે 21 ગામોને ગુજરાતમાં સમાવવામાં આવ્યા તેમાંનું એક ગામ મારું હતું. મારા માતા-પિતા મરાઠી જાણતા અને બોલતા. તાપી અને નર્મદા નદીઓ વચ્ચેનો પટ્ટો દેહવાલી ભીલી બોલતા ભીલ સમુદાયોનો વિસ્તાર છે. તાપીની બીજી બાજુ મહારાષ્ટ્રના જલગાંવ સુધી તમને દેહવાલીનું કોઈક સ્વરૂપ સાંભળવા મળશે. તો આ બાજુ ગુજરાતમાં સાતપુડાની ટેકરીઓના મોલાગી અને ધડગાંવ ગામ સુધી આ ભાષા બોલાય છે. બે રાજ્યોમાં મળીને આ એક મોટો વિસ્તાર છે.
હું દેહવાલી ભીલીમાં લખું છું અને જે લોકો અમારા વિશે વધુ જાણતા નથી તેઓ અમારી ભાષાને આપણા સમુદાયોના નામથી ઓળખે છે. તેથી, ક્યારેક તેઓ કહે છે કે હું વસાવીમાં લખું છું – મારું કુટુંબ વસાવા કુળનું છે. હું જે ભાષામાં લખું છું તે ભાષા ગુજરાતના આદિવાસીઓ દ્વારા બોલાતી ભાષાઓમાંની એક છે. ગુજરાતના ડાંગમાં ભીલો વારલી બોલે છે. આ વિસ્તારના મૂળ ભીલો ભીલી બોલે છે, જેઓ કોંકણથી આવ્યા છે તેઓ કોકણી બોલે છે. વલસાડમાં તેઓ વારલી અને ધોડિયા બોલે છે. વ્યારા અને સુરતમાં ગામીત; ઉચ્છલ તરફ ચૌધરી; નિઝરમાં તેઓ માવચી બોલે છે; નિઝર અને સાગબારા વચ્ચે ભીલો દેહવાલી બોલે છે. ત્યારબાદ અંબુડી, કથાલી, વસાવી, તડવી, રાઠવી, પંચમહાલી ભીલી, ડુંગરી ગરાસિયા, ડુંગરી ભીલી…
કલ્પના તો કરી જુઓ દરેક ભાષામાં છુપાયેલા ખજાનાની જાણે બીજમાં જંગલ. દરેક ભાષામાં સાહિત્ય, જ્ઞાન, તેમજ જીવનદ્રષ્ટિ મળે છે. હું મારા કાર્ય દ્વારા આ ખજાનાને વિકસાવવા, સંઘરવા, અને તેની ઉજવણી કરવા માટે સંઘર્ષ કરું છું.


