તારાવંતી કૌર ચિંતિત છે. તેઓ કહે છે, "એકવાર આ કૃષિ કાયદાઓ પસાર થઈ જશે પછી તો હાલ અમને જે કંઈ પણ નાનુંમોટું કામ મળી રહે છે તે પણ નહિ મળે."
તેથી તેઓ પંજાબના કિલિયાંવાલી ગામથી પશ્ચિમ દિલ્હીના ટિકરી વિરોધ સ્થળે આવ્યા છે. 7 મી જાન્યુઆરીની રાત્રે રાજ્યના વિવિધ જિલ્લાઓ - બટિંડા, ફરીદકોટ, જલંધર, મોગા, મુકતસર, પતિયાલા અને સંગરુરથી અહીં આવેલા 1500 ખેતમજૂરોમાં તારાવંતી અને આશરે 300 અન્ય મહિલાઓ પણ શામેલ છે. તેઓ બધા પંજાબ ખેત મઝદૂર યુનિયનના સભ્યો છે. આ સંગઠન દલિતોની આજીવિકા, તેમના જમીનના અધિકાર અને જાતિભેદ સંબંધિત મુદ્દાઓ પર કામ કરે છે.
અને આજીવિકા માટે ખેતીના કામ પર નિર્ભર ભારતભરની લાખો મહિલાઓમાંના તેઓ એક છે - દેશના 144.3 લાખ ખેતમજૂરોમાંથી ઓછામાં ઓછી 42 ટકા મહિલાઓ છે.
70 વર્ષના તારાવંતી મુકતસર જિલ્લાની મલૌટ તહસીલમાં તેમના ગામમાં ઘઉં, ડાંગર અને કપાસના ખેતરોમાં મજૂરી કરીને દિવસના 250-200 રુપિયા કમાય છે. 1960 ના દાયકાનો ને તે પછીના સમયનો, જ્યારે પંજાબમાં ખેતીમાં અન્ય મોટા ફેરફારોની સાથોસાથ ખેતીનું યાંત્રિકીકરણ વ્યાપક બન્યું હતું, ઉલ્લેખ કરતા તેઓ કહે છે, “પરંતુ પહેલા જેટલું કામ મળતું નથી. હરિ ક્રાંતિ [હરિયાળી ક્રાંતિ] પછી મજૂરોની દશા બેસી ગઈ છે."તેઓ કહે છે, “હું ઘરડી ભલે થઈ હોઉં પણ હું અશક્ત નથી. કામ મળે તો હું હજી ય સખત મજૂરી કરી શકું. પરંતુ આજકાલ બધું કામ મશીનોથી થાય છે. અમને ખેતમજૂરોને હવે [ખાસ કંઈ] કામ મળતું નથી. અમારા બાળકો ભૂખે મરે છે. અમે દિવસમાં માંડ એક વાર સરખું ખાવા પામીએ છીએ. બધી સીમાઓ પાર કરીને પહેલેથી જ અમારા મોટાભાગના કામો અમારી પાસેથી છીનવી લઈને આ સરકારે તો અમારા જીવનને જીવતું નરક બનાવી દીધું છે.”
તેઓ કહે છે કે હવે ખેતરોમાં ઓછા દિવસો કામ મળતું હોવાથી મજૂરો મનરેગા સ્થળો તરફ વળ્યા છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમ ગ્રામીણ ભારતમાં દરેક પરિવારને વર્ષના 100 દિવસ - પંજાબમાં દિવસના 258 રુપિયા લેખે - કામ આપવાની બાંહેધરી આપે છે. તેઓ પૂછે છે, “પણ ક્યાં સુધી? અમે સ્થિર નોકરીઓની માંગણી કરી રહ્યા છીએ. અમે રોજિંદા કામની માંગણી કરીએ છીએ.”
તારાવંતી દલિત સમુદાયના છે. “અમારે માટે હંમેશ બધું જુદું રહ્યું છે. અને અમે ગરીબ છીએ. તેઓ [ઉચ્ચ જાતિના લોકો] અમને તેમની બરોબરીના ગણતા નથી. બીજા લોકો અમને માણસમાં જ ગણતા નથી. અમે તો જાણે મગતરાં."
તેઓ કહે છે કે પરંતુ હાલ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન વર્ગ, જાતિ અને લિંગભેદ ભૂલીને લોકોની ભાગીદારી રોજેરોજ વધુ ને વધુ મજબૂત થઈ રહી છે. “આ વખતે આ વિરોધમાં અમે બધા એક થયા છીએ. હવે અમે સાચા માર્ગ પર છીએ. જ્યાં સુધી આ કૃષિ કાયદા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારો વિરોધ ચાલુ રાખીશું. હવે બધાએ એક થઈને ન્યાયની માંગ કરવાનો સમય પાકી ગયો છે.”આ કાયદાઓ પહેલા 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આ ત્રણ કાયદાઓ છે: કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 . આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ 32 ને નબળી પાડીને તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.
મોટા નિગમોને ખેડૂતો પર અને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપતા આ ત્રણે ય કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે. આ કાયદાઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે.
તારાવંતી કહે છે કે, "સરકાર કહે છે કે તેઆ કાયદાઓમાં ફેરફાર [સુધારા] કરશે. પરંતુ જો એ લોકો અમને કહે છે આ પ્રમાણે કાયદાઓ પહેલેથી સાચા જ હતા તો પછી હવે ફેરફાર [સુધારા] કરવાની વાત કેમ કરે છે? આનો અર્થ જ એ છે કે તેમણે પસાર કરેલા કાયદા ક્યારેય સારા ન હતા.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક