તેઓ પ્રપંચી વન ઘુવડના સૌમ્ય ઘૂઘૂ કરવાના અવાજને અને ચાર પ્રકારના લલેડાના અવાજને ઓળખી શકે છે. તેઓ એ પણ સારી પેઠે જાણે છે કે સ્થળાંતર કરનારી કાળી ટુક કયા પ્રકારના તળાવોમાં ઉછરે છે.
બી. સિદ્દને શાળાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવો પડ્યો હતો, પરંતુ તમિલનાડુના નીલગિરિમાં તેમના ઘર અને તેની આસપાસ રહેતા પક્ષીઓની પ્રજાતિઓ વિષેનું તેમનું જ્ઞાન એક પક્ષીવિદને પણ શરમાવે તેવું છે.
ગર્વથી ફૂલાયેલા તેઓ કહે છે, “મારા ગામ બુક્કાપુરમમાં સિદ્દન નામના ત્રણ છોકરાઓ હતા. આ ત્રણમાંથી કયા સિદ્દન છે તે વિષે જ્યારે લોકો જાણવા માંગતા, ત્યારે ગામલોકો કહેતા, ‘તે કુરુવી સિદ્દન − તે છોકરો કે જે હંમેશા પક્ષીઓની પાછળ પાગલની માફક દોડે છે.’”
તેમનું સત્તાવાર નામ બી. સિદ્દન છે, પરંતુ મુદુમલાઈની આસપાસના જંગલો અને ગામડાઓમાં તેઓ કુરુવી સિદ્દન તરીકે વધુ જાણીતા છે. તમિલમાં, ‘કુરુવી’ ઘરચકલીના કદના પક્ષીઓને કહેવામાં આવે છે. પક્ષીઓની અડધાથી વધુ જાતિઓ આ પ્રકારના પક્ષીઓ પેસેરીફોર્મસ ક્રમની હોય છે.
નીલગિરિની તળેટીમાં આવેલા આનાકટ્ટીનાં 28 વર્ષીય પ્રાથમિક શિક્ષક વિજયા સુરેશ કહે છે, “તમે પશ્ચિમ ઘાટમાં જ્યાં પણ હો, ત્યાં તમને ચાર કે પાંચ પક્ષીઓ ગાતા સાંભળવા મળશે. તમારે ફક્ત તેમને સાંભળવાના હોય છે અને તેનાથી શીખવાનું હોય છે.” તેઓ કહે છે કે તેમણે સિદ્દન પાસેથી પક્ષીઓ વિષે મૂલ્યવાન માહિતી મેળવી છે, જેઓ મુદુમલાઈ ટાઈગર રિઝર્વ પાસે રહેતા ઘણા યુવાનો માટે એક માર્ગદર્શક છે. વિજયા આ વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારમાં 150 જેટલા પક્ષીઓને ઓળખી શકે છે.
સિદ્દન તમિલનાડુના નીલગિરી જિલ્લામાં મુદુમલાઈ ટાઈગર રિઝર્વના બફર ઝોનમાં આવેલા બુક્કાપુરમ ગામના રહેવાસી છે. તેમણે છેલ્લા અઢી દાયકાઓ વન માર્ગદર્શક તરીકે, પક્ષી નિરીક્ષક તરીકે અને ખેડૂત તરીકે વિતાવ્યા છે. 46 વર્ષીય આ પક્ષીવિદ સમગ્ર ભારતમાં જોવા મળતી 800થી વધુ પક્ષીઓની પ્રજાતિઓનું નામ આપી શકે છે અને તેમાંથી ઘણીખરી પ્રજાતિઓ વિષે સવિસ્તાર વાત કરી શકે છે. તમિલનાડુમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ ઇરુલાર (જેને ઇરુલા તરીકે પણ ઓળખવામાં આવે છે) સમુદાયના સભ્ય, સિદ્દન મુદુમલાઇની આસપાસની શાળાઓમાં પ્રસ્તુતિઓ, અનૌપચારિક ગપસપ અને જંગલોમાં પ્રકૃતિની લટાર દ્વારા નાના બાળકો સાથે તેમનું જ્ઞાન પહોંચાડે છે.
શરૂઆતમાં પક્ષીઓ પ્રત્યેની તેમની રુચિને બાળકો દ્વારા હળવાશથી લેવામાં આવતી હતી. પરંતુ તેઓ યાદ કરીને કહે છે, “પાછળથી જ્યારે તેઓ પક્ષીઓને જોતા, ત્યારે તેઓ મારી પાસે આવતા અને તેનો રંગ, કદ અને તેના અવાજનું વર્ણન કરતા.”
38 વર્ષીય રાજેશ એ મોયર ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. આ પક્ષીવિદ સાથેના તેમના સમયને ફરીથી યાદ કરતાં તેઓ કહે છે, “તેઓ મને કહેતા હતા કે વાંસના પડી ગયેલા પાંદડાઓ પર ન ચાલવું જોઈએ, કારણ કે દશરથીયા જેવા કેટલાક પક્ષીઓ ઝાડના માળાના બદલે ત્યાં તેમના ઈંડા મૂકે છે. શરૂઆતમાં, હું ફક્ત આવી નાની નાની બાબતો વિષે જ ઉત્સુક હતો. આખરે, હું પક્ષીઓની દુનિયામાં ખેંચાઈ ગયો.”
નીલગિરિમાં ટોડા, કોટા, ઇરુલાર, કાટનાયકન અને પનીયા જેવા ઘણા આદિવાસી સમુદાયો રહે છે. સિદ્દન કહે છે, “જ્યારે મારા પડોશના આદિવાસી બાળકો તેમાં રસ દાખવતા, ત્યારે હું જૂનો માળો તેમના હવાલે કરી દેતો અથવા બચ્ચાઓ સાથેના માળાના રક્ષણની જવાબદારી તેમને સોંપી દેતો.”
શાળાઓ સાથે કામ કરવાની શરૂઆત તેમણે 2014માં કરી હતી, જ્યારે મસીનાગુડી ઇકો નેચરલિસ્ટ ક્લબ (MENC) એ તેમને બુક્કાપુરમની સરકારી શાળાના વિદ્યાર્થીઓ સાથે પક્ષીઓ વિષે વાત કરવા આમંત્રણ આપ્યું હતું. તેઓ કહે છે, “તે પછી, નજીકના ગામોની ઘણી શાળાઓએ મને આમંત્રણ આપ્યું.”
'મારા ગામ બુક્કાપુરમમાં સિદ્દન નામના ત્રણ છોકરાઓ હતા. આ ત્રણમાંથી કયા સિદ્દન છે તે વિષે જ્યારે લોકો જાણવા માંગતા, ત્યારે ગામલોકો કહેતા, ‘તે કુરુવી સિદ્દન − તે છોકરો કે જે હંમેશા પક્ષીઓની પાછળ પાગલની માફક દોડે છે’'
*****
સિદ્દને આઠમા ધોરણમાં શાળા છોડીને તેમના માતા−પિતાને ખેતરના કામમાં મદદ કરવી પડી હતી. જ્યારે તેઓ 21 વર્ષના હતા, ત્યારે વન વિભાગે તેમને બંગલાના નિરીક્ષક તરીકે રાખ્યા હતા. જ્યાં તેમનું કામ હતું હાથીઓની પ્રવૃત્તિ વિષે ગામડાઓ અને ખેતરોની આસપાસ રહેતા લોકોને ચેતવણી આપવી, રસોડામાં કામ કરવું અને શિબિરોના નિર્માણમાં મદદ કરવી.
આ કામ શરૂ કર્યાના માંડ બે વર્ષથી પણ ઓછા સમયમાં, સિદ્દને આ કામ છોડી દીધું હતું. તેઓ કહે છે, “જ્યારે મારો 600 રૂપિયા પગાર, લગભગ પાંચ મહિના સુધી ન આવ્યો, એટલે મારે કામ છોડી દેવું પડ્યું હતું. જો મારા પર આટલું દબાણ ન હોત, તો હું વિભાગમાં જ રહ્યો હોત. મને મારું કામ ગમતું હતું. મારે જંગલ છોડવું નહોતું, તેથી હું વન માર્ગદર્શક બની ગયો.”
90ના દાયકાના અંતમાં, જ્યારે તેઓ 23 વર્ષના હતા, ત્યારે તેમને તે વિસ્તારમાં પક્ષી ગણતરી હાથ ધરતા પ્રકૃતિવાદીઓ સાથે જવાની તક મળી. ત્યાં તેમનું કામ તેમને હાથીઓના ટોળાઓની અવરજવર વિષે માહિતગાર કરવાનું હતું, કારણ કે તેઓ કહે છે, “જ્યારે પક્ષીવિદો પક્ષીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે તેઓ તેમની આસપાસના જોખમો પર ધ્યાન આપતા નથી.”
તે પ્રવાસમાં તેમનો સામનો અણધારી વસ્તુ સાથે થયો. તેમણે જોયું કે, “મોટા માણસો આ નાનકડા પક્ષીને જોઈને હસીને લોટપોટ થઈ રહ્યા હતા. તેઓ જે પક્ષીને જોઈ રહ્યા હતા તેના પર મેં ધ્યાન આપ્યું, તો તે રાજાલાલ કાબરો હતો.” સિદ્દને તે પછી પાછા વળીને જોયું નથી. તેમણે તરત જ પક્ષીઓના નામ તમિલ અને કન્નડમાં શીખવાનું શરૂ કર્યું. થોડા વર્ષો પછી, તે વિસ્તારના સ્થાનિક વરિષ્ઠ પક્ષી નિરીક્ષકો, કુટ્ટપ્પન સુદેસન અને ડેનિયલ તેમને પોતાના હેઠળ લઈ ગયા અને તેમને તાલીમ આપી.
ભારતીય વિજ્ઞાન સંસ્થા દ્વારા પ્રકાશિત પશ્ચિમ ઘાટમાં વન રક્ષકો શીર્ષકવાળું 2017નું પેપર કહે છે કે, પશ્ચિમ ઘાટ મુંબઈના ઉત્તર ભાગથી કન્યાકુમારી સુધી વિસ્તરેલો છે અને ત્યાં પક્ષીઓની 508 પ્રજાતિઓ રહે છે. આમાંથી, ઓછામાં ઓછી 16 પ્રજાતિઓ આ પ્રદેશની સ્થાનિક છે જેમાં લુપ્તપ્રાય લાલભાલ ફુત્કી, નીલગિરિ વન કબૂતર, સફેદ પેટવાળી ટીટોડી, અને લાંબી પૂછડીવાળું ગ્રાસબર્ડ, લાલ લલેડું અને નીલા માથાવાળા બુલબુલનો સમાવેશ થાય છે.
જંગલોમાં ઘણા કલાકો વિતાવનાર સિદ્દન કહે છે કે ઘણી સામાન્ય પ્રજાતિઓ દુર્લભ બની રહી છે. “મેં આ સિઝનમાં એક પણ નીલા માથાવાળો બુલબુલ નથી જોયો. તેઓ પહેલા ખૂબ જ સામાન્ય હતા; હવે તે દુર્લભ બની ગયા છે.”
*****
ટીટોડીની રણકાર આખા જંગલમાં એલાર્મની માફક ગુંજે છે.
એન. સિવન કહે છે, “વિરપ્પન આટલા લાંબા સમય સુધી ધરપકડથી આ રીતે બચી ગયો હતો.” તેઓ સિદ્દનના મિત્ર છે અને સાથી પક્ષી નિષ્ણાત છે. વિરપ્પન શિકાર, ચંદનની દાણચોરી અને બીજી અન્ય કેસોમાં વોન્ટેડ હતો અને સ્થાનિકોનું કહેવું છે કે તે સત્યમંગલમના જંગલોમાં દાયકાઓ સુધી પોલિસથી છૂપાયો હતો. “તે આલકાટી પરવઈ [લોકોને ચેતવણી આપતું પક્ષી] ના અવાજ પરથી અંદાજ લગાવતો હતો.”
જ્યારે પણ તેઓ પક્ષીને જોતા ત્યારે તેમના પુસ્તકમાં નોંધ કરતા એન. સિવન કહે છે, “ટીટોડી જ્યારે જંગલમાં શિકારી અથવા ઘૂસણખોરને જુએ છે ત્યારે તે અવાજ કરે છે. અને વન લલેડુ ઝાડીઓની ઉપર બેસીને શિકારીને અનુસરે છે, અને તે જેમ જેમ ફરે તેમ તેમ તે કિલકિલાટ કરે છે.” આ 50 વર્ષીય વ્યક્તિ, કે જેમને શરૂઆતમાં પ્રજાતિઓના નામ યાદ રાખવામાં તકલીફ પડી હતી, પરંતુ તેમણે હાર માની ન હતી. “અમે એક વર્ષ સુધી આ રીતે તાલીમ લીધી હતી. પક્ષીઓ અમારા માટે મહત્ત્વના છે. મને ખબર હતી કે હું શીખી શકીશ.”
90ના દાયકાના મધ્યભાગ સુધીમાં, સિદ્દન અને સિવન બુક્કાપુરમ નજીકના એક ખાનગી રિસોર્ટમાં ટ્રેકિંગ માર્ગદર્શક તરીકે નોંધાયા હતા, જ્યાં તેઓ વિશ્વભરના પક્ષી ઉત્સાહીઓને મળ્યા હતા અને તેમની સાથે ભળી ગયા હતા.
*****
જ્યારે સિદ્દન મસીનાગુડીના બજારમાંથી પસાર થાય છે, ત્યારે યુવાનો “કેમ છો માસ્ટર!” કહીને તેમનું સ્વાગત કરે છે. તેમના વિદ્યાર્થીઓ મોટે ભાગે આદિવાસી અને દલિત પૃષ્ઠભૂમિના છે, જે મુદુમલાઈની આસપાસના વિસ્તારોમાં રહે છે.
ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ઇરુલા સમુદાયના સભ્ય 33 વર્ષીય આર. રાજકુમાર કહે છે, “અમારા ચાર જણના પરિવારમાં ફક્ત મારી માતા જ કામ કરતી હતી. મને કોટાગિરીમાં શાળાએ મોકલવાનું તેમને પોસાય તેમ ન હતું.” તેથી તેમણે હાઇસ્કૂલ છોડી દીધી અને બફર ઝોનની આસપાસ ફરીને સમય પસાર કરવા લાગ્યા. એક દિવસ સિદ્દને તેમને સફારીમાં જોડાવા કહ્યું. રાજકુમાર કહે છે, “જ્યારે મેં તેમને કામ કરતા જોયા, કે તરત જ હું તે કામમાં આકર્ષાયો હતો. આખરે, મેં ટ્રેકિંગ અને સફારીમાં ડ્રાઇવરોને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું.”
*****
આ વિસ્તારમાં દારૂનો અતિરેક એક ગંભીર સમસ્યા બની ગઈ છે. (વાંચો: નીલગિરિમાં: કુપોષણનો વારસો ) સિદ્દન કહે છે કે તેમને આશા છે કે તેમના જેવા જંગલ આધારિત વ્યવસાયો આદિવાસીઓની યુવા પેઢીઓને નશાથી દૂર લઈ જશે. “દારૂની લતનું [એક] કારણ એ છે કે જ્યારે છોકરાઓ શાળા છોડી દે છે, ત્યારે તેમની પાસે કરવા માટે બીજું કંઈ જ નથી હોતું. તેમની પાસે નોકરીની સારી તકો નથી તેથી તેઓ દારૂ પીવે છે.”
સિદ્દન સ્થાનિક છોકરાઓ જંગલમાં રસ દાખવે તેને અને તેમને નશાથી દૂર કરવાને પોતાના મિશન તરીકે જુએ છે. તેઓ થોડે દૂર એક વિશિષ્ટ કાંટાવાળી પૂંછડીવાળા પક્ષી તરફ ઈશારો કરતાં કહે છે, “હું પણ થોડો કાળીયા કોશી જેવુ છું. તેઓ કદમાં નાના હોવા છતાં, તેઓ એકમાત્ર એવા પક્ષીઓ છે જે શિકારી પક્ષીઓ સામે લડવાની હિંમત કરે છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ