યેલ્લપ્પન મૂંઝવણમાં છે અને ગુસ્સે છે.
“અમે દરિયાઇ માછીમારી સમુદાયના નથી. [તો] શા માટે અમને સેમ્બાનંદ મારવાર અથવા ગોસંગી તરીકે ઓળખવામાં આવે છે?”
તે 82 વર્ષીય દૃઢતાપૂર્વક કહે છે, “અમે શોલગા છીએ. [સરકાર] અમારી પાસે પુરાવા માગે છે. અમે અહીં જ છીએ અને જીવતા છીએ. શું એ પુરાવો પૂરતો નથી? આધાર આન્તે આધાર. યલિંદા તરલી આધાર? [પુરાવા! પુરાવા! [તેમને બસ એજ જોઈએ છે].”
તમિલનાડુના મદુરાઈ જિલ્લાના સક્કીમંગલમ ગામના રહેવાસીઓ, યેલ્લપન્નનો સમુદાય ચાબુક મારવાની પ્રેક્ટિસ કરે છે, અને સ્થાનિક રીતે તેઓને ચાટાઈ સમુદાય તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ વસ્તી ગણતરીમાં, તેઓને સેમ્બાનંદ મારવાર તરીકે નોંધવામાં આવ્યા છે, અને સૌથી પછાત વર્ગો (એમબીસી)ની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
તેઓ ઉમેરે છે, “[વસ્તી ગણતરી] મોજણી કરનારાઓ અમારી મુલાકાત લે છે, અમને કેટલાક પ્રશ્નો પૂછે છે અને પછી તેઓ ગમે તે શ્રેણી હેઠળ અમને સૂચિબદ્ધ કરી દે છે.”
યેલ્લપ્પન અંદાજે તે 15 કરોડ ભારતીયોમાંના એક છે, જેમની ખોટી ઓળખ કરવામાં આવી છે અને ખોટી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. અંગ્રેજોના શાસન દરમિયાન સ્થાપિત કરાયેલા ગુનાહિત જાતિઓ અધિનિયમ, 1871 દ્વારા આમાંના ઘણા સમુદાયોને એક સમયે ‘વારસાગત રીતે ગુનેગારો’ તરીકે ઓળખવામાં આવ્યા હતા. આ કાયદો 1952માં રદ કરવામાં આવ્યો હતો, અને તે સમુદાયોને બિન અધિસૂચિત જાતિઓ (ડીએનટી) અથવા વિચરતી જાતિઓ (એનટી) તરીકે ઓળખવામાં આવે છે.
નેશનલ કમિશન ફોર ડિનોટિફાઈડ નોમેડિક એન્ડ સેમી નોમેડિક ટ્રાઈબ્સનો 2017નો એક સરકારી અહેવાલ જણાવે છે કે, “સારામાં સારી પરિસ્થિતિમાં પણ અપૂર્ણ અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં અક્ષમ, તેમનું સ્થાન, સામાજિક પદાનુક્રમના સૌથી નીચલા સ્તરે આવેલું છે. ઘણી વખત અંગ્રેજ શાસન દરમિયાન સર્જાયેલા પૂર્વગ્રહોનો સામનો કરે છે.”
પાછળથી આમાંના કેટલાક જૂથોને અનુસૂચિત જનજાતિ (એસટી), અનુસૂચિત જાતિ (એસસી) અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) જેવી અન્ય શ્રેણીઓમાં મૂકવામાં આવ્યા હતા. જો કે, 2017ના અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, 269 સમુદાયોની આજ સુધી કોઈ પણ શ્રેણી હેઠળ ગણતરી કરવામાં આવી નથી. આ તેમને શિક્ષણ અને રોજગારમાં, જમીન ફાળવણીમાં, રાજકીય ભાગીદારીમાં અને અન્ય બાબતોમાં અનામત જેવાં સામાજિક કલ્યાણનાં પગલાંથી વંચિત રાખે છે.
આ સમુદાયોના સભ્યોમાં યેલ્લાપ્પન જેવા શેરી કલાકારો, સર્કસ કલાકારો, ભવિષ્ય ભાખનારા, મદારી, નકલી ઘરેણાં વેચનારા, પરંપરાગત ઉપચાર કરનારા, નટનો ખેલ કરનારા, ગુસ્સે ભરાયેલા બળદોને કાબુમાં કરનારા લોકોનો સમાવેશ થાય છે. તેમનું જીવન વિચરતું છે અને તેમની આજીવિકા જોખમમાં છે. તેઓ હજુ પણ વિચરતાં છે, કારણ કે તેમણે કમાણી કરવા માટે દરરોજ નવા ગ્રાહકો શોધવા જરૂરી છે. પરંતુ, બાળકોના શિક્ષણ ખાતર, તેઓ સમયાંતરે પાછા ફરે છે.
તમિલનાડુમાં પેરુમલ મટ્ટુકરન, ડોમ્મારા, ગુડુગુડુપાંડી અને શોલગા સમુદાયો તમામને વસ્તી ગણતરીમાં એસસી, એસટી, કે એમબીસી તરીકે સૂચિબદ્ધ કરાયા છે. તેમની અલગ ઓળખને અવગણીને, તેમને આડિયાન, કટ્ટુનાયકન અને સેમ્બાનંદ મારવાર સમુદાયોમાં મૂકવામાં આવ્યા છે. અન્ય ઘણા લોકોને પણ અલગ-અલગ રાજ્યોમાં સમાન રીતે ખોટી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જ્યારે અમુકની તો ગણતરી જ કરવામાં નથી આવી.
પેરુમલ મટ્ટુકરન સમુદાયના સભ્ય પાંડી કહે છે કે, “આરક્ષણ વિના અમારા બાળકોને શિક્ષણ અને નોકરીઓમાં તક મળતી નથી. કોઈપણ જાતના સમર્થન વિના અન્ય લોકોની વચમાં અમારી [બિન અધિસૂચિત અને વિચરતી જાતિઓ] પાસેથી આગળ વધવાની આશા રાખવી અયોગ્ય છે.” તેમના લોકો તેમના શણગારેલા બળદ સાથે ઘેર−ઘેર ફરીને રોજીરોટી કમાય છે. તેમના સમુદાયને બૂમ બૂમ મટ્ટુકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેઓ ભિક્ષાના બદલામાં ભવિષ્ય ભાખવાનું કામ પણ કરે છે અને ભક્તિ ગીતો પણ ગાય છે. 2016માં તેઓને એસટી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા અને તેમને આદિયન સમુદાયમાં મૂકવામાં આવ્યા હતા. તેઓ આનાથી ખુશ નથી અને તેઓ તેમને પેરુમલ મટ્ટુકરણ જ કહેવામાં આવે તેવું ઈચ્છે છે.
પાંડી હજી પણ બોલી રહ્યા હતા તેવામાં તેમનો પુત્ર ધર્મદોરાઈ શણગારેલા બળદને ખેંચીને ઘેર પાછો લાવે છે. તેના ખભા પર તેણે પૈસા મુકવા માટેનો થેલો લટકાવેલો છે, અને તેના હાથમાં ‘પ્રેક્ટિકલ રેકોર્ડ બુક’ નામનું મોટું પુસ્તક છે.
ધર્મદોરાઈ મદુરાઈના સક્કીમંગલમની સરકારી હાઈસ્કૂલમાં દસમા ધોરણમાં ભણે છે. જ્યારે તે મોટો થાય ત્યારે તે જિલ્લા કલેક્ટર બનવા માંગે છે અને તે માટે તેણે શાળામાં ભણવું જરૂરી છે. તેથી જ્યારે તેણે શાળા માટે સાત પુસ્તકો ખરીદવાની જરૂર પડી અને તેના પિતા પાંડીએ તેને આપેલા 500 રૂપિયા સાતમું પુસ્તક લેવા માટે ઓછા પડ્યા, તો તેણે આ બાબતને પોતાના હાથમાં લીધી.
પોતાના સાહસથી ખુશ થઈને તે કહે છે, “હું [શણગારેલા] બળદને લઈને 5 કિલોમીટર સુધી ચાલ્યો અને 200 રૂપિયા કમાયો. મેં આ પૈસાથી તે સાતમી ચોપડી ખરીદી લીધી.”
તમિલનાડુમાં બિન અધિસૂચિત સમુદાયોની સૌથી વધુ સંખ્યા છે − 68 અને વિચરતિ જાતિઓની બીજા ક્રમની સૌથી વધુ સંખ્યા − 60 – છે. અને તેથી પાંડીને લાગે છે કે ધર્મદોરાઈને ભણી શકવાની તકો ખૂબ ઓછી છે. તેઓ લાંબા સમયથી એસટીનો દરજ્જો ધરાવતા લોકોનો ઉલ્લેખ કરતાં કહે છે, “અમે ઘણા બધા લોકો સાથે સ્પર્ધામાં છીએ.” તમિલનાડુમાં, પછાત વર્ગો (બીસી), સૌથી પછાત વર્ગો (એમબીસી), વન્નિયારસ, બિન અધિસૂચિત જાતિઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને શિક્ષણ અને રોજગારમાં 69 ટકા અનામત આપવામાં આવે છે.
*****
મહારાજા કહે છે, “અમે જે ગામમાંથી પસાર થઈ રહ્યા હોઈએ, ત્યાં જો કોઈ વસ્તુની ચોરી થાય, તો દોષનો ટોપલો સીધો અમારા માથે આવે છે. મરઘાં, ઝવેરાત, કપડાંથી લઈને કોઈપણ વસ્તુની ચોરી માટે અમને જ ગુનેગાર ગણવામાં આવે છે, કેદ કરવામાં આવે છે, મારવામાં આવે છે અને અપમાનિત કરવામાં આવે છે.”
30 વર્ષીય, આર. મહારાજા શેરી સર્કસ કલાકારો તરીકે કામ કરતા ડોમાર્સ સમુદાયમાંથી છે. તેઓ શિવગંગા જિલ્લામાં મનમદુરાઈમાં તેમના પરિવાર સાથે બંડી (કામચલાઉ કાફલા) માં રહે છે. તેમની વસાહતમાં 24 પરિવારો છે અને મહારાજાનું ઘર એક ત્રણ પૈડાંવાળું વાહન છે જેને જરૂર પડે સામાનના પરિવહન માટે ઉપયોગમાં લઈ શકાય છે. તેમના આખા ઘરના અને કામકાજના સાધનો − ગાદલું, ચટ્ટાઈ, કેરોસીન સ્ટોવ સાથે મેગાફોન, ઓડિયો કેસેટ પ્લેયર, તથા તેમના પ્રદર્શન માટે તેઓ જે સળિયા અને રિંગ્સનો ઉપયોગ કરે છે તે − તેમની સાથે મુસાફરીમાં હોય જ છે.
“મારી પત્ની [ગૌરી] અને હું સવારે અમારી બંડી લઈને નીકળીએ છીએ. અમે સૌપ્રથમ તિરુપથુર પહોંચીએ છીએ, જે અહીંથી નીકળતાં પહેલું ગામ આવે છે, અને ગામની બહારની બાજુએ અમારી બંડી [કેમ્પ] રાખવા માટે અને ગામમાં અમારૂ કલા પ્રદર્શન કરવા માટે અને ગામના થલાઈવર [સરપંચ] પાસેથી પરવાનગી લઈએ છીએ. અમે અમારા લાઉડસ્પીકર અને માઇક્રોફોન માટે વીજળી કનેક્શનની મેળવવા પણ વિનંતી કરીએ છીએ.”
જો તેમને પરવાનગી આપવામાં આવે, તો તેઓ તેમના કલા પ્રદર્શન વિશે જાહેરાતો કરવા ગામમાં ફરે છે અને પછી લગભગ 4 વાગ્યાની આસપાસ પ્રદર્શન શરૂ થાય છે, જેમાં પહેલા એક કલાક માટે સર્કસના કરતબ અને બીજા એક કલાક સુધી રેકોર્ડ કરેલા સંગીત પર ફ્રી સ્ટાઇલ નૃત્ય કરવામાં આવે છે. શો પછી તેઓ દર્શકો પાસેથી દાન લેવા માટે તેમના વચ્ચે ફરે છે.
અંગ્રેજોના સમયમાં ડોમારોને ગુનાહિત જાતિઓ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. હવે બિન અધિસૂચિત કરાયા હોવા છતાં, મદુરાઈ ખાતે આ સમુદાયના અધિકારો માટે કામ કરતા એનજીઓ, ટેન્ટ (ધ એમ્પાવરમેન્ટ સેન્ટર ઓફ નોમેડ્સ એન્ડ ટ્રાઈબ્સ) સોસાયટીના સેક્રેટરી આર. મહેશ્વરી કહે છે કે, “તેઓ સતત ભયની સ્થિતિમાં જીવે છે. પોલીસ અત્યાચાર અને મોબ લિંચિંગ એ તેમના માટે એક સામાન્ય ઘટના છે.”
તેઓ નિર્દેશ કરે છે કે જો કે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમે એસસી અને એસટી સમુદાયને ભેદભાવ અને હિંસાથી કાયદેસરનું રક્ષણ આપ્યું છે, ત્યારે બિન અધિસૂચિત જાતિઓ અને વિચરતી જાતિઓના નબળા જૂથોને વિવિધ કમિશનો અને અહેવાલોએ ધ્યાન દોર્યું હોવા છતાં, આવું કોઈ બંધારણીય અને કાનૂની રક્ષણ આપવામાં નથી આવ્યું.
મહારાજા કહે છે કે, ડોમાર કલાકારો ક્યારેક તો સતત એક વર્ષ સુધી મુસાફરી કરે છે અને પછી ઘેર પાછા આવે છે. ગૌરી ઉમેરે છે કે, “જો વરસાદ પડે અથવા પોલીસ અમારા કાર્યમાં વિક્ષેપ પાડે, તો તે દિવસે અમારે કોઈ કમાણી નહીં થાય.” બીજા દિવસે, તેઓ તેમની બંડી આગળના ગામમાં લઈ જાય છે અને આ જ નિત્યક્રમનું પુનરાવર્તન થાય છે.
તેમના 7 વર્ષના પુત્ર મણિમરનને ઔપચારિક શિક્ષણ અપાવવાનો પ્રયાસ એ એક સામૂહિક પ્રયાસ છે. તેઓ કહે છે, “એક વર્ષ મારા ભાઈનો પરિવાર ઘેર રહે છે અને બાળકોની સંભાળ રાખે છે, ક્યારેક મારા કાકા [તેમની] સંભાળ રાખે છે.”
*****
તેમના પરાકાષ્ઠાના દિવસોમાં, રુક્મણીની કરતબો તેમના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દે છે. તેઓ તેમના વાળ વડે મોટા, ભારે પત્થરો ઉપાડી શકે છે, અને તેમના અને અન્ય વ્યક્તિ વચ્ચે ધાતુના સળિયા વાળી શકતાં હતાં. આજે પણ તેઓ તેમની અગ્નિની કરતબો, દંડૂકા ફેરવવાવી રીતો, ગોળગોળ ફરવાની તરકીબો, અને અન્ય પરાક્રમો ભીડને આકર્ષે છે.
આ 37 વર્ષીય વ્યક્તિ, ડોમાર્સ અથવા શેરી સર્કસ સમુદાયના સભ્ય છે અને તમિલનાડુના શિવગંગા જિલ્લાના મનમદુરાઈમાં રહે છે.
રુક્મણી કહે છે કે તેમણે સતત અયોગ્ય ટિપ્પણીઓનો સામનો કરવો પડે છે. “અમે પ્રદર્શન કરતી વખતે મેકઅપ અને રંગબેરંગી કપડાં પહેરીએ છીએ અને પુરુષો તેને એવું સમજી બેસે છે કે અમે તેમને આમંત્રણ આપીએ છીએ. અમને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં આવે છે, અભદ્ર નામોથી બોલાવવામાં આવે છે અને અમારા ‘ભાવ’ પૂછવામાં આવે છે.”
પોલીસ પણ અમારી મદદ કરતી નથી. તેઓ જે પુરુષો વિરુદ્ધ ફરિયાદ કરે છે તેઓ ગુસ્સે ભરાય છે અને “તેઓ અમારી સામે ખોટા ચોરીના કેસ દાખલ કરી દે છે, જેના પર પોલીસ કાર્યવાહી કરે છે, અમને જેલમાં બંધ કરી દે છે અને અમારી સાથે મારપીટ કરે છે.”
સ્થાનિક રીતે કલાઇકૂટાડિગલ તરીકે ઓળખાતા આ વિચરતા સમુદાયને છેક 2022માં અનુસૂચિત જાતિ (એસસી) તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો.
ભૂતપૂર્વ બિન અનુસૂચિત જાતિઓ અને વિચરતી જાતિઓ માટે રુક્મણીએ જે અનુભવ વર્ણવ્યો તે અસામાન્ય બાબત નથી. ગુનાહિત જાતિઓ અધિનિયમ રદ કરવામાં આવ્યો હતો પરંતુ કેટલાક રાજ્યોએ રીઢા ગુનેગાર અધિનિયમ પસાર કર્યો હતો, જે સમાન રીતની નોંધણી અને દેખરેખ પ્રક્રિયાઓ માટે જોગવાઈ કરે છે. આમાં તફાવત એ છે કે હવે સમગ્ર સમુદાયને બદલે વ્યક્તિઓને વારંવાર લક્ષ્ય બનાવવામાં આવે છે.
આ સમુદાય આ ગામમાં કામચલાઉ તંબુઓ, કાફલાઓ અને ઈંટો અને ચૂનાના મકાનોની વસાહતમાં રહે છે. તે જ સમુદાયનાં 66 વર્ષીય શેરી−સર્કસ કલાકાર અને રુક્મણીનાં પાડોશી એવાં સેલ્વી કહે છે કે, તેઓ જાતીય સતામણીનો ભોગ બનેલાં છે. બે છોકરાઓ અને બે છોકરીઓનાં માતા કહે છે, “ગામના માણસો રાત્રે અમારા તંબુમાં પ્રવેશે છે અને અમારી બાજુમાં સૂઈ જાય છે. અમે તેમને ભગાડવા માટે ગંદકીની હાલતમાં જ રહીએ છીએ. અમે ન તો અમારા વાળ ઓળીએ છીએ, ન તો સ્નાન કરીએ છીએ કે ન તો સ્વચ્છ કપડાં પહેરીએ છીએ. અને તેમ છતાં, એ બદમાશો આવ્યા જ કરે છે.”
સેલ્વીના પતિ રતિનમ ઉમેરે છે, “જ્યારે અમે પ્રવાસ કરતા હોઈએ, ત્યારે અમે તેટલા ગંદા હોઈએ છીએ કે તમે અમને ઓળખી જ ન શકો.”
સમુદાયની એક યુવાન છોકરી, તયમ્મા 19 વર્ષની છે અને સન્નાતીપુડુકુલમમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં બારમા ધોરણમાં ભણે છે. તે તેની આદિજાતિમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ હશે.
પરંતુ કોલેજમાં “કોમ્પ્યુટરનો અભ્યાસ” કરવાના તેના સપનાને તેના માતા-પિતાની મંજૂરી મળે તેવી શક્યતા નથી.
“કોલેજ આપણા જેવા સમુદાયની છોકરીઓ માટે સુરક્ષિત નથી. [તેઓ] શાળામાં આપણને ‘સર્કસ પોદરવા ઇવા’ [સર્કસમાં પ્રદર્શન કરનારાં] કહીને ચિડવે છે, અને આપણી સાથે ભેદભાવ કરવામાં આવે છે. કોલેજમાં તો પરિસ્થિતિ વધુ ખરાબ હશે.” તેના વિશે વધુ વિચારતા, તેમનાં માતા લચ્છમી ઉમેરે છે, “વધુમાં, તેને પ્રવેશ આપશે પણ કોણ? અને જો તે કોલેજમાં પ્રવેશ મેળવી પણ લે, તો અમે તેની ફી કઈ રીતે ચૂકવશું?”
તેથી ટેન્ટનાં મહેશ્વરી સમજાવે છે કે, આ સમુદાયોની છોકરીઓને નાની ઉંમરે પરણાવી દેવામાં આવે છે. સેલ્વી કહે છે, “જો કંઈક ખોટું થઈ જાય, [જાતીય હુમલા, બળાત્કાર અને તેના લીધે ગર્ભાધારણ], તો તેઓ સમુદાયમાંથી પણ બહિષ્કૃત થઈ જશે અને તેમની સાધે કોઈ લગ્ન કરશે નહીં.”
આ સમુદાયોની મહિલાઓ માટે તે બેવડો ફટકો છે − તેઓએ માત્ર તેમની આદિજાતિ સામે જ નહીં, પરંતુ તેમના લિંગ પ્રત્યેના ભેદભાવને પણ સહન કરવો પડશે.
*****
ત્રણ બાળકોનાં માતા એવાં 28 વર્ષીય હમસાવલ્લી કહે છે, “હું 16 વર્ષની હતી ત્યારે મને પરણાવી દેવાઈ હતી. હું ભણેલી નથી. હું ભવિષ્ય ભાખીને રોજીરોટી કમાઉં છું. પણ મારા પછીની પેઢીએ આ કામ ન કરવું પડે તો સારું. તેથી જ હું મારા બધા બાળકોને શાળાએ મોકલું છું.”
ગુડુગુડુપંડી સમુદાયમાંથી તેઓ ભવિષ્ય ભાખવા માટે મદુરાઈ જિલ્લાના ગામડાઓમાં પ્રવાસ કરે છે. અહીં મધ્ય તમિલનાડુમાં 40 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાનમાં 10 કિલોમીટર સુધી ચાલીને તેઓ એક જ દિવસમાં લગભગ 55 ઘરોને આવરી લે છે. 2009માં, તેમની વસાહતના રહેવાસીઓને કટ્ટુનાયકન નામની એક અનુસૂચિત જનજાતિ (એસટી) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.
મદુરાઈ જિલ્લાના તિરુપરંકુદ્રમ શહેરમાં આશરે 60 પરિવારોની વસાહત આવેલી છે તે મદુરાઈ શહેરના જેજે નગરમાં તેમના ઘેરથી તેઓ કહે છે, “આ ઘરોમાં અમને થોડો ખોરાક અને મુઠ્ઠીભર અનાજ મળે છે. કેટલાક અમને એક કે બે રૂપિયા આપે છે.”
ગુડુગુડુપંડી સમુદાયની આ વસાહતમાં ન તો કોઈ વીજળી જોડાણ કે ન તો સ્વચ્છતા સુવિધા છે. વસાહતની આજુબાજુની ગીચ ઝાડીમાં ખુલ્લામાં શૌચ કરવાને કારણે સાપ કરડવો એ સામાન્ય ઘટના છે. હમસાવલ્લી ઈશારા કરતાં કહે છે, “અહીં એવા સાપ છે જે મારી કમર સુધી વીંટળાય છે અને ઉપર ચઢે છે. જ્યારે વરસાદ પડે છે, ત્યારે તંબુઓમાં પાણી ટપકે છે, તેથી મોટાભાગના પરિવારો એક એનજીઓ દ્વારા બનાવવામાં આવેલા મોટા ‘અભ્યાસ કેન્દ્ર’માં રાત વિતાવે છે.
પરંતુ તેમની કમાણી તેમના અનુક્રમે 11, 9 અને 5 વર્ષનાં ત્રણ બાળકોને ખવડાવવા માટે પૂરતી નથી. “[મારાં] બાળકો અહીં હંમેશા બીમાર જ રહે છે. ડૉક્ટર કહે છે, ‘હેલ્ધી ખાઓ, બાળકોને તાકાત અને રોગપ્રતિકારક શક્તિ માટે પોષણની જરૂર છે’. પણ મને રાશનના ચોખા અને રસમમાંથી બનાવેલી રાબ ખવડાવવી જ પોસાય તેમ છે.”
અને તેથી તેઓ દૃઢતા સાથે કહે છે કે, “મારા પછીની પેઢીએ આ કામ ન કરવું પડે તો સારું”
આ જૂથોના અનુભવોને ટાંકીને, મદુરાઈની અમેરિકન કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર બી. અરી બાબુ કહે છે, “જાતિ પ્રમાણપત્ર એ કેવળ જાતિ−ઓળખવાળું કાગળ નથી, પરંતુ માનવ અધિકારની અનુભૂતિનું સાધન છે.”
તેઓ ઉમેરે છે કે પ્રમાણપત્ર, “સામાજિક ન્યાય મેળવવા માટે અને રાજકીય, સામાજિક અને આર્થિક સમાવેશને સુનિશ્ચિત કરવા, તથા દાયકાઓથી ચાલતી ભૂલોને સુધારવા માટેનું તેમનું સાધન છે.” મહામારી અને તેના લોકડાઉન દરમિયાન તમિલનાડુમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા જૂથોએ જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો તેનું દસ્તાવેજીકરણ કરનારી બિન−વ્યાવસાયિક યુટ્યુબ ચેનલ બફૂનના તેઓ સ્થાપક છે.
*****
સન્નીપુડુકુલમમાં આવેલા તેમના ઘરમાં ગર્વથી તેમનું ચૂંટણી કાર્ડ બતાવતાં આર. સુપ્રમણી કહે છે, “મેં આ ચૂંટણીઓમાં [2021માં તમિલનાડુ રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ] માં 60 વર્ષમાં પ્રથમ વખત મતદાન કર્યું છે. એનજીઓની મદદથી આધાર જેવા અન્ય સત્તાવાર દસ્તાવેજો પણ મેળવવામાં આવ્યા છે.
તેઓ કહે છે, “હું ભણેલો નથી. તેથી, હું બીજું કંઈ કરીને કમાણી કરી શકતો નથી. સરકારે અમને થોડી વ્યાવસાયિક તાલીમ અને લોન આપવી જોઈએ. આનાથી અમને સ્વ-રોજગારમાં મદદ મળશે.”
15 ફેબ્રુઆરી 2022ના રોજ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે બિન અધિસૂચિત જાતિઓ (સીડ) ના આર્થિક સશક્તિકરણ માટેની યોજના શરૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય એવા પરિવારોની મદદ કરવાનો છે “જેમની વાર્ષિક આવક 2.50 લાખ રૂપિયા કે તેથી ઓછી હોય, અને જેઓ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની એના જેવી એકે યોજનામાંથી આવા કોઈપણ લાભો મેળવતા ન હોય.”
અખબારી યાદીમાં આ સમુદાયો સાથે થયેલા અન્યાયને પણ સ્વીકારવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તેમના પાછળ “નાણાકીય વર્ષ 2021-22 થી 2025-26 સુધીના 5 વર્ષના સમયગાળામાં અંદાજે 200 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.” જોકે, હજુ સુધી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોવાથી, આ સમુદાયમાં કોઈને પણ પૈસા મળ્યા નથી.
સુપ્રમણી કહે છે, “અમને બંધારણમાં એસસી અને એસટી સમુદાયોની જેમ અલગ માન્યતા પ્રાપ્ત દરજ્જો મળવો જોઈએ. રાજ્ય દ્વારા અમારી ઉપેક્ષા ન થાય તે સુનિશ્ચિત કરવા માટેનું તે પ્રથમ પગલું હશે.” તેઓ કહે છે કે તેમની યોગ્ય ઓળખ પાછી આપવા માટે પદ્ધતિસરની ગણતરી કરવી જ રહી. તેના કરતાં બીજું કંઈપણ તે માટે પૂરતું રહેશે નહીં.
આ લેખ 2021-22ની એશિયા પેસિફિક ફોરમ ઓન વુમન, લૉ એન્ડ ડેવલપમેન્ટ (એપીડબલ્યુએલડી) મીડિયા ફેલોશિપના ભાગ રૂપે લખાયો હતો.
અનુવાદક: ફૈઝ મોહંમદ