ધૂમાડાનો નાનો ગોટો અને એન્જિનનું ફટ-ફટ: વાદળી સાડી, નાકે મોટી ચૂની અને ચહેરા પર વિશાળ સ્મિત સાથે અડૈક્કલચેલ્વી બાઈક પર સવારી કરીને આવે છે. થોડીવાર પહેલા - તેમના મરચાંના ખેતરોમાંથી - તેમણે અમને તેમના બંધ ઘરની બહાર રાહ જોવાની સૂચના આપી હતી. ભરબપોરનો સમય છે અને હજી તો માર્ચ મહિનો જ છે, પરંતુ રામનાથપુરમમાં આકરો સૂર્ય તપી રહ્યો છે. અમારા પડછાયા નાના છે અડૈક્કલચેલ્વી, અમને ખૂબ તરસ લાગી છે. જામફળના ઝાડની શીળી છાયામાં પોતાનું ટુ-વ્હીલર પાર્ક કરીને, અડૈક્કલચેલ્વી ઝડપથી આગળનો દરવાજો ખોલે છે અને અમને અંદર બોલાવે છે. ચર્ચનો ઘંટ વાગે છે. તેઓ અમને પાણી આપે છે; અમે વાતચીત કરવા બેસીએ છીએ.
અમે શરૂઆત કરીએ છીએ તેમની બાઈકથી. નાના ગામની, તેમની ઉંમરની મહિલા માટે બાઈક ચલાવવી એ બહુ સામાન્ય નથી. 51 વર્ષના અડૈક્કલચેલ્વી હસીને કહે છે, "પરંતુ એ ખૂબ ઉપયોગી છે." તેમણે એ ખૂબ જ ઝડપથી શીખી લીધું હતું. “હું આઠમા ધોરણમાં હતી ત્યારે મારા ભાઈએ મને શીખવ્યું હતું. મને સાઈકલ ચલાવતા આવડતું હતું, તેથી એ (બાઈક ચલાવતા શીખવાનું) મુશ્કેલ નહોતું."
તેઓ કહે છે કે આ ટુ-વ્હીલર ન હોત, તો જીવન વધુ મુશ્કેલ હોત. “મારા પતિ ઘણા વર્ષો સુધી ઘરથી દૂર હતા. તેમણે પહેલા સિંગાપોરમાં અને પછી દુબઈ અને કતારમાં પ્લમ્બર તરીકે કામ કર્યું. મેં મારી દીકરીઓને ઉછેરી અને ખેતર સંભાળ્યું.” એકલા હાથે.
જે. અડૈક્કલચેલ્વી પહેલેથી જ ખેડૂત રહ્યા છે. તેઓ પલાંઠી વાળીને ફર્શ પર બેસી જાય છે, તેમની પીઠ ટટ્ટાર છે, તેમણે બંને હાથમાં એક-એક બંગડી પહેરેલી છે, બંને હાથ પોતના ઘૂંટણ પર ટેકવેલા છે. તેમનો જન્મ સિવગંગાઈ જિલ્લાના કાળયારકોર્ઈલમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. આ ગામ મુદુકુળત્તુર બ્લોકમાં આવેલા તેમના કસ્બા પી. મુત્તુવિજયપુરમથી સડક માર્ગે દોઢ કલાક દૂર છે. “મારા ભાઈઓ સિવગંગાઈમાં રહે છે. એમને ત્યાં ઘણા બોરવેલ છે. અને અહીં હું 50 રુપિયે કલાકના ભાવે સિંચાઈ માટે પાણી ખરીદું છું." રામનાથપુરમમાં પાણીનો મોટો વેપાર ચાલે છે.
દીકરીઓ નાની હતી ત્યારે અડૈક્કલચેલ્વીએ તેમને છાત્રાલયમાં મૂકી હતી. તેઓ ખેતરમાં કામ પૂરું કરી, દીકરીઓને મળવા જઈ, પાછા આવીને ઘર સંભાળતા. હાલ તેઓ છ એકર જમીનમાં ખેતી કરે છે, એક એકર જમીન તેમની માલિકીની છે અને બીજી પાંચ એકર ગણોતપટે આપેલી છે. (એ જમીન પર વાવેતર કરેલ પાકમાંથી) “ડાંગર, મરચાં, કપાસ: એ બજાર માટે છે. અને કોથમીર, ભીંડા, રીંગણ, દૂધી, નાની ડુંગળી: એ રસોડા માટે છે…”.
તેઓ હોલમાં એક માળિયા તરફ આંગળી ચીંધે છે. “ઉંદરો ખાઈ ન જાય એટલા માટે મેં ડાંગરને કોથળાઓમાં (ભરીને) ત્યાં મૂકી દીધા છે. અને મરચાં રસોડાના માળિયામાં જાય.” તેઓ કહે છે આવું કરવાથી ઘરમાં હરવા-ફરવાની જગ્યા રહે છે. એક શરમાળ સ્મિત સાથે તેઓ મને કહે છે કે બે દાયકા પહેલા આ ઘર બાંધવામાં આવ્યું હતું ત્યારે આ સુવિધાઓ તેમણે જાતે જ ડિઝાઇન કરી હતી. અને આગળના દરવાજા પર મધર મેરી કંડારવાનો વિચાર પણ તેમનો જ હતો. એ લાકડાનું સુંદર કોતરકામ છે, જેમાં મેરી એક ફૂલની ઉપર ઉભેલા છે. બેઠક ખંડની પિસ્તા જેવા લીલા રંગની દિવાલોને બીજાં ફૂલો, તેમના પરિવારના ફોટોગ્રાફ્સ અને જીસસ અને મેરીની છબીઓથી શણગારવામાં આવી છે.
ઘરમાં સંગ્રહ કરવાની પૂરતી જગ્યાને કારણે ઘર તો સારું દેખાય જ છે એ ઉપરાંત તેમને તેમની ઉપજનો સંગ્રહ કરીને સારી કિંમતની રાહ જોવાની તક મળી રહે છે. મોટે ભાગે તેઓ એમાં સફળ થાય છે. ડાંગર માટે સરકારી ખરીદીનો દર 19.40 રુપિયા હતો.
જ્યારે સ્થાનિક દલાલ માત્ર 13 રુપિયા આપતો હતો. “મેં સરકારને બે ક્વિન્ટલ [200 કિલો] (ડાંગર) વેચ્યા હતા. સરકાર મરચાં પણ કેમ ખરીદતી નથી?" તેઓ પૂછે છે.
તેઓ દલીલ કરે છે કે મરચાંના કયા ખેડૂતને એક સ્થિર, સારો ભાવ મળે એ ન ગમે? “ડાંગરથી વિપરીત, મરચાંના પાકને વધુ વરસાદ અથવા ભરાયેલું પાણી અનૂકુળ આવતા નથી. આ વર્ષે જ્યારે ન પડવો જોઈએ ત્યારે વરસાદ પડ્યો - જ્યારે છોડ અંકુરિત થયા હતા, જ્યારે તે નાના રોપા હતા ત્યારે. અને જ્યારે થોડા વરસાદથી મદદ મળી હોત - ફૂલો બેસતાં પહેલાં - ત્યારે જરાય વરસાદ નહોતો." તેમણે 'આબોહવા પરિવર્તન' શબ્દનો ઉપયોગ કર્યો ન હતો પરંતુ વરસાદની બદલાતી પેટર્ન તરફ - ખૂબ, ખૂબ ઝડપથી, ખોટી મોસમમાં, ખોટા સમયે આવતા વરસાદ તરફ - ઈશારો કર્યો હતો. આ કારણસર અડૈક્કલચેલ્વીના અંદાજ મુજબ તેમની ઉપજ તેમની સામાન્ય લણણીના પાંચમા ભાગ જેટલી જ હતી. " ખૂબ નુકસાન જવાનું છે." અને આ તેઓ ઉગાડે છે એ ‘રામનાદ મુંડુ’ પ્રકારના મરચાંનો પ્રતિકિલોનો 300 રુપિયાથી વધારેનો 'ઊંચો ભાવ' હોવા છતાં.
તેમને યાદ છે એ સમય જ્યારે મરચાં એક ઢગલાના એક કે બે રુપિયે જતા હતા. અને રીંગણ 25 પૈસે કિલોગ્રામના ભાવે વેચાતા હતા. “કેમ, ત્રીસ વર્ષ પહેલાં કપાસ માત્ર ત્રણ-ચાર રુપિયે કિલો હતો. પરંતુ તે વખતે તમે રોજના પાંચ રુપિયાના દાડિયે મજૂર રાખી શકતા. અને આજે? એ દાડિયું વધીને 250 રુપિયા થઈ ગયું છે. પરંતુ કપાસ માત્ર 80 રુપિયે કિલો વેચાય છે." બીજા શબ્દોમાં કહીએ તો, મજૂરીના ભાવ 50 ગણા વધ્યા છે; વેચાણ કિંમત માત્ર 20 ગણી. ખેડૂતે કરવું શું? ધીરજ રાખીને પોતાનું કામ કર્યા કરવા સિવાય એની પાસે બીજો કોઈ રસ્તો જ નથી.
અડૈક્કલચેલ્વી તો આમેય એવું જ કરે છે. તેઓ વાત કરે છે ત્યારે તેમનો નિશ્ચય સ્પષ્ટ જણાઈ આવે છે. જમણી તરફ હાથ કરીને તેઓ કહે છે, "મરચાનું ખેતર આ તરફ છે." હવામાં હાથ હલાવતા તેઓ કહે છે, "અને ત્યાં હું થોડી જમીન પર ખેતી કરું છું, અને થોડી બીજી પેલી બાજુ છે." અડૈક્કલચેલ્વી મોં મલકાવીને કહે છે, "મારી પાસે મારી બાઈક છે એટલે હું બપોરે જમવા માટે પણ પાછી આવું છું. અને બોરીઓ લાવવા લઈ જવા મારે કોઈ બીજાની ઉપર આધાર રાખવો પડતો નથી. હું કેરિયર પર મૂકીને બોરીઓ ઘેર લઈ આવું છું.” તેમના પ્રદેશની તમિળ ભાષા તરત જ પરિચિત અને વિશિષ્ટ જણાય છે.
"મેં 2005 માં મારી બાઈક ખરીદી નહોતી ત્યાં સુધી હું ગામમાં કોઈની પાસેથી બાઈક ભાડે લેતી હતી." તેઓ તેમના ટીવીએસ મોપેડને એક મહાન રોકાણ માને છે. હવે તેઓ ગામની યુવતીઓને વાહન ચલાવવા માટે પ્રોત્સાહિત કરે છે. "ઘણા લોકો તો પહેલેથી ચલાવે જ છે," તેઓ મોં મલકાવીને તેમના ખેતરમાં જવા ફરી બાઈક પર સવાર થાય છે. અમે અમારા વાહનમાં તેમની પાછળ-પાછળ જઈએ છીએ, તડકામાં સૂકાઈ રહેલા મરચાંની ફસલ, રામનાથપુરમમાં એક લાલ જાજમની પેલે પાર, જેમાંનું એક એક ગુંડુ મિલગાઈ (જાડું મરચું) દૂર-દૂર કોઈ ભોજનને મસાલેદાર બનાવશે, એક સમયે એક
*****
“
મેં તમને
લીલાં જોયાં, ને પછી પાકી થયાં લાલ
મેં તમને જોયાં, ને મોહ્યાં, ને
ચાખ્યાં રસથાળ
..."
સંત-સંગીતકાર પુરંદરદાસના એક ગીતમાંથી
કે. ટી. આચાય તેમના પુસ્તક 'ઈન્ડિયન ફૂડ, એ હિસ્ટોરિકલ કમ્પેનિયન'માં કહે છે કે - જેના અનેકવિધ અર્થઘટન ચોક્કસ થઈ શકે એવી - આ રસપ્રદ પંક્તિ એ મરચાંનો સૌથી પહેલો સાહિત્યિક ઉલ્લેખ હતો. તેઓ ઉમેરે છે કે, આ તેજાનો ભારતીય ખોરાકમાં એટલો તો સર્વવ્યાપી છે કે "એ હંમેશથી આપણી સાથે નથી એમ માનવું મુશ્કેલ છે." દરમિયાન આ ગીત અમને અંદાજિત તારીખ આપે છે: એ "મહાન દક્ષિણ ભારતીય સંગીતકાર પુરંદરદાસાની રચના હતી, જેઓ 1480 અને 1564 ની વચ્ચે થઈ ગયા."
ગીત આગળ કહે છે:
“તમે દીનના નાથ, વધારો ભજનનો સ્વાદ, જો કોઈ તીખું બટકું ભર્યું કયાં તો ના આવે (દેવા) પાંડુરંગા વિઠ્ઠલેય યાદ.”
કેપ્સિકમ એનમ તરીકે ઓળખવામાં આવતા મરચાં, સુનિતા ગોગટે અને સુનીલ જલીહાલ તેમના પુસ્તક 'રોમેન્સિંગ ધ ચિલી'માં કહે છે તેમ 'પોર્ટુગીઝોની સાથે ભારત આવ્યાં, પોર્ટુગીઝો તેમણે યુદ્ધમાં જીતેલા દક્ષિણ અમેરિકાના પ્રદેશોથી મરચાંને ભારતના કિનારા સુધી લાવ્યા હતા.'
મરચાં ભારતમાં આવ્યા નહોતા ત્યાં સુધી ખોરાકમાં 'તીખાશ' ઉમેરનાર મરી એ એકમાત્ર તેજાનો હતો, પણ મરચાં એકવાર અહીં પહોંચ્યા તે પછી એ ઝડપથી મરીથી આગળ નીકળી ગયા - એનું કારણ જણાવતા આચાય કહે છે કે તે "આખા દેશમાં ઉગાડી શકાય છે... મરી કરતાં ઘણી વધારે વિવિધતા સાથે." કદાચ એક સ્વીકાર તરીકે - ઘણી ભારતીય ભાષાઓમાં - મરચાંનું નામ મરીના નામ પરથી રાખવામાં આવ્યું હતું. દાખલા તરીકે, તમિળમાં મરીને મિલગુ કહેવાય છે; મરચું મિલગાઈ કહેવાયું, (નવા ઉમેરાયેલા માત્ર) બે સ્વરો (a અને i) ખંડો અને સદીઓને જોડનાર બની રહ્યા.
નવો તેજાનો આપણો બની ગયો. અને આજે, 2020માં 1.7 મિલિયન ટન ઉત્પાદન સાથે, ભારત સૂકા લાલ મરચાંના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક દેશોમાંનો એક છે અને એશિયા-પેસિફિક ક્ષેત્રમાં સૂકા લાલ મરચાંના ઉત્પાદનમાં અગ્રેસર છે. ભારતનું આ ઉત્પાદન બીજા અને ત્રીજા સ્થાને રહેલા થાઈલેન્ડ અને ચીન કરતાં લગભગ પાંચ ગણું વધારે છે. ભારતમાં 2021 માં 836000 ટન મરચાંનું ઉત્પાદન કરનાર આંધ્ર પ્રદેશ સ્વાભાવિક રીતે જ ‘તીખું તમતમતું' રાજ્ય છે. એ જ વર્ષે તમિળનાડુએ માત્ર 25648 ટન ઉત્પાદન કર્યું હતું. તમિળનાડુમાં રામનાથપુરમ આ યાદીનું નેતૃત્વ કરે છે: તમિળનાડુમાં જ્યાં મરચાંની ખેતી થાય છે તેવી દર ચાર હેક્ટરમાંથી એક હેક્ટર (54231 હેક્ટરમાંથી 15939 હેક્ટર) જમીન આ જિલ્લામાંથી છે.
રામનાથપુરમના મરચાં અને એના ખેડૂતો વિશે મેં પહેલી વાર પત્રકાર પી. સાંઈનાથના ઉત્કૃષ્ટ પુસ્તક: એવરીબડી લવ્સ અ ગુડ ડ્રોટમાં “ધ ટિરનિ ઓફ ધ તરગર” નામના પ્રકરણમાં વાંચ્યું હતું. વાર્તા આ રીતે ખુલે છે: “તરગર (દલાલ) એક નાના ખેડૂત દ્વારા તેની સામે મૂકાયેલી બે બોરીઓમાંની એકમાં હાથ નાખે છે અને એક કિલોગ્રામ મરચાં કાઢે છે. આ મરચાં તે બેદરકારીથી એક બાજુએ ફેંકી દે છે - સામી વત્દલ (ભગવાનના ભાગ) તરીકે.
એ પછી સાંઈનાથ આપણને (તરગરની આવી વર્તણૂકથી) સ્તબ્ધ થઈ ગયેલા, “એક એકરના ત્રણ ચતુર્થાંશ ભાગ પર જીવન ગુજારતા મરચાંના ખેડૂત", રામસ્વામીનો પરિચય કરાવે છે, જેઓ તેમની ઉપજ બીજા કોઈને વેચી શકતા નથી, કારણ કે દલાલે “આખેઆખો પાક વાવ્યા પહેલા જ ખરીદી લીધો હતો." 1990 ના દાયકાની શરૂઆતમાં ખેડૂતો પર તરગરનો આવો કડપ હતો, જ્યારે સાંઈનાથે તેમના પુસ્તક માટે દેશના સૌથી ગરીબ દસ જિલ્લાઓનો પ્રવાસ કર્યો હતો.
અને 2022 માં મારી શ્રેણી ‘લેટ ધેમ ઈટ રાઇસ’ માટે મરચાંના ખેડૂતોની હવે કેવી હાલત છે તે જાણવા હું પાછી રામનાથપુરમ ગઈ.
*****
"ઓછી ઉપજના કારણોમાં: મયિલ, મુયલ, માડુ, માન, (તમિળમાં - મોર, સસલું, ગાય અને હરણ). અને પછી ભારે અથવા સાવ નજીવો વરસાદ.”
વી. ગોવિંદરાજન, મરચાંના ખેડૂત, મુમ્મુડિસાતાન, રામનાથપુરમ
રામનાથપુરમ નગરમાં મરચાંના વેપારીની દુકાનમાં મહિલાઓ અને પુરુષો હરાજી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. તેઓ બધા એવા ખેડૂતો છે કે જેઓ ટેમ્પોમાં અને બસોમાં મુસાફરી કરીને આ બજારમાં આવ્યા છે અને તેઓ પશુઓના ચારાની ('ડબલ હોર્સ' બ્રાન્ડની) બોરીઓ પર બેસીને તેમના પાલવ અને ટુવાલ વડે પોતાની જાતને પંખો નાખી રહ્યા છે. ખૂબ જ ગરમી છે, પરંતુ તેઓ કહે છે, અહીં થોડોક તો છાંયો છે. તેમના ખેતરોમાં તો બિલકુલ છાંયો નથી. કારણ, મરચાંના છોડ છાંયામાં વિકસી શકતા નથી.
69 વર્ષના વી. ગોવિંદરાજન લાલ મરચાંની 20 કિલોની એક એવી ત્રણ બોરીઓ લાવ્યા છે. મગસ્સૂલ, ફસલ વિશે વાત કરે છે ત્યારે તેઓ ડોકું ધુણાવે છે, "આ વર્ષે ફસલ નબળી છે. પરંતુ બીજા કોઈ જ ખર્ચમાં ઘટાડો થતો નથી." તેઓ કહે છે કે આ પાક પોતે શક્તિશાળી અને મુશ્કેલ પરિસ્થિતિ અને ખરાબ મોસમ સહન કરી શકે તેવો છે. મલ્લીગઈ (ચમેલી) જેવા ખૂબ કાળજી માગી લેતા પાકોની તુલનામાં, મિલગાઈને જંતુનાશકોથી નવડાવી દેવાની જરૂર નથી હોતી.
એ પછી ગોવિંદરાજન પ્રક્રિયા વિશે વાત કરે છે. તેઓ મને ખેડાણની પ્રક્રિયાનું વર્ગીકરણ આપે છે: સાત (એટલે બે ઊંડા ખેડાણ અને પાંચ ઉનાળુ ખેડાણ). તે પછી આવે ખાતર. એટલે કે તેમના ખેતરમાં એક અઠવાડિયા સુધી દરરોજ રાત્રે 100 બકરીઓને એકસાથે રાખવી જેથી તેમનું ખાતર જમીનને ફળદ્રુપ બનાવે. આ માટે તેમને એક રાતના 200 રુપિયાનો ખર્ચ થાય છે. એ પછી આવે બિયારણની કિંમત અને નીંદણના 4-5 ચક્ર. તેઓ મોં મલકાવીને કહે છે, "મારા દીકરા પાસે ટ્રેક્ટર છે, તેથી તે મારા ખેતરને મફતમાં તૈયાર કરે છે. બીજા લોકો કામ પ્રમાણે કલાકના 900 થી 1500 ભાડા તરીકે ચૂકવે છે."
અમે વાતો કરી રહ્યા છીએ ત્યાં થોડા વધુ ખેડૂતો ભેગા થાય છે. પુરૂષો તેમની ધોતી અને લુંગી ઊંચી ચડાવીને, ટુવાલ ખભે નાખીને અથવા પાઘડીની જેમ બાંધીને ઉભા છે. મહિલાઓએ ફૂલોની ભાતવાળી નાયલોનની સાડીઓ પહેરી છે. તેમના વાળમાં નારંગી કણગામ્બરમ અને સુગંધિત મલ્લીગઈના ગજરા છે. ગોવિંદરાજન મારે માટે ચા ખરીદે છે. ગવાક્ષ અને ટાઈલ્સવાળી છતની તિરાડોમાંથી રેલાતો સૂર્યપ્રકાશ લાલ મરચાંના ઢગલાને સ્પર્શતા જ મરચાં મોટા માણેકની જેમ ચમકી ઊઠે છે.
રામનાથપુરમ બ્લોકના કોનેરી કસ્બાના 35 વર્ષના ખેડૂત એ. વાસુકી તેમના અનુભવોની વાત કરે છે. ત્યાં હાજર બીજી મહિલાઓની જેમ જ તેમનો દિવસ પણ પુરુષો કરતાં વહેલો શરૂ થાય છે. તેઓ વહેલી સવારે ઊઠીને તેમના શાળાએ જતા બાળકો માટે બપોરનું ભોજન બનાવીને પેક કરે છે, અને સવારે 7 વાગતામાં તો બજારમાં જવા નીકળી જાય છે અને તેઓ બીજાં કામ સમયસર આટોપવા પાછા ફરે ત્યાં સુધીમાં પૂરા 12 કલાક થઈ ગયા હોય છે.
તેઓ કહે છે કે આ વર્ષની ફસલ નિષ્ફળ ગઈ હતી. “કંઈક તો ગરબડ હતી અને મરચાં બિલકુલ ઊગ્યાં જ નહોતાં. અમ્બુટ્ટુમ કોટ્ટિડુચુ (બધાંય પડી ગયા).” તેઓ પોતાની સાથે - સામાન્ય સંજોગો કરતા અડધી જ ફસલ - માત્ર 40 કિલો લાવી શક્યાં છે અને સીઝનમાં પછીથી બીજી 40 કિલોની ફસલ લણવાની આશા રાખે છે. થોડીઘણી કમાણી કરવા તેઓ નરેગાના કામ પર પોતાની આશાઓ બાંધી રહ્યાં છે.
59 વર્ષના પી. પૂમાયિલ માટે તેમના ગામ - મુમ્મુડિસાતાન - થી 20 કિલોમીટરની મુસાફરી એ તે દિવસની વિશેષતા છે. તે સવારે તેમને મફત સવારી મળી. મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનની આગેવાની હેઠળની ડીએમકે સરકારે 2021 માં સત્તા પર આવ્યા પછી તરત જ એક યોજનાની જાહેરાત કરી હતી જે અંતર્ગત ટાઉન બસોમાં મહિલાઓ માટે મફત મુસાફરીની જોગવાઈ કરવામાં આવી હતી.
પૂમાયિલ મને તેમની ટિકિટ બતાવે છે, અને તેમાં મગળિર (મહિલાઓ) અને ચૂકવણી વિનાની ટિકિટ એમ કહેવાયું છે. અમે તેમની બચત વિશે ચર્ચા કરીએ છીએ - 40 રૂપિયા - અને કેટલાક પુરુષો કચવાટ કરતા બબડે છે કે તેઓ પણ મફત મુસાફરી કરવા માંગે છે. બધા, ખાસ કરીને મહિલાઓ, ખુશીથી હસે છે.
ગોવિંદરાજન ઓછી ઉપજના કારણોની યાદી આપે છે ત્યારે તેમનું સ્મિત વિલાઈ જાય છે. મયિલ, મુયલ, માડુ, માન, તે તમિલમાં સૂચિબદ્ધ કરે છે. મોર, સસલું, ગાય અને હરણ." અને પછી ભારે અથવા સાવ નજીવો વરસાદ." જ્યારે સારો વરસાદ મદદરૂપ થયો હોત - ફૂલો અને ફળ વધારવા માટે - ત્યારે બિલકુલ નહોતો. “પહેલાં આટલાં બધાં મરચાં થતાં,” તે છત તરફ ઈશારો કરી કહે છે, “છે...ક ત્યાં સુધી. એક માણસ ટોચ પર ઊભો રહેતો અને તેને ચારે બાજુ વેરતો, જ્યાં સુધી (મરચાંનો) એક ટેકરો બની ન જાય ત્યાં સુધી."
હવે ટેકરા નાના છે, અને આપણા ઘૂંટણ સુધી જ આવે છે, અને તે વૈવિધ્યસભર છે - કેટલાક ઘેરા લાલ છે, કેટલાક ચળકતા છે. પરંતુ તે બધા તીખા છે, અને અવારનવાર અહીં કોઈને છીંક આવે છે, અને ત્યાં કોઈને ખાંસી. કોરોનાવાયરસ હજી પણ વૈશ્વિક ખતરો છે, પરંતુ અહીં, વેપારીની દુકાનની અંદર, (આ છીંક અને ખાંસીનું) કારણ છે મરચાં.
જ્યારે હરાજી કરનાર એસ. જોસેફ સેંગોલ અંદર આવે છે ત્યારે બધા જ બેચેન હોય છે. તરત જ મૂડ બદલાઈ જાય છે. મરચાંના ટેકરાની આસપાસ લોકો એકઠા થાય છે, જોસેફ સાથે આવેલો લોકો ઉપજ ઉપર ચાલે છે, તેની ટોચ પર ઊભા રહે છે અને નજીકથી તેનું નિરીક્ષણ કરે છે. પછી જોસેફ પોતાના જમણા હાથ પર ટુવાલ બાંધે છે. બીજો માણસ - બધા ખરીદદારો પુરુષો છે - ગુપ્ત હરાજીમાં ટુવાલ નીચે જોસેફની આંગળીઓ પકડે છે.
આ ગુપ્ત ભાષા બહારની વ્યક્તિ માટે આશ્ચર્યજનક છે. પરંતુ હથેળીને અડકીને, આંગળી પકડીને અથવા નીચે થપથપાવીને, પુરુષો આંકડા જણાવે છે. એટલે કે, તેઓ આ હિસ્સા માટે કેટલી કિંમત આપવા માગે છે તે જણાવે છે. જો તેઓ 'નો-બિડ' રજીસ્ટર કરવા માંગતા હોય, તો તેઓ હથેળીની વચ્ચે શૂન્ય દોરે છે. હરાજી કરનારને તેના કામ માટે - બેગદીઠ ત્રણ રુપિયા - દલાલી મળે છે. અને વેપારી હરાજીની સુવિધા પૂરી પાડવા બદલ ખેડૂત પાસેથી કુલ વેચાણના 8 ટકા લે છે.
એક ખરીદદારનું કામ પૂરું થાય એટલે હરાજી કરનારની સામે તેનું સ્થાન બીજો ખરીદદાર લે છે અને ટુવાલની નીચે જોસેફની આંગળીઓ પકડે છે. અને પછી વળી બીજો ખરીદદાર, જ્યાં સુધી દરેક ખરીદદાર તેમની બિડ ન મૂકે, અને સૌથી વધુ બિડની જાહેરાત ન થાય ત્યાં સુધી. તે દિવસે લાલ મરચાં કદ અને રંગના આધારે 310 થી 389 રુપિયા પ્રતિ કિલોના ભાવે ગયા હતા. લાલ મરચાંના કદ અને રંગ મરચાંની ગુણવત્તા નક્કી કરે છે.
જોકે ખેડૂતો ખુશ નથી. ખૂબ ઓછી ઉપજ સાથેની સારી કિંમત તેમને માત્ર નુકસાનની ખાતરી આપે છે. ગોવિંદરાજન કહે છે, "જો અમે વધુ સારી કમાણી કરવા માંગતા હોઈએ તો અમને મૂલ્યવર્ધન કરવાનું કહેવામાં આવે છે." તેઓ પૂછે છે, “પણ તમે જ મને કહો એને માટે સમય ક્યાં છે? અમે મરચાંને પીસીને પેકેટો વેચીએ છીએ કે પછી ખેતી કરીએ?"
જ્યારે તેમનો હિસ્સો હરાજી માટે આવે છે ત્યારે તેમનો ગુસ્સો તણાવમાં બદલાઈ જાય છે. તેઓ મને બોલાવે છે, "અહીં આવો, તમે વધુ સારી રીતે જોઈ શકશો." તેઓ કહે છે, "આ તમારા પરીક્ષાના પરિણામોની રાહ જોવા જેવું છે." તેમણે પોતાનો ટુવાલ મોં પર રાખ્યો છે, તેમનું શરીર ચિંતાથી તણાવગ્રસ્ત છે, તેઓ ગુપ્ત હેન્ડશેકનું ઉત્સુકતાપૂર્વક નિરીક્ષણ કરી રહ્યા છે. કિંમત જાહેર કરવામાં આવે છે ત્યારે તેઓ હસીને કહે છે, "મને કિલોદીઠ 335 મળ્યા." તેમના દીકરાના મરચાંનું ફળ થોડું મોટું હતું - તેના કિલોદીઠ 30 રુપિયા વધારે મળ્યા. વાસુકીના 359 રુપિયામાં ગયા. ખેડૂતો ઘડીક આરામ કરે છે. પરંતુ તેમનું કામ પૂરું થયું નથી. હવે પછી તેઓએ મરચાંનું વજન કરવું પડશે, પૈસા લેવા પડશે, થોડું ખાવાનું ખાવું પડશે, થોડી ખરીદી કરવી પડશે અને છેવટે ઘેર પાછા જવા બસ પકડવી પડશે...
*****
“અમે સિનેમા જોવા જતા. પરંતુ થિયેટરમાં છેલ્લી ફિલ્મ મેં 18 વર્ષ પહેલાં જોઈ હતીઃ તુળ્ળાદ મનમુમ તુલ્લુમ. (‘ઉછળી શકે ના એવું હૈયું પણ ઉછળી પડશે’)
એસ. અંબિકા, મરચાંના ખેડૂત, મેલાયક્કુટી, રામનાથપુરમ
એસ. અંબિકા અમને કહે છે, “ખેતર માત્ર અડધો કલાક જ દૂર છે, એક શોર્ટ કટ (ટૂંકો રસ્તો) છે. પરંતુ સડક પરથી જઈએ તો વધુ સમય લાગે છે." સાડા ત્રણ કિલોમીટર અને કંઈ કેટલાય વળાંકો પછી અમે પારમકુડી બ્લોકના મેલાયક્કુટી ગામમાં તેમના મરચાંના ખેતરોમાં પહોંચીએ છીએ. છોડ દૂરથી લીલાછમ દેખાય છે: પાંદડા નીલમણિ જેવા લીલા રંગના છે, અને દરેક શાખા પાકવાના વિવિધ તબક્કાના ફળોથી ભરેલી છે: માણેક જેવા લાલ, હળદર જેવા પીળા અને રેશમી સાડીઓના સુંદર અરક્કુ (મરૂન). નારંગી પતંગિયાઓ આમતેમ ઉડે છે, જાણે કાચાં મરચાંને પાંખો ન ફૂટી હોય!
દસ મિનિટમાં તો અમે એ સૌંદર્યને માણવાની સ્થિતિમાં રહેતા નથી. સવારના 10 પણ વાગ્યા નથી, પરંતુ સખત તડકો છે, જમીન સૂકી છે અને પરસેવાથી અમારી આંખો બળે છે. જિલ્લામાં દરેક જગ્યાએ અમે જમીન પર લાંબી ઊંડી તિરાડો જોઈએ છીએ, જાણે રામનાથપુરમની ધરતી વરસાદ માટે તરસતી ન હોય! અંબિકાના મરચાંના ખેતર કંઈ અલગ નથી; જમીન તિરાડોના જાળામાં ઢંકાયેલી છે. પરંતુ તેમને નથી લાગતું કે તે એટલી બધી સૂકી છે. તેમની પગની આંગળી વડે - ચાંદીના મેટ્ટી (ચાંદીનો કરડો) પહેરેલી બીજી આંગળી વડે - તેઓ માટી ખોદીને પૂછે છે "જુઓ, ભેજવાળી છે ને?"
અંબિકાનો પરિવાર પેઢીઓથી આજીવિકા માટે ખેતી કરતો આવ્યો છે. તેઓ 38 વર્ષના છે અને તેમની સાથે આવેલ તેમના નણંદ એસ. રાની 33 વર્ષના. તેમના બંનેના પરિવાર પાસે એક-એક એકર જમીન છે. મરચાંની સાથે સાથે તેઓ આગતી, એક પ્રકારની પાલખ ઉગાડે છે, જે તેમની બકરીઓ માટે એક ઉત્તમ ચારો બની રહે છે. કેટલીકવાર તેઓ ભીંડા અને રીંગણ ઉગાડે છે. અને હા, તેઓ કહે છે, એનાથી તેમનું કામ વધી જાય છે. પરંતુ તે સિવાય છૂટકોય નથી, કારણ કંઈક આવક તો થવી જોઈએ ને?
મહિલાઓ દરરોજ સવારે 8 વાગ્યે ખેતરમાં આવી જાય છે અને ખેતરની સંભાળ રાખવા સાંજે 5 વાગ્યા સુધી ત્યાં રહે છે. "નહીંતર બકરીઓ છોડ ખાઈ જાય!" તેઓ દરરોજ સવારે 4 વાગે ઉઠી જાય, ઘર સાફ કરે, પાણી ભરે, રસોઈ બનાવે, બાળકોને જગાડે, વાસણો ધૂએ, જમવાનું પેક કરે, પશુધન અને મરઘાંને ખવડાવે, ચાલીને ખેતરે જાય, ત્યાં કામ કરે, ક્યારેક પ્રાણીઓને પાણી પીવડાવવા બપોરે ઘેર પાછી જાય. વળી પાછી ખેતરે આવી મરચાંના છોડની સંભાળ રાખે, અને 'શોર્ટ કટ' થી ફરી અડધો કલાક ચાલે, જ્યાં હવે ગલૂડિયાં તેમની માની પાછળ પાછળ જઈ રહ્યાં છે. કાશ, એ મા થોડી વાર માટે (આ બધાથી - બધી જવાબદારીઓથી દૂર) ભાગી શકે...
અંબિકાનો દીકરો તેમને ત્રીજી વાર ફોન કરે છે. “યેન્નડા,” જ્યારે ફોન ત્રીજી વખત રણકે છે ત્યારે તેઓ ચિડાઈને કહે છે, “શું છે તારે?” તેની વાત સાંભળીને તેઓ ભવાં ચડાવે છે અને તેને હળવેથી ઠપકો આપીને ફોન મૂકી દે છે. મહિલાઓ મને કહે છે કે ઘેર બાળકો પણ માંગણી કરતા રહે છે. “અમે ભલેને ગમે તેટલું રાંધ્યું હોય તો પણ બાળકો ઇંડા ને બટાકા માગે. તેથી અમે થોડું આ કે તે તળીએ. રવિવારે બાળકોને જે માંસ જોઈએ તે અમે ખરીદી આપીએ."
અમે વાતો કરીએ છીએ ત્યારે આ મહિલાઓ – અને પડોશના ખેતરોમાંની મહિલાઓ – મરચાં ચૂંટી રહી છે. તેઓ ઝડપી છે, ડાળીઓને હળવેકથી ઉઠાવે છે, તેના પરથી મરચાં ચૂંટી લે છે. એકવાર મુઠ્ઠીભર મરચાં ભેગા થાય એટલે તેઓ તેને પેઇન્ટ બકેટમાં (રંગની ખાલી બાલદીમાં) નાખી દે છે. અંબિકા કહે છે કે પહેલા તેઓ તાડના ઝાડના પાંદડાંમાંથી બનેલા બાસ્કેટ વાપરતા હતા. પરંતુ હવે પ્લાસ્ટિકની, મજબૂત બાલદીઓ છે જે ઘણી ઋતુઓ સુધી ચાલે છે.
ઘેર અંબિકાની અગાશી પર તેમની ફસલ સખત તપતા સૂર્યના તડકામાં સૂકવેલી છે. તેઓ કાળજીપૂર્વક લાલ મરચાંને ફેલાવે છે અને તેને વારંવાર ફેરવે છે, જેથી તે સમાનરૂપે સુકાઈ જાય. તેઓ થોડાક મરચાં હાથમાં પકડીને હલાવે છે. "તે તૈયાર જાય ત્યારે ગડ-ગડા (ખડ-ખડ) અવાજ થાય." એ ફળની અંદર ખખડતા બી છે. તે વખતે તેઓ મરચાં એકઠા કરી બોરીઓમાં ભરીને તેનું વજન કરે છે, અને ગામમાં દલાલ પાસે લઈ જાય છે. અથવા થોડો સારો ભાવ મેળવવા પારમકુડી અથવા રામનાથપુરમના બજારમાં લઈ જાય છે.
અંબિકા નીચે તેના રસોડામાં મને પૂછે છે, “તમે રંગીન (પીણું - બોટલ્ડ ડ્રિંક) લેશો?"
તેઓ મને નજીકના ખેતરમાં રાખેલી બકરીઓ જોવા લઈ જાય છે. તારના ખાટલા નીચે સૂતેલા ખેડૂતના રક્ષક કૂતરાઓ જાગી જાય છે અને અમને નજીક ન આવવા ચેતવણી આપે છે. “જ્યારે મારા પતિ કોઈ જાહેર સમારંભમાં ભોજન પીરસવા જાય છે ત્યારે મારો કૂતરો પણ મારી રક્ષા કરે છે. તે સિવાય મારા પતિ ખેડૂત છે, અને જ્યારે કામ મળે ત્યારે શ્રમિક પણ.
તેમના લગ્નના શરૂઆતના દિવસોની વાત કરતી વખતે તેઓ શરમાય છે. “એ વખતે અમે સિનેમા જોવા જતા. પરંતુ થિયેટરમાં છેલ્લી ફિલ્મ મેં 18 વર્ષ પહેલાં જોઈ હતી: તુળ્ળાદ મનમુમ તુલ્લુમ.” શીર્ષક - ‘ઉછળી શકે ના એવું હૈયું પણ ઉછળી પડશે’- કંઈક એવું છે જે અમને બંનેને મલકાવી દે છે.
*****
"નાના ખેડૂતો પોતાની મરચાંની ફસલ વેચવાનો પ્રયાસ કરવામાં 18 ટકા આવક ગુમાવે છે"
કે. ગાંધીરાસુ, નિયામક, મુંડુ મરચાં ઉત્પાદક સંઘ (ડિરેક્ટર, મુંડુ ચિલી ગ્રોઅર્સ એસોસિએશન), રામનાથપુરમ
ગાંધીરાસુ કહે છે, “જેમની પાસે મરચાની પાંચ કે દસ બોરીઓ છે એવા ખેડૂતોને લો. સૌથી પહેલા તો તમારે તમારા ગામથી મંડી સુધી ટેમ્પો/બીજા કોઈ પરિવહન માટે ચૂકવણી કરવી પડશે. ત્યાં વેપારી આવીને ભાવ નક્કી કરશે અને દલાલી તરીકે આઠ ટકા લેશે. ત્રીજું, સામાન્ય રીતે વેપારીના જ ફાયદામાં, વજનમાં વધઘટ હોઈ શકે. જો તેઓ બેગ દીઠ અડધો કિલો પણ ઘટાડી દે તો પણ નુકસાન છે. તેથી ઘણા ખેડૂતો આ અંગે ફરિયાદ કરે છે.
વધુમાં, એક વ્યક્તિએ ખેતરમાં ગયા વિના આખો દિવસ બજારમાં વિતાવવો પડે છે. વેપારી પાસે પૈસા હોય તો તરત જ ચૂકવે. ને નહીં તો ખેડૂતને ફરીથી આવવાનું કહે. અને છેલ્લે બજારમાં જનાર જો પુરુષ હોય તો તે બપોરનું ભોજન સાથે લઈને જાય એવી શક્યતા નથી. તે હોટલમાં જમશે. અમે દરેક વસ્તુની ગણતરી કરી અને જાણવા મળ્યું કે આ બધામાં થઈને તેમની આવકના 18 ટકા જતા રહે છે.”
ગાંધીરાસુ ખેડૂત ઉત્પાદક સંગઠન (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનિઝેશન - એફપીઓ FPO) ચલાવે છે. 2015 થી રામનાદ મુંડુ ચિલી પ્રોડક્શન કંપની લિમિટેડ ખેડૂતોની આવક વધારવા માટે કામ કરે છે. તેઓ તેના અધ્યક્ષ અને નિયામક છે, અને તેઓ અમને મુતુકુલત્તુર શહેરમાં તેમની ઓફિસમાં મળે છે. “તમે આવક કેવી રીતે વધારી શકો? એક કે તમે ખેતીની કિંમત ઘટાડો. બીજું તમે ઉત્પાદન વધારો. અને ત્રીજું માર્કેટિંગ (ખરીદ-વેચાણ) દરમિયાનગીરીઓની સુવિધા આપો. અત્યારે અમે માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ." તેમને રામનાથપુરમ જિલ્લામાં દરમિયાનગીરીની તાત્કાલિક જરૂર જણાઈ. તેઓ કહે છે, "અહીં સ્થળાંતર ઘણું વધારે છે."
સરકારી આંકડા તેમના નિવેદનને સમર્થન આપે છે. રામનાથપુરમ જિલ્લાના તમિળનાડુ રૂરલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટના ડાયગ્નોસ્ટિક રિપોર્ટ /ગ્રામીણ રૂપાંતરણ યોજનાના નિદાન અહેવાલના અંદાજ મુજબ દર વર્ષે 3000 થી 5000 ખેડૂતો સ્થળાંતર કરે છે. આ અહેવાલ વચેટિયાઓની દાદાગીરી, નબળા જળ સંસાધનો, દુષ્કાળ અને કોલ્ડ સ્ટોરેજના અભાવને પણ ઉત્પાદકતામાં અવરોધ તરીકે નોંધે છે.
ગાંધીરાસુ કહે છે કે પાણી એ આખી પરિસ્થિતિમાં બદલાવ લાવનાર પરિબળ છે. “કાવેરી ડેલ્ટા પ્રદેશ અથવા પશ્ચિમ તમિલનાડુના કૃષિ ક્ષેત્રોમાં જાઓ. તમે શું જોશો?" તેઓ ધારી અસર લાવવા માટે થોડું અટકે છે. "વીજળીના થાંભલા. કારણ કે દરેક જગ્યાએ બોરવેલ છે." તેઓ કહે છે કે રામનાથપુરમમાં તેના કરતા ઘણા ઓછા છે. વરસાદ આધારિત સિંચાઈને તેની પોતાની મર્યાદાઓ છે, જે હવામાનની અનિશ્ચિતતાને આધીન છે.
ફરી એકવાર સરકારી આંકડા - આ વખતે જીલ્લા આંકડાકીય લઘુ નિર્દેશ પુસ્તિકા (ડિસ્ટ્રિક્ટ સ્ટેટિસ્ટિકલ હેન્ડબુક) માંથી - તેમના નિવેદનને સમર્થન આપે છે. રામનાથપુરમ ઈલેકટ્રીસિટી ડિસ્ટ્રીબ્યુશન સર્કલના આંકડા અનુસાર આ જિલ્લામાં 2018-19માં માત્ર 9248 પંપસેટ હતા. રાજ્યના 18 લાખ પંપસેટ્સ નો આ એક નાનકડો અંશ માત્ર છે.
જોકે રામનાથપુરમની સમસ્યાઓ ભાગ્યે જ નવી છે. એવરીબડી લવ્સ એ ગુડ ડ્રૉટ (પ્રકાશિત: 1996) માં પત્રકાર પી. સાંઈનાથે પ્રખ્યાત લેખક (સ્વર્ગસ્થ) મેલાનમઈ પોન્નુસ્વામીનો ઈન્ટરવ્યુ લીધો હતો. “સામાન્ય માન્યતાથી વિપરીત આ જિલ્લાન કૃષિ ક્ષમતા સારી છે. પરંતુ આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને કોઈએ ક્યારેય કામ કર્યું છે ખરું?" તેમણે ઉમેર્યું હતું કે “રામનાદમાં 80 ટકાથી વધુ (માલિકીની કે ગણોતપટે આપેલી) જમીનો બે એકરથી ઓછી છે અને ઘણા કારણોસર તે કિફાયતી નથી. (કારણોની) યાદીમાં સૌથી મોખરે છે સિંચાઈનો અભાવ.
પોન્નુસ્વામી જમીનની ક્ષમતા વિષે એકદમ સાચા હતા.
2018-19માં
રામનાથપુરમ જિલ્લા
એ
33.6 કરોડની કિંમતના
4426.64 મેટ્રિક ટનના મરચાંનો વેપાર કર્યો હતો.
(ડાંગરનો પાક,
કે જેણે સિંચાઈવાળી મોટાભાગની જમીન કબ્જે કરેલ હતી,
તેણે માત્ર
15.8 કરોડની ઉપજ આપી હતી).
પોતે એક ખેડૂતના દીકરા - અને અનુસ્નાતકની પદવી માટે અભ્યાસ કરતી વખતે પણ ખેતી કરનાર - ગાંધીરાસુ મરચાંની ક્ષમતા જાણે છે. તેઓ ઝડપથી મરચાંની ખેતીના અર્થશાસ્ત્રના ઊંડાણમાં જાય છે. સામાન્ય રીતે એક નાનો ખેડૂત એક એકર જમીનમાં આ પાક ઉગાડે છે. લણણી દરમિયાન તે થોડા મજૂર રાખે છે, અને બાકીનું બધું કામ સામાન્ય રીતે પરિવાર જાતે સંભાળે છે. “એક એકરમાં મુંડુ મરચાંની ખેતી કરવા માટે 25000 થી 28000 રુપિયાનો ખર્ચ થાય છે. લણણીના ખર્ચના બીજા 20000 રુપિયા ઉમેરાય. એ 10 થી 15 લોકોના મળીને કે જેઓ મરચાં ચૂંટવાના ચાર રાઉન્ડ કરે." દરેક મજૂર દિવસમાં એક બોરી મરચાં ભેગા કરી શકે. તેઓ નિર્દેશ કરે છે કે છોડ ગીચ હોય ત્યારે કામ મુશ્કેલ હોય છે.
મરચાં એ છ-માસિક પાક છે. એ ઓક્ટોબરમાં વાવવામાં આવે છે, અને એની બે બોગમ (ઉપજ) હોય છે: પહેલી વારના ફળ તઈમાં, જાન્યુઆરીના મધ્યથી શરુ થતા તમિળ મહિનામાં, આવે છે. ફળની બીજી સીઝન ચિ ત્તિરઈ (મધ્ય-એપ્રિલથી શરુ થતા તમિળ મહિનામાં) પૂરી થાય છે. 2022 માં કમોસમી વરસાદે આખા ચક્રને વેરવિખેર કરી નાખ્યું હતું. રોપાઓનો પહેલો સમૂહ મરી ગયો, ફૂલો આવવામાં વિલંબ થયો, અને ફળો ઓછા આવ્યા.
અને નબળા પુરવઠા અને સારી માંગને કારણે મોટાભાગના વર્ષો કરતાં ભાવ વધુ સારા રહ્યા. રામનાથપુરમ અને પારમકુડી બજારોના ખેડૂતો માર્ચના શરૂઆતના દિવસોમાં મરચાંના અસાધારણ ભાવો મળ્યા એ વિશે વાત કરતા હતા, જ્યારે પહેલી થેલીઓ - 450 રુપિયે કિલો - વેચાઈ. ભાવ 500 રુપિયાનો આંકડો વટાવશે એવી ગુસપુસ ચાલતી હતી.
ગાંધીરાસુ એ આંકડાઓને ‘સુનામી’ કહે છે. તેઓ એક કિલો મુંડુ મરચાંની બ્રેકઈવન કિંમત (જે ભાવે વેચવાથી ખેતીનો ખર્ચ નીકળી જાય તે ભાવ) 120 રુપિયે કિલો આંકે છે. એક એકરમાં 1000 કિલોની ઉપજ સાથે એક ખેડૂતને લગભગ 50000 રુપિયાનો નફો થઈ શકે છે. “બે વર્ષ પહેલાં કિલો મરચાંના માત્ર 90 કે 100 રુપિયા મળતા હતા. આજે તો ભાવ ઘણો સારો છે. પરંતુ અમે 350 રુપિયે કિલોના ભાવ પર ભરોસો રાખી ન શકીએ. આ (તો ક્યારેક જ મળી જતા) અસામાન્ય (ભાવ) છે.”
તેઓ જણાવે છે કે મુંડુ મરચાં એ આ જિલ્લામાં પ્રચલિત પાક છે. સાવ નાનકડાં ટામેટાં જેવા દેખાતાં મરચાંનું બરોબર વર્ણન કરતા તેઓ કહે છે એ એક 'વિશિષ્ટ' પ્રકારનાં મરચાં છે. ચેન્નઈમાં રામનાદ મુંડુને સાંભાર મરચાં કહેવામાં આવે છે. તેની છાલ પણ જાડી હોવાને કારણે તમે જો એને પીસી લો તો તેનાથી પુલી કોળમ્બુ (આમલીની એક તીખી ગ્રેવી) ઘટ્ટ બને છે. અને એનો સ્વાદ લાજવાબ હશે."
મુંડુનું ભારતમાં અને વિદેશમાં વિશાળ બજાર છે. અને એક ઝડપી શોધથી જણાયું કે આ મરચાંનું ઓનલાઈન બજાર પણ વિશાળ છે. મેના મધ્ય ભાગ સુધીમાં એમેઝોન પર મુંડુ મરચા 799 રુપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા હતા. આ ભાવ 20 ટકાના આકર્ષક ડિસ્કાઉન્ટ પછીનો હતો.
ગાંધીરાસુ સ્વીકારે છે કે, "આ માટે લોબિંગ શી રીતે કરવું એ અમે જાણતા નથી. માર્કેટિંગ એક સમસ્યા છે." આ ઉપરાંત એફપીઓના બધા સભ્યો - 1000 થી વધુ ખેડૂતો - પોતાની ઉપજ તેમની સંસ્થાને વેચતા નથી. "અમે તેમની બધી ફસલ ખરીદવા માટે એ પ્રકારનું ભંડોળ ઊભું કરી શકતા નથી, ન તો અમે તેને સંગ્રહિત કરી શકીએ છીએ."
પાકનો સંગ્રહ કરવાનું - ખાસ કરીને જો એફપીઓ વધુ સારા ભાવની રાહ જોવા માગતું હોય તો - વધુ મુશ્કેલ બને છે કારણ કે જ્યારે ઘણા મહિનાઓ સુધી મરચાંનો સંગ્રહ કરવામાં આવે છે ત્યારે એ કાળા પડી જાય છે અને મરચાંની ભૂકીમાં જીવાત પડી જઈ શકે છે. રામનાથપુરમ શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર સરકાર સંચાલિત કોલ્ડ સ્ટોરેજ સુવિધામાં અમે રેફ્રિજરેટેડ યાર્ડ્સની આસપાસ ફર્યા હતા જ્યાં અગાઉના વર્ષે મરચાંની બોરીઓ સંગ્રહિત કરવામાં આવી હતી. જ્યારે વહીવટીતંત્ર વેપારીઓ અને ઉત્પાદકો બંનેને એક જ સ્થળે લાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું, ત્યારે ખેડૂતો ખચકાતા હતા. પોતાના ઉત્પાદનને સુવિધા સુધી પહોંચાડવાનું અને ત્યાંથી લઈ જવાનું વ્યવહારુ રીતે શક્ય હતું કે કેમ તે અંગે ખેડૂતોને સંશય હતો.
એફપીઓ તેના તરફથી ખેડૂતોને જંતુ નિયંત્રણની પરંપરાગત પદ્ધતિઓ અજમાવવાની સલાહ આપી રહ્યું છે. “આ પ્રદેશમાં સામાન્ય રીતે મરચાંના ખેતરોની આસપાસ આમણક્કુ (એરંડા) ઉગાડવામાં આવતા હતા, કારણ કે તે મિલગાઈ પર હુમલો કરવા આવતી કોઈપણ જીવાતોને પોતાની તરફ આકર્ષે છે. ઉપરાંત એરંડાનો છોડ એ એક મોટો છોડ છે જે નાના પક્ષીઓને આકર્ષે છે.એ પક્ષીઓ પણ જીવાતો ખાઈ જાય છે. એ તે ઉયિરવેલી, જીવતી-જાગતી વાડ સમાન છે."
તેમની માતા (ખેતરની) સીમાઓ પર આમણક્કુ અને આગતી (ઓગસ્ટ ટ્રી તરીકે ઓળખાતી પાલખની એક પ્રચલિત જાત) વાવતી એ તેઓ યાદ કરે છે. “જ્યારે મા મરચાંની સંભાળ રાખવા જતી ત્યારે અમારી બકરીઓ તેની પાછળ દોડતી. મા બકરીઓને એક બાજુ બાંધી દેતી અને તેમને આગતી અને આમણક્કુના પાન નીરતી. એટલું જ નહીં, મિલગાઈ મુખ્ય પાક હતો, તો આમણક્કુ ગૌણ પાક હતો. મારા પિતાને મરચાંની ફસલમાંથી પૈસા મળતા. એરંડામાંથી આવતા પૈસા મારી મા રાખતી.
ભૂતકાળમાંથી મળેલા બોધપાઠ ઉપરાંત ગાંધીરાસુ મદદ માટે ભવિષ્ય – અને વિજ્ઞાન – તરફ જોઈ રહ્યા છે. તેઓ કહે છે, "રામનાથપુરમમાં, ખાસ કરીને મુદુકુલત્તુરમાં અમારે મરચાં સંશોધન કેન્દ્રની જરૂર છે. ડાંગર, કેળા, એલચી, હળદર – બધા માટે સંશોધન કેન્દ્રો છે. જો શાળા-કોલેજ હશે તો જ તમે તમારા બાળકોને ભણવા મોકલશો. જો કોઈ કેન્દ્ર હશે તો જ તમે સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશો અને ઉકેલો શોધી શકશો. (જો અમને એવું કેન્દ્ર મળશે તો) પછી મરચાં 'નવા સ્તર' પર પહોંચશે."
અત્યારે એફપી મુંડુ મરચાં માટે ભૌગોલિક સંકેત ટેગ (જ્યોગરોફિકલ ઈન્ડિકેશન ટેગ) પર કામ કરી રહ્યું છે. “આ મરચાંની ખાસ વિશેષતાઓ વિશે વાત કરવી જરૂરી છે. કદાચ આપણે તેના વિશે પુસ્તકની જરૂર છે?"
ગાંધીરાસુ કહે છે કે તમામ કૃષિ-સમસ્યાઓ માટેનો બહુચર્ચિત ઉકેલ - મૂલ્યવર્ધન - કદાચ મરચાં માટે કામ ન લાગે. “જુઓ, દરેક પાસે મરચાંની 50 કે 60 બોરીઓ હોય છે. એનાથી એ લોકો બિચારા કરી પણ શું શકે? જો એફપીઓ પણ સામૂહિક રીતે મસાલા કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકતું ન હોય અને એ કંપનીઓ કરતાં સસ્તામાં મરચાંની ભૂકી વેચી શકતું ન હોય તો નાના ખેડૂતોનું શું ગજું?. ઉપરાંત એ કંપનીઓનું માર્કેટિંગ બજેટ કરોડોનું હોય છે.”
પરંતુ ગાંધીરાસુ કહે છે કે ભવિષ્યમાં મુખ્ય સમસ્યા આબોહવા પરિવર્તનની હશે.
તેઓ પૂછે છે, "તેનો સામનો કરવા આપણે શું કરી રહ્યા છીએ? ત્રણ દિવસ પહેલા ગાજવીજ સાથે વરસાદના તોફાનનો ખતરો હતો. મેં માર્ચમાં ક્યારેય આવું તોફાન થયાનું સાંભળ્યું નથી! જો વધારે વધારે વરસાદ પડશે તો મરચાંના છોડ મરી જશે. ખેડૂતોએ અનુકૂલન સાધવાના માર્ગો શોધવા પડશે.”
*****
"મહિલાઓ તેમને જેટલી જરૂર હોય એટલું બધું ઉધાર લે છે. શિક્ષણ, લગ્ન, પ્રસૂતિ - આ બધા માટે ઉધાર આપવાની અમે ક્યારેય ના નથી પાડતા. ખેતી પણ એના પછી આવે છે."
જે. અડૈક્કલચેલ્વી, મરચાંના ખેડૂત અને એસએચજી નેતા પી. મુત્તુવિજયપુરમ, રામનાથપુરમ
"તમને ડર લાગે છે કે તમે છોડને બહાર ખેંચી કાઢશો, હેં ને?" અડૈક્કલચેલ્વી હસે છે. તેમણે મને તેમના પડોશીના ખેતરમાં કામે લગાડી છે. તેમણે (અડૈક્કલચેલ્વીના પડોશીએ) ટિપ્પણી કરી હતી કે તેમની પાસે કામ કરનાર માણસો ઓછા છે અને તેઓ થોડી વધારાની મદદ માટે પ્રાર્થના કરી રહ્યા છે. આભાર માનવા બદલ તેઓ તરત જ પસ્તાય છે - કારણ કે તેમને ખબર પડે છે કે હું કંઈ કામની નથી. દરમિયાનમાં અડૈક્કલચેલ્વીએ એક બાલદી ઝાલીને તેમના ત્રીજા છોડમાંથી મરચાં ચૂંટી રહ્યા છે. હું હજી મારા પહેલા છોડની બાજુમાં બેસીને એક જાડું મરચું ચૂંટુ છું. દાંડી જાડી અને મજબૂત છે – મારે ઘેર મારી અંજલપેટ્ટી (મારા કઠોડા) માંના સૂકા લાલ મરચાં જેવી બરડ આ દાંડી નથી – અને મને ચિંતા છે કે હું આખીને આખી ડાળી જ તોડી નાખીશ.
થોડીક મહિલાઓ જોવા માટે આસપાસ ભેગી થાય છે. પડોશી ડોકું ધુણાવે છે. અડૈક્કલચેલ્વી પ્રોત્સાહક અવાજો કરે છે. તેમની બાલદી ભરાઈ જવા આવી છે, મારી હથેળીમાં લગભગ આઠ લાલ ફળ છે. પડોશી કહે છે, "તમારે સેલ્વીને તમારી સાથે ચેન્નાઈ લઈ જવા જોઈએ. તેઓ ખેતર સંભાળી શકે છે, તેઓ ઓફિસ પણ સંભાળી શકે છે." પડોશી મને કોઈ નોકરીનો પ્રસ્તાવ મૂકતા નથી. સ્પષ્ટ છે કે (એમની પરીક્ષામાં) હું નપાસ થઈ છું.
અડૈક્કલચેલ્વી તેમના ઘરમાં ઓફિસ પણ સંભાળે છે. એ ઓફિસ એફપીઓ દ્વારા ઊભી કરવામાં આવી છે અને તેમાં કોમ્પ્યુટર અને ઝેરોક્સ મશીન છે. તેમનું કામ દસ્તાવેજોની ફોટોકોપી કાઢવાનું છે અને લોકોને પટ્ટા (જમીન શીર્ષક ખત - લેન્ડ ટાઈટલ ડીડ) વિશેની માહિતી શોધવામાં મદદ કરવાનું છે. “મારી પાસે બીજું કંઈ વધારે કરવાનો સમય નથી. બકરીઓ અને મરઘાંની સંભાળ પણ રાખવાની છે."
તેમની જવાબદારીઓમાં મગળિર મન્ડ્રમ અથવા મહિલા સ્વ-સહાય જૂથ ચલાવવાનો પણ સમાવેશ થાય છે. ગામમાં સાઠ સભ્યો છે, તેઓ પાંચ જૂથોમાં વિભાજિત છે અને દરેક જૂથના બે તોલઈવિલ (નેતા) છે. અડૈક્કલચેલ્વી એ દસ નેતાઓમાંના એક છે. તેમની પ્રવૃત્તિઓમાં, નેતાઓ પૈસા એકઠા કરે છે અને વિતરિત કરે છે. “લોકો એટલા ઊંચા વ્યાજે લોન લે છે – રેંડુ વટ્ટી, અંજુ વટ્ટી (વર્ષે 24 થી 60 ટકા). અમારા મગળિર મન્ડ્રમની લોન ઓરુ વટ્ટી છે - લાખ રુપિયે 1000 રૂપિયા." જે વર્ષે આશરે 12 ટકા છે. “પરંતુ અમે એકઠી કરેલી બધી રકમ માત્ર એક જ વ્યક્તિને નથી આપતા. અહીં બધા જ નાના ખેડૂત છે, એ બધાયને મુશ્કેલ સમયમાં ટકી રહેવા થોડાઘણા પૈસા તો જોઈએ ને?
તેઓ સમજાવે છે કે મહિલાઓ જેટલી જરૂર હોય એટલું બધું – અથવા ખૂબ થોડું – ઉધાર લે છે; અને મોટે ભાગે ત્રણ પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને. "શિક્ષણ, લગ્ન, પ્રસૂતિ - આ બધા માટે ઉધાર આપવાની અમે ક્યારેય ના નથી પાડતા. ખેતી પણ એના પછી આવે."
અડૈક્કલચેલ્વી - લોનની ચુકવણીમાં - એક મહત્વપૂર્ણ પરિવર્તન પણ લાવ્યા છે “પહેલા એવું થતું કે તમારે દર મહિને એક નિશ્ચિત રકમ ચૂકવવી પડતી. મેં તેમને કહ્યું: આપણે બધા ખેડૂતો છીએ. કેટલાક મહિનાઓમાં આપણી પાસે બિલકુલ પૈસા નહીં હોય, અને આપણે ફસલ વેચીએ પછી આપણી પાસે થોડી રોકડ હશે. લોકોની પાસે જ્યારે સગવડ હોય ત્યારે તેમને ચૂકવણી કરવા દો. આનાથી દરેકને લાભ થવો જોઈએ, ખરું કે નહીં?" આ સમાવેશક બેંકિંગ પ્રેક્ટિસનો પાઠ છે. કે જે સ્થાનિક અને જીવંત વાસ્તવિકતાઓને ધ્યાનમાં લે છે.
મગળિર મન્ડ્રમ - જે 30 વર્ષ પહેલા, અડૈક્કલચેલ્વીના લગ્ન પહેલા પણ ગામમાં અસ્તિત્વમાં હતું તે -ગામ માટે કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. માર્ચમાં અમારી મુલાકાત પછીના સપ્તાહના અંતે તેઓએ મહિલા દિવસની ઉજવણી કરવાનું આયોજન કર્યું હતું. અડૈક્કલચેલ્વી હસીને કહે છે, "ચર્ચમાં રવિવારની સમૂહ પ્રાર્થના પછી અમે કેક આપીશું." તેઓ વરસાદ માટે પ્રાર્થના પણ આયોજિત કરે છે, પોંગળ બનાવે છે અને બધાને પીરસે છે.
તેઓ નીડર છે અને સ્પષ્ટપણે બોલે છે એટલે ગામના કોઈ પુરુષોને દારૂ પીવાની કે તેમની પત્નીને મારવાની ટેવ પડી ગઈ હોય તો અડૈક્કલચેલ્વી તેમને સલાહ પણ આપે છે. પોતાની બાઈક ચલાવતા, અને દાયકાઓથી પોતાના ખેતરોની જાતે જ એકલે હાથે સંભાળ રાખતા અડૈક્કલચેલ્વી બીજી મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ છે. “બધી યુવાન સ્ત્રીઓ હોશિયાર છે, બાઈક ચલાવી જાણે છે, સારું ભણેલીય છે. પણ નોકરીઓ ક્યાં છે?" તેઓ વેધક સવાલ કરે છે.
હવે તેમના પતિ પાછા આવ્યા છે એટલે તેઓ ખેતરમાં મદદ કરે છે. અને અડૈક્કલચેલ્વી તેમને મળતા નવરાશના સમયનો ઉપયોગ બીજા કામો કરવા માટે કરે છે. જેમ કે કપાસ સંબંધિત, જે તેઓ પણ ઉગાડે છે. “છેલ્લા દસ વર્ષથી હું કપાસના બિયારણને કાઢીને તેને અલગથી વેચું છું. જે 100 રુપિયે કિલો જાય છે. ઘણા લોકો મારી પાસેથી એ ખરીદે છે - કારણ કે મારા બીજ ખૂબ સારી રીતે અંકુરિત થાય છે. મને લાગે છે ગયા વર્ષે મેં 150 કિલો બીજ વેચ્યા હતા.” તેઓ એક પ્લાસ્ટિકની થેલી ખોલે છે, અને જાદુગર અને તેના સસલાની જેમ તેમાંથી ત્રણ કવર ખેંચે છે અને મને અલગ-અલગ ગ્રેડના બીજ બતાવે છે. આ એક બીજી ભૂમિકા છે જે તેઓ સરળતાથી નિભાવે છે - અને એ છે બિયારણનું જતન કરનારની.
મેના અંત સુધીમાં તેમના મરચાંની લણણી થઈ જાય છે, અને અમે સિઝન કેવી રહી એ વિશે ફોન પર વાત કરીએ છીએ. તેઓ મને કહે છે, “ભાવ આશરે 300 રુપિયે કિલો જેટલા ઊંચા હતા તેમાંથી ઘટીને 120 થઈ ગયા. ભાવ ધીમે ધીમે ઘટતા ગયા." તેમને એક એકરમાંથી માત્ર 200 કિલો મરચાં જ ઊતર્યાં હતાં. અને વેચાણ પર 8 ટકા કમિશન ચૂકવ્યું, ઉપરાંત દર 20 કિલોએ 1 કિલો ગુમાવ્યા કારણ કે વેપારીઓએ 200 ગ્રામની બોરી પર 800 ગ્રામ વધારાનું ડિસ્કાઉન્ટ કર્યું. આ વર્ષે તેમને ખેતીનો ખર્ચો નીકળી જાય એટલી રકમ મળી રહી કારણ કે ભાવ બહુ ખરાબ ન હતા. પરંતુ તેઓ કહે છે કે વરસાદે છોડ માટે તકલીફ ઊભી કરી અને ઉપજ ઓછી થઈ.
જોકે ખેડૂતનું કામ તો ક્યારેય ઓછું થતું નથી. નબળો મરચાનો પાક પણ ચૂંટવો પડે છે, સૂકવીને કોથળામાં ભરીને વેચવો પડે છે. અને અડૈક્કલચેલ્વી અને તેમના મિત્રોની મહેનત સાંભારની એકેએક ચમચીમાં સ્વાદ ઉમેરે છે...
આ વાર્તામાં મદદ કરવા બદલ આ પત્રકાર રામનાદ મુંડુ ચિલી પ્રોડક્શન કંપનીના કે. શિવકુમાર અને બી. સુગન્યાનો આભાર માને છે.
આ સંશોધન અભ્યાસને અઝીમ પ્રેમજી યુનિવર્સિટી દ્વારા તેમના સંશોધન ભંડોળ કાર્યક્રમ 2020 (રિસર્ચ ફંડિંગ પ્રોગ્રામ 2020) ના ભાગરૂપે ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
મુખપૃષ્ઠ છબી: એમ. પલની કુમાર
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક