ચેન્નાઈમાં યોજાયેલી તમિળનાડુ રાજ્યની પ્રજાસત્તાક દિવસની પરેડમાં જેમના સૌથી વધુ ફોટા પાડવામાં આવ્યા હોય અને સૌથી વધુ ચર્ચા થઇ રહી હોય એવા વ્યક્તિઓમાંથી જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં ઘોડાની લગામ પકડેલી સુપ્રસિદ્ધ રાણી વેલુ નચિયાર એ ઐતિહાસિક હતા. તેમની સાથે એ ઝાંખીમાં વી..ઓ. ચિદમ્બરમ પિલ્લઈ, સુબ્રમણ્યમ ભારતી અને મરુથુ ભાઈઓ જેવા વિખ્યાત તમિલ વ્યક્તિઓ હતા.
‘સ્વતંત્રતા સંગ્રામમાં તમિળનાડુ’ નું પ્રતિનિધિત્વ કરતી આ ઝાંખીને કેન્દ્ર સરકારની ‘નિષ્ણાંત’ સમિતિએ પ્રજાસત્તાક દિવસની પરેડ માટે નામંજૂર કરી હતી. તમિળનાડુના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને આ અંગે વડા પ્રધાનને હસ્તક્ષેપ કરવા માટે કરેલી વિનંતી પર પણ કંઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું. આખરે ચેન્નાઈમાં રાજ્યની પોતાની પ્રજાસત્તાક દિવસની પરેડમાં આ દૃશ્યરચના ભારે લોકપ્રિય રહી હતી.
કેન્દ્રની ‘નિષ્ણાંત’ સમિતિએ બીજા કારણો સાથે એવું પણ નોંધ્યું હતું કે કેટલીક પ્રતિમાઓ “રાષ્ટ્રીય પ્રેક્ષકો માટે અજાણી” હતી. અક્ષયા કૃષ્ણમૂર્તિ કદાચ આનાથી અસંમત છે. તેઓ માને છે કે તેમાંથી એકની સાથે તેમને અંગત જોડાણ છે: વેલુ નચિયાર, જેમણે અંગ્રેજો સામે લડાઈ લડી હતી અને ૧૭૯૬માં તેમના મૃત્યુ પર્યંત શિવગંગાઈ (અત્યારે તમિળનાડુમાં એક જિલ્લો) પર શાસન કર્યું હતું.
તેઓ કહે છે, “મારા જીવનમાં મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે મેં મારી શાળાના ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતી વખતે નૃત્ય નાટકમાં વેલુ નચિયારની મુખ્ય ભૂમિકા ભજવી.”
અક્ષયા સમજાવે છે કે, “પરંતુ તે ફક્ત અભિનય અને નૃત્ય જ નહોતું. તેમણે ગીતો અને તેના શબ્દો દ્વારા ‘વીરમંગાઈ’ - જે હુલામણા નામથી રાણી ઓળખાય છે તેની તાકાત અને હિંમત અનુભવી હતી. એક પ્રશિક્ષિત શાસ્ત્રીય નૃત્યાંગના, અક્ષયાને યાદ છે કે આંતર-શાળા સ્પર્ધાના દિવસે તેમની તબિયત ખરાબ હતી અને તેઓ નૃત્ય પ્રદર્શન કરી શકશે કે કેમ તેની ખાતરી નહોતી. પરંતુ તેમણે એ નૃત્યમાં તેમનો જીવ રેડી દીધો હતો.
મંચ પરથી નીચે ઊતરતી વખતે તેઓ બેભાન થઇ ગયા હતા. તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને બોટલ ચડાવવી પડી હતી. “મેં મારા હાથમાં બાટલો ચડાવવા માટે નાખેલી સોય સાથે ઈનામ સ્વીકાર્યું હતું - અમે બીજા ક્રમે આવ્યા હતા.” આ બનાવે તેમને પોતાની ક્ષમતામાં વિશ્વાસ કરવાનું શીખવ્યું. આનાથી તેઓ “ખૂબ જ હિંમતવાન બન્યા,” અને બાઇક અને કાર ચલાવતા શીખી ગયા.
અક્ષયા તેમના પરિવારમાં પહેલા સ્નાતક છે. તેઓ એક ઉદ્યોગ સાહસિક, સંશોધક અને મોટિવેશનલ સ્પીકર પણ છે.
તેમાં છતાં તેમની ઉંમર માત્ર ૨૧ વર્ષની છે.
તમિળનાડુના ઈરોડ જિલ્લામાં સત્યમંગલમ નજીક તેમના વતન અરિયાપ્પમપાલયમમાં તેઓ તેમના માતા-પિતા, નાના ભાઈ, કાકી, એક કુતરા અને ઘણા પક્ષીઓ (બજરીગર કે પોપટ) સાથે રહે છે. રાજ્યના નકશામાં તે ફક્ત એક નાનકડું બિંદુ છે. બેચલર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (બીબીએ) માં સ્નાતકની પદવી ધરાવતી અક્ષયા એક દિવસ તેને રાષ્ટ્રીય સ્તરે બુલંદ કરવાની અભિલાષી છે.
કોઈમ્બતુર, કરુર અને તિરુપુર સહિત તમિળનાડુના આ સમગ્ર પટ્ટામાં પછાત પૃષ્ઠભૂમિમાંથી આવતા ઉદ્યોગસાહસિકોનો પ્રભાવશાળી ઈતિહાસ છે. તેથી અક્ષયા – કે જેના માતા-પિતા એ ૧૦માં ધોરણ પછી ભણવાનું છોડી દીધું હતું અને તેમની પાસે કોઈ જમીન નથી – તેઓ આ જૂની પરંપરાની શ્રેણીમાં એક નવી યુવાન પહેલકરનાર છે.
જ્યારે ઓકટોબર ૨૦૨૧માં પારીએ તેમની મુલાકાત કરી ત્યારે તેઓ હસીને કહેતા હતા, “મારી ઉંમર એ મારા માટે ફાયદા અને ગેરફાયદા બંનેનું કારણ છે.” અમે હળદરના ખેડૂત તિરુ મૂર્તિના ખેતરની મુલાકાત લીધા પછી, ભજીયાં સાથે ચાની ચૂસકી લેતા, તેમના લિવિંગ રૂમમાં બેઠા હતા. એ મુલાકાત યાદગાર હતી. અક્ષયા સ્પષ્ટ વક્તા છે. તેઓ તેમના મોટા સુંદર સપનાઓની રૂપરેખા વર્ણવે છે ત્યારે તેમના નાના વાળને ચહેરા પરથી દૂર કરે છે.
તેમનું મનપસંદ સુવાક્ય પણ તેના વિષે જ છે: “તમારા સપનાને આજે જીવીને આનંદ લો.” તેઓ આ સુવાક્યને વિવિધ કોલેજોમાં તેમના મોટિવેશનલ ભાષણોમાં પ્રયોજે છે. તેઓ આનો ઉપયોગ તેમના જીવનમાં, તેમજ તેમની બ્રાન્ડ ‘સુરુકુપાઈ ફૂડસ’ ની સ્થાપના કરતી વખતે પણ કરે છે. સુરુકુપાઈ ડ્રોસ્ટ્રિંગ પાઉચ (બટવા) માટેનો તમિલ શબ્દ છે - આ એક જ વાક્ય એકીસાથે જૂની યાદો, ત્રેવડ, અને ટકાઉપણું દર્શાવે છે.
પોતાની મેળે કંઈક કરવાનો તેમનો ઉત્સાહ અણધાર્યો નહોતો. “જ્યારે અમે કોલેજમાં હતા ત્યારે મેં અને મારા મિત્રોએ ઉલિયિન ઉરુવમ ટ્રસ્ટ – જેનું નામ શિલ્પકારની છીણી પરથી રાખવામાં આવ્યું છે તે શરૂ કર્યું હતું. તે એક વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતું સંગઠન છે, જે નાના શહેરોના અમારા જેવા અન્ય લોકોને જીવનમાં આગળ વધવામાં મદદ કરે છે. અમારું લક્ષ્ય વર્ષ ૨૦૨૫ સુધીમાં ૨,૦૨૫ અગ્રણીઓ બનાવવાનું છે. મહત્વાકાંક્ષી. પરંતુ પછી, અક્ષયા પણ એવાં જ છે.
જો કે તેઓ જાણતા હતા કે તેઓ એક ઉદ્યોગસાહસિક બનવા માંગે છે, પરંતુ જ્યારે તેઓ સ્નાતક થયા એના બરોબર પહેલા માર્ચ ૨૦૨૦માં દેશવ્યાપી લોકડાઉન લાગી ગયું, જેનાથી તેમના વિકલ્પો મર્યાદિત થઇ ગયા. એ સમયે તેઓ સત્યમંગલમ નજીક આવેલા ઉપ્પુપલમ ગામમાં ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત તિરુ મૂર્તિને મળ્યા. તેઓ તેમના માતા-પિતાના ઘરેલું ઉપકરણોની દુકાનના જુના ગ્રાહક અને મિત્ર હતા. અક્ષયા યાદ કરે છે, “મારા પિતાને રેડીઓ-કેસેટની દુકાન હતી ત્યારથી તેઓ એકબીજાને ઓળખતા હતા.”
તેઓ તિરુને કાકા કહીને બોલાવે છે. તિરુ હળદરનો નફાકારક વેપાર કરે છે - તેઓ તેમની ઉપજમાં મૂલ્યવર્ધન કરીને સીધું ગ્રાહકોને વેચે છે. અક્ષયાએ વિચાર્યું કે તેઓ તેમના ઉત્પાદનોને ફરીથી પેકેજ કરીને વેચી શકે છે. તેમનો પ્રતિભાવ પ્રોત્સાહક હતો: “ઇડુથુ પન્નુંગા” (લો અને ચાલુ કરો). અક્ષયા ખુશ થઈને કહે છે, “કાકા ખૂબ જ સકારાત્મક હતા.” અને આ રીતે સુરુકુપાઈ ફૂડ્સની શરૂઆત થઇ.
તેઓ પોતાની નવી કંપની સાથે જે પહેલા પ્રદર્શનમાં ગયા હતા તે આશાસ્પદ હતું. ટેન ફૂડ ૨૦૨૧ તરીકે ઓળખાતો એ ભવ્ય કાર્યક્રમ મદુરાઈમાં ફેબ્રુઆરી ૨૦૨૧માં યોજાયો હતો. બે હજારથી વધુ લોકોએ તેમના સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમને - લોકોના પ્રતિસાદ અને પછીથી બજાર સંશોધન દ્વારા - બ્રાન્ડિંગ અને પેકેજિંગનું મહત્વ સમજાયું.
અક્ષયા કહે છે, “ગ્રાહકોને અમારા બ્રાન્ડ નામ સાથે વ્યક્તિગત જોડાણ હતું, તદુપરાંત તે નવીન હતું. એ પહેલાં સુધી હળદર માત્ર પ્લાસ્ટિકના પેકેટમાં જ વેચાતી હતી. કોઈએ તેને કાગળની થેલીમાં કે ડ્રોસ્ટ્રિંગ પાઉચમાં જોયું નહોતું! તેમનો આ સરળ વિચાર એફએમસીજીના મોટા વેપારીઓ કે બુટિક ઓર્ગેનિક સ્ટોર્સ કોઈને નહોતો આવ્યો. તેમની પાસે એક ઉત્કૃષ્ટ વિચાર હતો, પણ તેમને હજુ વધારે જોઈતું હતું.
પોતાના વેપારને આગળ વધારવા માટે તેમણે ઘણા લોકો અને સંસ્થાઓની સલાહ લીધી. તેમાં તેમના માર્ગદર્શકો, પોટન સુપર ફૂડ્સના ડૉ. એમ. નચીમુત્તુ અને શનમુગા સુંદરમનો સમાવેશ થાય છે. અને મદુરાઈ એગ્રી બિઝનેસ ઈન્ક્યુબેશન ફોરમ (એમએબીઆઈએફ) એ તેમને ટ્રેડમાર્ક અને એફએસએસએઆઈનું પ્રમાણપત્ર મેળવવામાં મદદ કરી. અને હા, અક્ષયા જ્યારે બની શકે ત્યારે સ્વ-સહાયના પુસ્તકો વાંચે છે. તેમણે છેલ્લે વાંચેલા પુસ્તકનું શીર્ષક હતું: એટિટ્યુડ ઈઝ એવરીથિંગ.
તેઓ કહે છે, “મારા બીબીએ કોર્સથી મને વેપાર શરૂ કરવા અને તેનું સંચાલન કરવા માટે જરૂરી જ્ઞાન કે અનુભવ નહોતો મળ્યો.” તેમને શિક્ષણ વ્યવસ્થાથી ઘણી મોટી નારાજગી છે. “તેઓ લોકોને કોલેજમાં સામાન્ય બેંક ટ્રાન્ઝેક્શન કરવાનું કેમ નથી શીખવતા? બીબીએમાં બેંક લોન માટે અરજી કરવા વિષે? એચઓડી અને શિક્ષકોને પણ વાસ્તવિક દુનિયાનો અનુભવ નથી એ કેમ કરીને શક્ય છે?”
તેઓ એ બધી ઉણપો ભરવાના પ્રયાસમાં વ્યસ્ત છે. “મારે હજુ ઘણુબધું શીખવાનું છે.”
તે અસરકારક રીતે કરવા માટે, તેઓ દરરોજ કરવાના કામોની યાદી કરે છે. અને જે કંઈ કામ પૂરું થઇ જાય એને છેકી નાખે છે. “હું એક નાની ડાયરીમાં બધી વસ્તુઓ નોંધુ છું. જે કોઈ પણ વસ્તુને હું દિવસના અંત સુધીમાં છેકી ન નાખું, તેને હું બીજા દિવસે ફરીથી લખું છું.” આનાથી તેમને ‘અપરાધની લાગણી’ થાય છે, અને તેઓ સખત પ્રયાસ કરે છે.
તેમના પ્રયાસોથી તેમના અનુસ્નાતકના અભ્યાસના ત્રણ સેમેસ્ટરની ફી ચૂકવી શકાઈ. અને તેમના કોર્સની પસંદગી પણ રસપ્રદ છે. “હું ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા સામાજિક કાર્યમાં માસ્ટર્સ કરી રહી છું. દરેક સેમેસ્ટરની ફી ૧૦,૦૦૦ રૂપિયા છે અને પરીક્ષાની ફી પાંચ હજાર રૂપિયા છે. પપ્પાએ મને શરૂઆતમાં પાંચ હજાર રૂપિયા આપ્યા હતા. બાકીના પૈસા મારા પોતાના છે,” તેઓ કહે છે. એ વખતે તેમનો અવાજ શાંત ગર્વથી છલકાતો હતો. ‘બાકીના’ ૪૦,૦૦૦ રૂપિયા તેમણે ૧૦,૦૦૦ રૂપિયાની મૂડી માંથી વેપારમાં કરેલો નફો છે.
તેમના ગ્રાહકો તેમના ઉત્પાદનો ‘બલ્ક’માં ખરીદે છે. અને તેઓ તેમના ગ્રાહકો માટે વિકલ્પો કસ્ટમાઇઝ કરે છે. તેમની ઝડપથી વેચાતી આઇટમ ઓર્ગેનિક હળદરના ઉત્પાદનોથી ભરપૂર લગ્ન માટેની આમંત્રણ ભેટનું બોક્સ છે. તેઓ માને છે કે આ વસ્તુ રજૂ કરનારા તેઓ સંભવતઃ પહેલી અને એકમાત્ર વ્યક્તિ છે. “હું તેની કિંમત પચાસથી લઈને સો રૂપિયા રાખું છું. દરેક બોક્સમાં એક ડ્રોસ્ટ્રિંગ પાઉચ, હળદર પાવડરની કોથળીઓ, ૫-ગ્રામ બીજના પેકેટ્સ (રિંગણ, ટામેટા, ભીંડા, મરચાં અને પાલકની મૂળ જાતો) અને એક આભાર કાર્ડ હોય છે.”
અક્ષયા કહે છે, “જ્યારે લોકો લગ્ન માટે તેમના સંબંધીઓ અને મિત્રોને આમંત્રણ આપવા જાય છે, ત્યારે તેઓ આમંત્રણ સાથે આ ભેટ રજૂ કરે છે. તે શુભ, સ્વસ્થ અને પૃથ્વીને સાનુકુળ છે.” જ્યારે તેમના ગ્રાહકોને ફેન્સી હેમ્પર બોક્સ જોઈએ અને તેઓ એ માટે પૈસા ચુકવવા તૈયાર હોય, તો તેઓ સુંદર કાચની બોટલોમાં હળદર પાવડરનો મોટો જથ્થો પેક કરે છે. ઘણા લગ્નોત્સવમાં તેમણે આવું મોટું પેકેજ પૂરું પાડ્યું છે, અને વર્ડ-ઓફ-માઉથ પબ્લિસિટી દ્વારા, તેમને વધારે ઓર્ડર મળે છે. “છેલ્લો ઓર્ડર ૨૦૦ હેમ્પર્સ માટેનો હતો, અને દરેકની કિંમત ૪૦૦ રૂપિયા હતી.”
સત્યમંગલમની મારી મુલાકાતના મહિનાઓ પછી, અક્ષયા અને હું ફોન પર વાત કરી રહ્યા હતા. અમારો કોલ અધવચ્ચે રોકતા તેઓ કહે છે: “બેંક મેનેજર મને બોલાવે છે.” એક કલાક પછી, તેઓ કહે છે કે તે એક નિરીક્ષણ મુલાકાત હતી. જાહેર ક્ષેત્રની એક બેંકમાંથી તેમના માટે ૧૦ લાખ રૂપિયાની લોન મંજૂર થઇ છે. તેમણે આ માટે પોતે અરજી કરી, તમામ દસ્તાવેજો તૈયાર કર્યા અને કોઇપણ વસ્તુ ગિરવે મૂક્યાં વગર ૯ ટકાના વ્યાજે લોન મેળવી. તેમણે એ બેંક લોનનો ઉપયોગ હળદરનો સ્વચ્છ રીતે પાવડર બનાવીને પેક કરે એવું મશીન લેવા માટે કર્યો છે. અને તેમણે હળદર એકમ પણ સ્થાપિત કર્યો છે. તેમણે એમના વેપારનો વિસ્તાર કરવો છે. તરત.
“મારી પાસે એક ટન હળદર પાવડરનો ઓર્ડર છે. તેથી મેં વેપારીઓ પાસેથી કોમર્શિયલ હળદર ખરીદી છે.” મશીનરી મુશ્કેલ છે. “કોલેજમાં હું જાહેરાતો કેવી રીતે બનાવવી તે શીખી હતી. મને સંપૂર્ણ ઓટોમેટિક મશીનો અને પેપર પુલિંગ અને રોલ પ્લેસિંગમાં લાગેલા સેન્સર વિશે કંઈ ખબર નથી. જો તે યોગ્ય રીતે કરવામાં ન આવે, તો બધું વ્યર્થ જાય છે.”
તેઓ કઈ કઈ વસ્તુઓ વિપરીત થઇ શકે છે તેની લાંબી યાદી ગણાવે છે, પણ તેઓ માને છે કે તે માટે જોખમ લેવું પરવડે તેમ છે. તેઓ માને છે કે મશીન - જેને ચલાવવા માટે તેમણે બે પાર્ટ-ટાઈમ હેલ્પર રાખ્યા છે - ની મદદથી તેઓ નજીકના ભવિષ્યમાં મહીને ૨ લાખ રૂપિયા સુધીનું ટર્નઓવર કરી શકશે. અને આ રીતે તેઓ, જે લોકોએ તેમની સાથે કોલેજ પૂરી કરી હતી તેમના કરતા ઘણો વધારે નફો મેળવે છે.
તેમ છતાં, અક્ષયા જે કરી રહ્યા છે તે વ્યક્તિગત લાભની પરે છે. તેમનો પ્રયાસ કૃષિ-વ્યવસાયની સાંકળમાં અધિક્રમિક માળખાને ઉલટસુલટ કરી દે છે - જેના પર સામાન્ય રીતે પુરુષો દ્વારા નિયંત્રિત વ્યવસાયો કે પછી કોર્પોરેટ્સનું વર્ચસ્વ હોય છે.
કૃષિ જનની (એક કંગાયમ-સ્થિત સામાજિક સાહસ કે જે નફાકારક અને પુનર્જીવિત કૃષિવિજ્ઞાન માટે કામ કરે છે) તેના સ્થાપક અને સીઇઓ ઉષા દેવી વેંકટચલમ કહે છે, “હળદર પાવડર બનાવવાની અને બીજી પ્રક્રિયા એકદમ સ્થાનિક સ્તરે થઈ રહી છે, જ્યાં પાક ઉગાડવામાં આવી રહ્યો છે તેની બાજુમાં, તે પોતે જ એક સારા સમાચાર છે. ઉપરાંત, એગ્રી-પ્રોસેસિંગ કંપનીઓમાં મોખરાના હોદ્દાઓ પર એટલી બધી યુવતીઓ નથી. યાંત્રિકીકરણ અને કેન્દ્રીકરણના નામે લણણી પછીની ક્રિયાઓમાંથી મહિલાઓની ભૂમિકા ધીમે ધીમે છીનવાઈ રહી છે.”
ખાદ્ય પુરવઠાની શૃંખલાઓમાં એક સમસ્યા એ છે કે, ઉષા આગળ કહે છે, “તેઓ એટલા કેન્દ્રીયકૃત છે અને તેમણે પ્રોસેસિંગને લઈને એટલા બધા ખોટા નિર્ણયો લીધા છે કે અમેરિકામાં ઉગાડવામાં આવતા સફરજન ભારતમાં વપરાશ માટે આવતા પહેલા પોલિશિંગ માટે દક્ષિણ આફ્રિકા જાય છે. મહામારી પછીની દુનિયામાં આ અશક્ય છે. અને અને જ્યારે આ પરિવહન વાતાવરણ સંકટમાં કેટલું યોગદાન આપી રહ્યું છે એ વિચારો તો એ વધુ ગંભીર છે..” ઉદાહરણ તરીકે વિજળી અને ઇંધણના વપરાશ.
અક્ષયાની લાંબા ગાળાની યોજનાઓ આ બધાનું નિરાકરણ ન પણ લાવે, તેમ છતાં હળદરની ચોકલેટ અને હળદરની ચિપ્સ બનાવવાનો તેમનો આઉટ ઓફ ધ બોક્સ વિચાર પરંપરાગત બજારમાં વિક્ષેપ પાડશે તે નિશ્ચિત છે. ઓછામાં ઓછું સ્થાનિક રીતે, જોકે તેઓ તો વિચારે છે કે આ ઘણું આગળ જઈ શકે તેમ છે.
જ્યારે હું એમને પૂછું છું કે શું આને ખરીદનારા લોકો હશે શું કે આ એક વિશિષ્ટ ઉત્પાદન હોઈ શકે છે? તો તેઓ મને કહે છે,“મને લાગે છે કે આના ખરીદનાર મળી રહેશે. લોકો પેપ્સી અને કોક પીવે છે. એમને નન્નારી શરબત અને પનીર સોડા પણ ગમે છે. હળદરના ઉત્પાદનો ધીમે ધીમે સામાન્ય થઇ જશે, અને તે સ્વાસ્થ્ય માટે સારું પણ હશે.” તેઓ મને દ્રઢતાથી કહે છે,
ગ્રામીણ વિસ્તારમાં ૨૦૨૫ની આસપાસ બજારોમાં ઉછાળો આવવાની સંભાવના છે આ તકને તેઓ ઝડપી લેવા માગે છે. “એ માટે ઉત્પાદનો સસ્તા અને નાની માત્રામાં હોવા જરૂરી છે. ઓર્ગેનિક હળદરના મોટા પેકેટ મોંઘા પડે છે - ૨૫૦ ગ્રામની કિંમત ૧૬૫ રૂપિયા પહોંચી જાય છે. આથી મેં આને એકવાર વાપરીને નાખી દેવાય એવું પેકિંગ કર્યું છે.”
‘આ’તેમના માતા-પિતાની દુકાનની અભરાઈ પર રાખેલ સુરુકુપાઈનું એક પેકેટ છે જેમાંથી તે ૬-ગ્રામ હળદરના ફેસ પેકમાંથી ૧૨ પેપર પાઉચ કાઢે છે. “ગ્રાહકો આ સેટને ૧૨૦ રૂપિયામાં ખરીદી શકે છે - અથવા તેઓ માત્ર દસ રૂપિયામાં એક પાઉચ ખરીદી શકે છે.” મોટા પાઉચ બરછટ સુતરાઉ કાપડથી બનેલા છે. આ પાઉચ બાયોડિગ્રેડેબલ છે, જે કાગળના બનેલા છે અને તેમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે પ્લાસ્ટિકનું ખૂબ જ પાતળું પડ લગાડવામાં આવ્યું છે.
ફોર્મ્યુલેશન અને નિર્માણ તિરુ મૂર્તિ દ્વારા કરવામાં આવે છે. વ્હાઇટ-લેબલીંગ અક્ષયા દ્વારા કરવામાં આવે છે. તેઓ ફાયદાઓ ગણાવે છે. “તે બગાડ ઘટાડે છે, ભેજનો પણ વ્યય થતો નથી. અને તેની કિંમત દસ રૂપિયા હોવાથી ગ્રાહકો કદાચ તેને અજમાવશે.” તેઓ રોકાયા વગર વાતો કરે જાય છે. “મારી પાસે હંમેશા ઉર્જા હોય છે,” તેઓ હસીને કહે છે.
તેમને તેમના માતાપિતાનું પણ સમર્થન છે. તેમની મધ્યમ કદની ઘરેલું ઉપકરણની દુકાન (જેની બે શાખાઓ છે) પર તેમના ઉત્પાદનો માટે માર્કેટિંગનું પહેલું પગથીયું છે. તેમના માતા-પિતાએ અક્ષરાના નિર્ણયો અને દિશાને માન આપ્યું છે. જેવું કે તેમણે અક્ષરાએ સાહસ કરીને પોતાનો વેપાર શરૂ કરવાનો નિર્ણય કર્યો ત્યારે કર્યું હતું.
જ્યારે તેમણે થોડાક વર્ષો પહેલાં તેમના પરિવારના કુળદેવી સામે પોતાનું મુંડન કરાવ્યું ત્યારે, ઘણા લોકો તેમને ગમેતેમ બોલતા હતા. પણ તેમના માતા-પિતા તેમના પડખે ઊભા રહ્યા અને કહ્યું કે તેઓ સુંદર દેખાય છે. તેઓ કહે છે, “મેં તેવું એટલા માટે કર્યું હતું કારણ કે હું વારેઘડીએ બિમાર પડી જતી હતી. હું મારા વાળ કેન્સરના દર્દીઓને દાન કરવા ઇચ્છતી હતી, પણ હું એવું કરી શકી નહીં. પણ મુંડન કરવાથી મને આત્મવિશ્વાસ મળ્યો. મને એહસાસ થયો કે મારી ઓળખ મારા વાળ સાથે જોડાયેલી નથી. અને હું ખુશ છું કે મારા માતા-પિતા મને ગમે તેવી હાલતમાં પણ પ્રેમ કરે છે”
અને તેઓ તેમના સપનાની પડખે ઊભા છે. તેમના સ્નાતક અભ્યાસમાં તેમની સાથે ભણતી લગભગ ૬૦ છોકરીઓ પરિણીત છે. “લોકડાઉનના કારણે તેમણે છોકરીઓને પરણાવી દીધી. કેટલીક કામે જાય છે. પણ કોઈએ પોતાનો વેપાર શરુ કર્યો નથી.”
ઉષા દેવી વેંકટચલમ માને છે કે અક્ષયાની સફળતા આ પરિસ્થિતિને બદલી શકે છે. “આ વિસ્તારમાં જન્મેલી એક યુવતી રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પહોંચવાની મહત્વાકાંક્ષાઓ સાથે સ્થાનિક સ્તરે પ્રોસેસિંગ એકમ સ્થાપવા માટે આગળ વધી રહી છે તે હકીકત પોતે જ પ્રેરણાદાયી છે. અને તે અન્ય લોકોને, ખાસ કરીને તેના સાથીદારોને, વિચાર કરવા માટે ચોક્કસ મજબૂર કરશે.”
અક્ષયા માટે, આગામી પડાવ એમબીએ છે. “ઘણા લોકો એમબીએ કરે છે અને પછી વ્યવસાય શરૂ કરે છે. હું તેનાથી ઊલટું કરવા જઈ રહી છું.” અને તેઓ માને છે કે એ સફળ થશે. તેઓ તેમના વતનમાં જ રહેવા માગે છે, અને પોતાની બ્રાન્ડ અહીંયાં જ ઊભી કરવા માગે છે. તેમની પોતાની એક વેબસાઇટ છે, તેઓ ઇન્સ્ટાગ્રામ અને લિંક્ડઇન જેવી સોશીયલ મીડિયા સાઈટ પર પણ છે. તેઓ ત્યાં રેસિપી મુકે છે, હેશટેગ્સનો ઉપયોગ કરે છે (અને #turmericlatte જેવા શબ્દને પુનઃજીવિત કરે છે) અને એફપીઓ અને નિકાસકારો સાથે જોડાવા માંગે છે. તેઓ કહે છે, “ખેડૂતો તેમના ખેતરોની સંભાળ રાખી શકે છે અને મારા જેવા લોકો વેચાણમાં શામેલ થઈ શકે છે.” ખેતર, બજાર અને ઘર વચ્ચેના નિર્ણાયક અંતરને અસરકારક રીતે ભરી રહ્યા છે.
તેઓ દ્રઢતાથી કહે છે, “આજકાલ, તમે તમારી વાર્તા કેવી રીતે કહો છો એના પર બધો આધાર છે. જ્યારે ગ્રાહકો મારા પેકેજિંગને તેમના ઘરમાં રાખે છે - માનો કે, તેઓ પૈસા રાખવા માટે ડ્રોસ્ટ્રિંગ પાઉચનો ઉપયોગ કરે છે - તો તેઓ અમારી બ્રાન્ડને યાદ રાખશે અને તેને ફરીથી ખરીદશે.” અને બદલામાં, તેમને લાગે છે કે તમિળનાડુના હળદર દૂર સુદૂર સુધી જશે...
આ સંશોધન અભ્યાસ માટે અઝીમ પ્રેમજી વિશ્વવિદ્યાલય દ્વારા તેમના સંશોધન અનુદાન પ્રોગ્રામ ૨૦૨૦ અંતર્ગત ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.
કવર ફોટો: એમ. પલાની કુમાર
અનુવાદક: ફૈઝ મોહંમદ