યુવાન ખમરી અટકાયતના આઘાતમાંથી બહાર આવ્યો નથી.
કમ્માભાઈ લાખાભાઈ રબારી કહે છે, “તેને ફરીથી સ્વસ્થ થવામાં સમય લાગશે.”
આ પશુપાલક તેમના ટોળામાં એક યુવાન નર ઊંટ વિષે વાત કરી રહ્યા છે.
જાન્યુઆરી 2022માં જ્યારે મહારાષ્ટ્રના અમરાવતીમાં સ્થાનિક પોલીસે તેમના 58 ઊંટોની અટકાયત કરી હતી, તે બનાવ જોતાં કમ્માભાઈનો આશાસ્પદ સૂર સમજી શકાય છે. આ ઊંટોને એક મહિના પછી ફેબ્રુઆરીમાં મુક્ત કરવામાં આવ્યા હોવા છતાં, બધા ઊંટોની તબિયત ખરાબ થઈ હોવાના લક્ષણો જોવા મળ્યા હતા.
તેમને ચરાવનારા પશુપાલકો કહે છે કે તેમની અટકાયત દરમિયાન, આ પ્રાણીઓને તેમનો નિયમિત ખોરાક ખાવા નહોતો મળ્યો. જે ગૌરક્ષણ કેન્દ્રમાં તેમને રાખવામાં આવ્યા હતા, તે અસલમાં ગાયો માટેનું પશુઆશ્રય છે. કમ્માભાઈ કહે છે, “તેઓ ખુલ્લામાં ચરતા પ્રાણીઓ છે, અને મોટા વૃક્ષોના પાંદડાઓ ખાય છે. તેઓ ગાયો માટેનો ખોરાક ન ખાય.”
તેથી જ્યારે એક મહિનાથી વધુ સમય સુધી તેઓને સોયાબીન અને અન્ય પાકના અવશેષો ખાવાની ફરજ પાડવામાં આવી ત્યારે તેમની તબિયત લથડી હતી. જ્યારે તેઓ ફેબ્રુઆરી 2022ના મધ્યમાં તેમના પાંચ બેચેન પશુપાલક માલિકો પાસે પાછા ફર્યા, ત્યારે તેમના મૃત્યુનો આંકડો વધવા લાગ્યો. જુલાઈ સુધીમાં 24 ઊંટ મૃત્યુ પામ્યા હતા.
માલિકોના મતે આ પાછળનું કારણ તેમને અચાનક અલગ કરવામાં આવ્યા તે અને તેમની અટકાયત કરવામાં આવી તેનો આઘાત છે. કમ્માભાઈ જેવા અન્ય ચાર માલિકો રબારી સમુદાયના છે; જેમાં એક ફકીરાણી જાટ છે. બધા પરંપરાગત ઊંટ પશુપાલકો મૂળ ગુજરાતના કચ્છ-ભુજ જિલ્લાના છે.
એક ક્રૂર વળાંકમાં, આ બિચારા પશુપાલકોએ કેન્દ્ર દ્વારા નિર્ધારિત તેમના ઊંટોના રોજના આરોગ્યપ્રદ ખોરક માટે દિવસ દીઠ 350 રૂપિયા પણ ચૂકવવા પડ્યા હતા. તેનો કુલ ખર્ચ 4 લાખ રૂપિયા થયો હતો, જે ગૌરક્ષા સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. આ પશુ-આશ્રયસ્થાન પોતાને એક સ્વૈચ્છિક સંસ્થા કહે છે પરંતુ તેણે રબારીઓ પાસેથી ઊંટોની સંભાળ અને જાળવણી માટે ફી વસૂલ કરી હતી.
માલના પરિવહન માટે ઊંટનો ઉપયોગ કરતા એક પીઢ પશુપાલક જકારા રબારી જણાવે છે, “આખા વિદર્ભમાંથી અમારા લોકો પાસેથી પૈસા એકત્ર કરવામાં અમને બે દિવસ લાગ્યા હતા.” તેઓ નાગપુર જિલ્લાના સિરસી ગામમાં એક ડેરામાં રહે છે. અને તેઓ તે 20 પરિવારોમાંના એક હતા કે જેમને સમગ્ર મધ્ય ભારતમાં લઈ જવામાં આવનારા ઊંટોના આ ટોળામાંથી કેટલાક ઊંટ મળવાના હતા.
*****
એક વર્ષ પહેલા હૈદરાબાદના એક સ્વયંભુ પ્રાણી અધિકાર કાર્યકર્તાએ આ પાંચ પશુપાલકો સામે તાલેગાંવ દશાસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમના પર ઊંટોને હૈદરાબાદના કતલખાનામાં લઈ જવાનો આરોપ હતો. રબારીઓએ મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં પડાવ નાખ્યો હતો. પોલીસે પાંચ પશુપાલકોની નિમગવન નામના ગામમાંથી ધરપકડ કરી હતી, જે અમરાવતી જિલ્લા પોલીસના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. આ પશુપાલકો પર પશુ ક્રુરતા નિવારણ અધિનિયમ, 1960ની કલમ 11 (1)(ડ) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો અને ઊંટોને અટકાયતમાં લઈને અમરાવતીના ગૌરક્ષણ કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા. (વાંચો: કચ્છી ઊંટનો કબજો: તરછોડાયેલાં રણનાં વહાણ )
જો કે, સ્થાનિક કોર્ટે તરત જ માલિકોને જામીન આપ્યા હતા, તેમ છતાં તેમના પ્રાણીઓ માટેની લડાઈ આગળ વધીને જિલ્લા કોર્ટ સુધી પહોંચી હતી. 25 જાન્યુઆરી, 2022ના રોજ, અમરાવતીના એક મેજિસ્ટ્રેટે ગૌરક્ષા સંસ્થા સહિત ત્રણ પ્રાણી અધિકાર સંગઠનોની ઊંટોનો કબજો મેળવવા માટેની અરજીઓ તરત જ ફગાવી દીધી હતી. તેમણે પાંચ રબારી પશુપાલકોને તેમની કેટલીક શરતો પૂરી કર્યા પછી અરજી કરવાની મંજૂરી આપી હતી.
પશુપાલકોને પ્રાણીઓની જાળવણી અને સંભાળ માટે ગૌરક્ષા સંસ્થા દ્વારા નિર્ધારિત કરવામાં આવે તેવી ‘યોગ્ય ફી’ ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2022માં, અમરાવતીની એક જિલ્લા અને સેશન્સ કોર્ટે પશુ દીઠ ફીની મર્યાદા પ્રતિ દીન 200 રૂપિયા નક્કી કરી હતી.
તે રબારીઓ માટે રાહતની વાત હતી જેમને વધારાના પૈસા ઉઘરાવાની જરૂર ન હતી, કારણ કે તેઓએ પહેલેથી જ વધુ ફી ચૂકવી દીધી હતી.
જકારા રબારી કહે છે, “કોર્ટ ખર્ચ, વકીલની ફી અને પાંચ આરોપી પશુપાલકોની દેખરેખ પાછળ અમે લગભગ 10 લાખ રૂપિયા ખર્ચી દીધા હતા.”
ફેબ્રુઆરી 2022ના મધ્યમાં જ્યારે ઊંટોને તેમના માલિકોને પરત સોંપવામાં આવ્યા, ત્યારે તેમણે જોયું કે તેઓ બીમાર અને કુપોષિત દેખાતા હતા. તેમાંથી બે ઊંટો તો અમરાવતી શહેરની બહાર જ – રજા આપ્યાના થોડાક કલાકોમાં મૃત્યુ પામ્યા હતા.
આગામી 3-4 મહિનામાં, અન્ય ઊંટો પણ મોતને ભેટશે. સાજન રબારી, છત્તીસગઢના બાલોદા બજાર જિલ્લામાં તેમણે જ્યાં પડાવ નાખ્યો છે ત્યાંથી પારી સાથે ફોન પર વાત કરતાં કહે છે, “માર્ચથી એપ્રિલ સુધી અમે તેમની તબિયત ખરાબ હોવાને કારણે લાંબા અંતર સુધી ચાલી શકતા ન હતા. ઉનાળામાં તેમને અમારા ડેરાના રસ્તાઓમાં લીલા પાંદડા મળ્યા ન હતા, અને જ્યારે ચોમાસું આવ્યું ત્યારે તેઓ એટલા નબળા પડી ગયા હતા કે તેઓ બીમાર પડ્યા અને એક પછી એક મૃત્યુ પામવા લાગ્યા.” તે ટોળામાંથી તેમને જે ચાર ઊંટ મળ્યા હતા તેમાંથી બે મૃત્યુ પામ્યા હતા.
વાસ્તવમાં, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં રબારી સમુદાયોના મોટાભાગના ઊંટો કાં તો રસ્તામાં કાં તો તેમના આશ્રયસ્થળે પહોંચ્યા પછી તરત જ મૃત્યુ પામ્યા હતા.
બચી ગયેલા 34 ઊંટો હજુ પણ તેમની અટકાયતના આઘાતમાંથી બહાર આવી શક્યા નથી.
*****
ખમરીનું નસીબ સારું છે કે તે જીવિત છે.
કમ્મા ભાઈ કહે છે કે જ્યાં સુધી તેઓ સંપૂર્ણરીતે સ્વસ્થ ન થઈ જાય, ત્યાં સુધી તેઓ બે વર્ષીય ઊંટનો પરિવહન માટે ઉપયોગ નહીં કરે.
અન્ય ઊંટોની સાથે, તેને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યો છે, જ્યાં કમ્મા ભાઈએ જાન્યુઆરી 2023માં કપાસના ખેતરમાં સાફ કરેલા એક ભાગ પર ધામા નાખ્યા છે. ખમરીને બેરના ઝાડનાં પાંદડાં ગમે છે; તે તેના રસ ઝરતા ફળો પણ ખાય છે જે હાલની સિઝનમાં આવે છે.
રબારી પશુપાલકો અને તેમના પશુઓએ મહારાષ્ટ્રના વર્ધા જિલ્લાના હિંગનઘાટ શહેરથી લગભગ 10 કિમી દૂર નાગપુર-અદિલાબાદ ધોરીમાર્ગ પર એક નાનકડા ગામ વાની પાસે પડાવ નાખ્યો છે. આ સમુદાય તેમનાં બકરાં, ઘેટાં અને ઊંટોના ટોળા સાથે પશ્ચિમ અને મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યો છે.
2022ની અગ્નિપરીક્ષામાં બચી ગયેલા ઊંટો હાલ તેમના માલિકોની દેખરેખ હેઠળ છે. કમ્મા ભાઈ આશા રાખે છે કે તેઓ કદાચ બચી જશે અને 18 વર્ષ કે તેથી વધુ સમયનું તેમનું સંપૂર્ણ જીવન જીવશે.
કમ્માના મોટા ભાઈ અને વિદર્ભમાં રબારીઓના નેતા અને સમુદાય વતી કાનૂની લડાઈ લડનારા મશરૂ કહે છે, “આ ઘટનાએ અમને ખૂબ પરેશાન કર્યા હતા.” તેઓ વિચારે છે કે, “હમકો પરેશન કરકે ઇન્કો ક્યા મિલા [અમને પરેશાન કરવાથી એમને શું ફાયદો થયો હશે]?”
તેઓ કહે છે કે તેઓ હજુ પણ હાઈકોર્ટમાં કેસ લડીને વળતરનો દાવો કરવો કે કેમ તે અંગે તેઓ ચર્ચાવિચારણા કરી રહ્યા છે.
પોલીસે આ દરમિયાન અમરાવતીની સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે, પરંતુ કેસ હજુ ટ્રાયલ માટે આવ્યો નથી. મશરૂ રબારી કહે છે, “અમે કેસ લડીશું.”
“અમારું ગૌરવ દાવ પર છે.”
અનુવાદક : ફૈઝ મોહંમદ