મહારાષ્ટ્રના લાતુર શહેરમાં ઘરેલુ નોકર તરીકે કામ કરતા 68 વર્ષના જેહેદબી સૈયદ કહે છે, “કોઈ મને કામે રાખવા તૈયાર નહોતું. મેં બધી સાવચેતી રાખી હતી પરંતુ તેઓ મને તેમના ઘરોમાં પેસવા જ નહોતા દેતા. મેં આ કપડું [કાપડનું માસ્ક] ક્યારેય કાઢ્યું નથી અને અંતર જાળવવા જેવા બધા નિયમોનું પાલન કર્યું છે."
એપ્રિલ 2020 માં કોવિડ -19 લોકડાઉન દરમિયાન જેહેદબી જે પાંચ પરિવારોમાં કામ કરતા હતા તેમાંથી ચાર પરિવારોએ તેમને કામ બંધ કરી દેવાનું કહ્યું. "મારી પાસે એક જ કામ રહ્યું હતું અને તેઓએ મારે માથે કામનો વધારે પડતો બોજ લાદી દીધો."
જેહેદબીને ઘરેલુ નોકર તરીકે કામ કરતે કરતે 30 થી ય વધુ વર્ષ થઈ ગયા છે - તેમાંથી ઘણાં વર્ષો તેમણે એ ઘરોમાં વાસણો સાફ કરવામાં અને ઘરની સફાઈ કરવામાં ખર્ચ્યા હતા જેમણે ગયા વર્ષે પોતાના દરવાજા તેમને માટે બંધ કર્યા હતા. તેઓ માને છે કે માર્ચ 2020 માં દિલ્હીની મસ્જિદમાં તબલઘી જમાતના લોકો ભેગા થયા હતા અને જે પાછળથી કોવિડ -19 હોટસ્પોટ બની ગઈ હતી તે સંબંધિત વિવાદની અસર તેમને કામે રાખનારા પર થઈ હશે. તેઓ યાદ કરે છે, "લોકોને મુસ્લિમોથી દૂર રહો એવી અફવા શરુ થઇ અને આગની જેમ ફેલાઈ ગઈ. મારા જમાઇએ કહ્યું કે જમાતને કારણે મેં મારી નોકરી ગુમાવી. પરંતુ મારે ને જમાતને શું લાગેવળગે? ”
ત્યાર પછી મહિને 5000 રુપિયા કમાતા જેહેદબીની આવક ઘટીને 1000 થઈ ગઈ. તેઓ પૂછે છે, "જે પરિવારોએ મને કામ બંધ કરી દેવાનું કહ્યું હતું તેઓ મને ક્યારેય પાછી નહીં બોલાવે? મેં ઘણા વર્ષો સુધી તેમના માટે કામ કર્યું અને પછી આમ સાવ અચાનક જ તેઓએ મને કાઢી મૂકી ને બીજી મહિલાઓને કામે રાખી."
વરસ થયું પણ તેમની પરિસ્થિતિ હજી એ જ રહી છે. જેહેદબી કહે છે, “પરિસ્થિતિ વધારે બેકાર [ખરાબ] થઈ ગઈ છે. માર્ચ 2021 માં તેઓ ત્રણ ઘેર કામ કરતા અને મહિને 3000 કમાતા. પરંતુ તેમને કામે રાખનાર બે જણે એપ્રિલમાં, જ્યારે કોવિડ -19 ની બીજી લહેર મહારાષ્ટ્રમાં ફેલાવા લાગી ત્યારે, તેમને કાઢી મૂક્યા. "તેઓએ કહ્યું કે હું ઝૂંપડપટ્ટીમાં રહું છું અને અમે નિયમો [સલામતી પ્રોટોકોલ (શિષ્ટાચાર)] નું પાલન કરતા નથી."
તેથી હવે જ્યાં સુધી તેમને બીજા કામ ન મળે ત્યાં સુધી તેઓ તેમને કામે રાખનાર એકમાત્ર માલિક પાસેથી મહિને 700 રુપિયા કમાય છે.
લાતુરના વિઠ્ઠલ નગર નજીક પોતાના બળે જીવન જીવતા વિધવા મહિલા જેહેદબી છેલ્લા એક વર્ષથી સ્થિર આવક વિના ઘર ચલાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમનું એક રૂમ-રસોડાનું ઘર તેમના પતિના નામ પર છે. તેમાં નથી વીજળી કે નથી શૌચાલય. તેમના પતિ સૈયદનું 15 વર્ષ પહેલા બીમારીથી નિધન થયું હતું. “મારે ત્રણ દીકરા અને એક દીકરી હતી. થોડા વર્ષો પહેલા મારા બે દીકરા મૃત્યુ પામ્યા. સૌથી નાનો બાંધકામ સ્થળે શ્રમિક તરીકે કામ કરે છે. 2012 માં લગ્ન પછી તે મુંબઇ રહેવા ગયો તે પછી હું તેને મળી નથી. ” તેમની દીકરી સુલતાના તેના પતિ અને બાળકો સાથે વિઠ્ઠલ નગર પાસે રહે છે.
જેહેદબી કહે છે, “અમે ક્યાં રહીએ છીએ, કઈ નાત-જાતના છીએ, એ બધું જ એક સમસ્યા બની ગયું છે. કૈસે કમાના? ઔર ક્યા ખાના? [કેવી રીતે કમાવું ને શું ખાવું?]. આ રોગ ખૂબ જ ભેદભાવપૂર્ણ છે."
આ મહામારી જેહેદબી જેવી પોતાના બળે જીવન જીવતી વરિષ્ઠ મહિલાઓ માટે મુશ્કેલ રહી છે અને એથી ય વધુ મુશ્કેલ રહી છે ગૌસિયા ઇનામદાર જેવી વિધવા મહિલાઓ માટે, જેમના 6 થી 13 વર્ષની ઉંમરના પાંચ બાળકો તેમના પર નિર્ભર છે.
આ વર્ષે માર્ચના મધ્યથી કોવિડ -19 ની બીજી લહેરને કાબૂમાં લેવા માટે પ્રતિબંધો લાદવામાં આવ્યા, પરિણામે ઓસ્માનાબાદ જિલ્લાના ચિવારી ગામમાં 30 વર્ષના ખેતમજૂર ગૌસિયાને ખાસ કામ મળતું નથી.
2020 માર્ચ પહેલા ગૌસિયા ખેતી સંબંધિત કામ કરીને દિવસના 150 રુપિયા કમાતા હતા. પરંતુ લોકડાઉન દરમિયાન ઓસ્માનાબાદના તુળજાપુર તાલુકાના ચિવારી અને ઓમેર્ગાના ખેતરના માલિકો તેમને અઠવાડિયામાં એકાદ દિવસ જ બોલાવતા હતા. તેમણે કહ્યું, “આ બિમારી [કોવિડ -19] એ અમને ઘણા દિવસો ભૂખ્યા રાખ્યા. મને મારા બાળકોની ચિંતા હતી. અઠવાડિયાના 150 રુપિયામાં અમે શી રીતે જીવી શકીએ? ” એક સ્થાનિક એનજીઓએ મોકલેલા રેશનથી તે દિવસોમાં તેમને મદદ મળી.
લોકડાઉન પ્રતિબંધો હળવા થયા પછી પણ ગૌસિયા અઠવાડિયાના ફક્ત 200 રુપિયા જ કમાઈ શકતા. તેઓ કહે છે કે તેમના ગામના બીજા લોકોને વધુ કામ મળતું હતું. “મારા પરિવારની દરેક મહિલાને કામ મેળવવામાં તકલીફ પડતી હતી. પરંતુ જૂન-જુલાઈ [2020] થી મારી માતાના પડોશની કેટલીક મહિલાઓને અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણ વાર કામ મળતું હતું. અમે પણ એટલી જ મહેનત કરીએ છીએ તે છતાં અમને કેમ ન મળ્યું?" થોડાઘણા પૈસા કમાવવા માટે, ગૌસિયાએ એક સીવણ મશીન ભાડે લીધું અને બ્લાઉઝ સીવવાનું અને સાડીને ફોલ લગાવવાનું શરૂ કર્યું.
ગૌસિઆ 16 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થઈ ગયા હતા. પાંચ વર્ષ પહેલા તેમના પતિનું માંદગીથી અવસાન થયું હતું. સાસરિયાઓએ તેમના પતિના મોત માટે તેમને દોષી ઠેરવ્યા અને બાળકો સાથે તેમને ઘર છોડી દેવાની ફરજ પાડી. ચિવારીમાંની કુટુંબની સંપત્તિમાં તેમના પતિના ભાગ પર ગૌસિયા અને તેના બાળકોનો હક નકારી કાઢવામાં આવ્યો. તેઓ તેમના બાળકોને લઈને ચિવારીમાં જ પોતાને પિયર ગયા હતા. પરંતુ ત્યાં રહેતા તેમના ભાઈ બીજા છ લોકોનો ખર્ચ ઉઠાવી શકે તેમ ન હતા. તેથી તેઓ તેમના બાળકો સાથે ઘર છોડીને ગામની સીમમાં તેમના માતાપિતાની માલિકીની જમીનના ટુકડા પર કામચલાઉ બાંધેલી ખોલીમાં રહેવા ગયા.
ગૌસિયા કહે છે, "અહીં બહુ ઓછા મકાનો છે. રાત્રે મારા ઘરની બાજુના બારમાંથી દારૂડિયાઓ આવીને મને હેરાન કરતા. તેઓ ઘણી વાર મારા ઘરમાં ઘૂસી જતા અને મારું શારીરિક શોષણ કરતા. શરૂઆતના થોડા મહિનાઓ તો મારી હાલત ખૂબ ખરાબ હતી પરંતુ મારે બીજે જવું પણ ક્યાં?" ગામના આરોગ્યસંભાળ કર્મચારીઓએ તેમની (ગૌસિયાની) મદદ માટે દરમિયાનગીરી કરી તે પછી જ પરેશાની બંધ થઈ.
ગૌસિયા માટે બે છેડા ભેગા કરવાનું હજી પણ મુશ્કેલ છે. તેઓ કહે છે, “મને સિલાઈનું પૂરતું કામ મળતું નથી - બે અઠવાડિયામાં ફક્ત એક ઘરાક આવ્યો છે. મહિલાઓ કોવિડને કારણે કંઈ પણ સીવડાવવા આવતી નથી. આ ફરી એક વાર દુ:સ્વપ્ન જેવું છે. શું આપણે કોરોના અને બેકારીના ભયના ખપ્પરમાં હંમેશ માટે હોમાઈ જઈશું? "
એપ્રિલ 2020 માં અઝુબી લદ્દાફના સાસરિયાઓએ તેમને તેમના ચાર બાળકો સાથે ઘરમાંથી કાઢી મૂક્યા. તેમના પતિ ઇમામ લદાફનું અવસાન થયું તેના બીજા જ દિવસે આમ બન્યું. તેઓ કહે છે, "અમે ઓમેર્ગામાં ઇમામના માતાપિતા અને મોટા ભાઈના પરિવાર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા."
દાડિયું રળતા ઇમામ મૃત્યુ પામ્યા તે પહેલા થોડા મહિનાઓથી બીમાર હતા. દારૂના વ્યસનને કારણે તેમની કિડનીને નુકસાન થયું હતું. તેથી ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 38 વર્ષના અઝુબી તેમને ઓમેર્ગા શહેરમાં છોડીને કામની શોધમાં તેમના બાળકોને પોતાની સાથે લઈને પુણે ગયા હતા.
તેઓને મહિને 5000 રુપિયાના પગારે ઘરેલુ નોકર તરીકે કામ મળ્યું. પરંતુ કોવિડ -19 લોકડાઉન શરૂ થયું ત્યારે તેમણે પોતાના 10 થી 14 વર્ષની ઉંમરના બાળકો સાથે શહેર છોડીને તેમના માતાપિતા રહેતા હતા તે તુળજાપુર તાલુકાના નાલદુર્ગ ગામ જવાનું નક્કી કર્યું. તેઓને ત્યાં કંઈક કામ મળવાની આશા હતી. અઝુબી કહે છે, "અમે ગયા વર્ષે 27 મી માર્ચે પુણેથી પગપાળા નીકળ્યા હતા અને લગભગ 12 દિવસ ચાલીને નાલદુર્ગ પહોંચ્યા હતા." આ અંતર લગભગ 300 કિલોમીટર છે. "મુસાફરી દરમિયાન અમને સરખું જમવાનું ય મળ્યું નહોતું."
પરંતુ જ્યારે તેઓ નાલદુર્ગ પહોંચ્યા ત્યારે તેમને ખબર પડી કે ઇમામ ગંભીર રીતે બીમાર છે. તેથી અઝુબી અને તેમના બાળકો તાત્કાલિક ત્યાંથી ચાલ્યા ગયા અને નાલદુર્ગથી 40 કિલોમીટર દૂર ઓમેર્ગા પહોંચવા પગપાળા ચાલી નીકળ્યા. તેઓ કહે છે, '"અમે ઓમેર્ગા પહોંચ્યા તે દિવસે સાંજે જ ઇમામ મૃત્યુ પામ્યા."
12 મી એપ્રિલે ઇમામના માતાપિતા અને ભાઈએ તેમના પડોશીઓની મદદથી અઝુબી અને તેમના બાળકોને બળજબરીથી ત્યાંથી હાંકી કાઢ્યા. તેમના સાસરિયાઓનું કહેવું હતું કે તેઓ પૂનાથી આવ્યા છે માટે તેઓ અમારા સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. અઝુબી કહે છે, "તે રાત્રે અમે સ્થાનિક દરગાહમાં આશરો લીધો અને પછી પાછા નાલદુર્ગ ગયા."
તેમના (અઝુબીના) માતા-પિતા અઝુબી અને બાળકોની સંભાળ રાખવાની સ્થિતિમાં ન હતા. અઝુબીની માતા નઝબુનાબી દવલસાબ કહે છે, “તેના (અઝુબીના) પિતા અને હું, અમે બંને દાડિયા મજૂર છીએ. અમને ભાગ્યે જ કંઈ કામ મળે છે. જે થોડુંઘણું કમાઈએ છીએ એ અમારા બે માટે જ પૂરતું નથી. અમે લાચાર હતા. ”
અઝુબી કહે છે કે, "હું અમારા પાંચનો ભાર મારા માતાપિતાને માથે નાખી તેમને મુશ્કેલીમાં ન મૂકી શકું. તેથી તેઓ નવેમ્બરમાં પાછા ઓમેર્ગા શહેર ગયા. “મેં મહિને 700 રુપિયામાં એક ખોલી ભાડે રાખી છે. હવે હું (લોકોને ઘેર) વાસણો સાફ કરું છું અને કપડા ધોઉં છું, અને મહિને 3000 રુપિયા કમાઉ છું."
સાસરિયાઓએ તેમને બળજબરીથી હાંકી કાઢ્યા પછી સ્થાનિક અખબારોએ અઝુબીની વાર્તા આવરી લીધી. તેઓ કહે છે, “હું બોલી શકવાની સ્થિતિમાં નહોતી. તે કેટલી પીડાદાયક પરિસ્થિતિ હતી તે હું વર્ણવી શકતી નથી. સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ નાલદુર્ગમાં મારે પિયર મને મળવા આવ્યા હતા અને નાણાકીય સહાય આપવાનું વચન આપ્યું હતું. પરંતુ મને હજી સુધી કોઈ મદદ મળી નથી."
ન તો અઝુબી પાસે કે ન ગૌસિયા કે જેહેદબી પાસે, કોઈની ય પાસે રેશનકાર્ડ નથી. કેન્દ્ર સરકારના આર્થિક સમાવેશક કાર્યક્રમ જન ધન યોજના હેઠળ તેમનું બેંક ખાતું પણ નથી. જો તેમનું જન ધન બેંક ખાતું હોત તો તેમને લોકડાઉન (એપ્રિલ-જૂન 2020) ના પહેલા ત્રણ મહિનામાં દર મહિને 500 રુપિયા મળ્યા હોત. જેહેદબી કહે છે કે, "હું બેંકમાં ક્યારે જઉં અને આટલો સમય ક્યાંથી કાઢું?" તેમણે ઉમેર્યું હતું કે તેમને ત્યાં મદદ મળવા અંગે વિશ્વાસ નથી. બેંક તેમના ઘરથી ત્રણ કિલોમીટર દૂર છે.
ગૌસિયા મહારાષ્ટ્ર સરકારની સંજય ગાંધી નિરાધર પેન્શન યોજનાનો લાભ મેળવવા હકદાર છે, આ યોજના અંતર્ગત વિધવા, એકલ મહિલા અને અનાથને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. તેમને (ગૌસિયાને) તરીકે દર મહિને 900 રુપિયા મળે છે પરંતુ તે આવે તો અને ત્યારે - તેમને જાન્યુઆરીથી ઓગસ્ટ 2020 સુધી પેન્શન મળ્યું ન હતું. તેઓ કહે છે કે "લોકડાઉન દરમિયાન તે મારો બોજ ઘટાડી શકત." તે પછી તેમને વચ્ચે વચ્ચે પેન્શન મળતું રહ્યું છે - સપ્ટેમ્બર અને નવેમ્બર 2020 માં, પછી ફેબ્રુઆરી 2021 માં.
સામાજિક બહિષ્કાર અને આર્થિક સહાયના અભાવે જેહેદબાઈ અને તેમના જેવી એકલ મહિલાઓ માટે જીવન ટકાવી રાખવું એ જ એક પડકાર છે. ઓસ્માનબાદ જિલ્લાના આંદુર સ્થિત હેલો મેડિકલ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડો. શશીકાંત અહંકારી કહે છે, “તેઓનીપાસે નથી જમીન કે નથી મકાન, અને તેમના બાળકોના શિક્ષણનો ખર્ચ એ તેમના માથે બીજો એક આર્થિક બોજ છે. તેમની પાસે કોઈ બચત પણ નથી. લોકડાઉન દરમ્યાન બેરોજગારીના કારણે આવા પરિવારોમાં ભૂખમરા તરફ ધકેલાયા." આ સંસ્થા ગ્રામીણ આરોગ્યસંભાળને મજબૂત બનાવવાનું કામ કરે છે અને મરાઠાવાડામાં એકલ મહિલાઓને વ્યાવસાયિક તાલીમ પૂરી પાડવાનું કામ કરે છે.
કોવિડ -19 ની નવી લહેર મહિલાઓના સંઘર્ષોને વધુ તીવ્ર બનાવી રહી છે. જેહેદબી કહે છે, “મારા લગ્ન થયા ત્યારથી રોજેરોજ કમાવવા માટે અને બાળકોને ખવડાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. આ મહામારીનો સમય મારા જીવનનો સૌથી ખરાબ સમય રહ્યો છે ." અને લોકડાઉનને કારણે હાલત વધુ ખરાબ થઈ છે. ગૌસિયા કહે છે. "આ માંદગી નહિ પરંતુ લોકડાઉન દરમિયાન અમારો રોજેરોજનો સંઘર્ષ અમને મારી નાખશે."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક