અમારા આદિવાસીઓમાં નવજાત બાળકનું ના નામકરણ કરવાની અમારી પોતાની રીત છે. અમે નદીઓ, જંગલો, જમીન, અઠવાડિયાના દિવસો અથવા કોઈ ચોક્કસ તારીખ અથવા તો તેમના પૂર્વજોના નામ પરથી નામ રાખીએ છીએ. પરંતુ, સમય જતાં, અમે જે રીતે ઇચ્છીએ તે રીતે નામ આપવાનો અમારો અધિકાર અમારી પાસેથી છીનવાઈ ગયો. સંગઠિત ધર્મ અને ધર્માંતરણોએ આ અનન્ય અધિકાર છીનવી લીધો. અમારા નામ બદલાતા રહ્યા, અને ફરી નવા નામ આપતા રહ્યા. જ્યારે આદિવાસી બાળકો શહેરની આધુનિક શાળાઓમાં ગયા ત્યારે સંગઠિત ધર્મ દ્વારા અમારા નામ બદલી નાખવામાં આવ્યા. તેમને જે પ્રમાણપત્રો મળ્યાં તે અમારા ઉપર થોપવામાં આવેલા નવા નામોમાં હતા. આ રીતે અમારી ભાષાઓ, આમારા નામ, અમારી સંસ્કૃતિ અને ઈતિહાસની કતલ થઈ ગઈ. નામકરણ એક ષડયંત્ર છે. આજે અમે એ ભૂમિની શોધમાં છીએ જે અમારા મૂળ, અમારા ઈતિહાસ સાથે જોડાયેલી છે. અમે અમારા અસ્તિત્વ સાથે જોડાયેલા એવા દિવસો અને તારીખોની શોધમાં છીએ.
આ તે કોનું નામ?
મારો
જન્મ સોમવારે થયો
એટલે
હું સોમરો
હું મંગળવારે જન્મ્યો
એટલે
મંગલ, મંગર કે પછી મંગરો
મારો
જન્મ બૃહસ્પતિવાર, ગુરુવારે થયો
તેથી
બિરસા કહેવાયો
હું દિવસ,
તારીખની જેમ
ઉભો હતો મારા
સમયની છાતી પર
પણ એ લોકો
આવ્યા અને એમણે મારું નામ બદલી
નાખ્યું
તે દિવસ,
તારીખ, એ બધુંય ખલાસ કરી નાખ્યું
જેના
કારણે મારું અસ્તિત્વ હતું
હવે હું રમેશ,
નરેશ અને મહેશ છું
આલ્બર્ટ, ગિલ્બર્ટ અથવા આલ્ફ્રેડ છું
મારી
પાસે એ બધી દુનિયાના નામ છે
જેની
જમીન સાથે મારો કોઈ સંબંધ નથી
જેનો
ઈતિહાસ મારો ઈતિહાસ નથી.
હું તેમના ઇતિહાસમાં
મારો
ઇતિહાસ શોધી રહ્યો છું
અને જોઉં
છું કે
વિશ્વના દરેક ખૂણામાં, દરેક જગ્યાએ
મારી
હત્યા સાવ સામાન્ય છે
અને દરેક
હત્યાનું કોઈ ને કોઈ સુંદર નામ છે.
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા