"શાળામાં હું જે કંઈ શીખું છું તે મારા ઘરની વાસ્તવિકતાની વિરુદ્ધ છે."
રાજપૂત સમુદાયની 16 વર્ષની પ્રિયા ઉત્તરાખંડના પર્વતીય રાજ્યમાં રહેતી શાળામાં ભણતી છોકરી છે. તે માસિક ધર્મમાં હોય તે દરમિયાન તેને જે કડક અને સ્પષ્ટપણે નિર્ધારિત કરેલા નિયમોનું પાલન કરવાની ફરજ પાડવામાં આવે છે તેની વાત કરે છે. તે કહે છે, “એ લગભગ બે જુદી જુદી દુનિયામાં રહેવા જેવું છે. ઘેર મને (પરિવારના બીજા સભ્યોથી) મારી જાતને અલગ રાખવાની અને તમામ રીત-રિવાજો અને પ્રતિબંધોનું પાલન કરવાની ફરજ પાડવામાં આવે છે, અને શાળામાં મને શીખવવામાં આવે છે કે મહિલાઓ પુરુષ સમોવડી છે."
11મા ધોરણમાં ભણતી પ્રિયાની શાળા નાનકમત્તા નગરમાં છે, જે ગામમાંના તેના ઘરથી સાત કિલોમીટર દૂર છે. તે દરરોજ સાયકલ પર શાળાએ જાય છે અને પાછી ફરે છે. તે એક સારી વિદ્યાર્થીની છે, તેણે શરૂઆતમાં આ વિષય અંગે પોતાને શિક્ષિત કરવાનો પ્રયાસ કર્યો. તે કહે છે, “મેં પુસ્તકો વાંચ્યા અને મેં વિચાર્યું કે હું આ કરીશ અને તે કરીશ; હું દુનિયા બદલી નાખીશ. પરંતુ હું મારા પરિવારનેય સમજાવી ન શકી કે આ રિવાજોનો કોઈ અર્થ નથી. હું દિવસ-રાત તેમની સાથે રહું છું છતાં હું તેમને એ સમજાવી શકતી નથી કે આ પ્રતિબંધોનો કોઈ અર્થ નથી."
આ નીતિ નિયમો બાબતે તેની શરૂઆતની અગવડ અને અસ્વસ્થતા ઓછી થઈ નથી પરંતુ હવે તે તેના માતાપિતાની વિચારસરણી પ્રમાણે કરે છે.
પ્રિયા અને તેનો પરિવાર તેરાઈ (નીચાણવાળા) પ્રદેશમાં રહે છે, (2011 ની વસ્તીગણતરી પ્રમાણે) એ રાજ્યમાં સૌથી વધુ ઉપજ આપતો કૃષિ પ્રદેશ છે. આ પ્રદેશમાં ત્રણ પાક લેવાય છે - ખરીફ, રવિ અને ઝૈદ - અને મોટાભાગની વસ્તી ખેતીમાં રોકાયેલી છે અને પશુધન, મોટે ભાગે ગાય અને ભેંસ, પાળે છે.
નજીકના બીજા રાજપૂત ઘરમાં વિધા જ્યારે માસિક ધર્મમાં હોય છે ત્યારે તેની રહેવાની વ્યવસ્થાનું વર્ણન કરે છે: “આગામી છ દિવસ મારે મારા રૂમમાં બંધ રહેવું પડશે. મને [મારી માતા અને દાદી દ્વારા] કહેવામાં આવ્યું છે કે આમતેમ ફરવું નહીં. મારે જે કંઈ જોઈતું હશે તે મારી માતા મને લાવી આપશે.
એ રૂમમાં બે ખાટલા, એક ડ્રેસિંગ ટેબલ અને અલમિરા છે. 15 વર્ષની વિધા તેના વ્યવસ્થિત લાકડાના પલંગ પર નહીં પરંતુ એક ચાદર વડે ઢાંકેલા તકલાદી ખાટલા પર સૂશે, તે કહે છે કે તેને એ ખાટલા પર સૂવાથી કમરનો દુખાવો થાય છે, પરંતુ તે (કહે છે કે હું) "મારા પરિવારની માનસિક શાંતિ" માટે એમ કરું છું.
કડક રીતે આદેશિત આ એકાંતવાસ દરમિયાન વિધાને શાળાએ જવાની મંજૂરી આપવામાં આવે છે, પરંતુ શાળાએથી સીધા તેણે નાનકમત્તા નજીકના નાગાલા ગામના તેના ઘરના આ રૂમમાં પાછા આવવું પડે છે. તેની માતાના ફોન અને કેટલાક પુસ્તકોની મદદથી ધોરણ 11 ની આ વિદ્યાર્થીની પોતાનો સમય પસાર કરે છે.
જ્યારે કોઈ મહિલા પરિવારના બીજા લોકોથી અલગ બેસવાનું શરૂ કરે છે અને તેની વસ્તુઓને એક બાજુએ ખસેડે છે ત્યારે તે બાકીના બધા માટે એક સંકેત છે કે તે માસિક ધર્મમાં છે. વિધા એ વાતથી નારાજ છે કે આવું કરવાથી કોણ માસિક ધર્મમાં છે અને કોણ નથી, એ બધાય જાણી જાય છે. તે કહે છે, “દરેક જણ એ જાણી જાય છે અને એની ચર્ચા કરે છે. તેને [માસિક ધર્મમાં હોય તેને] પ્રાણીઓ અને ફળ આપતાં વૃક્ષોને અડકવાની, અથવા ખોરાક રાંધવા અને પીરસવાની, અને એ જ્યાં રહે છે તે સિતારગંજ બ્લોકના મંદિરમાંથી પ્રસાદ સ્વીકારવાની મંજૂરી નથી."
મહિલાઓને 'અશુદ્ધ' અને 'અશુભ' ગણવાનો આ દૃષ્ટિકોણ ઉધમ સિંહ નગરની વસ્તીવિષયક આંકડાકીય માહિતીમાં પ્રતિબિંબિત થાય છે, જે પ્રતિ 1000 પુરૂષો દીઠ 920 મહિલાઓનો નબળો લિંગ ગુણોત્તર દર્શાવે છે, જે રાજ્યની સરેરાશ 963 કરતાં ઓછો છે. ઉપરાંત, પુરુષોમાં સાક્ષરતા દર નોંધપાત્ર રીતે વધારે - 82 ટકા છે અને મહિલાઓમાં સાક્ષરતા દર 65 ટકા છે (2011 ની વસ્તીગણતરી પ્રમાણે).
મહિલાઓને 'અશુદ્ધ' અને 'અશુભ' ગણવાનો આ દૃષ્ટિકોણ ઉધમ સિંહ નગરની વસ્તીવિષયક આંકડાકીય માહિતીમાં પ્રતિબિંબિત થાય છે, જે રાજ્યની સરેરાશ 963 કરતાં નીચો, પ્રતિ 1000 પુરૂષો દીઠ 920 મહિલાઓનો નબળો લિંગ ગુણોત્તર દર્શાવે છે
વિધાના ખાટલા નીચે એક થાળી, એક વાટકો, સ્ટીલનું પવાલું અને ચમચી છે જેનો ઉપયોગ તેણે આ સમય (માસિક ધર્મમાં હોય તે) દરમિયાન ખાવા માટે કરવો પડે છે. આ વાસણો ધોવા અને તડકામાં સૂકવવા માટે ચોથા દિવસે તે વહેલી ઊઠે છે. તેણે જે જટિલ પ્રક્રિયાઓ અનુસરવાની છે તેની વિગતો આપતાં તે કહે છે, “પછી મારી માતા વાસણો પર ગૌમૂત્ર છાંટે છે, વાસણો ફરીથી ધોઈ નાખે છે અને રસોડામાં પાછા મૂકે છે. આગામી બે દિવસ માટે મને જુદા વાસણો આપવામાં આવે છે."
તે ઉમેરે છે કે તેને ઘરની બહાર ફરવાની અને "તેની માતાએ તેને તે દિવસોમાં પહેરવા માટે જે કપડાં આપ્યા હોય તે સિવાયના" કપડાં પહેરવાની મનાઈ છે. તે જે બે જોડી કપડાં પહેરે છે તે ધોઈને સૂકવવા માટે ઘરની પાછળ લટકાવવા પડે છે અને તેને બીજા કપડાં સાથે ભેગા કરી શકાતા નથી.
વિધાના પિતા લશ્કરમાં છે અને તેમની માતા 13 લોકોનો પરિવાર સાંભળે છે. આટલા મોટા પરિવારમાં બાકીના સભ્યોથી અલગ રહેવું એ તેના માટે મૂંઝવનારું છે, ખાસ કરીને તેના નાના ભાઈઓને એ સમજાવવું: “મારા પરિવારના સભ્યોએ તેમને કહ્યું છે કે આ એક બીમારી છે જે માટે છોકરીઓને બીજા લોકોથી અલગ એકાંતવાસમાં રહેવું પડે છે. જો કોઈ અજાણતા મને અડકી જાય તો તે પણ ‘અશુદ્ધ’ગણાય છે, અને તેમના પર ગૌમૂત્રનો છંટકાવ કર્યા પછી જ તેઓ ‘સ્વચ્છ’ થયેલા ગણાય છે. એ છ દિવસો દરમિયાન વિધાના સંપર્કમાં આવતી દરેક વસ્તુ પર ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે છે. પરિવાર પાસે ચાર ગાય છે તેથી તેમનો પેશાબ સરળતાથી મળી રહેવામાં મદદ થાય છે.
સમુદાયે થોડીક પ્રથાઓ હળવી કરી છે, પરંતુ પ્રમાણમાં મામૂલી રૂપે. તેથી 2022 માં વિધાને સૂવા માટે એક અલગ પથારી મળે છે ત્યારે તે જ ગામના 70-72 વર્ષના બીના માસિક ધર્મમાં હોય તે દરમિયાન એમને કેવી રીતે ઢોરની ગમાણમાં રહેવું પડતું હતું તેનું વર્ણન કરે છે. તેઓ યાદ કરે છે, "અમે પાઈનના પાંદડા ફર્શ પર ફેલાવીને એની ઉપર બેસતા."
બીજી એક વૃદ્ધ સ્ત્રી એ સમય યાદ કરે છે જ્યારે, “અમને સૂકા રોટલા સાથે પીખી [ખાંડ વગરની] ચા આપવામાં આવતી. અથવા જાનવરોને આપવામાં આવતા બરછટ ધાનમાંથી બનેલી રોટલી મળતી. કેટલીકવાર પરિવારના બીજા સભ્યો અમને ભૂલી જતા અને અમારે ભૂખે મરવું પડતું."
ઘણી મહિલાઓ અને પુરૂષો માને છે કે આ પ્રથાઓ ધાર્મિક ગ્રંથોમાં આદેશિત છે અને તેથી એ અંગે સવાલ ઉઠાવી શકાય નહીં. કેટલીક મહિલાઓએ કહ્યું કે તેઓને શરમ આવે તો છે પરંતુ તેઓએ એમ પણ ઉમેર્યું કે તેઓ માને છે કે જો તેઓ (માસિક ધર્મમાં હોય ત્યારે) પોતાની જાતને બીજાઓથી અલગ નહીં રાખે તો દેવતાઓ નારાજ થશે.
ગામના એક યુવાન તરીકે વિનય સંમત થાય છે કે તે માસિક ધર્મમાં હોય તેવી મહિલાઓને ભાગ્યે જ રૂબરૂ મળે છે. નાનપણમાં વિનયે આ વાક્ય સાંભળ્યું હતું, 'મમ્મી અછૂત હો ગઈ હૈ [મમ્મી હવે અસ્પૃશ્ય થઈ ગઈ છે]'.
29 વર્ષના વિનય તેમની પત્ની સાથે નાનકમત્તા નગરમાં ભાડાના રૂમમાં રહે છે. મૂળ ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના વિનય એક દાયકા પહેલા તેમણે ખાનગી શાળામાં ભણાવવાનું શરૂ કર્યું ત્યારે અહીં આવ્યા હતા. તેઓ કહે છે, “અમને ક્યારેય કહેવામાં આવ્યું નથી કે આ (માસિક ધર્મ) એક કુદરતી પ્રક્રિયા છે. જો આપણે નાનપણથી જ આ પ્રતિબંધોનું પાલન કરવાનું બંધ કરી દઈએ તો કોઈ પણ છોકરી કે મહિલાને માસિક સ્રાવ આવે ત્યારે પુરૂષો તેને નીચી નજરે જોશે નહીં."
સેનિટરી પેડ્સ ખરીદવા અને પછીથી તેનો નિકાલ કરવો એ એક પડકાર છે. ગામની એકલ-દોકલ દુકાનમાં તેનો પુરવઠો હોય કે ન પણ હોય અને પછી છવી જેવી કિશોરીઓ કહે છે કે જ્યારે તેઓ સેનિટરી પેડ્સ માગે ત્યારે દુકાનદાર વિચિત્ર રીતે તેમની સામે જુએ છે. ઘેર જતાં તેઓને આ ખરીદી તેમની અંગત બાબતો વિષે જાણવા ઉત્સુક નજરોથી છુપાવવી પડે છે. છેલ્લે પેડ્સનો નિકાલ કરવા 500 મીટર દૂર નહેર સુધી ચાલવું પડે છે, એ અંદર ફેંકતા પહેલાં કોઈ જોતું તો નથી ને એની ખાતરી કરવા આસપાસ એક ઝડપી નજર નાખવી પડે છે.
પ્રસૂતિમાં આથીય વધુ એકાંતવાસ વેઠવો પડે છે
'અશુદ્ધિ' નો વિચાર જેમણે હમણાં જ બાળકને જન્મ આપ્યો છે તેવી માતાઓ સુધી પણ વિસ્તરે છે. લતાને કિશોરવયના બાળકો છે પરંતુ તેમને તેમનો એ સમય બરોબર યાદ છે: “[માસિક ધર્મમાં આવેલી છોકરીઓ માટે] 4 થી 6 દિવસને બદલે નવી માતાઓને 11 દિવસ માટે ઘરના બાકીના લોકોથી અલગ રાખવામાં આવે છે. કેટલીકવાર આ સમયગાળો 15 દિવસનો પણ હોઈ શકે છે, એટલે કે બાળકના નામકરણની વિધિ પૂરી ન થાય ત્યાં સુધી. લતા 15 વર્ષની છોકરી અને 12 વર્ષના છોકરાના માતા છે અને કહે છે કે નવી માતા જે ખાટલામાં સૂએ છે તેને સીમાંકિત કરી ઘરના બાકીના ભાગથી અલગ રાખવા ગાયના છાણની લીટી દોરવામાં આવે છે.
ખાતિમા બ્લોકના ઝંકટ ગામમાં રહેતાં લતાએ આ નિયમોનું પાલન કર્યું કારણ કે તેઓ તેમના પતિના વિસ્તૃત પરિવાર સાથે રહેતા હતા. તેઓ અને તેમના પતિ બીજે રહેવા ગયા ત્યારે જ થોડા સમય માટે તેમણે આ નિયમો પાળવાનું બંધ કર્યું હતું. રાજકારણમાં અનુસ્નાતકની પદવી મેળવનાર લતા કહે છે, "છેલ્લાં કેટલાંક વર્ષોથી અમે ફરીથી આ પરંપરાઓમાં વિશ્વાસ કરવાનું શરૂ કર્યું છે." તે માટેનું કારણ સમજાવવાનો પ્રયાસ કરતા લતા કહે છે કે, "માસિક ધર્મમાં હોય એવી મહિલા બીમાર પડે તો એવું કહેવાય છે કે દેવતાઓ દુ:ખી થયા હશે. આ પ્રથાઓનું પાલન ન કરવાને કારણે જ [પરિવાર અને ગામમાં] બધી સમસ્યાઓ ઊભી થાય છે એવું મનાય છે."
જે પરિવારમાં નવજાત બાળક હોય તેના હાથમાંથી પાણીનો ગ્લાસ પણ ગામમાં કોઈ સ્વીકારશે નહીં. આખા કુટુંબને 'અશુદ્ધ' ગણવામાં આવે છે અને તેને બાળકની જાતિ સાથે કોઈ સંબંધ નથી. જે કોઈ નવી બનેલી માતાને અથવા નવજાત શિશુને અડકે છે તેના પર ગૌમૂત્ર છાંટીને તેને શુદ્ધ કરવામાં આવે છે. સામાન્ય રીતે અગિયારમા દિવસે માતા અને નવજાત બાળકને ગૌમૂત્રથી નવડાવવા-ધોવડાવવામાં આવે છે, તે પછી નામકરણ વિધિ થાય છે.
લતાના 31 વર્ષના ભાભી સવિતા જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થઈ ગયા હતા અને તેમને આ રિવાજોનું પાલન કરવાની ફરજ પાડવામાં આવી હતી. તેઓ યાદ કરે છે કે તેમના લગ્નના પહેલા વર્ષમાં તેમને પોતાનું શરીર ઢાંકવા માટે માત્ર સાડી ઓઢીને જ ખાવું પડતું હતું - કોઈ પણ અંતર્વસ્ત્ર નહિ પહેરવાનો રિવાજ સખત રીતે અનુસરવો પડતો હતો. તેઓ કહે છે, "મારા પહેલા બાળકના જન્મ પછી મેં તે બંધ કરી દીધું," પરંતુ તેમણે સ્વીકાર્યું કે પછીથી જ્યારે તેઓ માસિક ધર્મમાં આવે ત્યારે તેમણે ફરી જમીન પર સૂવા માંડ્યું.
જ્યાં આવી પ્રથાઓ અનુસરવામાં આવે છે એવા પરિવારોમાં ઉછરવાને કારણે તે વિસ્તારના છોકરાઓને શું વિચારવું તે બરોબર સમજાતું નથી. નિખિલ બરકીદાંડી ગામનો એક નાનો છોકરો છે જે ધોરણ 10 માં અભ્યાસ કરે છે. તે કહે છે કે તેણે ગયા વર્ષે માસિક સ્રાવ વિશે વાંચ્યું હતું અને તે બરાબર સમજાયું ન હતું, પરંતુ, "છતાં મને હજુ પણ લાગે છે કે મહિલાઓને અલગ રાખવાનો વિચાર ગેરવાજબી છે." જો કે તે કહે છે કે જો તે ઘેર આ વિશે વાત કરશે તો પરિવારના પુખ્ત વયના લોકો તેને ઠપકો આપશે.
દિવ્યાંશને પણ એવો જ ડર છે. સુંખારી ગામનો 12 વર્ષનો શાળામાં ભણતો છોકરો દિવ્યાંશ મહિનામાં પાંચ દિવસ તેની માતાને અલગ બેસતી જોતો હતો, પરંતુ તેનું કારણ તેને ક્યારેય સમજાતું નહીં. “મારા માટે એ એટલું તો સામાન્ય છે કે મને લાગે છે કે બધી મહિલાઓ અને છોકરીઓને આવું થાય છે. પણ હવે મને લાગે છે કે એ યોગ્ય નથી." તે વિચારે છે, "હું મોટો થઈશ ત્યારે હું રિવાજ પાળીશ કે હું તેને બંધ કરાવી શકીશ?"
આવો કોઈ સંઘર્ષ જેમણે અનુભવ્યો નથી એવા ગામના એક વડીલ નરેન્દ્ર કહે છે કે, “ઉત્તરાંચલ [ઉત્તરાખંડનું જૂનું નામ] એ દેવતાઓનું ધામ છે. તેથી અહીંના [આ] રિવાજો મહત્વપૂર્ણ છે."
તેઓ કહે છે કે તેમના સમુદાયની છોકરીઓને માસિક સ્ત્રાવ આવવાનું શરૂ થાય તે પહેલાં 9-10 વર્ષની ઉંમરે તેમના લગ્ન કરી દેવામાં આવતા હતા. છોકરીને તેના પતિને ‘ભેટ’ રૂપે આપવાના વૈવાહિક રિવાજ વિશે વાત કરતા તેઓ કહે છે, "જો તેને માસિક સ્ત્રાવ શરૂ થઈ જાય તો પછી અમે કન્યાદાન શી રીતે કરીએ? હવે સરકારે લગ્નની ઉંમર બદલીને 21 કરી દીધી છે. ત્યારથી સરકારના અને અમારા અલગ-અલગ નિયમો છે."
આ વાર્તા હિન્દીમાં લખવામાં આવી હતી. લોકોની ઓળખ સુરક્ષિત રાખવા તેમના નામ બદલવામાં આવ્યા છે.
આ વાર્તા માટે મદદ કરવા બદલ પારી એજ્યુકેશન ટીમ રોહન ચોપરાનો આભાર માને છે.
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક