આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના કોટાપલેમ ગામમાં બન્ટુ દુર્ગા રાવના નાળિયેરીના બગીચાનો ટૂંક સમયમાં નાશ થઈ શકે છે. શ્રીકાકુલમ જિલ્લાના ત્રણ ગામો - કોટાપલેમ, કોવ્વાડા અને મારુવાડા (અને તેના બે પરાં, ગુડેમ અને ટેક્કલી)માં કુલ 2,073 એકર જમીન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારતીય પરમાણુ ઊર્જા નિગમ લિમિટેડ (NPCIL)ના મથક માટે સંપાદિત કરવામાં આવી રહી છે, જેમાં રાવની એક એકર જમીનનો પણ સમાવેશ થાય છે.

પરંતુ, મે 2017માં, દુર્ગા રાવે આ જ જમીન પર આંધ્રપ્રદેશ ગ્રામીણ વિકાસ બેંકમાંથી 60,000 રૂપિયાની લોન લીધી હતી. હવે, તેઓ મૂંઝવણભરી સ્થિતિમાં પૂછે છે, “એક તરફ, બેંકો કૃષિ લોન આપી રહી છે અને બીજી તરફ, મહેસૂલ વિભાગના અધિકારીઓ દાવો કરી રહ્યા છે કે સર્વે નંબર 33 [જ્યાં તેમની જમીન આવેલી છે] તે એક પાણીનો પ્રવાહ છે. બંને સરકારી એજન્સીઓ છે. હવે બંને કેવી રીતે સાચા હોઈ શકે?”

હૈદરાબાદની પર્યાવરણ સંરક્ષણ તાલીમ અને સંશોધન સંસ્થા દ્વારા જાન્યુઆરી 2017માં તૈયાર કરવામાં આવેલા સામાજિક અસર મૂલ્યાંકન અહેવાલ અનુસાર, આ વિદ્યુત મથકના કારણે ખેડૂતો અને માછીમારોના આશરે 2,200 પરિવારોનું વિસ્થાપન થવાની સંભાવના છે. તેમાંના મોટાભાગના દલિત અને ઓ.બી.સી સમુદાયના છે. અહેવાલમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹4 લાખ કરોડ થશે.

રણસ્તલમ બ્લોકના ત્રણ ગામો અને બે ગામડાઓમાં જમીન સંપાદનની પ્રક્રિયા 2011માં શરૂ થઈ હતી અને 2014ની સામાન્ય ચૂંટણીઓ પછી તેને વેગ મળ્યો હતો. પરંતુ માર્ચ 2018માં, રાજ્યની સત્તાધારી તેલુગુ દેશમ પાર્ટી, નેશનલ ડેમોક્રેટિક એલાએન્સ સરકારમાંથી બહાર નીકળી ગઈ, અને NPCILએ કેન્દ્ર સરકારની એજન્સી હોવાથી, કોટાપલેમના સરપંચ શંકર ધનંજય રાવના જણાવ્યા અનુસાર, “પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વધુ વિલંબ થશે.”

આ પરિસ્થિતિએ ગ્રામજનોની અનિશ્ચિતતા અને મૂંઝવણમાં વધારો કર્યો છે.

Myalapilli Kannamba (here with her son),
PHOTO • Rahul Maganti
Bantu Durga Rao and Yagati Asrayya with their passbooks in front of Durga Rao's house in Kotapalem
PHOTO • Rahul Maganti

ડાબેઃ માયલાપિલ્લી કન્નંબા (અહીં તેમના પુત્ર સાથે) વિચારે છે કે જો તેઓ વિસ્થાપિત થાય તો તેમના ઘાસના છાપરાંવાળાં મકાનો ફરીથી બનાવવામાં કેટલાં વર્ષો લાગશે. જમણે: દુર્ગા રાવ અને યાગતી અસ્રેયા બંને પોતપોતાની એક એકર જમીન ગુમાવશે, અને તેમને નવાઈ લાગી રહી છે કે બેંકો (જેમની પાસબુક તેઓ મને બતાવે છે) હજુ પણ તેમને તે જમીન પર લોન કેવી રીતે આપી રહી છે

ધનંજય રાવ કહે છે, “[ત્રણ ગામોમાં 2,073 એકર જમીન લેવા માટે રોકડ વળતર તરીકે] જરૂરી ₹225 કરોડમાંથી સરકારે માત્ર ₹89 કરોડ મંજૂર કર્યા છે.” અને ગામવાસીઓની ફરિયાદ એ છે કે તેમને આપવામાં આવતી આ કિંમત, તે જમીનના બજાર મૂલ્ય કરતાં ઘણી જ ઓછી છે.

58 વર્ષીય બાદી ક્રિષ્ના ભારપૂર્વક જણાવે છે, “મને એકર દીઠ ₹15 લાખનું વળતર આપવામાં આવ્યું, જ્યારે અમે એકર દીઠ ₹34 લાખની માંગણી કરી હતી, જે 35 કિલોમીટર દૂર આવેલા ભોગાપુરમ એરપોર્ટ માટે જમીન સંપાદન માટે આપવામાં આવેલા વળતરની બરાબર છે. જ્યારે કે, આ જમીનની બજાર કિંમત ચેન્નાઈ-કોલકાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગની નિકટતાને કારણે એકર દીઠ આશરે 3 કરોડ રૂપિયા છે.” તેઓ કોવ્વાડામાં (વસ્તી ગણતરીમાં જિરુકોવ્વાડા તરીકે સૂચિબદ્ધ) ત્રણ એકરની ખેતીવાડીની જમીનના માલિક છે, જેમાં તેઓ નાળિયેર, કેળા અને ચીકુની ખેતી કરે છે.

જમીન સંપાદન, પુન :સ્થાપન અને પુનર્વસવાટ અધિનિયમ, 2013 (LARR) અનુસાર, વળતરની ગણતરી માત્ર છેલ્લા એક વર્ષમાં આ વિસ્તારમાં ખરીદવામાં આવેલી અને વેચવામાં આવેલી જમીનની સરેરાશ કિંમતના આધારે થવી જોઈએ. હકીકતમાં, આ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ જિલ્લા વહીવટીતંત્રએ 18 લાખ રૂપિયાની વળતરની રકમની જાહેરાત કરી હતી. હજુ પણ, જેઓને અમુક રકમ મળી છે તેમને પણ તે સંપૂર્ણ રકમ ચૂકવવાની બાકી છે. સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓના અંદાજ મુજબ, 2,073 એકર જમીનમાંથી માત્ર 20 થી 30 ટકા જમીનનું વળતર ચૂકવવામાં આવ્યું છે.

A notice from Revenue Divisional Officer, Srikakulam saying that Bantu Durga Rao was allotted land as per the Andhra Pradesh Land Reforms (Ceilings on Agricultural Holdings) Act, 1973
PHOTO • Rahul Maganti

મહેસૂલ વિભાગના અધિકારી દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે દુર્ગા રાવને 1973માં જમીન ફાળવવામાં આવી હતી

2,073 એકરમાંથી 18 એકરમાં દુર્ગા રાવ સહિત કોટાપલેમના 18 દલિત પરિવારોની માલિકીની જમીનનો હિસ્સો સામેલ છે. ઉલ્લેખનીય છે કે આંધ્રપ્રદેશ જમીન સુધારણા (કૃષિ જમીન પર ટોચમર્યાદા) અધિનિયમ, 1973 હેઠળ દરેક પરિવારને એક એકર જમીન આપવામાં આવી હતી. તેમને ડી-ફોર્મ પટ્ટા કરાર પર આ જમીન આપવામાં આવી હતી, જેનો અર્થ એ છે કે આ જમીનની ખરીદી અને વેચાણ ગેરકાયદેસર છે. જમીન ફક્ત કુટુંબમાં જ વારસામાં મળી શકે છે.

કોટાપલેમના 55 વર્ષીય ખેડૂત યાગતી અસ્રેયા કે જેઓ પણ અહી એક એકર જમીન ધરાવે છે તેઓ કહે છે, “જ્યારે અમને આ જમીન મળી ત્યારે અમારી પાસે ખેતી કરવા માટે કોઈ મૂડી નહોતી. ત્યાં સિંચાઈની કોઈ સુવિધા નહોતી, અને પાણીનો એકમાત્ર સ્રોત વરસાદ હતો. અમારી પાસે બોરવેલ માટે પણ પૈસા નહોતા. તેથી, અમે અમારી જમીન કાપૂ અને કમ્મા [ઉચ્ચ જાતિ]ના ખેડૂતોને ગીરવે આપી દીધી. તેમણે ત્યાં બોરવેલ કરીને 2011 સુધી ખેતી કરી.” આ સમયગાળા દરમિયાન, તેઓ અને તેમના જેવા નાના જમીનમાલિકો ગામમાં ખેતમજૂર તરીકે કામ કરતા હતા.

જ્યારે સૂચિત વીજ મથકના નિર્માણના સમાચાર આવવા લાગ્યા, ત્યારે ઘણા જમીનમાલિકોએ તેમની જમીન ગુમાવવાના ડરથી જાતે જ ખેતી કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ, દુર્ગા રાવના પ્લોટની બાજુમાં એક એકર જમીન ધરાવતા 35 વર્ષીય ડોંગા અપ્પા રાવ આક્ષેપ કરે છે કે ઘણા કિસ્સાઓમાં મહેસૂલ વિભાગ ઉચ્ચ જાતિના ખેડૂતોને વળતર આપે છે. તેઓ કહે છે, “જ્યારે અમને કહેવામાં આવી રહ્યું છે કે અમને વળતર ન મળી શકે, કારણ કે અમારી જમીન પાણીના પ્રવાહનો ભાગ છે.”

LARR કાયદા હેઠળની અન્ય જોગવાઈઓ, જેમ કે પરિવાર દીઠ ₹8.6 લાખનું એક વખતનું  પુન:સ્થાપન અને પુનર્વસવાટના પેકેજ ઉપરાંત મકાનો, હોડીઓ, જાળીઓ, વૃક્ષો અને પશુઓ માટે કિંમત નિર્ધારણ અને વળતરની જોગવાઈ પર પણ કાર્યવાહી કરવામાં આવી નથી. કોવ્વાડાનાં વતની 56 વર્ષીય માયલપિલ્લી કન્નંબા પૂછે છે, “કદાચ, અમારી પાસે માત્ર છાપરાંવાળા મકાનો હોઈ શકે છે, પરંતુ અમારી પાસે આવાં પાંચ મકાનો છે. અમે દિવસે દિવસે વૃદ્ધ થઈ રહ્યા છીએ. અમારે આ મકાનોને ફરીથી બનાવવામાં કેટલાં વર્ષો લાગશે?”

કોવ્વાડા પરમાણુ ઊર્જા મથક, જેની ક્ષમતા 7,248 મેગાવોટ હશે, તે 2008ના ભારત-અમેરિકા નાગરિક પરમાણુ કરાર હેઠળ સ્થાપિત કરવામાં આવેલ આ પ્રકારનું પહેલું મથક હશે. આ મથક અગાઉ ગુજરાતના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મીઠીવીરડી ગામમાં સ્થાપિત થવાનું હતું. પરંતુ ત્યાંના ખેડૂતોએ ઘણા વર્ષો સુધી વિરોધ કર્યો અને તેને સ્થાનાંતરિત કરવામાં સફળ રહ્યા. હવે આ મથક કોવ્વાડામાં બનવાનું છે.

ભારત સરકારની સંકલિત ઊર્જા નીતિ , 2006 અનુસાર, દેશ 2032 સુધીમાં 63,000 મેગાવોટની પરમાણુ ઊર્જા ક્ષમતા હાંસલ કરશે, હાલમાં ભારતની કુલ ક્ષમતા સાત પરમાણુ ઊર્જા મથકોમાં 6,780 મેગાવોટ છે. પ્રસ્તાવિત ઊર્જા લક્ષ્યાંકમાંથી 30,000 મેગાવોટ ક્ષમતાના મથકો આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લગભગ ચાર અલગ-અલગ સ્થળોએ સ્થાપિત કરવામાં આવશે. હાલમાં માત્ર કોવ્વાડા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જ્યારે નેલ્લોર જિલ્લાના કાવલી શહેર નજીક પરમાણુ મથક માટે જમીન સંપાદન ચાલી રહ્યું છે.

Government officials conducting public hearing in December 2016 which witnessed widespread protests by the villagers
PHOTO • Rajesh Serupally
Coconut and banana plantations interspersed with each other (multi cropping) in the same field in Kotapalem. All these lands are being taken for the construction of the nuclear power plant
PHOTO • Rajesh Serupally

ડાબે: ડિસેમ્બર 2016માં સરકારી અધિકારીઓ દ્વારા જાહેર સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. જમણે: કોટાપલેમ ગામ જેવા પાંચ ગામોના લગભગ 2,000 પરિવારો તેમની જમીન, પાક, અને નાળિયેરી તથા કેળાંના બગીચા ગુમાવશે

આ એવા સમયે થઇ રહ્યું છે જ્યારે, વર્લ્ડ ન્યુક્લિયરઇન્ડસ્ટ્રી સ્ટેટસ રિપોર્ટ , 2017 અનુસાર, વિશ્વના ઘણા ભાગોમાં, નિર્માણાધીન રિએક્ટરની સંખ્યા ઘટી રહી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લાં ચાર વર્ષોમાં રશિયા, અમેરિકા, સ્વીડન અને દક્ષિણ કોરિયા દ્વારા રિએક્ટર બંધ કરી દેવામાં આવ્યા છે.

વધુમાં, આબુ ધાબી સ્થિત ઇન્ટરનેશનલ રિન્યુએબલએનર્જી એજન્સી નોંધે છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી રિન્યુએબલ એનર્જીની કિંમતો ઘટી રહી છે. જો આંધ્રપ્રદેશને વધુ વીજળીની જરૂર હોય, તો તે પરમાણુ અને ઉષ્મીય ઊર્જાને બદલે રિન્યુએબલ સ્વરૂપોમાં રોકાણ કરી શકે છે.

આ વલણોથી વિપરીત, ભારતની ઊર્જા નીતિ એવો દાવો કરે છે કે દેશની વધતી જતી ઊર્જાની માંગ પૂરી કરવા માટે પરમાણુ ઊર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જો કે, આંધ્રપ્રદેશ સરકારના ઊર્જા, માળખાગત સુવિધા અને રોકાણ વિભાગના મુખ્ય સચિવ અજય જૈને એપ્રિલ 2017માં ધ હિન્દુ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશમાં દરરોજ 200 MU (મિલિયન યુનિટ)ની ઉત્પાદન ક્ષમતા સાથે વીજળીનો વધારાનો જથ્થો છે, જ્યારે સરેરાશ દૈનિક માંગ 178 MU છે. જ્યારે આ પત્રકારે ઊર્જા મંત્રાલયના ઊર્જા વિભાગના ભૂતપૂર્વ કેન્દ્રીય સચિવ ડૉ. ઇ.એ.એસ. શર્મા સાથે વાત કરી ત્યારે તેમણે પૂછ્યું, “જે રાજ્યમાં પહેલેથી જ વીજળીનો વધારાનો જથ્થો હોય તેવા રાજ્યમાં આટલા બધા પરમાણુ રિએક્ટર સ્થાપિત કરવાની જરૂર કેમ છે?”

જો કે, કોવ્વાડા પરમાણુ ઊર્જા મથકના ભૂતપૂર્વ પ્રોજેક્ટ ડિરેક્ટર અને NPCILના ભૂતપૂર્વ મુખ્ય ઇજનેર જી.વી. રમેશ જણાવે છે, “અમે ઉત્પાદિત થનારા પ્રતિ મેગાવોટ પરમાણુ ઊર્જા પાછળ  ₹ 24 કરોડનો ખર્ચ કરીશું અને લોકોને ₹ 6 પ્રતિ KWh (કિલોવોટ-કલાક)ના સબસિડીવાળા દરે વીજળી પૂરી પાડીશું.”

Fishermen in Kovadda hope the move will at least make fishing sustainable again, unaware that the nuclear power waste could further destroy the water
PHOTO • Rahul Maganti

કોવ્વાડામાં માછીમારોને આશા છે કે આ પગલું ઓછામાં ઓછું માછીમારીને ફરીથી ટકાઉ બનાવશે, તેઓ એ વાતથી અજાણ છે કે પરમાણુ ઊર્જાનો કચરો પાણીને વધુ બગાડી શકે છે

પરંતુ વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા અભ્યાસો કંઈક અલગ જ દલીલ રજૂ કરે છે. હૈદરાબાદ સ્થિત ભારતીય રાસાયણિક પ્રૌદ્યોગિકી સંસ્થાના ભૂતપૂર્વ નાયબ નિયામક, ડૉ. કે. બાબુ રાવ, જણાવે છે કે, “ભારતીય પરમાણુ વિદ્યુત નિગમ (NPCIL)એ અગાઉ જણાવ્યું હતું કે તેઓ 1 રૂપિયા પ્રતિ KWhના દરે પરમાણુ ઊર્જા પૂરી પાડશે અને હવે તેને 6 રૂપિયા સુધી વધારી દીધો છે. તેઓ સ્પષ્ટ જૂઠાણા બોલી રહ્યા છે. જયારે કે પ્રથમ વર્ષનો ટેરિફ 19.80 રૂપિયાથી 32.77 રૂપિયા પ્રતિ KWh સુધીનો રહેશે.” ડૉ. રાવ આ આંકડાઓ ક્લીવલેન્ડ, યુ.એસ.એ.માં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એનર્જી ઇકોનોમિક્સ એન્ડ ફાયનાન્સિયલ એનાલિસિસ દ્વારા માર્ચ 2016માં કરવામાં આવેલા એક અભ્યાસમાંથી ટાંકે છે.

વધુમાં, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (M)ના રાજ્ય સચિવાલયના સભ્ય નરસિંહા રાવ કહે છે કે પરમાણુ ઊર્જા નિયમન બોર્ડ (AERB)એ હજુ કોવ્વાડા ખાતે પરમાણુ મથક માટે સ્થળની મંજૂરી આપી નથી. તેઓ ઉમેરે છે, “અને પ્રોજેક્ટ સત્તાવાળાઓએ હજુ સુધી પર્યાવરણ મંત્રાલય અને આંધ્રપ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી મંજૂરી માટે અરજી કરવાની બાકી છે. 2009માં થયેલા કરાર મુજબ આ સોદાને અમલમાં મૂકવાની હતી તે જનરલ ઇલેક્ટ્રિક હવે પીછેહઠ કરી ચૂકી છે. વેસ્ટિંગહાઉસ ઇલેક્ટ્રિક કંપની નાદાર થઈ ગઈ છે અને પ્રોજેક્ટની સદ્ધરતા અંગે મૂંઝવણમાં છે. જો AERB અને WEC આ પ્રોજેક્ટ માટે હજુ તૈયાર નથી, તો પ્રધાનમંત્રી કાર્યાલય અને આંધ્રપ્રદેશ સરકાર જમીનના સંપાદન માટે શા માટે તૈયાર છે?

કોવ્વાડાના 42 વર્ષીય માછીમાર માયલાપિલ્લી રામુ, જેઓ સ્થળાંતરની રાહ જોઈ રહ્યા છે, તેમને આશા છે કે આ પગલું માછીમારીને ફરીથી ટકાઉ બનાવશે. [જુઓઃ કોવ્વાડામાં નાની માછલીઓને ભરખી જતી મોટી મોટી ફાર્મા કંપનીઓ ]. તેઓ કહે છે, “ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો દ્વારા થતા પાણીના પ્રદૂષણને કારણે અમે હવે અહીં [કોવ્વાડાના દરિયાકાંઠે] માછલીઓ પકડી શકતા નથી. જો કે, ધર્માવરમ દરિયાકિનારાની નજીક હોઈ, અમે ત્યાં ગયા પછી માછીમારી ફરી શરૂ કરી શકીએ છીએ.” તેઓ જાણતા નથી કે પરમાણુ ઊર્જા મથકને કારણે થતા પાણીના પ્રદૂષણની અસર સમગ્ર પ્રદેશમાં ફાર્માસ્યુટિકલ પ્રદૂષણ કરતાં ઘણી વધારે હોઈ શકે છે.

કેટલાક ગ્રામજનો હવે હૈદરાબાદ સ્થિત આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં કેસ દાખલ કરવાની યોજના બનાવી રહ્યા છે, જેથી જો પરમાણુ ઊર્જા મથકના કારણે તેઓ વિસ્થાપિત થાય તો તેઓને યોગ્ય અને કાયદેસર વળતર મળી શકે.

અનુવાદક: કનીઝફાતેમા

Rahul Maganti

Rahul Maganti is an independent journalist and 2017 PARI Fellow based in Vijayawada, Andhra Pradesh.

Other stories by Rahul Maganti
Editor : Sharmila Joshi

ಶರ್ಮಿಳಾ ಜೋಶಿಯವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಮಾಜಿ ಕಾರ್ಯನಿರ್ವಾಹಕ ಸಂಪಾದಕಿ ಮತ್ತು ಬರಹಗಾರ್ತಿ ಮತ್ತು ಸಾಂದರ್ಭಿಕ ಶಿಕ್ಷಕಿ.

Other stories by Sharmila Joshi
Translator : Kaneez Fatema

Kaneez Fatema has been working in the field of translation for the past 7 years and is passionate about language, people, cultures, and their intersections.

Other stories by Kaneez Fatema