“કડલિલે રાજવ તીમિંગલમ આન્નેનકિલુમ ન્જામ્મલે, મીન પનિક્કરે રાજવ મતીયાન્ન [જો સમુદ્રનો રાજા ડોલ્ફિન છે, તો અમ માછીમારોનો રાજા, ઓઈલ સાર્ડીન છે].”
બાબુ (નામ બદલેલ છે) કેરળના વડકારા શહેરમાં ચોમ્બલ બંદર ખાતે માછલાં ભરે છે. તેઓ છેલ્લા કેટલાક દાયકાઓથી મોટાભાગે ઓઈલ સાર્ડીન માછલી (સાર્ડીનેલા લોન્જીસેપ્સ) ભરવાનું અને ઉતારવાનું કામ કરી રહ્યા છે.
બાબુ સવારે 7 વાગ્યાની આસપાસ બંદર પર પહોંચે છે અને તેમણે તેમના કામ માટે અલગ રાખેલાં કપડાં − એક વાદળી મુંડુ (ધોતી) અને ટી-શર્ટ, ચપ્પલ પહેરે છે. 49 વર્ષીય માછીમાર પછી હોડીમાં જવા માટે ઘૂંટણસમા અને કાદવવાળા પાણીમાંથી પસાર થઈને દરિયા તરફ ચાલે છે. તેઓ કહે છે, “અમે બધા [માછીમારો] આ કામ માટે અલગ ચપ્પલ અને કપડાં રાખીએ છીએ, કારણ કે પાણીમાં દુર્ગંધ આવે છે. મોડી સાંજે જ્યારે બંદર પર હિલચાલ શાંત પડશે ત્યારે તેઓ ઘરે જશે.
આ પત્રકારે બાબુ સાથે વાત કરી ત્યારે ડિસેમ્બરનો ઠંડો દિવસે હતો અને તેઓ બંદર પર કામ પર આવ્યા હતા, જે પહેલેથી ધમધમતું હતું. હોડીઓમાં રહેલી વાંસની ટોપલીઓની આસપાસ લાંબી ગરદનવાળા સફેદ પેલિકન પક્ષીઓ માછલીઓને પકડવાની આશામાં મંડરાઈ રહ્યા હતા. માછલીઓથી ભરેલી જાળ જમીન પર પથરાયેલી હતી. લોકોની અવરજવરે બંદરને ગુંજવી દીધું હતું.
વિવિધ પ્રકારની હોડીઓ આ ધમધમતા બંદર પર આવ–જા કરી રહી હતી અને ત્યાં ગ્રાહકો, વિક્રેતાઓ, એજન્ટો અને બાબુ જેવા લોકો હતા, જેઓ હોડીઓમાંથી માછલીઓને બંદર પર અને ટેમ્પોમાં ભરવાનું અને ઉતારવાનું કામ કરે છે. તેમના અંદાજ પ્રમાણે અહીં લગભગ 200 લોકો કામ કરે છે.
દરરોજ, બાબુ જ્યારે સવારે બંદર પર પહોંચે છે ત્યારે સૌથી પહેલાં તેમનાં સાધનોને દેશી બદામના ઊંચા ઝાડના છાંયડામાં મુકે છે, જેમાં એક કરંડિયું (નારંગી પ્લાસ્ટિકની ટોપલી), પાણીની હોડીલ, ચપ્પલ અને તેરુવા કે જે પ્લાસ્ટિકની શીટથી ઢંકાયેલું એક નાનું ગોળાકારનું સપાટ કપડાનું બંડલ અથવા દોરડું હોય છે. તેઓ માથા પર ટોપલી મુકતા પહેલાં ગાદી તરીકે તેરુવા મુકે છે, કે જેથી માછલીનો ભાર વહન કરવામાં આસાની રહે.
આજે બાબુ ચાર વ્યક્તિઓની આઉટબોર્ડ એન્જિનવાળી હોડીમાંથી માછલીઓ એકત્રિત કરી રહ્યા છે, જે આ બંદર પરની સૌથી નાની હોડીમાંની એક છે. તેમને ફક્ત ટ્રોલર વિનાની હોડી પર જ કામ મળે છે, કારણ કે કોમર્શિયલ ટ્રોલર મોટે ભાગે અંદરના લોકોને જ કામ પર રાખે છે. તેઓ કહે છે, “માછીમારો આ મોટી હોડી પર એક અઠવાડિયા કે તેથી વધુ સમય માટે દરિયામાં જાય છે. તે હોડી બંદર પર આવી શકતી નથી તેથી તેને વધુ દૂર [લંગર પર] બાંધવામાં આવે છે. પછી માછીમારો આ નાની હોડીઓમાં માછલીઓને અહીં લાવે છે.”
બાબુ માલ તરીકે ઓળખાતી નાની જાળી વડે તેમની ટોપલીમાં ઓઈલ સાર્ડીન નાખે છે. જ્યારે અમે બંદર તરફ પાછા જઈએ છીએ ત્યારે ટોપલીનાં નાનાં છિદ્રોમાંથી પાણી બહાર નીકળતું હોય છે. તેઓ કહે છે, “આ મહિનામાં [ડિસેમ્બર 2022માં] અમે સાર્ડીનનો મોટો જથ્થો મેળવ્યો છે.” તેમને માછલીની ટોપલી ઊંચકીને લાવવા માટે હોડીના માલિકો અથવા એજન્ટો દ્વારા 40 રૂપિયા ચૂકવવામાં આવે છે, જેઓ તેને સ્થાનિક બજારમાં વેચે છે.
બાબુ કહે છે, “અમે એક દિવસમાં કેટલી ટોપલીઓ લઈ જઈએ છીએ તે કહેવું મુશ્કેલ છે કારણ કે તે કેટલી માછલીઓ આવે છે તેના પર નિર્ભર કરે છે. તેઓ વધુ ઉમેરતાં કહે છે કે, એવા પણ દિવસો હોય છે જેમાં અમે 2,000 રૂપિયા સુધી કમાણી કરી શકીએ છીએ. “આટલું તો હું ત્યારે જ કમાઉં છું જ્યારે ઘણી બધી સાર્ડીન માછલીઓ હાથ લાગી હોય.”
*****
બાબુએ કિશોર વયે માછીમારી ઉદ્યોગમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે માછીમાર તરીકે શરૂઆત કરી હતી અને સમય જતાં બંદર પર માછલાં ભરવાનું કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે કોઝિકોડ જિલ્લામાં અરબી સમુદ્રમાંથી હોડીઓ પરત આવવાનું શરૂ કરે છે ત્યારે તેમનું ચોમાડુ પાની અથવા માછલાં ભરવાનું દૈનિક વેતનનું કામ શરૂ થાય છે.
છેલ્લા દાયકામાં, તેમને ઓઇલ સાર્ડીન માછલીની સંખ્યામાં અનિશ્ચિતતા જોવા મળી છે.
તેઓ કહે છે, “જ્યારે ઓછી સાર્ડીન માછલી પકડાઈ હોય, ત્યારે અમે માછલાં ભરવાના કામને એકબીજા સાથે વહેંચવાનો પ્રયાસ કરીએ છીએ. જો ત્યાં વધુ ખાલી હોડીઓ આવે, તો અમે સમજી જઈએ છીએ કે અમારે એ રીતે નિર્ણય કરવો પડશે કે જેથી બધાંને થોડુંઘણું કામ મળી રહે.”
તેમના પાંચ જણના પરિવારમાં — જેમાં તેમનાં માતા, પત્ની અને બે પુત્રોનો સમાવેશ થાય છે — તેઓ એક માત્ર કમાતા સભ્ય છે. તેઓ કહે છે કે માછલીની સંખ્યામાં અનિશ્ચિતતાએ બંદર પર દૈનિક વેતન પર નભતા કામદારોને ભારે અસર કરી છે.
કોચીની સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CMFRI) દ્વારા પ્રકાશિત મરીન ફિશ લેન્ડિંગ્સ ઇન ઇન્ડિયા 2021ની માહિતી કહે છે કે 2021માં, કેરળમાં 3,297 ટન ઓઇલ સાર્ડીન પકડાઈ હતી, જે 1995 પછી સૌથી ઓછો આંકડો છે. CMFRI કોચીના એક વૈજ્ઞાનિકે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “છેલ્લા દસ વર્ષોમાં, અમે ઓઇલ સાર્ડીનની સંખ્યામાં ઘટાડો જોયો છે અને અવલોકન કર્યું છે કે આ માછલી કેરળના દરિયાકાંઠાથી વધુને વધુ દૂર જઈ રહી છે.” તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે આબોહવા પરિવર્તન, ઓઇલ સાર્ડીનની ચક્રીય જૈવિક વૃદ્ધિ, લા નિનોની અસર અને જેલીફિશની વધતી જતી હાજરીએ માછલીની સંખ્યા પર પ્રતિકૂળ અસર કરી છે.
ફિશરીઝ સ્ટેટિસ્ટિક્સ 2020 પરની હેન્ડબુકમાં જાણવા મળ્યું છે કે પશ્ચિમ કિનારે આવેલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેરળમાં સૌથી વધુ 0.45 લાખ ટન ભારતીય ઓઈલ સાર્ડીન પકડાઈ હતી.
બાબુ કહે છે કે ઓઇલ સાર્ડીન કેરળમાં સૌથી વપરાશમાં લેવાતી, પૌષ્ટિક અને સસ્તી માછલીઓમાંની એક છે. અગાઉ, તેને વપરાશ માટે સૂકવવામાં આવતી હતી. તેમણે હવે મેંગલોર અને અન્ય નજીકના વિસ્તારોમાં પ્રોસેસિંગ મિલોમાં મરઘાંના ખોરાક અને માછલીનું તેલ બનાવવા માટે વપરાતી આ માછલીઓની સંખ્યામાં વધારો નોંધ્યો છે. બાબુ કહે છે, “અહીં અન્ય માછલીઓ કરતાં ઓઇલ સાર્ડીન ઘણી વધુ પકડાય છે, તેથી અમે વધુ ટોપલીઓ ભરવામાં સક્ષમ છીએ.”
અનુવાદક: કનીઝફાતેમા