ટક! ટક! ટક!
કોડાવટ્ટીપુડીમાં તાડપત્રીથી ઢંકાયેલી ઝૂંપડીમાંથી લયબદ્ધ અવાજો આવી રહ્યા છે. મુલમ્પાક ભદ્રરાજુ એક નાના પેડલ જેવી લાકડાની હથોડીનો ઉપયોગ કરીને ઘડાને ઠોકી રહ્યા છે, જેનાથી ઘડો સંપૂર્ણ ગોળાકાર બને છે.
70 વર્ષીય ભદ્રરાજુ સમજાવે છે, “જાડી ચક્કા સુત્તી ઘડાના તળિયાને બંધ કરવા માટે છે. આ નિયમિત તળિયાને વધુ સરળ બનાવવા માટે છે. સૌથી પાતળી ચક્કા સુત્તી આખા ઘડાને સુંવાળો બનાવવા માટે હોય છે.” તેઓ જરૂરતના આધારે અલગ અલગ હથોડીએ બદલતા રહે છે.
તેઓ કહે છે કે પાતળા, નિયમિત કદની હથોડીને તાડના વૃક્ષ (બોરાસસ ફ્લાબેલિફર) ની ડાળીઓમાંથી અને સૌથી જાડા હથોડાને અર્જુન વૃક્ષ (ટર્મિનલિયા અર્જુન) માંથી બનાવવામાં આવે છે. તેઓ સૌથી પાતળી ચક્કા સુત્તી તરફ આગળ વધે છે અને તાલ નોંધપાત્ર રીતે શાંત થઈ જાય છે.
તેમને 20 ઇંચ વ્યાસના મોટા ઘડાને આકાર આપવામાં લગભગ 15 મિનિટ લાગે છે. જો તેમનાથી એક બાજુ તૂટી કે ભાંગી જાય, તો તેઓ ઝડપથી માટી ઉમેરીને તેને ઠીક કરે છે અને ધીમેથી ટપલી કરવાની પ્રક્રિયાને પુનરાવર્તિત કરે છે.
ભદ્રરાજુ 15 વર્ષના હતા ત્યારથી કુંભારી કામ કરે છે. તેઓ અનકાપલ્લી જિલ્લાના કોડાવટ્ટીપુડી ગામમાં રહે છે અને કામ કરે છે અને આંધ્રપ્રદેશમાં અન્ય પછાત જાતિ (ઓ.બી.સી.) તરીકે સૂચિબદ્ધ કુમ્મારા સમુદાયના છે.
70 વર્ષીય કુંભાર તેમની માટી 15 વર્ષ પહેલાં ખરીદેલી જમીન પરના તળાવમાંથી મેળવે છે, તે અડધી એકર જમીન તેમણે 1,50,000 રૂપિયામાં ખરીદી હતી. તેઓ આખા વર્ષ દરમિયાન પડોશી ગામ કોટાઉરટલામાં રેતી, માટી અને કાંકરીના સપ્લાયર પાસેથી 400 કિલોગ્રામ એર્રા મટ્ટી (લાલ માટી) તેમના પ્લોટમાં પહોંચાડવા માટે 1,000 રૂપિયા ચૂકવે છે.
તેમણે છત તરીકે નાળિયેરીના પાંદડા અને તાડપત્રીનો ઉપયોગ કરીને જમીન પર બે ઝૂંપડીઓ બનાવી છે. આ ઝૂંપડીઓ તેમને તેમના કામમાં વિક્ષેપ પાડતા વરસાદથી બચાવીને આખું વર્ષ કામ કરવાની મંજૂરી આપે છે. તેઓ એક ઝૂંપડીનો બેસીને ઘડાો બનાવે છે અને તેમને આકાર આપે છે; અને નાની ઝૂંપડીમાં તેઓ તેમને શેકે છે. તેઓ કહે છે, “જ્યારે અમારી પાસે 200-300 ઘડા હોય, ત્યારે અમે તેમને [લાકડા પર] શેકીએ છીએ.” તેઓ આ લાકડાં નજીકના ખુલ્લા મેદાનમાંથી એકત્રિત કરે છે. તેઓ ઉમેરે છે, “તેઓ [ઘડા] ઝૂંપડીમાં જ સુકાઈ જાય છે.”
તેમણે આ જમીન માટે પોતાની બચતમાંથી ચૂકવણી કરી હતી. “તેમણે [સ્થાનિક બેંકોએ] મને લોન આપી ન હતી. મેં તેમને પહેલાં પણ ઘણી વખત પૂછ્યું છે, પરંતુ મને કોઈએ ક્યારેય લોન આપી નથી.” તેઓ શાહુકારથી છેટા જ રહેવાનું પસંદ કરે છે કારણ કે તેમનું કામ અનિશ્ચિત છે. તેઓ દરેક 10 ઘડા બનાવીને વચ્ચે એક બે વાર વિરામ લે છે. ઝૂંપડીના ખૂણામાં પડેલા ડઝનભર તૂટેલા ઘડા તરફ ધ્યાન દોરતાં તેઓ કહે છે, “બધા ઘડા સંપૂર્ણ રીતે સૂકાતા નથી, અમુક ઘડા સૂકવતી વખતે તૂટી જાય છે.”
ઘડા બનાવવાની પ્રક્રિયા, શરૂઆતથી લઈને અંત સુધીમાં, સામાન્ય રીતે તેમને લગભગ એક મહિનો લાગે છે; તેઓ દિવસમાં લગભગ 10 કલાક કામ કરે છે. તેઓ કહે છે, “જો મારી પત્ની મને મદદ કરે, તો અમે એક દિવસમાં 20-30 ઘડાઓને પણ [આકાર] આપી શકીએ છીએ.” તેઓ બોલતાં બોલતાં ઘડાને ટપલી મારવાનું ચાલુ રાખે છે. મહિનાના અંતે, કૂલ આંકડો આશરે 200-300 ઘડાનો હોય છે.
તેમના છ સભ્યોના પરિવાર − તેમની ત્રણ દીકરીઓ, એક દીકરો અને તેમની પત્ની − માટે આ આવકનો એકમાત્ર સ્રોત છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે તેમણે, “માત્ર આનાથી જ” ઘરગથ્થુ ખર્ચ અને તેમના બાળકોના લગ્ન માટે ચૂકવણી કરી છે.
ભદ્રરાજુ પોતાના ઘડા વિશાખાપટ્ટનમ અને રાજમંદ્રીના જથ્થાબંધ વેપારીઓને વેચે છે, જેઓ દર અઠવાડિયે આવે છે અને ગામના આશરે 30 કુંભારો પાસેથી તેમને ખરીદે છે. આ કુંભાર કહે છે કે આ ઘડા બજારમાં વિવિધ હેતુઓ માટે વેચવામાં આવે છેઃ “રાંધવા માટે, વાછરડાઓને પાણી પીવડાવવા માટે, તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે, વગેરે.”
ભદ્રરાજુ કહે છે, “વિશાખાપટ્ટનમના જથ્થાબંધ વેપારીઓ તેમના ઘડા નંગ દીઠ 100 રૂપિયામાં ખરીદે છે, જ્યારે રાજમુંદરીમાં જથ્થાબંધ વેપારીઓ તેને નંગ દીઠ 120 રૂપિયામાં ખરીદે છે. જો બધું બરાબર રહે તો મને [એક મહિનામાં] 30,000 રૂપિયા મળી શકે છે.”
દસ વર્ષ પહેલાં, ભદ્રરાજુ ગોવામાં એક કલા અને હસ્તકલાની દુકાનમાં કુંભાર તરીકે કામ કરતા હતા. તેઓ કહે છે, “અન્ય કેટલાક રાજ્યોના લોકો પણ ત્યાં હતા, બધા વિવિધ હસ્તકલામાં રોકાયેલા હતા.” તેમને ઘડા દીઠ 200-250 રૂપિયા મળતા હતા. તેઓ કહે છે, “પણ ત્યાંનું ભોજન મારા માટે અયોગ્ય હતું તેથી હું છ મહિના પછી ત્યાંથી નીકળી ગયો.”
માનેપલ્લી કહે છે, 'મને છેલ્લા 6-7 વર્ષથી મારા પેટમાં ચાંદો છે.' મેન્યુઅલ ચક્રને ફેરવતી કરતી વખતે તેમને પીડા થતી હતી અને ઓટોમેટિક મશીન વ્હીલ પીડા મુક્ત હોય છે. માનેપલ્લી પણ કુમારા સમુદાયમાંથી છે, અને આ 46 વર્ષીય કુંભાર કિશોરવયથી આ કામ કરી રહ્યા છે
થોડા મીટર દૂર કુંભાર કામેશ્વરરાવ માનેપલ્લીનું ઘર છે. અહીં ચક્કા સુત્તીને ટીપવાના અવાજને મશીનથી ચાલતા ચક્રમાંથી આવતા ધીમા અવાજે બદલી દીધો છે, જે ચક્ર પરના ઘડાને આકાર આપે છે.
ગામના તમામ કુંભારો મશીનથી ચાલતા ચક્ર તરફ વળ્યા છે. ભદ્રરાજુ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓ હજી પણ જાતે જ ચક્ર ચલાવે છે અને મશીન સંચાલિત ચક્ર અપનાવવામાં રસ નથી ધરાવતા. તેઓ કહે છે, “હું 15 વર્ષનો હતો ત્યારથી આ કામ કરી રહ્યો છું.” તેઓ ઉમેરે છે કે તેઓ લાંબા સમય સુધી કામ કરવા અને મહેનત કરવા માટે ટેવાયેલા છે. મશીનથી ચાલતા ચક્રો ભદ્રરાજુ દ્વારા બનાવવામાં આવતા પરંપરાગત 10 લિટરના ઘડાને બદલે ઘણા નાના ઘડા બનાવવા માટે પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ખરાબ સ્વાસ્થ્ય અને શસ્ત્રક્રિયાના કારણે, ઘણા જૂના કુંભારોની જેમ, માનેપલ્લી પણ પાંચ વર્ષ પહેલાં મશીનથી ચાલતા ચક્ર તરફ વળ્યા હતા. તેઓ કહે છે, “છેલ્લા 6-7 વર્ષથી મારા પેટમાં ચાંદા છે.” જ્યારે તેઓ મેન્યુઅલ ચક્ર ફેરવતા ત્યારે તેમને પીડા થતી હતી. ઓટોમેટિક મશીન વ્હીલ પીડામુક્ત છે.
“મેં 12,000 રૂપિયામાં મશીન સંચાલિત ચક્ર ખરીદ્યું હતું. તેને નુકસાન થયા પછી, મને ખાદી ગ્રામીણા સોસાયટી તરફથી મફતમાં બીજું એક ચક્ર મળ્યું છે. હવે હું તેનાથી ઘડા બનાવું છું.”
“સાદા [નાના] ઘડાની કિંમત 5 રૂપિયા છે. જો તમે તેના પર ડિઝાઇન મૂકશો, તો તેનો ખર્ચ 20 રૂપિયા થઈ જશે”, તેઓ ભારપૂર્વક કહે છે કે તેનો ઉપયોગ માત્ર સુશોભન માટે જ થાય છે. માનેપલ્લી પણ કુમારા સમુદાયમાંથી છે, અને આ 46 વર્ષીય કુંભાર કિશોરવયથી તેમના પિતા સાથે આ કામ કરી રહ્યા છે. 15 વર્ષ પહેલાં તેમના પિતાનું અવસાન થયા પછી પણ તેમણે એકલા આ કામ કરવાનું ચાલુ રાખ્યું છે.
માનેપલ્લી તેમના ત્રણ બાળકો, પત્ની અને માતાના છ જણના પરિવાર માટે એકમાત્ર કમાણી કરનાર છે. “જો હું દરરોજ કામ કરું, તો હું દર મહિને 10,000 રૂપિયા કમાઉં છું. ઘડા સળગાવવા માટેના કોલસા પાછળ લગભગ 2,000 રૂપિયા ખર્ચ થાય છે. તે પછી મારી પાસે માત્ર 8,000 રૂપિયા જ બચે છે.”
આ અનુભવી કુંભાર તેમની નબળી તબિયતને કારણે અનિયમિત કલાકો કામ કરે છે, ઘણીવાર અમુક દિવસોએ કામ જ નથી કરતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અન્ય કોઈ કામ કરે છે ત્યારે તેઓ કહે છે, “હું બીજું શું કરી શકું? મારી પાસે આ એકમાત્ર નોકરી છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ