અમદાવાદમાં સાઇન બોર્ડ રંગનારા ચિત્રકાર શેખ જલાલુદ્દીન કમરુદ્દીન કહે છે, “મૈને કભી દો બોર્ડ એક જૈસા નહીં બનાયા [મેં ક્યારેય બે બોર્ડને એક જેવાં નથી રંગ્યાં].” તેમણે કાતર ઉત્પાદકો માટે જાણીતા વ્યસ્ત વિસ્તાર ઘીકાંટાનાં તમામ સાઇન બોર્ડ રંગ્યાં છે. ઘણી બધી દુકાનો એક જ ઉત્પાદનનું વેચાણ કરતી હોવા છતાં, જલાલુદ્દીનને ચીતરેલાં પાટિયાં એ સુનિશ્ચિત કરે છે કે દરેક દુકાનની પોતાનો એક આગવો દેખાવ અને પોતાની ઓળખ હોય.
આ પીઢ ચિત્રકારનું કામ “દીવાર, દુકાન અને શટર [દિવાલો, દુકાનો અને દુકાનનાં શટર]” પર અને ફિલ્મોની પૃષ્ઠભૂમિ તરીકે પણ જોઈ શકાય છે. સાઇનબોર્ડ રંગનારા ચિત્રકારે ઘણી સ્થાનિક ભાષાઓની લિપિના અક્ષરો કેવી રીતે દોરવા અને રંગવા તે જાણવું આવશ્યક છે. અમદાવાદના માણેક ચોકમાં એક ઝવેરીની દુકાનમાં અડધી સદી પહેલાં બનાવવામાં આવેલું એક પાટિયું ચાર ભાષાઓ − ગુજરાતી, હિન્દી, ઉર્દૂ અને અંગ્રેજીમાં પ્રદર્શિત કરવામાં આવેલું છે.
જલાલુદ્દીન કહે છે કે ચિત્રકામમાં તેમને સહજ રીતે જ રસ પડ્યો હતો. 71 વર્ષની ઉંમરે, તેઓ ‘જે.કે. પેઇન્ટર’ નામથી ઓળખાતા અમદાવાદના સૌથી જૂના સાઇન બોર્ડ ચિત્રકારોમાંના એક છે. તેઓ કહે છે કે તેમણે 50 વર્ષ પહેલાં પાટિયાં રંગવાનું કામ કરવાનું શરૂ કર્યું ત્યારે તેમને જેટલું કામ મળતું હતું તેટલું અત્યારે નથી મળતું.
આ પીઢ ચિત્રકારે 7મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને તેઓ પાંચ ભાષાઓ − ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ અને અરબીમાં સાઇન બોર્ડ રંગી શકે છે. શાળા છોડ્યા પછી તેમણે ઢાલગરવાડ બજારમાં રહીમની દુકાનમાં ચિત્રકામ શીખતા પહેલાં દોરડું બનાવનાર, બુક બાઈન્ડર અને ગેરેજ મિકેનિક તરીકે કામ કર્યું હતું.
તેઓની ઉંમર સિત્તેર વર્ષથી વધુ હોવા છતાં જલાલુદ્દીન હજુ પણ સાઇન બોર્ડ રંગવા માટે તેમનો 20 કિલો વજનનો ઘોડો (સીડી) સ્થળ પર ઊંચકીને લઈ જાય છે. પરંતુ તેમને બાયપાસનું ઓપરેશન કરાવ્યા પછી ડૉક્ટરે તેમને ભારે વજન ન ઉપાડવાની સલાહ આપી છે. તેથી તેમનું ઓનસાઇટ કામ ઓછું થઈ ગયું છે, અને તેઓ માત્ર તેમની દુકાનમાં જ રંગકામ કરે છે. તેઓ કહે છે, “ જો હું ખૂબ લાંબો સમય સીડી પર ઊભો રહું, તો મારા ઘૂંટણમાં પણ દુખાવો થાય છે.” પણ, તેઓ ઉમેરે છે કે, “ જ્યાં સુધી મારા હાથ-પગ કામ કરશે ત્યાં સુધી હું આ કામ ચાલુ જ રાખીશ.”
તેમણે તાજેતરમાં જ એક ગ્રાહક, મુંતઝીર પિસુવાલા માટે સાઇન બોર્ડ દોર્યું હતું, જેમને અમદાવાદના ત્રણ દરવાજા વિસ્તારમાં ક્રોકરી (ચિનાઈ માટીનાં વાસણ)ની દુકાન છે. તેમને તે પાટિયા માટે 3,200 રૂપિયા મળ્યા હતા અને પિસુવાલા કહે છે કે આ પ્રક્રિયા ઘણીવાર સાથે મળીને કરાય છેઃ “અમે રંગ અને બાકીનું બધું એકસાથે પસંદ કર્યું હતું.”
જલાલુદ્દીનએ પીર કુતુબ મસ્જિદના પરિસરમાં પોતાના ઘરની સામે પોતાની દુકાન શરૂ કરી હતી. એક હુંફાળી અને ભેજવાળી બપોરે, તેઓ બપોરના ભોજન અને ટૂંકી નિદ્રા પછી તેમની દુકાન પર પાછા આવે છે. તેમણે રંગથી ખરડાએલો સફેદ શર્ટ પહેર્યું છે, અને જૂના શહેરમાં એક હોટલ માટે રૂમ ટેરિફ પ્રદર્શિત કરવા માટેનાં બોર્ડ પર કામ શરૂ કરવા માટે તૈયાર છે. તેઓ દોરડા અને સ્ટીલની ખુરશીનો ઉપયોગ કરે છે, જેમાં કોઈ આર્મરેસ્ટ નથી કે જેથી તેઓ બેસીને મુક્તપણે તેમના હાથ હલાવી શકે.
તેમણે પાટિયું મૂકવા માટે હાથથી એક લાકડાનું માળખું તૈયાર કર્યું છે, અને તેને તેઓ એક યોગ્ય ઊંચાઈ પર મૂકે છે અને તેના પર એક ખાલી બોર્ડ મૂકે છે. તેમણે 25 વર્ષ પહેલાં તેમના દ્વારા બનાવવામાં આવેલા જૂના બોર્ડને સમજવું પડશે, કે જે હાલ ઘસાઈ ગયું છે, અને તેથી માલિકે તેમને બરાબર તે જ શૈલીમાં નવું બોર્ડ બનાવવાનું કામ સોંપ્યું છે.
પહેલેથી જ સફેદ રંગમાં રંગવામાં આવેલા એક લાકડાના બોર્ડના સંદર્ભમાં તેઓ કહે છે, “ હું રંગના ત્રણ પડ લગાવું છું.” તેમના જણાવ્યા અનુસાર આનાથી, “બિલકુલ ફિનિશિંગ વાલા કલર આયેગા [બોર્ડ પૂરું થયા પછી તેના પર સંપૂર્ણ રંગ દેખાશે].” રંગના દરેક પડને સૂકાવામાં એક દિવસ લાગે છે.
બોર્ડના વિવિધ ચિત્રકારોની શૈલીઓ નોંધપાત્ર છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એન.આઈ.ડી.), અમદાવાદ ખાતેના ગ્રાફિક ડિઝાઇનના પ્રોફેસર તરુણ દીપ ગિરધર કહે છે, “તેમની શૈલી સુશોભન અને સ્તરવાળી ભારતીય દૃશ્ય ભાષાનો પડઘો પાડે છે, જે આપણા શિલ્પો, મંદિરો અને પ્રિન્ટમાં જોવા મળે છે.”
જલાલુદ્દીન જે લખાણની નકલ કરી રહ્યા છે તેના પર નજર કરે છે અને કહે છે, “હું અક્ષરો કેટલા મોટા કે નાના હોવા જરૂરી છે તે તરફ નજર કરું છું. કુછ ડ્રૉઇંગ નહીં કરતા હું, લાઇન બનાકે લિખના ચાલુ, કલમ સે [હું કંઈપણ દોરતો નથી. હું માત્ર આછી રેખાઓ બનાવું છું અને બ્રશથી લખવાનું શરૂ કરી દઉં છું].” આ પીઢ ચિત્રકાર પહેલા પેન્સિલોમાં અક્ષરો લખતા નથી, પરંતુ માત્ર સીધી રેખાઓ સુનિશ્ચિત કરવા માટે લાકડાની પટ્ટીનો ઉપયોગ કરે છે.
પેઇન્ટ બોક્સમાંથી જૂના ખિસકોલીના વાળના બ્રશને બહાર કાઢીને તેઓ મને ગર્વથી જણાવે છે કે, “મેં મારું પોતાનું પેઇન્ટ બોક્સ બનાવ્યું છે.” જલાલુદ્દીન સુથાર તરીકે પણ કામ કરે છે અને તેમણે આ બોક્સ 1996માં બનાવ્યું હતું. તેઓ બજારમાં મળતા પ્લાસ્ટિકના બ્રશથી ખુશ નથી અને તેમના હાથથી બનાવેલા પેઇન્ટ બોક્સમાં સંગ્રહિત લગભગ 30 વર્ષ જૂના બ્રશનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે.
બે પીંછીઓ પસંદ કરીને તેઓ તેને ટરપેન્ટાઇનથી સાફ કરે છે અને લાલ રંગનો ડબ્બો ખોલે છે. આ બોટલ 19 વર્ષ જૂની છે. પોતાના સ્કૂટરની ચાવીનો ઉપયોગ કરીને, તેઓ ટરપેન્ટાઇનને ત્યાં સુધી મિશ્રિત કરે છે જ્યાં સુધી તેમાં યોગ્ય સુસંગતતા ન દેખાય. તે પછી તેઓ બ્રશને સપાટ કરે છે, અને જે છૂટાછવાયા વાળ હોય તેને તોડી દે છે.
જલાલુદ્દીન કહે છે કે તેઓ ખુશ છે કે આ ઉંમરે પણ તેમના હાથ ધ્રુજતા નથી; તેમની સ્થિરતા તેમના કાર્યનો અભિન્ન ભાગ છે. પ્રથમ અક્ષર લખવામાં તેમને પાંચ મિનિટ લાગે છે પરંતુ તે યોગ્ય ઊંચાઈ નથી. જ્યારે પ્રસંગોપાત આ પ્રકારની ભૂલો થાય, ત્યારે તેઓ તે ભીનું હોય ત્યારે જ તેને ભૂંસી નાખે છે અને તે ભાગને ફરીથી રંગે છે. તેઓ કહે છે, “હમકો જરાસા ભી બહાર નિકલો નહીં ચલેગા [થોડો રંગ પણ બહાર આવે તો પણ મને તે નથી ગમતું].”
તેઓ કહે છે કે ગ્રાહકો તેમના કામની સ્વચ્છતા અને ચોકસાઈ માટે તેમની પાસે પાછા આવે છે. તેમની નિપુણતા હીરાના પ્રકારની લિપિમાં છે, જેમાં 3D અક્ષરોનો સમાવેશ થાય છે જે તેને તેની ચળકતી, હીરા જેવી અસર આપે છે. તે એકદમ જટિલ છે, અને જલાલ સમજાવે છે કે તેને અસરકારક બનાવવા માટે તેમાં પ્રકાશ, પડછાયા અને મિડટોન્સ બરાબર આવે તે જરૂરી છે.
આ સાઇનબોર્ડને સમાપ્ત કરવામાં તેમને વધુ એક દિવસ થશે, અને બે દિવસના કામ માટે, તેઓને વળતરપેટે 800-1,000 રૂપિયા મળે છે. જલાલુદ્દીન પ્રતિ ચોરસ ફૂટ 120-150 રૂપિયા વસૂલે છે, કે જે પ્રમાણભૂત દર છે. પરંતુ તેઓ તેમની માસિક આવકનો અંદાજ નથી આપતા: “હિસાબ લિખોગે તો ઘાટા હી હોગા, ઇસલિયે બેહિસાબ રહેતા હું [જો હું મારો હિસાબ લખવા બેસું , તો હું હંમેશા ખોટમાં રહીશ તેથી હું ક્યારેય તેની ગણતરી નથી કરતો].”
જલાલુદ્દીનને ત્રણ બાળકો છે, બે છોકરાઓ અને એક છોકરી. તેમના મોટા દીકરાએ સાઇન બોર્ડ પર ચિત્રકામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ ટૂંક સમયમાં જ તેણે આ વ્યવસાય છોડી દીધો અને હવે તે એક ટેલરિંગની દુકાનમાં કામ કરે છે.
જલાલુદ્દીનના બાળકોની જેમ ઘણા યુવાનો આ વ્યવસાય છોડી રહ્યા છે. આજે, હાથથી દોરવામાં આવતાં પાટિયાંની કળા મરી રહી છે. 35 વર્ષ પહેલાં સાઇનબોર્ડ પર ચિત્રકામ શરૂ કરનાર આશિક હુસૈન કહે છે, “કોમ્પ્યુટરને હાથ કાટ દીયે પેઇન્ટર કે [કોમ્પ્યુટરે પેઇન્ટરના કામ પર કબજો જમાવી દીધો છે].” બીજી પેઢીના ચિત્રકાર ધીરુભાઈનો અંદાજ છે કે અમદાવાદમાં માત્ર 50 જ સાઇન બોર્ડના ચિત્રકારો બાકી છે.
ફ્લેક્સ પર ડિજિટલ પ્રિન્ટ વ્યાપકપણે ઉપલબ્ધ છે અને હવે ભાગ્યે જ કોઈને હાથથી રંગાયેલાં બોર્ડ જોઈએ છે. તેથી તેમની આવક વધારવા માટે ચિત્રકાર આશિક ઓટોરિક્ષા પણ ચલાવે છે.
હાથથી રંગાયેલાં બોર્ડની અણધારી ઓળખ રૂપે, ગોપાલભાઈ ઠક્કર જેવા કેટલાક ડિજિટલ પ્રિન્ટિંગ દુકાનના માલિકો, કે જેઓ પોતાના માટે સરળતાથી બોર્ડ છાપી શકે છે, તેઓ કહે છે કે હાથથી બનાવેલાં પાટિયાંની કિંમત વધુ હોવા છતાં તેઓ એ જ પાટિયાંનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. “યે લાઇફટાઇમ ચલતા હૈ, વો નહીં ચલેગા [હાથથી બનાવેલાં પાટિયાં જીવનભર ચાલે છે, ડિજિટલ બોર્ડ્સ નહીં.]”
ઘણા ચિત્રકારોએ પણ નવી તકનીકને અપનાવી લીધી છે. અરવિંદભાઈ પરમાર 30 વર્ષથી ગાંધીનગરથી 10 કિલોમીટર દૂર આવેલા અડાલજમાં સાઇન બોર્ડ રંગી રહ્યા છે. સાત વર્ષ પહેલાં તેમણે એક પ્લેક્સી કટર મશીન ખરીદ્યું હતું, જે સ્ટીકર છાપે છે. તે એક મોટું રોકાણ હતું. મશીનની કિંમત 25,000 રૂપિયા અને કોમ્પ્યુટરનો ખર્ચ અન્ય 20,000 રૂપિયા હતો. તેઓ તેમના મિત્રો પાસેથી કોમ્પ્યુટરનો ઉપયોગ કરવાનું શીખ્યા હતા.
મશીન રેડિયમ કાગળ પર સ્ટીકરો અને મૂળાક્ષરોને કોતરે છે, જે પછી ધાતુ પર ચોંટી જાય છે. પરંતુ અરવિંદભાઈ કહે છે કે તેઓ હાથથી ચિત્રકામ કરવાનું પસંદ કરે છે, કારણ કે કમ્પ્યુટર અથવા મશીન ખરાબ થતું રહે છે અને અમારે તેનું સમારકામ કરાવતા રહેવું પડે છે.
41 વર્ષીય સાઇન બોર્ડ ચિત્રકાર વલી મોહંમદ મીર કુરેશી પણ હવે ડિજિટલ બોર્ડ્સ પર કામ કરે છે. તેમને સાઇન બોર્ડ રંગવાનું કામ ક્યારેક ક્યારેક જ મળે છે.
અન્ય ઘણા ચિત્રકારોની જેમ વલી હુસૈનભાઈ હાડા પાસેથી આ કામ શીખ્યા હતા અને માર્ગદર્શન મેળવ્યું હતું. પરંતુ આ 75 વર્ષીય કહે છે કે તેમનાં પોતાનાં બાળકો આ કળાને જાણતાં નથી. તેમના પુત્ર હનીફ અને પૌત્રો, હઝીર અને આમિર ગાંધીનગરના સેક્ટર 17માં તેમની દુકાનમાં સ્ટીકર, બોર્ડ્સ અને ફ્લેક્સ ડિઝાઇન કરવાનો અને છાપવાનો વ્યવસાય ચલાવે છે.
હુસૈનભાઈ કહે છે, “ઔર લોગો કો કરના ચાહિયે [વધુ લોકોએ સાઇન બોર્ડ રંગવાં જોઈએ].”
ગુજરાતી અનુવાદ ફૈઝ મહોમ્મદ