41 વર્ષના પીજુષ મોંડાલ કહે છે, “જ્યારે મેં પહેલીવાર ડોકરા કાસ્ટિંગની કલા જોઈ ત્યારે મને એ જાદુ જેવું લાગ્યું હતું”. પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લાના આ કારીગર છેલ્લા 12 વર્ષથી કલાના આ સ્વરૂપની સાધના કરી રહ્યા છે. આ પ્રક્રિયામાં ભારતની સૌથી જૂની પરંપરાગત મેટલ કાસ્ટિંગ પદ્ધતિઓમાંની એક લોસ્ટ-વેક્સ પદ્ધતિનો સમાવેશ થાય છે, આ પદ્ધતિ છેક સિંધુ ખીણની સંસ્કૃતિના સમયની છે.
ડોકરા (અથવા ધોકરા) નામ એ વિચરતી જાતિના કારીગરોના જૂથનો ઉલ્લેખ કરે છે એક સમયે તેઓ સમગ્ર પૂર્વ ભારતમાં પ્રવાસ કરતા હતા.
ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં ફેલાયેલા છોટા નાગપુર ઉચ્ચપ્રદેશમાં તાંબાનો મોટો ખનીજ ભંડાર છે. તાંબુ એ પિત્તળ અને કાંસાની મિશ્ર ધાતુઓનો પ્રાથમિક ઘટક છે. ડોકરાની મૂર્તિઓ આ મિશ્ર ધાતુઓમાંથી બનાવવામાં આવે છે. ડોકરા કળા ભારતના ઘણા ભાગોમાં પ્રચલિત છે પરંતુ બાંકુરા, બોર્ધમાન અને પુરુલિયા જિલ્લાની 'બંગાલ ડોકરા' ને ભૌગોલિક સંકેત પ્રમાણપત્ર ( જિઓગ્રાફિકલ ઈન્ડેક્સ સર્ટિફિકેટ ) મળેલ છે.
ડોકરા શિલ્પ બનાવવાનું પહેલું પગલું છે ક્લે-કોરનું મોલ્ડિંગ કરવાનું (પાણીને પ્રવેશવા ન દે એવી માટીના થરને આકાર આપવાનું) - આ ઈચ્છિત આકૃતિ માટેનો પાયો છે. મીણમાંથી અથવા સાલ વૃક્ષ (શોરિયા રોબસ્ટા) ના ગુંદરમાંથી આકાર આપવામાં આવેલી અથવા કોતરવામાં આવેલી જટિલ રચનાઓનું આ ક્લે-કોર પર સ્તર કરવામાં આવે છે. એકવાર એ સેટ થઈ જાય પછી મીણની આકૃતિ પર માટીનું બીજુ સ્તર કરવામાં આવે છે, ઓગાળેલું મીણ પછીથી બહાર આવી શકે તે માટે એક બે ચેનલ ખુલ્લી છોડી દેવામાં આવે છે. ગરમ પીગળેલી ધાતુ આ જ ખાંચા દ્વારા રેડવામાં આવે છે.
સિમા પાલ મોંડાલ કહે છે, "[આ આખી પ્રક્રિયામાં] કુદરતની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો સાલ વૃક્ષો જ ન હોય તો હું મીણ બનાવવા માટે તેમના રેઝિનનો ઉપયોગ ન કરી શકું. મધમાખીઓ અથવા મધપૂડા વિના હું મીણ ન મેળવી શકું." વિવિધ પ્રકારની માટીની ઉપલબ્ધતા અને યોગ્ય હવામાનની પરિસ્થિતિ પણ ડોકરા કાસ્ટિંગમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
એકવાર માટીનું બહારનું સ્તર પૂરેપૂરું સુકાઈ જાય એ પછી પીજુષ અને તેમના સહાયકો તેમના સ્ટુડિયોમાં ઈંટ અને માટીના બનેલા 3 થી 5 ફીટ ઊંડા બે ભઠ્ઠાઓમાંના એકમાં આગમાં એ આકૃતિ પકવે છે. જેમ જેમ માટી પાકતી જાય તેમ તેમ મીણ પીગળી જાય છે અને પાછળ એક પોલાણ રહી જાય છે, પછીથી તેમાં પીગળેલી ધાતુ રેડવામાં આવે છે. આદર્શ રીતમાં માટીના ઘાટને એક દિવસ - અને ઝડપી ડિલિવરી કરવાની હોય તેવા કિસ્સામાં 4 થી 5 કલાક - ઠંડો થવા માટે છોડી દેવામાં આવે છે, પછીથી આખરે તેને તોડી નાખવામાં આવે છે અને ધાતુનું શિલ્પ અંદરથી છતું થાય છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક