જ્યાં સુધી તેમને યાદ છે ત્યાં સુધી મોહનલાલ લુહારને હથોડો અથડાવાનો અવાજ મોહિત કરી જાય છે. નાનપણથી જ આ લયબદ્ધ રણકાર સાંભળીને મોટા થયેલા તેઓ જાણતા હતા કે આ ઓજારની મદદથી વસ્તુઓ બનાવવી એ તેમના માટે જીવનપર્યંત એક જુસ્સો બની જશે.
મોહનલાલનો જન્મ રાજસ્થાનના બાડમેર જિલ્લાના નાંદ ગામમાં લુહાર પરિવારમાં થયો હતો. જ્યારે તેઓ આઠ વર્ષના હતા ત્યારે તેઓ તેમના પિતા સ્વર્ગસ્થ ભાવરામ લુહારને હથોડી અને અન્ય સાધનો આપીને તેમની મદદ કરતા હતા. તેઓ કહે છે, “હું ક્યારેય શાળાએ ગયો નથી અને આ સાધનો સાથે [નાનપણથી] રમતો રહ્યો છું.”
આ પરિવાર ગડુલિયા લુહાર સમુદાય સાથે સંબંધ ધરાવે છે, જે રાજસ્થાનમાં અન્ય પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ છે અને મારવાડી અને હિન્દી ભાષા બોલે છે. 1980ના દાયકાની શરૂઆતમાં વધુ કામની શોધમાં પાંચ દાયકા પહેલાં જેસલમેર આવ્યા ત્યારે મોહનલાલ કિશોર વયના હતા. ત્યારથી, તેમણે વિવિધ પ્રકારની સામગ્રીમાંથી મોરચંગ બનાવ્યા છે: એલ્યુમિનિયમ, ચાંદી, સ્ટીલ અને પિત્તળમાંથી પણ.
જેસલમેરના રેતીના ઢુવાઓ પર સાંભળવામાં આવતા એક પર્ક્યુસન વાદ્ય, સંગીતમય મોરચંગને આકાર આપવા માટે લાલચોળ લોખંડને 20,000 કલાકથી વધુ સમય વિતાવનાર મોહનલાલ કહે છે, “ફક્ત લોખંડના ટુકડાને સ્પર્શ કરતાંજ, હું કહી શકું છું કે તે સારું વાગશે કે નહીં.”
65 વર્ષીય મોહનલાલ કહે છે, “મોરચંગ બનાવવું મુશ્કેલ છે,” અને કહે છે કે તેમને યાદ નથી કે તેમણે અત્યાર સુધીમાં કેટલા મોરચંગ બનાવ્યા છે: “ગિનતી સે બાહર હૈ વો [તેનો કોઈ હિસાબ નથી.]”
મોરચંગ (જેની મોર્સિંગ તરીકે પણ જોડણી કરવામાં આવે છે) આશરે 10 ઇંચ લાંબું હોય છે અને તેમાં બે સમાંતર કાંટા સાથે ધાતુના ઘોડાના આકારની વીંટી હોય છે. તેમની વચ્ચે ધાતુની જીભ હોય છે, જેને ટ્રિગર તરીકે ઓળખવામાં આવે છે જે એક છેડે જડેલી હોય છે. સંગીતકાર તેને તેના આગળના દાંત વડે પકડે છે અને તેમાંથી શ્વાસ લે છે. એક હાથ વડે, સંગીતકાર મોરચંગની જીભને ખસેડે છે, સંગીતના સૂર બનાવે છે, અને બીજો હાથ લોખંડના કિનારા પર પકડ જાળવવામાં વાપરે છે.
આ વાદ્ય ઓછામાં ઓછું 1,500 વર્ષ જૂનું છે, અને મોહનલાલ કહે છે, “પશુધનને ચરાવતી વખતે, ભરવાડો મોરચંગ વગાડતા હતા.” સંગીત અને વાદ્ય ઘેટાંપાળકો સાથે મુસાફરી કરતાં, અને જેમ જેમ તેઓ તેને વગાડતા લાંબા અંતરની મુસાફરી કરતા હતા, તેમ તેમ તેની ખ્યાતિ પણ ફેલાતી ગઈ અને તેણે સમગ્ર રાજસ્થાનમાં, ખાસ કરીને જેસલમેર અને જોધપુર જિલ્લાઓમાં લોકપ્રિયતા મેળવી.
હવે સાઠ વર્ષના મોહનલાલને મોરચંગ બનાવવા માટે લગભગ આઠ કલાક લાગે છે, જ્યારે અગાઉ તેઓ સરળતાથી એક દિવસમાં બે મોરચંગ બનાવી શકતા હતા. તેઓ કહે છે, “હું દિવસમાં માત્ર એક જ મોરચંગ બનાવું છું, કારણ કે હું ગુણવત્તા સાથે સમાધાન કરવા માંગતો નથી. મારા મોરચંગ હવે વિશ્વ વિખ્યાત છે.” તેમણે મોરચંગના નાના લોકિટ બનાવવાની કુશળતામાં પણ નિપુણતા મેળવી છે, જે પ્રવાસીઓમાં પ્રિય છે.
તેઓ કહે છે કે યોગ્ય પ્રકારના લોખંડની ઓળખ કરવી મહત્ત્વપૂર્ણ છે કારણ કે “દરેક લોખંડમાંથી સારું મોરચંગ બની શકતું નથી.” શ્રેષ્ઠ લોખંડ પસંદ કરવાની કુશળતા મેળવવામાં તેમને એક દાયકાથીય વધુ સમય લાગ્યો છે. તેઓ જેસલમેરથી લોખંડ ખરીદે છે — એક કિલોની કિંમત આશરે 100 રૂપિયા છે, એક મોરચંગનું વજન 150 ગ્રામથી વધુ નથી, અને સંગીતકારો હળવા વજનને પસંદ કરે છે.
મોહનલાલનો પરિવાર મારવાડીમાં ધમણ તરીકે ઓળખાતી પરંપરાગત લુહારની ભઠ્ઠીનો હજુય ઉપયોગ કરે છે. તેઓ કહે છે, “તમને આખા જેસલમેર શહેરમાં આ પ્રકારની બનાવટ નહીં મળે. તે ઓછામાં ઓછું 100 વર્ષ જૂનું છે અને હજુય બરાબર રીતે કામ કરે છે.”
તેઓ હવાને પંપ કરવા માટે બકરીની ચામડીમાંથી બનેલા બે આવરણોનો ઉપયોગ કરે છે. જે લાકડામાંથી હવા પસાર થાય છે તે રોહિડાના વૃક્ષ (ટેકોમેલ્લા ઉંડુલાટા)થી બનેલું છે. હવાને ઓછામાં ઓછા ત્રણ કલાક સુધી સતત પંપ કરવી પડે છે, કારણ કે લોખંડને સતત ગરમ કરવામાં આવે છે. તે એક કઠિન કાર્ય છે. હવાને સતત પંપીંગ કરવાથી શારીરિક રીતે ખભા અને પીઠમાં તીવ્ર પીડા થાય છે, અને અપૂરતું વેન્ટિલેશન શ્વાસ લેવામાં તકલીફ અને અતિશય પરસેવા તરફ દોરી જાય છે.
મોહનલાલનાં પત્ની ગિગીદેવી ઘણી વાર તેમને પંપીંગમાં મદદ કરતાં હતાં, પરંતુ તેમની વધતી ઉંમરને કારણે હવે તેઓ આ કામ નથી કરતાં. 60 વર્ષીય ગિગીદેવી કહે છે, “મોરચંગ બનાવવાની સમગ્ર પ્રક્રિયામાં આ એકમાત્ર કાર્ય છે જે મહિલાઓ કરે છે. બાકીની બધી ક્રિયાઓ પરંપરાગત રીતે પુરુષો દ્વારા કરવામાં આવે છે.” તેમના પુત્રો રણમલ અને હરિશંકર — છઠ્ઠી પેઢીના લુહાર — પણ મોરચંગ બનાવે છે.
પંપીગ શરૂ થાય, એટલે મોહનલાલ સાણસીની મદદથી લાલચોળ લોખંડને ઉપાડે છે અને તેને લોખંડની ઊંચી સપાટી — આરણ પર મૂકે છે. તેઓ ઝડપથી તેમના જમણા હાથમાં હથોડો લે છે, અને ડાબા હાથથી લોખંડનો ટુકડો કાળજીપૂર્વક પકડે છે. બીજા એક અન્ય લુહાર લોખંડના ટુકડાને ટીપવા માટે પાંચ કિલોગ્રામના હથોડાનો ઉપયોગ કરે છે, અને મોહનલાલ પણ હથોડા વડે લોખંડને ટીપવામાં તેમનો સાથ આપે છે.
મોહનલાલ કહે છે કે દરેક લુહાર દ્વારા એક પછી એક કરવામાં આવતી લયબદ્ધ ધૂન “ઢોલકી દ્વારા ઉત્પન્ન કરવામાં આવતી ધૂન જેવી લાગે છે અને આનાથી જ હું મોરચંગ બનાવવાના પ્રેમમાં પડી ગયો છું.”
આ ‘સંગીત’ લગભગ ત્રણ કલાક સુધી ચાલે છે અને આનાથી તેમના હાથ ફૂલી જાય છે. એક કારીગરે ત્રણ કલાકમાં 10,000થી વધુ વખત હથોડો ઉપાડવો પડે છે, અને એક નાનકડી ભૂલ પણ તેમની આંગળીઓને ઈજા પહોંચાડી શકે છે. મોહનલાલ આ ઈજાને હસી કાઢતાં કહે છે, “તેનાથી ભૂતકાળમાં મારા નખ પણ તૂટી ગયા હતા. આ પ્રકારના કામમાં ઈજાઓ થવી સામાન્ય બાબત છે.” ઈજાઓ ઉપરાંત, ત્વચામાં બળતરા થવી પણ સામાન્ય છે. મોહનલાલના મોટા પુત્ર રણમલ જણાવે છે, “ઘણા લોકોએ હથોડી ટીપવાને બદલે મશીનોનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધું છે, પરંતુ અમે આજે પણ એ કામ અમારા પોતાના હાથોથી જ કરીએ છીએ.”
હથોડી ટીપવા પછી મોરચંગ બનાવવાની સૌથી કઠીન પ્રક્રિયાનો વારો આવે છે, અને તે છે ગરમ લોખંડને કાળજીપૂર્વક આકાર આપવો. આ પ્રક્રિયામાં બીજા બે કલાક લાગે છે, જે દરમિયાન તેઓ જટિલ ડિઝાઇન કોતરે છે. તેની સપાટીને સરળ બનાવવા માટે બે કલાક સુધી કાનસ ઘસવા પહેલાં આ વાદ્યને એક કે બે કલાક માટે ઠંડુ થવા માટે છોડી દેવામાં આવે છે. રણમલ કહે છે, “કાનસ ઘસવાથી જાણે જાદુ થતું હોય તેમ મોરચંગ અરીસાની જેમ ચકમકતો થઈ જાય છે.”
દર મહિને, મોહનલાલના પરિવારને ઓછામાં ઓછા 10 મોરચંગનો ઓર્ડર મળે છે, જેનો એક નંગની 1,200 થી 1,500 રૂપિયામાં વેચાય છે. શિયાળામાં જ્યારે પ્રવાસીઓ આવે છે, ત્યારે તે સંખ્યા ઘણી વખત બમણી થઈ જાય છે. રણમલ કહે છે, “ઘણા પ્રવાસીઓ ઇમેલ દ્વારા પણ ઓર્ડર આપે છે.” ફ્રાન્સ, જર્મની, જાપાન, યુએસએ, ઑસ્ટ્રેલિયા, ઇટલી અને અન્ય કેટલાક દેશોમાંથી પણ ઓર્ડર આવે છે. મોહનલાલ અને તેમના પુત્રો પણ સમગ્ર રાજસ્થાનમાં વિવિધ સાંસ્કૃતિક ઉત્સવોમાં પ્રવાસ કરે છે, અને આનું વેચાણ તેમજ પ્રદર્શન કરે છે.
મોહનલાલ કહે છે, ‘આખો દિવસ કામ કરીએ ત્યારે માંડ 300 થી 400 રૂપિયાની કમાણી થાય છે, અને એ પણ કોઈ ખરીદદાર મળે તો જ’
મોહનલાલને એ વાતની તો ખુશી છે કે તેમના પુત્રોએ આ કળા અપનાવી લીધી છે, પણ જેસલમેરમાં હાથ વડે મોરચંગ બનાવી શકે તેવા કારીગરોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. તેઓ કહે છે, “લોકો આ [સારી] ગુણવત્તાવાળા મોરચંગ માટે હજાર રૂપિયા પણ ચૂકવવા માંગતા નથી.” મોરચંગ બનાવવા માટે ઘણી ધીરજ અને સખત મહેનતની જરૂર પડે છે, જે માટે ઘણા લોકો તૈયાર નથી. તેઓ કહે છે, “આખો દિવસ કામ કરીએ ત્યારે માંડ 300 થી 400 રૂપિયાની કમાણી થાય છે, અને એ પણ કોઈ ખરીદદાર મળે તો જ. આ ટકાઉ નથી.”
ઘણા લુહારો ફરિયાદ કરે છે કે આ ધુમાડો તેમની દૃષ્ટિને નબળી પાડે છે. રણમલ કહે છે, “ભઠ્ઠીથી ઘણો ધુમાડો નીકળે છે, જે ઘણી વાર આંખો અને નાકમાં જાય છે, જેના કારણે ઉધરસ થાય છે. અમારે ધગધગતા તાપમાનમાં ભઠ્ઠીની નજીક બેસવું પડશે, જેનાથી ગૂંગળામણ થાય છે.” આ સાંભળીને મોહનલાલ તેમના પુત્રને ઠપકો આપતાં કહે છે, “જો તું ઈજાઓ પર ધ્યાન આપીશ તો તું તેને શીખીશ કેવી રીતે?”
મોરચાંગ ઉપરાંત, મોહનલાલે અલ્ઘોઝા (એક જોડીદાર લાકડાના પવનનું સંગીત વાદ્ય જેને બેવડી વાંસળી તરીકે પણ ઓળખવામાં આવે છે), શરણાઈ, મુરલી, સારંગી, હાર્મોનિયમ અને વાંસળી બનાવવાનું શીખી લીધું છે. તેઓ હસતાં હસતાં કહે છે, “મને સંગીતનાં વાદ્યો વગાડવાનું ગમે છે અને તેથી હું આ વાદ્યો બનાવવાનું શીખતો રહું છું.” તેમણે તેમાંના મોટા ભાગનાં વાદ્યોને ધાતુના ડબ્બામાં કાળજીપૂર્વક સાચવી રાખ્યાં છે. તેઓ હસતાં હસતાં કહે છે, “યે મેરા ખઝાના હૈ [આ મારો ખજાનો છે].”
આ વાર્તા સંકેત જૈન દ્વારા ગ્રામીણ કારીગરો પરની શ્રેણીનો એક ભાગ છે, અને તેને મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ