"આ બધી અરજીઓ પાછી લઇ જાઓ અને તેમને ફાડી નાખો." ચમારુંએ કહ્યું. "એ માન્ય નથી. આ કોર્ટ તેમને નહીં સ્વીકારે."
મેજિસ્ટ્રેટનો ભાગ ભજવવામાં એમને હવે મજા પડવા લાગી હતી.
૧૯૪૨નો ઓગસ્ટ મહિનો હતો અને દેશમાં ખળભળાટ હતો. સંબલપુરની કોર્ટમાં તો અવશ્ય હતો . ચમારું પરિદા અને તેમના સાથીઓએ હમણાં જ તેને કબ્જે કરી હતી. ચમારુંએ પોતાની જાતને ન્યાયાધીશ ઘોષિત કર્યા હતા. જીતેન્દ્ર પ્રધાન તેમના 'ઓર્ડરલી' હતા. પૂર્ણચંદ્ર પ્રધાને પેશકર એટલે કે કોર્ટ ક્લાર્ક બનવાનું પસંદ કર્યું હતું.
કોર્ટનો કબ્જો કરી 'ભારત છોડો' આંદોલન તરફ તેમણે તેમનો ફાળો નોંધાવ્યો હતો.
"આ બધી અરજીઓ (બ્રિટિશ) રાજને ઉદ્દેશીને કરવામાં આવી છેનામે છે." કોર્ટમાં એકત્રિત થયેલા સ્તબ્ધ લોકોને ચમારુંએ કહ્યું. "આપણે સ્વતંત્ર ભારતમાં રહીએ છીએ. જો તમે ઇચ્છતા હો કે અમે તમારી અરજીઓ પર વિચારીએ, તો તેમને પાછી લઇ જાઓ અને ફરી લખીને લાવો. આ વખતે મહાત્મા ગાંધીના સંબોધીને લખો અને અમે તેમના પર યોગ્ય ધ્યાન આપીશું."
૬૦ વર્ષ પછી પણ ચમારું ખૂબ આનંદ સાથે આ વાર્તા સંભળાવે છે. તેઓ હવે ૯૧ વર્ષના છે. ૮૧ વર્ષીય જીતેન્દ્ર તેમની પાસે બૈઠા છે. પૂર્ણચંદ્ર ગુજરી ગયા છે. આ બધા હજી ઓડિશાના બારગઢ જિલ્લાના પણીમારાં ગામમાં રહે છે. જ્યારે સ્વતંત્રતા સંગ્રામ પૂર જોરમાં ચાલતું હતું, ત્યારે આ ગામે પોતાનાં દીકરાઓ અને દીકરીઓને અણધારી સંખ્યામાં યુદ્ધમાં ઉતાર્યા. નોંધપાત્ર છે કે ૧૯૪૨ના એક વર્ષમાં આ ગામના ૩૨ લોકો કેદખાનામાં ગયા હતા. તેઓમાંથી, ચમારું અને જિતેન્દ્રને ગણીને ૭ હજુ જીવિત છે.
એક સમયે અહીંના લગભગ દર કુટુંબમાંથી એક સત્યાગ્રહી મોકલ્યો હતો. આ નાના ગામડાએ રાજ ને હેરાન કરી રાખ્યું હતું. તેમની એકતા અડગ હતી. તેમનો નિશ્ચય સુપ્રસિદ્ધ થયો. અહીંયા રાજનો સામનો કરનારામાં હતા ગરીબ અને અભણ માણસો. તેમની પાસે નાના ખેતર હતા અને પૂરતી આવક પણ ના હતી. આજે પણ તેઓની સ્થિતિ એવી જ છે.
ભલે ઇતિહાસની ચોપડીઓમાં તેમનું નામ ના હોય. ભલે તેઓ ઓડિશામાં પણ મોટેભાગે ભુલાઈ ગયા હોય. બારગઢમાં આ ગામ આજે પણ ફ્રીડમ (આઝાદ)ગામના નામે ઓળખાય છે. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાથી અહીંયા ભાગ્યે જ કોઈને વ્યક્તિગત લાભ થયો છે. ના કોઈને કોઈ પુરસ્કાર, ના નોકરી કે ના કારકિર્દી મળી છે. તે છતાં પણ તેઓએ બધા જોખમ વેર્યા. આ એ લોકો છે જે ભારતની સ્વતંત્રતા માટે લડ્યાં છે.
આ હતા સ્વતંત્રતા સૈનિક. ખુલ્લા પગે તેઓ સ્વતંત્રતા માટે લડ્યા, કેમકે જૂતા તો આમ પણ કોઈ પાસે ન હતા.
"કોર્ટમાં ઉભેલી પોલીસ બસ આશ્ચર્યચકિત જોઈ રહી." ચમારું હસે છે. "એમને સમજ ના પડી કે શું કરે. જ્યારે તેમણે મને ગિરફતાર કરવાનો પ્રયત્ન કર્યો તો મેં એમને કહ્યું કે હું તો ન્યાયાધીશ છું. તમને હુકમ હું આપું છું. જો તમે ભારતીય છો, તો મારી વાત માનો. જો બ્રિટિશ છો, તો પોતાના દેશ પાછા જાઓ."
"જે ખરા ન્યાયાધીશ હતા તેઓ તે દિવસે પોતાના નિવાસસ્થાનમાં હતા." તે ન્યાયાધીશે અમારી ગિરફ્તારીના હુકમ પર સહી કરવાની ના પડી દીધી કેમ કે પોલીસે વોરંટ ઉપર કોઈ નામ લખ્યા ન હતા." જીતેન્દ્ર પ્રધાન કહે છે. "પોલીસ પાછી ફરી અને અમારા નામ પૂછવા લાગી. અમે નામ કહેવાની ચોખ્ખી ના પાડી."
મૂંઝવણમાં આવી પોલિસની ટુકડી સંબલપુરના કલેકટર પાસે ગયી. "તેમને આ સ્થિતિ હાસ્યાસ્પદ અને કંટાળાજનક લાગી. તેમણે કહ્યું "કોઈ પણ નામ લખી દો. એ લોકોને A, B અને C કહી, એવી રીતે ફોર્મ ભરી દો. "એટલે પોલીસે એમ કર્યું અને અમે ગુનેગાર A, B અને Cના નામે ગિરફતાર થયા." ચમારું બોલ્યા.
પોલીસ માટે તો એ બહુ કપરો દિવસ રહ્યો. "જેલમાં વોર્ડને અમને લેવાની ના પાડી દીધી." ચમારું હસીને કહે છે. "એમની અને પોલીસ વચ્ચે ઘણી દલીલ થઇ. વોર્ડને તેમને પૂછ્યું: શું મને મૂરખ સમજો છો?? કાલે ઉઠીને આ લોકો નાસી જશે તો હું શું કરીશ? શું હું રિપોર્ટ કરીશ કે A, B અને C ભાગી ગયા? એવું થશે તો મૂર્ખ હું લાગીશ.' તેઓ મક્કમ રહ્યા.”
આ રક્ઝક કલાકો ચાલી. આખરે પોલીસે જેલના અધિકારીઓને મનાવ્યા. "પણ આખા તમાશાની ચરમસીમા ત્યારે આવી જ્યારે અમને કોર્ટમાં હાજર કર્યા." જીતેન્દ્ર કહે છે. "બિચારા ઓર્ડરલી ને બૂમ પાડવી પડી , A હાઝિર હો, B હાઝિર હો, C હાઝિર હો.' તે પછી કોર્ટએ અમારી ખબર લીધી."
વ્યવસ્થાએ આ બધી મશ્કરીનો બદલો લીધો. તેમને ૬ મહિના માટે સખત કેદની સજા થઇ અને ગુનેગારો માટેની જેલમાં ગયા. ચમારું કહે છે કે, "સામાન્ય રીતે તેમણે અમને એ જગ્યાએ મોકલવા જોઈતા હતા જ્યાં તેઓ રાજકીય કેદીઓને રાખતા હતા.". "પણ એ સમયે આંદોલન પૂર જોશમાં હતું જો કે પોલીસ તો આમ પણ પોલીસ હંમેશા ક્રૂર અને વેરવૃત્તિવાળી રહે છે."
"તે દિવસોમાં મહાનદી પર કોઈ પુલ ના હતો. એ લોકો અમને હોડીમાં લઇ ગયા. એમને ખબર હતી કે અમે જાતે ગિરફ્તાર થયા હતા અને અમારો ભાગવાનો કોઈ ઈરાદો ન હતો. તો પણ તેમણે અમારા હાથ બાંધી દીધા અને અમને એક બીજા સાથે બાંધી દીધા. જો એ હોડી ઊંધી વળી હોત - અને આવું વારંવાર થતું હતું - તો અમે ન બચત. અમે બધા મરી ગયા હોત."
"પોલીસે અમારા પરિવારોને પણ ન છોડ્યા. એક વાર હું જેલમાં હતો અને મને ૩૦રૂ દંડની સજા પણ થઇ હતી. [એ સમયમાં જ્યારે તેઓને આખા દિવસ કામ કરીને ૨ આના જેટલું જ અનાજ મળતું ત્યારે એના પ્રમાણમાં આ એક મોટી રકમ હતી – પી. એસ.]. દંડ વસુલ કરવા એ લોકો મારી મા પાસે ગયા. "આ પૈસા ભરી દો નહિ તો એને વધારે મોટો દંડ આપવો પડશે', એમણે ધમકી દીધી."
"મારી માએ કહ્યું: એ મારો દીકરો નથી, આખા ગામનો દીકરો છે. એને મારાથી વધારે ગામની ચિંતા છે.' તો પણ તેઓએ એમની પર દબાણ મૂક્યું. મારી મા એ કહ્યું હ: આ ગામના બધા યુવાનો મારા દીકરાઓ છે. શું જેલમાં છે તે બધા માટે હું પૈસા ભરીશ?"
પોલીસ હતાશ થઇ ગઈ. "તેમણે કહ્યું: ભલે, અમને એવું કંઈ આપો જે અમે જપ્તી તરીકે બતાવી શકીયે. દાતરડું કે એવું બીજું કઈ.' મા એ સહજતાથી કહ્યું; 'અમારી પાસે દાતરડું નથી.' પછી તેઓ ગોબર પાણી ભેગું કરવા લાગ્યા અને એમણે એ પોલીસ ઓફિસરોને કહ્યું કે તેમને તેઓ જ્યાં ઊભા હતા તે જગ્યા જે અપવિત્ર થઇ ગઈ હતી એને સાફ કરવી હતી તેને શુદ્ધ કરવા માટ તો હવે એ લોકો જશે કે શું એમ પૂછ્યું” અને તેઓ ગયા.
* * *
જ્યાં એક તરફ આ ન્યાયાલયમાં તમાશો ચાલતો હતો, તો બીજી તરફ પણીમારાંના સત્યાગ્રહીઓની બીજી ટુકડી પણ વ્યસ્ત હતી. દયાનિધિ નાયક કહે છે,"અમારું કાર્ય હતું કે સંબલપુર બજારનો કબ્જો કરી બ્રિટિશ સામાનનો નાશ કરવો.". તેઓ ચમારું ના ભત્રીજા છે "હું તેમનો આદર કરું છું અને તેમનું નેતૃત્વ માનું છું. મારાં માતા પ્રસૂતિમાં ગુજરી ગયા અને મને ચમારુંએ ઉછેર્યો."
જ્યારે રાજ સાથે પહેલી વાર આમનેસામને થયા ત્યારે દયાનિધિ માત્ર ૧૧ વર્ષના હતા. જ્યારે ૧૯૪૨માં તેઓ ૨૧ વર્ષના થયા, ત્યાં સુધી તો તેઓ પાકાં વિરોધી થઇ ગયા હતા. આજે ૮૧ વર્ષની વયે પણ તેમને તે દિવસોની દરેક વિગત સ્પષ્ટતાથી યાદ છે.
"તે સમયે અંગ્રેજો વિરોધી ભાવ ચારે તરફ વ્યાપેલો હતો . અને તેઓ અમને ડરાવવાના પ્રયત્ન કરતા જેથી આ લાગણી વધારે મજબૂત થઇ જતી. એકથી વધારે વાર તેમણે સશસ્ત્ર સૈન્યથી ગામને ઘેરી લેતા અને ઘ્વજની પાસે કૂચ કરાવતા. ફક્ત અમને બીવડાવવા. અને કોઈ અસર થઇ નહોતી."
"આ રાજ-વિરોધી લાગણી તમામ સ્તરના લોકોમાં ફેલાયેલી હતી. ભૂમિ વિનાનો ખેડૂત હોય કે પાઠશાળાના શિક્ષક. બધા શિક્ષક આંદોલનનું સમર્થન કરતા હતા. તેમણે રાજીનામું નહોતું આપ્યું પણ કામ નહોતા કરતા. અને તેમની પાસે બહુ સારું બહાનું હતું. તેઓ કહેતા: અમે તેમને (બ્રિટિશ સરકારને) રાજીનામું કેવી રીતે આપીયે? અમે બ્રિટિશ સરકારને જ નથી માનતા .' એટલે એવી રીતે ચાલતું ગયું કામકાજ કાર્ય વગર."
"તે દિવસોમાં અમારું ગામ સાવ એકલાવાયું હતું. ગિરફ્તારી અને ધરપકડના કારણે થોડા દિવસ સુધી કોંગ્રેસ કાર્યકર્તા પણ અહીંયાં આવી શક્યા નહોતા. અને એટલે બહારની દુનિયામાં શું થઇ રહ્યું છે તેની અમને જાણ ન હતી. ઓગસ્ટ ૧૯૪૨માં તો આવું જ હતું." એટલે બહાર શું ચાલી રહ્યું છે તે જાણવા માટે ગામના લોકોએ થોડા માણસોને બહાર મોકલ્યા. આવી રીતે આંદોલનના આ તબક્કાની શરૂઆત થઇ. હું ટુકડી ૨ સાથે હતો."
"અમારા જૂથના પાંચેય લોકો યુવાન હતા. પહેલાં અમે સંબલપુરમાં કોંગ્રેસના ફકીર બેહેરાને ઘરે ગયા. ત્યાં એમણે અમને ફૂલ આપ્યા અને હાથ પર પહેરવાના બેન્ડ, જેના પર લખ્યું હતું 'Do or Die' (કરો અથવા મરો). ત્યાંથી અમે બજાર તરફ કૂચ કરી. અમારી પાછળ ઘણા બધા નિશાળીયાઓ અને બીજા લોકો પણ દોડતા આવ્યા."
"બજાર જઈ અમે (અંગ્રેજો) 'ક્વિટ ઇન્ડિયા’ (ભારત છોડો) ની માંગણી વાંચી. ત્યાં લગભગ 30 સશસ્ત્ર પોલીસવાળા હતા અને જેવી અમે માંગણી વાંચી તેમણે અમારી ધરપકડકરી."
"અહીંયા પણ કંઈ મૂંઝવણ હતી અને તેમણે તરત અમારામાંથી થોડા લોકોને જવા દીધા."
કેમ?
"ભાઈ એમના માટે પણ ૧૧ વર્ષથી નાના બાળકોની ધરપકડ કરીને એમને દોરડે બાંધવા હાસ્યાસ્પદ હતું. અમારામાંથી થોડા, જે કે ૧૨ વર્ષથી નાના હતા, તેમને એમણે છોડી દીધા. પણ ૨ બાળકો હતા, જુગેશ્વર જેના અને ઇન્દ્ર્જીત પ્રધાન, જે જાય જ નહિ. એમને જૂથ સાથે જે રહેવું હતું અને તેમને સમજાવવું પડ્યું કે તમે જાઓ. બાકી બધા લોકોને પોલીસે બારગઢ જેલમાં મોકલ્યા. દિવ્યસુન્દર સાહુ, પ્રભાકર સહુ અને મને ત્યાં ૯ મહિનાની કેદ થઇ."
* * *
૮૦ વર્ષીય મદન ભોઈ એકદમ નિર્મલ અવાજમાં સરસ ગીત ગાય છે. "આ એજ ગીત છે જે અમે ત્યારે ગાયું હતું જ્યારે ગામથી ત્રીજી ટુકડીએ સંબલપુરના કોંગ્રેસ કાર્યાલય તરફ કુચ કરી હતી." દેશદ્રોહના નામે અંગ્રેજોએ તે કાર્યાલય બંધ કરાવ્યું હતું.
ત્રીજી ટુકડીનું ધ્યેય હતું આ બંધ કાર્યાલય ને ખોલાવવું.
"હું બહુ નાની ઉંમરનો હતો જ્યારે મારા માં-બાપ ગુજરી ગયા. જે કાકા કાકી સાથે હું રહેતો હતો તેમને મારી વધારે દરકાર ન હતી. હું જ્યારે કોંગ્રેસની સભામાં જવા લાગ્યો ત્યારે તેમને ફાળ પડી. હું સત્યાગ્રહીઓ સાથે જવા લાગ્યો તો તેમણે મને ઓરડામાં પુરી દીધો. મૈં એવો ઢોંગ કર્યો કે હું પછતાવો કરું છું અને સુધરી ગયો છું. એટલે તેમણે મને ઓરડામાંથી કાઢ્યો. હું ખેતર તરફ ગયો, જેમ કે કામ કરવા જતો હોવું. પાવડો, ટોપલી અને કામનો બીજો સામાન લઇ ને. ખેતર થી હું સીધો બારગઢ સત્યાગ્રહ તરફ ગયો. અમારા ગામથી બીજા ૧૩ માણસો ત્યાં હતા, સંબલપુર તરફ કુછ કરવા માટે તૈયાર. મારી પાસે તો કોઈ પણ જાતનું ખમીસ નહોતું, ખાદી તો દૂરની વાત છે. ૯મી ઓગસ્ટે ગાંધીની ધરપકડ થઇ ગયી હતી, પણ આ ખબર ગામમાં તો ઘણા દિવસ પછી મળી. ત્યારે અમે આ યોજના બનાવી: વિરોધીઓની ૩-૪ ટુકડી સંબલપુર મોકલવાની.”
"પહેલી ટુકડીની ધરપકડ ૨૨ ઓગસ્ટે થઇ હતી. અમારી ૨૩મી ઓગસ્ટે. જે રીતે ચમારું અને તેમના સાથીદારોએ પોલીસની ફજેતી કરી હતી તે પછી પોલીસ અમને ન્યાયાલય લઇ પણ ના ગઈ. અમને તો કોંગ્રેસ કાર્યાલય સુધી પણ પહોંચવા ના દીધા. અમે સીધા જેલ ગયા."
પણીમારાં હવે કુખ્યાત થઇ ગયું હતું. "અમે દૂર દૂર સુધી જાણીતા હતા." ભોઈ ગર્વથી કહે છે. "લોકો અમને 'બદમાશ ગાંવ' (તોફાની ગામ) ના નામે સંબોધતા."
ફોટો: પી સાંઈનાથ
આ લેખ સૌપ્રથમ " ધ હિન્દુ " છાપાનાં રવિવાર સામાયિકમાં ૨૦મી ઓક્ટોબર, ૨૦૦૨માં છપાયો હતો.
આ શ્રેણીના બીજા લેખો અહીં વાંચો:
જ્યારે સલિહાને (બ્રિટિશ) રાજને લલકાર્યું
ગોદાવરી: અને પોલીસ હજી પણ હુમલાની રાહ જુએ છે
શેરપુર: મોટું બલિદાન, ટૂંકી યાદદાસ્ત
સોનખાન: વીર નારાયણ સિંહનું બીજું મૃત્યુ
કલ્લિયાસેરી: 50 વર્ષ પછી પણ લડત ચાલુ છે
અનુવાદ: શ્વેતલ વ્યાસ પારે