તેઓ ૫૦ વર્ષ પહેલા તેમના દ્વારા બનાવાયેલા કોલ્હાપુરના એ મજબૂત બંધના નાનકડા પુલ પર ધગધગતા તાપથી સંપૂર્ણપણે બેફિકર થઈ, શાંતિથી બેઠેલા છે. અને પહેલાં બપોરના ભોજન સમયે અમે એમને ઉઠાવેલા પ્રશ્નોના શાંતિથી જવાબ આપી રહ્યા છે. પૂલ ઉપર તેઓ અમારી સાથે પૂરજોશથી અને ઉત્સાહથી ચાલી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે ૧૯૫૯માં આ બંધ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો હતો.
છ દાયકાઓ પછી પણ, ગણપતિ ઈશ્વર પાટિલ ને હજુ પણ સિંચાઈની સમજ છે, અને ખેડૂતો અને ખેતી વિશે જાણકારી છે. તેમને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસનું જ્ઞાન છે, જેના તેઓ સહભાગી હતા. તેઓ ૧૦૧ વર્ષના છે અને ભારતના અંતિમ જીવિત સ્વાતંત્ર્ય સેનાનીઓ
તેઓ ૧૯૩૦ના દાયકા પછીના તેમના જીવન વિશે ધ્યાન ખેંચે એવા સંકોચ અને વિનમ્રતા સાથે કહે છે, “હું ફક્ત એક સંદેશવાહક હતો. બ્રિટીશ-વિરોધી ગુપ્ત ગતિવિધિઓ માટે એક સંદેશવાહક.” એમાં પ્રતિબંધિત કમ્યુનિસ્ટ આંદોલનકારી સમૂહો, સમાજવાદીઓ – અને કોંગ્રેસ પાર્ટી (૧૯૪૨ના ભારત છોડો આંદોલન આસપાસ)ના નેટવર્ક શામેલ હતા. તેઓ તેમના કામમાં નિપુણ હશે – કેમ કે તેઓ ક્યારેય પકડાયા નહોતા. તેઓ જાણે માફી માગતા હોય એ રીતે કહે છે, “હું ક્યારેય જેલમાં નથી ગયો.” અમને બીજા લોકો પાસેથી જાણવા મળ્યું કે તેમણે તામ્ર-પત્ર (કોતરેલ પ્રશંસાપત્ર) પણ સ્વીકાર્યું નથી કે ન તો ૧૯૭૨ પછી સ્વાતંત્ર્ય સેનાનીઓને આપવામાં આવેલું પેન્શન સ્વીકાર્યું છે.
તેઓ જાણે માફી માંગતા હોય એ રીતે કહે છે, “હું ક્યારેય જેલમાં નથી ગયો.” અમને બીજા લોકો પાસેથી જાણવા મળ્યું કે તેમણે તામ્ર-પત્ર (કોતરેલ પ્રશંસાપત્ર) પણ સ્વીકાર્યું નથી કે ન તો ૧૯૭૨ પછી સ્વાતંત્ર્ય સેનાનીઓને આપવામાં આવેલું પેન્શન સ્વીકાર્યું છે
જ્યારે અમે કોલ્હાપુર જિલ્લાના કાગલ તાલુકાના સિદ્ધનેર્લી ગામમાં એમના દીકરાના ઘેર એમને મળ્યાં ત્યારે અમે એમને સરકાર તરફથી મળેલ તામ્રપત્ર ને પેન્શન ના સ્વીકારવાનું કારણ પૂછ્યું. તેમણે જવાબ આપ્યો, “હું આવું કઈ રીતે કરી શકું? જ્યારે પેટ ભરવા માટે અમારી પાસે જમીન હતી, તો કંઈ માગવાની શી જરૂર?” એ વખતે એમની પાસે ૧૮ એકર (જમીન) હતી. “આ માટે મેં કંઈ માગ્યું નહીં, અને ન તો આવેદન આપ્યું.” તેઓ કેટલાક ડાબેરી સ્વાતંત્ર્ય સેનાનીઓની વાત દોહરાવે છે: “અમે આ દેશની આઝાદી માટે લડ્યા હતા, પેન્શન લેવા માટે નહીં.” અને તેઓ આ વાત પર વારેઘડીએ જોર આપે છે કે તેમનું યોગદાન ખુબજ નાનું હતું. જો કે એ ઉગ્ર અંડરગ્રાઉન્ડ આંદોલનમાં સંદેશવાહકનું કામ જોખમી હતું, ખાસ કરીને યુદ્ધના સમયે જ્યારે સાંસ્થાનિક સરકાર આંદોલનકારીઓને સામાન્ય દિવસોની સરખામણીમાં વધારે ઝડપથી ફાંસી આપતી હતી.
કદાચ એમની મા ને એ જોખમો વિશે જાણકારી નહોતી, આથી એમણે એમના દીકરાનું સંદેશવાહક તરીકેનું કામ સ્વીકારી લીધું હતું, જ્યાં એ કોઈ દેખીતા સામાજિક ભૂમિકામાં નજરે ચઢ્યા નહોતા. તેઓ કાગલના સિદ્ધનેર્લી ગામમાં પોતાના પૈતૃક ઘરમાં આવ્યા એના થોડાક જ સમય પછી એમના મા ને છોડીને એમના પરિવારના બધા સભ્યોને પ્લેગ ભરખી ગયો. ૨૭ મે, ૧૯૧૮ના રોજ, એ જ તાલુકાના કર્નુર ગામમાં પોતાના મોસાળમાં જન્મેલા ગણપતિ કહે છે કે એ વખતે હું ફક્ત “સાડા ચાર મહિનાનો” હતો.
તેઓ પોતાના પરિવારની જમીનના એકલા વારસ બની ગયા – અને એમના મા એ વિચાર્યું –જીવ જોખમમાં મુકાય એવા કોઈપણ કામ માટે તેમને અનુમતિ આપવી જોઈએ નહીં. “જ્યારે મેં [૧૯૪૫ દરમિયાન] જાહેરમાં રેલીનું આયોજન કરાવ્યું, ત્યારે લોકોને મારી રાજનૈતિક ભૂમિકા વિશે જાણ થઇ.” અને તેઓ ૧૯૩૦ના દાયકાના અંતમાં અને ૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં સિદ્ધનેર્લીના ખેતરોમાં આંદોલનકારીઓ સાથે ગુપ્ત બેઠકો યોજતાં હતા. “ઘરમાં ફક્ત મારી મમ્મી અને હું જ હતા – બાકી બધા મોતને ભેટી ગયા હતા – આથી લોકોને અમારાથી સહાનુભૂતિ હતી અને તેઓ મારું ધ્યાન રાખતા હતા.”
તેમના સમયના લાખો અન્ય લોકોની જેમ, આની શરૂઆત ત્યારે થઇ, જ્યારે ૧૨ વર્ષના ગણપતિ પાટિલ તેમનાથી પાંચ ઘણી વધારે ઉંમરના વ્યક્તિને મળ્યા. પાટિલ સિદ્ધનેર્લીથી અત્યારના કર્ણાટકમાં આવેલા નીપાની સુધી ૨૮ કિલોમીટર દૂર પગપાળા ચાલીને મોહનદાસ કરમચંદ ગાંધીનું ભાષણ સાંભળવા માટે ગયા. એનાથી તેમનું જીવન બદલાઈ ગયું. યુવાન ગણપતિ સમારોહના અંતે ગમે તેમ કરીને મંચ સુધી પહોંચી ગયા અને “ફક્ત મહાત્માના શરીરને અડકીને આનંદિત થઇ ગયા.”
જો કે તેઓ કોંગ્રેસ પાર્ટીના સભ્ય, ભારત છોડો આંદોલનની પૂર્વસંધ્યાએ, ૧૯૪૧માં જ બન્યા હતા. સાથે સાથે અન્ય રાજકીય પક્ષો સાથે તેમનું જોડાણ ચાલુ રહ્યું. ૧૯૩૦માં જ્યારે તેઓ નીપાની ગયા હતા, ત્યારથી લઈને તેઓ કોંગ્રેસમાં જોડાયા ત્યાં સુધી, તેમનું મુખ્ય જોડાણ પક્ષના સમાજવાદી જૂથ સાથે હતું. ૧૯૩૭માં તેમણે બેલગામના અપ્પાચીવાડીમાં એક પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લીધો હતો, જેનું આયોજન સમાજવાદી નેતા એસ.એમ. જોશી અને એન.જી. ગોરાયે કર્યું હતું. સતારાની ભાવી પ્રતિ સરકારના નાગનાથ નાયકવાડીએ પણ સભામાં શામેલ લોકોને સંબોધ્યા. અને ગણપતિ સહિત બધા લોકોને હથિયારોનું પ્રશિક્ષણ પણ મળ્યું. (જુઓ “કેપ્ટન મોટા ભાઇ” અને વીજળીવેગી આક્રમક સેના , અને પ્રતિ સરકારનો આખરી જયજયકાર .)
તેઓ કહે છે કે ૧૯૪૨માં “ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના બરતરફ કરેલા નેતાઓ જેવા કે સંતરામ પાટિલ, યશવંત ચૌહાણ [કોંગ્રેસના નેતા વાય.બી. ચૌહાણ નહીં], એસ.કે. લીમયે, ડી.એસ. કુલકર્ણી તથા અન્ય કાર્યકર્તાઓ એ નવજીવન સંગઠનની સ્થાપના કરી.” ગણપતિ પાટિલ તેમની સાથે જોડાઈ ગયા.
એ વખતે, આ નેતાઓએ કોઈ અલગ પક્ષ નહોતો બનાવ્યો, પણ એમણે જે સમૂહ બનાવ્યો હતો તે લાલ નિશાનના નામથી જાણીતો થઇ ગયો. (આ સમૂહ ૧૯૬૫માં એક પક્ષ તરીકે અસ્તિત્વમાં આવ્યો, પણ ૧૯૯૦ના દાયકામાં ફરીથી તેમાં ભંગાણ પડી ગયું.)
ગણપતિ પાટિલ કહે છે કે આઝાદી પહેલાની બધી ઉથલ-પાથલ દરમિયાન પણ તેઓ “તેઓ વિભિન્ન સમૂહો અને સાથીઓ સુધી સંદેશાઓ, દસ્તાવેજ અને સૂચનાઓ પહોંચાડતા હતા.” તેઓ આ ગતિવિધિઓ વિશે ઊંડાણમાં માહિતી આપવાનું ટાળવા કહે છે, આ કોઈ કેન્દ્રીય ભૂમિકા નહોતી. તેમ છતાં, જ્યારે તેમના દીકરાના ઘેર બપોરના ભોજનના સમયે કોઈ કહે છે કે તેમની એક દૂત અને સંદેશવાહક તરીકેની ક્ષમતાની જાણકારી ૧૨ વર્ષની ઉંમરે જ થઇ ગઈ હતી જ્યારે તેઓ ચૂપચાપ ૫૬ કિલોમીટર પગપાળા ચાલીને નીપાની પહોંચીને ત્યાંથી પાછા આવ્યા હતા, આ સાંભળીને વૃદ્ધ સજ્જન હસે છે (પણ એમનો આનંદ પરખાય છે).
ગણપતિ કહે છે, “આઝાદી પછી લાલ નિશાન કિસાન અને મજદૂર પાર્ટી (પેઝન્ટસ એન્ડ વર્કર્સ પાર્ટી -પીડબલ્યુપી) એ સાથે મળીને કામગાર કિસાન પાર્ટી બનાવી.” આ પાર્ટીમાં, પ્રસિધ્ધ નાના પાટિલ અને એમના સાથીઓ ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) માં જોડાતાં જ ભંગાણ પડી ગયું. પીડબલ્યુપીનું પુન:ર્ગઠન થયું અને લાલ નિશાન ફરીથી એકજૂઠ થઇ ગઈ. ૨૦૧૮માં, એલએનપીના જે જૂથ સાથે ગણપતિ સંકળાયેલા હતા, તે સીપીઆઈ સાથે જોડાઈ ગયું.
૧૯૪૭માં આઝાદી મળ્યા પછી, કોલ્હાપુરમાં જમીન સુધારણા સંઘર્ષ જેવા અનેક આંદોલનોમાં પાટિલની ભૂમિકા કેન્દ્રીય હતી. તેઓ પોતે જમીનદાર હોવા છતાંય, તેમણે ખેતમજૂરો સાથે ન્યાયપૂર્ણ વહેવાર માટે લડાઈ લડી અને તેમને સારી દૈનિક મજૂરી અપાવવા માટે બીજા ખેડૂતોને પણ મનાવ્યા. તેમણે સિંચાઈ માટે ‘કોલ્હાપુર-જેવો બંધ’ બનાવવા માટે મહેનત કરી – તેનો પ્રથમ બંધ (જેના ઉપર અમે બેઠા છીએ) હજુ પણ એક ડઝન ગામોના કામમાં આવી રહ્યો છે, અને હજુ પણ સ્થાનિક ખેડૂતોના નિયંત્રણમાં છે.
ગણપતિ કહે છે, “અમે લગભગ ૨૦ ગામોના ખેડૂતો પાસેથી પૈસા એકઠા કરીને સહકારી ધોરણે આ બંધનું નિર્માણ કરાવ્યું.” દૂધગંગા નદી પર સ્થિત પથ્થર અને ચિનાઈ માટીનો આ બંધ ૪,૦૦૦ એકરથી પણ વધારે જમીનને સિંચાઈ પૂરી પાડે છે. પરંતુ, તેઓ ગર્વથી કહે છે, આ કામ કોઈપણ જાતના વિસ્થાપન વગર કરવામાં આવ્યું હતું. આજે, આ બંધ રાજ્ય-સ્તરની મધ્યમ-સિંચાઈ યોજના તરીકે વર્ગીકૃત કરવામાં આવે.
અજીત પાટિલ કહે છે, “આ પ્રકારના બંધ નદીના વહેણની દિશામાં બનાવવામાં આવે છે.” અજીત કોલ્હાપુરના એક ઈજનેર છે અને ગણપતિ યાદવના જૂના સાથી, સ્વર્ગસ્થ સંતરામ પાટિલ (લાલ નિશાન પાર્ટીના સહ-સ્થાપક) ના દીકરા છે. “જમીન ન તો એ વખતે ડૂબી હતી કે ન અત્યારે ડૂબી છે, અને નદીનું વહેણ પણ અયોગ્ય રીતે રોકવામાં નથી આવ્યું. આખા વર્ષ સુધી થતો પાણીનો સંગ્રહ બંધની બંને તરફ જમીનના તળિયામાં પાણીનું સ્તર જાળવી રાખવામાં પણ મદદ કરે છે અને સીધા સિંચાઈ વિસ્તારની બહારના કૂવાઓની સિંચાઈ ક્ષમતામાં પણ વધારો કરે છે. આ પ્રકારનો બંધ ઓછા ખર્ચે બને છે, સમારકામ પણ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવે છે અને તેનાથી પર્યાવરણ અને અહિંની ઇકોલોજીને ના બરાબર નુકસાન પહોંચે છે.”
અને અમે, મે મહિનાની ભયંકર ગરમીમાં પણ આ બંધમાં પાણીનું ઊંચું સ્તર જોઈ રહ્યા છીએ, અને પાણીના વહેણનું નિયંત્રણ કરવા માટે બંધના ‘દરવાજા’ પણ ખુલ્લા છે. બંધમાં રોકી રાખેલા પાણીમાં મત્સ્ય-પાલન પણ સારા પ્રમાણમાં થાય છે.
ગણપતિ પાટિલ ગર્વથી કહે છે, “અમે આ ૧૯૫૯માં બનાવ્યો હતો.” ગણપતિ પાટિલે અમે પૂછ્યું નહીં ત્યાં સુધી, અમને કહ્યું નહીં કે તેઓ જે કેટલાક એકર જમીન ભાડે લઈને તેના ખેતી કરતા હતા તેને બંધ બનવાથી સીધો ફાયદો પહોંચવાનો હતો. ત્યારે તેમણે એ જમીનનો ભાડા-કરાર રદ કરી દીધો અને તે જમીન તેના અનુપસ્થિત માલિકના હવાલે કરી દીધી. તેમના માટે એ જરૂરી હતું કે “હું આ કામ મારા ખાનગી ફાયદા માટે કરતો ન દેખાઉં.” હિતનો સંઘર્ષ દૂર થઇ જવાથી અને આવી પારદર્શિતાથી આ સહકારી કામમાં તેઓ વધુ ખેડૂતોને જોડવામાં સમર્થ થયા. તેમણે બંધ બાંધવા માટે ૧ લાખ રૂપિયા બેંકની લોન લીધી, ૭૫,૦૦૦ રૂપિયામાં આ કામ પૂરું કરી દીધું અને બચેલા ૨૫,૦૦૦ રૂપિયા તરત જ ચૂકવી દીધા. તેમણે નિર્ધારિત ત્રણ વર્ષોમાં બેંકની લોન ચૂકવી દીધી. (આજે, આ પ્રકારના પ્રોજેક્ટ માટે ૩-૪ કરોડ રૂપિયા લાગે, અને આગળ જતા મોંઘવારીના લીધે ખર્ચ વધી જાય, અને અંતે લોનની ચુકવણી ના થાય.)
અમે આ વયસ્ક સ્વાતંત્ર્ય સેનાનીને આખો દિવસ સક્રિય રાખ્યા, અને એ પણ મે મહિનાના બપોરની ગરમીમાં, તેમ છતાં તેઓ થાકેલા નથી લાગતાં. તેઓ અમારી સાથે ચાલીને અને અમારી જિજ્ઞાસા શાંત કરીને ખુશ છે. અંતે, અમે પુલ પરથી ઉતરીને અમારી ગાડીઓ તરફ જઈ રહ્યા છીએ. તેમની પાસે આર્મીની એક વિશેષ જીપ છે – તેમના અથવા તેમના ભાઈના પૌત્ર દ્વારા ભેટ આપવામાં આવેલી. જો કે, હાસ્યાસ્પદ વાત એ છે કે તેના આગળના બમ્પર પર એક અંગ્રેજ ધ્વજ રંગેલો છે અને બોનેટની બંને બાજુએ ‘USA C 928635’ છપાયેલું છે. આ છે જુદીજુદી પેઢીઓ વચ્ચેનો તફાવત.
આ જીપના મુખ્ય માલિકે જો કે જીવનભર અન્ય ધ્વજનું અનુસરણ કર્યું છે. અને હજુ પણ ચાલી રહ્યા છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ