જ્યારે હું ગાંધીનગર અને અળગાપુરી પહોંચ્યો ત્યારે ગામડાઓમાં વ્યાકુળ ભીડ જમા થયેલી હતી. આ બે દલિત (અનુસૂચિત જાતિ) ગામો વચ્ચે માત્ર એક જ રસ્તો છે. ત્યાં પોલીસ કર્મચારીઓ અને વાહનોની ભારે સંખ્યામાં હાજરી હતી. શિવકાશી શહેરમાં કનિષ્ક ફટાકડા કંપનીમાં 14 કામદારોના જીવ ભરખી જનારી આગના અકસ્માતના વિનાશક સમાચારોએ આ સમુદાયને ખૂબ જ બેચન કરી દીધો હતો. છ મૃત્યુ એકલા ગાંધીનગર ગામમાં જ થયાં હતાં અને તે તમામ દલિતોનાં હતાં.
લોકો તેમના પ્રિયજનોના નિધનના લીધે શેરીઓમાં રડી રહ્યા હતા. કેટલાક લોકો ફોન પર વિરુધુનગર જિલ્લાના અન્ય નગરો અને ગામડાઓમાં સંબંધીઓને આ વિષે જાણ કરી રહ્યા હતા.
થોડા સમય પછી ભીડ સ્મશાન તરફ આગળ વધવા લાગી અને હું તેમની સાથે જોડાઈ ગયો. આખું ગામ રસ્તા પર હતું અને ગામના છ કામદારોને વિદાય આપવા માટે સ્મશાન તરફ જઈ રહ્યું હતું. બળી ગયેલા મૃતદેહોને બહાર કાઢવાનો હવાલો સંભાળતા ફાયર ફાઇટર પોસ્ટમોર્ટમ માટે તેમને બહાર કાઢવામાં નડતી મુશ્કેલીઓ વિષે સમજાવી રહ્યા હતા.
રાત્રે લગભગ 8:30 વાગ્યે, છ એમ્બ્યુલન્સ આખરે સ્મશાનગૃહમાં પહોંચી, અને ભીડ પોક મૂકીને રડવા લાગી અને તેમની તરફ દોડી આવી. એક ક્ષણ માટે, તો હું મારું કામ પણ ભૂલી ગયો; હું મારો કેમેરા બહાર કાઢી શક્યો નહીં. રાત્રિના અંધકારમાં, સ્મશાન ચિક્કાર ભરાયેલું હતું, અને અજવાળાની આસપાસ ત્યાં ભેગા થયેલા ગ્રામજનોની જેમ મોટી સંખ્યામાં જીવડાં ઉડતાં હતાં.
મૃતદેહોને બહાર કાઢતાં જ ભીડ પાછી હટી ગઈ - બળી ગયેલા માંસની દુર્ગંધ અસહ્ય હતી. કેટલાકને ઉલટી પણ થઈ હતી. મૃતદેહોની ઓળખ માત્ર એટલા માટે જ શક્ય બની કારણ કે તેમના પર તેમના નામનું લેબલ લગાવેલું હતું. જેમ જેમ ભીડ દૂર જતી ગઈ તેમ તેમ સ્મશાનગૃહ એકલું જ ઊભું રહ્યું.






























