બપોરનો સમય છે અને મહારાષ્ટ્રના ઉલ્હાસનગર તાલુકામાં ઝરમર વરસતો વરસાદ હમણાં જ અટક્યો છે.
એક ઓટો રિક્ષા થાણે જિલ્લાની ઉલ્હાસનગર સેન્ટ્રલ હોસ્પિટલના દરવાજે આવીને ઊભી રહે છે. ડાબા હાથમાં સફેદ-અને-લાલ લાકડી પકડીને જ્ઞાનેશ્વર રિક્ષામાંથી બહાર નીકળે છે. જ્ઞાનેશ્વરના પત્ની અર્ચના તેમના ખભા પર હાથ મૂકીને તેમની પાછળ-પાછળ જાય છે, કાદવવાળા પાણીમાં ચાલતાં અર્ચનાના સ્લીપરને કારણે છાંટા ઊડે છે.
જ્ઞાનેશ્વર તેમના શર્ટના ખિસ્સામાંથી 500 રુપિયાની બે નોટ કાઢીને તેમાંથી એક રિક્ષા ચાલકને આપે છે. રિક્ષા ચાલક થોડું પરચુરણ પાછું આપે છે. જ્ઞાનેશ્વર સિક્કાને અડકે છે. સિક્કો ખિસ્સામાં નાખીને કાળજીપૂર્વક તેને ખિસ્સામાં પડતો અનુભવતા તેઓ કહે છે, "પાંચ રૂપિયા." 33 વર્ષના જ્ઞાનેશ્વર ત્રણ વર્ષના હતા ત્યારે કોર્નિયલ અલ્સરને કારણે તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી હતી.
અંબરનાથ તાલુકાના વાંગણી નગરમાં આવેલા તેમના ઘરથી ઉલ્હાસનગર હોસ્પિટલ 25 કિલોમીટર દૂર છે. આ હોસ્પિટલમાં અર્ચનાના એક વારના ડાયાલિસિસ માટે જવા માટે રિક્ષાની એક-માર્ગી સવારીના જ - આ દંપતીને 480-520 રુપિયા ચૂકવવા પડે છે. જ્ઞાનેશ્વર કહે છે, "[આ વખતે અહીં પહોંચવા માટે] મેં મારા મિત્ર પાસેથી 1000 રુપિયા ઉછીના લીધા છે. [જ્યારે જ્યારે અમે હોસ્પિટલ આવીએ ત્યારે] દર વખતે મારે પૈસા ઉછીના લેવા પડે છે." દંપતી ધીમા પગલે, સાવધાનીપૂર્વક હોસ્પિટલના બીજા માળે આવેલ ડાયાલિસિસ રૂમ તરફ ચાલવાનું શરૂ કરે છે.
અર્ચના આંશિક રીતે અંધ છે. તેમને ક્રોનિક કિડની ડિસીઝ હોવાનું નિદાન મુંબઈની લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલમાં આ વર્ષે મે મહિનામાં થયું હતું. જ્ઞાનેશ્વર કહે છે, "તેની બંને કિડની ફેલ થઈ ગઈ છે (કામ કરતી બંધ થઈ ગઈ છે)." 28 વર્ષની અર્ચનાને અઠવાડિયામાં ત્રણ વખત હિમોડાયાલિસિસની જરૂર પડે છે.
ઉલ્હાસનગર સેન્ટ્રલ હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ (કિડનીના ડોક્ટર) ડૉ. હાર્દિક શાહ કહે છે, “કિડની એ શરીરનું આવશ્યક અંગ છે - એ તમારા શરીરમાંથી કચરો અને શરીરનું વધારાનું પ્રવાહી દૂર કરે છે. કિડની ફેલ થઈ જાય ત્યારે વ્યક્તિને જીવિત રહેવા માટે ડાયાલિસિસ અથવા ટ્રાન્સપ્લાન્ટ (બીજી કિડનીના પ્રત્યારોપણ) ની જરૂર પડે છે." ભારતમાં દર વર્ષે એન્ડ સ્ટેજ રીનલ ડિસીઝ (ઈએસઆરડી - અંતિમ તબક્કાના કિડનીના રોગો) ના લગભગ 2.2 લાખ નવા દર્દીઓ નોંધાય છે, જે 3.4 કરોડ ડાયાલિસિસ પ્રક્રિયાઓની વધારાની માંગ ઉભી કરે છે.









