તેઓ ફક્ત એક જ વસ્તુ વાંચી કે લખી શકે છે, અને તે છે તેમનું નામ. તેઓ દેવનાગરીમાં તેને ગર્વથી લખે છે, સાવચેતી સાથે: ગો-પ-લી. અને પછી તેમના ચહેરા પરથી હાસ્ય ખરી પડે છે, એક ચેપી હાસ્ય.
૩૮ વર્ષીય ગોપલી ગામેતી ચાર બાળકોનાં માતા છે. તેઓ કહે છે કે મહિલાઓ જે કરવાનું ધારી લે, તે કરી જ શકે છે.
ઉદયપુર જિલ્લાના ગોગુંડા બ્લોકમાં કરડા ગામની બહારના ભાગમાં માંડ ૩૦ ઘરોના આ સમૂહમાં, ગોપલીએ તેમના ચારે ચાર બાળકોને ઘેર જ જન્મ આપ્યો હતો, જેમાં ફક્ત સમુદાયની અન્ય મહિલાઓ એ જ મદદ કરી હતી. તેમના ચોથા બાળક, તેમની ત્રીજી પુત્રીને જન્મ આપ્યાના થોડા મહિના પછી તેઓ ટ્યુબલ લિગેશન પ્રક્રિયા કરાવવા માટે પ્રથમ વખત હોસ્પિટલમાં ગયાં હતાં.
તેઓ કહે છે, “અમારો પરિવાર સંપૂર્ણ થઇ ગયો છે તે સ્વીકારવાનો સમય આવી ગયો હતો.” ગોગુંડા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી) ના એક આરોગ્ય કાર્યકરે તેમને “ઓપરેશન” વિષે જણાવ્યું જેનાથી તેઓ આગળ જતા ગર્ભધારણ અટકાવી શકશે. તે માટે કોઈ પૈસા ચુકવવાની જરૂર નહોતી. આ માટે તેમણે ફક્ત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ગ્રામીણ દવાખાનામાં (સીએચસી) જવાનું હતું, જે તેમના ઘરથી ૩૦ કિલોમીટર દૂર આવેલું છે.
તેમણે આ વિષે તેમના ઘેર ઘણીવાર વાત કરી, પણ તેમના પતિએ આ બાબતે કોઈ નોંધ લીધી નહીં. તેમણે મહિનાઓ જતા હિંમત એકઠી કરી અને તેમના સૌથી નાના બાળકને સ્તનપાન કરાવતી વખતે શું તેઓ તેમનો નિર્ણય પોતાની જાતે લઇ શકશે કે કેમ તે અંગે વિચાર્યું.













