મારા પુસ્તકમાં જે આઝાદીના લડવૈયાઓ વિષે મેં લખ્યું છે એમાંનાં સૌથી વયોવૃદ્ધ યોદ્ધાઓમાંના એક એવા તેલુ મહાતોએ પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લાના પીરા ગામમાં પોતાના ઘરમાં ગુરુવારે સાંજે આખરી શ્વાસ લીધા. પુસ્તક પ્રકાશિત થયું એ સમયે જીવતા હતા એ સૌમાંથી વિદાય લેનારા એ પ્રથમ રહ્યા. જો કે હવે વિસરાઈ ગયેલા પણ ઐતિહાસિક એવા, 1942માં પુરુલિયામાં 12 પોલીસ સ્ટેશનો ખાતે થયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનારાઓમાંથી એ એક માત્ર જીવિત હતા. તેલુ મહાતોની ઉંમર 103 થી 105 વર્ષની વચમાં હશે.
એમના ગયાથી હવે આપણે આપણી એ સુવર્ણ પેઢીને જેણે આપણી આઝાદી માટે લડત આદરી અને ભારતને એક સ્વતંત્ર દેશ બનાવ્યો તેને ગુમાવવા તરફ એક ડગલું વધુ આગળ ગયા છીએ. પાંચ થી છ વર્ષમાં આ દેશને આઝાદ કરવા લડ્યો હોય એવો એક પણ માણસ જીવિત નહીં હોય. ભારતની નવી પેઢીઓ ક્યારેય એમને ન જોઈ શકશે, ન સાંભળી શકશે, ન એ આઝાદીના લડવૈયાઓ સાથે વાત કરી શકશે. એમને એ લોકો કોણ હતાં, કેમ લડ્યા હતાં, અને શાને માટે લડ્યા હતાં એની વાત એ સેનાનીઓને મુખેથી સાંભળવા કદી નહીં મળે.
તેલુ મહાતો અને એમનો જીવનપર્યંતનો એ સાથી કોમરેડ લોકખી મહાતો બંને પોતાની વાત કહેવા ખૂબ ઉત્સુક હતા. એમને માટે એ વાત મહત્વની હતી કે નવી અને આવનારી પેઢી જાણે કે તેઓ એમના દેશ માટે લડ્યા હતા અને એમને એ વાતનો ગર્વ હતો. તેલુ હવે પોતાની વાર્તા કહી શકે એમ નથી. એમની પેઢીના બાકી રહેલાં લોકોમાંથી કોઈ પણ આવનારા પાંચ છ વર્ષમાં પોતાની વાર્તા કહી શકે એમ નહિ હોય.
ભવિષ્યની ભારતીય પેઢીને આ તે કેવું નુકસાન. અને આપણી અત્યારની પેઢી જે ખૂબ ઓછું જાણે છે અને આપણા સમયના તેલુઓ પાસેથી, તેમના બલિદાન વિષે, કે પછી કેમ તેમની વાતો આપણી વાતોના ઘડતરમાં આટલી મહત્વની છે એ વિષે કશું જાણવાની ઉત્સુકતા ધરાવતી નથી, તેને પણ નુકસાન તો ક્યાં ઓછું છે.
ખાસ કરીને એવા સમયમાં જયારે ભારતની આઝાદીનો ઇતિહાસ માત્ર ફરી લખવામાં આવી રહ્યો છે એટલું જ નહીં પણ એને આખેઆખો ઊભો કરવામાં, નવેસરથી ખોળવામાં, અને બળજબરીથી લાદવામાં આવી રહ્યો છે. જાહેર ચર્ચાઓમાં, મીડિયાના અગત્યના વિભાગોમાં મળી આવતી માહિતીમાં, અને થોડી ભય લાગે એવી વાત તો એ છે કે, આપણી શાળાના પાઠ્યપુસ્તકોમાં પણ મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યાની આસપાસની મુખ્ય હકીકતોને સતત ભૂંસી નાખવામાં આવી રહી છે.






