પગ નીચે લીલુંછમ ઘાસ, ઉપર ખુલ્લું આકાશ, આજુબાજુ લીલાછમ વૃક્ષો અને જંગલમાંથી વહેતો પાણીનો શાંત પ્રવાહ – આ દૃશ્ય ગ્રામીણ મહારાષ્ટ્રમાં ક્યાંયનું પણ હોઈ શકે છે.

પણ રાહ જુઓ, ગીતા પાસે હજું કંઈક ઉમેરવાનું છે. ઝરણા તરફ ધ્યાન દોરતાં, તેઓ કહે છે: “અમે સ્ત્રીઓ ડાબી બાજુએ જઈએ છીએ, અને પુરુષો જમણી તરફ.” તે વસ્તી (વસાહત) ના રહેવાસીઓને શૌચક્રિયા માટે આ વ્યવસ્થા છે.

40 વર્ષીય ગીતા કહે છે, “અમારે ઘૂંટણડૂબ પાણીમાં બેસવું પડે છે – જ્યારે વરસાદ પડે ત્યારે તો છત્રી લઈને. [મારા] ,માસિકના દિવસો  દરમિયાન તે કેવું હોય છે તે વિષે તો હું વાત જ શું કરું?”

પુણે જિલ્લાના શિરુર તાલુકાના કુરુલી ગામની સીમમાં આવેલી તેમની 50 ઘરોની વસાહતમાં ભીલ અને પારધી પરિવારો વસે છે. મહારાષ્ટ્રમાં અનુસૂચિત જનજાતિ તરીકે વર્ગીકૃત કરાયેલા આ બે સમુદાયો રાજ્યમાં સૌથી ગરીબ અને હાંશિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોમાંના એક છે.

ભીલ સમુદાયનાં ગીતા, ખુલ્લામાં શૌચાલય જવામાં તેમને નડતી અગવડતા વિષે સ્પષ્ટપણે કહે છે, “અમે જ્યાં બેસીએ છીએ ત્યાં ઘાસ પેસી જાય છે, અને મચ્છરો કરડે છે... વળી પાછો સાપના ડંખનો ડર તો હંમેશાં રહે છે.”

વસાહતના રહેવાસીઓને ડગલે ને પગલે પડકારોનો સામનો કરવો પડે છે – ખાસ કરીને સ્ત્રીઓ, જેમને વનમાં જતા રસ્તામાં હુમલો થવાનો ડર સતાવે છે.

The stream where residents of the Bhil and Pardhi vasti near Kuruli village go to relieve themselves.
PHOTO • Jyoti Shinoli
The tree that was planted by Vithabai
PHOTO • Jyoti Shinoli

ડાબે: કુરુલી ગામ પાસે ભીલ અને પારધી વસ્તીના રહેવાસીઓ જ્યાં શૌચક્રિયા માટે જાય છે તે ઝરણું. જમણે: વીઠાબાઈ દ્વારા વાવેલ વૃક્ષ

ભીલ સમુદાયનાં 22 વર્ષીય સ્વાતિ કહે છે, “અમે સવારે ચાર વાગ્યે ટોળામાં જઈએ છીએ, પરંતુ અમે વિચારતાં રહીએ છીએ કે જો કોઈ આવીને [અને હુમલો કરશે] તો શું થશે...”

ગામથી બે કિલોમીટર દૂર આવેલી તેમની વસાહત કુરુલી ગ્રામ પંચાયત હેઠળ આવે છે. પરંતુ આ સ્થાનિક સંસ્થાને અસંખ્ય વિનંતીઓ અને અરજીઓ કરવા છતાં, આ વસાહતમાં હજુ પણ વીજળી, પીવાનું પાણી અને શૌચાલયની સુવિધા નથી. 60 વર્ષીય વિઠાબાઈ કહે છે, “તેઓ [પંચાયતવાળા] ક્યારેય અમારી ચિંતાઓ સાંભળતા નથી.”

આ અલાયદી વસાહતના વંચિત રહેવાસીઓ રાજ્યના અનુસૂચિત જનજાતિના એવા 39% લોકોમાં શામેલ છે જેમની પાસે શૌચાલયની સુવિધા નથી. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ 2019-21 ( એનએફએચએસ–5 ) મુજબ, ગ્રામીણ મહારાષ્ટ્રમાં 23% પરિવારો “કોઈપણ સ્વચ્છતા સુવિધાનો ઉપયોગ કરતા નથી; તેઓ ખુલ્લી જગ્યાઓ અથવા ખેતરોનો ઉપયોગ કરે છે.”

પરંતુ સ્વચ્છ ભારત  મિશને (ગ્રામીણ) વાજતેગાજતે જાહેર કર્યું છે કે , “સ્વચ્છ ભારત મિશને (ગ્રામીણ) 100% ગ્રામીણ સ્વચ્છતા કવરેજનું અશક્ય લાગતું લક્ષ્યાંક હાંસલ કર્યું છે અને પહેલા તબક્કા દરમિયાન (2014-19) સમયબદ્ધ રીતે ભારતને ખુલ્લામાં થતી શૌચ મુક્ત દેશ બનાવ્યો છે.”

કુરુલીની બહારની વસાહતમાં, જ્યાં વીઠાબાઈએ તેમનું મોટાભાગનું જીવન પસાર કર્યું છે, તેઓ અમને એક વૃક્ષ બતાવે છે અને કહે છે, “આ વૃક્ષ મેં વાવ્યું છે. હવે તમે મારી ઉંમરનો અંદાજ લગાવો. અને ગણતરી કરો કે હું કેટલા વર્ષોથી શૌચાલયમાં જવા માટે ત્યાં [વનમાં] જાઉં છું.”

અનુવાદક: ફૈઝ મોહંમદ

Jyoti Shinoli is a Senior Reporter at the People’s Archive of Rural India; she has previously worked with news channels like ‘Mi Marathi’ and ‘Maharashtra1’.

Other stories by Jyoti Shinoli
Editor : Vinutha Mallya

Vinutha Mallya is a journalist and editor. She was formerly Editorial Chief at People's Archive of Rural India.

Other stories by Vinutha Mallya
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad